Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
ન માથે પર શિકન હોતી, ન જબ તેવર બદલતે થેખુદા ભી મુસ્કુરા દેતા થા, જબ હમ પ્યાર કરતે થે

બઝમે-શાયરી-ડૉ. એસ. એસ. રાહીઊર્દૂ ભાષાના સુપ્રસિદ્ધ - શિષ્ટ શાયર, અભિનેતા, નાટયકાર અને ક્રાંતિકારી જનાબ મખ્દૂમ મોહિયુદ્દીનનો જન્મ આંધ્ર પ્રદેશના હૈદરાબાદ નજીકના મેડક તાલુકાના ઇન્દોલ નામના નાનકડા ગામમાં ૪ ફેબ્રુઆરી, ૧૯૦૮ના રોજ થયો હતો. માન્ય-પ્રતિષ્ઠિત વ્યક્તિ એવો ‘મખ્દૂમ’નો અર્થ થાય છે તેમના પિતા ગૌસ મોહિયુદ્દીન મેડક તાલુકામાં મહેસૂલ અધિકારી હતા. મખ્દૂમ માત્ર ૪ વર્ષના હતા ત્યારે તેમણે તેમના પિતાની છત્રછાયા ગુમાવી હતી. મખ્દૂમના માતાએ બીજા નિકાહ પઢી લીધા હોવાથી તેમના કાકાએ મખ્દૂમની ભરણ-પોષણની જવાબદારી સંભાળી હતી. મખ્દૂમનું આરંભનું શિક્ષણ ફુરઆને-શરીફ અને ગુલિસ્તાને બોસ્તાંથી શરૂ થયું હતું. ઇ.સ. ૧૯૨૯માં મેટ્રિક પાસ કરીને ૧૯૩૭માં તેમણે જામિયા ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવી હતી. તેમણે ત્યાં કેટલોક વખત અધ્યાપન કાર્ય કર્યું હતું. આ પછી તેમણે સક્રિય રાજનીતિ અને આંધ્ર પ્રદેશના ખેડૂતો દ્વારા ચલાવાતા તેલંગાના આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે હંમેશાં સમાજથી તરછોડાયેલા, શોષિત અને દલિત વર્ગની સાથે કદમ મિલાવ્યા હતા અને તેઓ માટે લડતા રહ્યા હતા. પરિણામે તેમને અનેકવાર કારાવાસ ભોગવવો પડ્યો હતો.

ઇ.સ.૧૯૩૬માં કવેટામાં ભૂકંપ થયો ત્યારે તેના પીડિતો અને ઘરબાર વિહોણા લોકોને આર્થિક સહાય કરવા માટે તેમણે ‘મુર્શિદ-એ-કામિલ’ નામના નાટકનું દિગ્દર્શન કર્યું હતું. મખ્દૂમે મીર હસનની સાથે બર્નાર્ડ શોના નાટક ‘વિડોવર્સ હાઉસ’નો અનુવાદ ‘હોશ કે નાખૂન’ નામથી કર્યો હતો. આ નાટક ઇ.સ. ૧૯૩૫માં વિશ્ર્વવિખ્યાત બંગાળી કવિ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને ‘બુલબુલે-હિન્દ’ સરોજિની નાયડુની ઉપસ્થિતિમાં ભજવાયું હતું. મખ્દૂમે ટાગોર અને તેમની કવિતા વિશે એક પુસ્તક પણ લખ્યું હતું. મખ્દૂમે સિબ્તે હસનની સાથે હૈદરાબાદમાં ‘અંજુમન-એ-તરક્કી -એ -ઉર્દૂ ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ભારતને આઝાદી મળી ત્યાર પછીના વર્ષોમાં આ શાયર આંધ્ર પ્રદેશની વિધાનસભામાં બે વખત ચૂંટાઇ આવ્યા હતા. તેમણે કેટલોક સમય સી.પી.આઇ.ના પક્ષનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું.

મખ્દૂમની નઝમો અને ગઝલોમાં કોમળ ઉર્મિઓ અને નાજુક ભાવોનું સાહજિક આલેખન થયું છે. તો તેની સમાંતરે તેમની શાયરીમાં જીવનના વિવિધ અનુભવોનું સંક્ષિપ્ત વર્ણન વિશિષ્ટ બાનીમાં વ્યક્ત થયું છે. તેમના દરેક શે’રમાં આ શાયર સૌંદર્યની શોધ કરતો નજરે પડે છે. મખ્દૂમની કવિતાના પુસ્તકોનાં નામ આકર્ષક છે : ‘સુર્ખ સવેરા’ (૧૯૪૪), ‘ગુલેતર’ (૧૯૬૧), અને ‘કુલ્લિયાતે બિસાતે રક્સ’ (૧૯૬૬). ‘ગુલેતર’માં તેમની ‘ચારાગર’,‘આજ કી રાત ન જા’ અને ‘ચાંદ તારો કા બન’ શીર્ષક હેઠળની પ્રખ્યાતિ પામેલી નઝમો વાંચવા મળે છે. ‘ચારાગર’ નઝમ આજે પણ ચાહકોનાં દિલોમાં રાજ કરી રહી છે. કારણ કે તેમાં શાયરે શાશ્ર્વત પ્રેમની હદયસ્પર્શી રજૂઆત કરી છે. પ્રસ્તુત નઝમનો એક ટુકડો માણીએ:

* દો બદન પ્યાર કી આગ મેં જલ ગયે,

એક ચમેલી કે મંડવે તલે.

મસ્જિદોં કે મિનારોં ને દેખા ઉન્હેં,

મંદિરોં કે કિવાડોં ને દેખા ઉન્હેં,

મયકદોં કી દરારોં ને દેખા ઉન્હે

દો બદન પ્યાર કી આગ મેં જલ ગયે.

‘આજ કી રાત ન જા’ શીર્ષક હેઠળની તેમની અન્ય જાણીતી નઝમમાં તેમણે જીવનને વિવિધ દૃષ્ટિકોણથી જોઇને તેના વિશેનું રોચક વર્ણન કર્યું છે તેનો એક બંદ જોઇએ :

* ઝિન્દગી લુત્ફ ભી હૈ, ઝિંદગી આઝાર ભી હૈ,

સાઝો આહંગ ભી, જંઝીર ભી ઝંકાર ભી હૈ,

ઝિન્દગી દીદ ભી હૈ, હસરતે દીદાર ભી હૈ,

ઝહર ભી, આ બે હયાતે લબો રુખસાર ભી હૈ,

ઝિંદગી દાદ ભી હૈ, ઝિંદગી દિલદાર ભી હૈ.

આજ કી રાત ન જા.

તેમની નઝમોમાં પ્રણયનું ઉડ્ડયન અને સમાજના ઉત્થાન માટેની લાગણીઓ વ્યક્ત થતી જોવા મળે છે. મખ્દૂમે આઝાદીએ વતન, ઇન્કિલાબ, સિપાહી અને જંગે આઝાદી જેવાં ગીતો દ્વારા ભારતીય પ્રજાનાં દિલોમાં સ્વતંત્રતા મેળવવા માટેની ભાવના, જોમ, જુસ્સો જાગૃત કર્યો હતો

આ પ્રણયવાદી, માનવતાવાદી અને સામ્યવાદી શાયરનું ૨૫ ઑગસ્ટ ૧૯૬૯ના રોજ હૈદરાબાદમાં અવસાન થયું હતું.

‘મખ્દૂમ’ સાહેબની ગઝલોમાંથી વીણી કાઢેલા તેમના કેટલાક સુંદર શે’રનો હવે આસ્વાદ કરીશું.

* બઝમ સે દૂર વો ગાતા રહા તન્હા તન્હા,

સો ગયા સાઝ પે સર રખ કે સહર સે પહલે.

મહેફિલથી ક્યાંય દૂર એકલો અટૂલો તે ગાતો રહ્યો. આમ સવાર પડી તે પૂર્વે પોતાનું માથું વાજિંત્ર પર ઢાળીને તે સૂઇ ગયો.

* કૌન જાને કે હો ક્યા રંગ-એ-સહર, રંગ-એ-ચમન,

મયકદા રક્સ મેં હૈ પિછલે પહર સે પહલે.

પાછલો પ્રહર થાય તે પૂર્વે મયખાનું નૃત્ય કરી રહ્યું છે. આ સ્થિતિમાં સવારનો રંગ અને ઉપવનનો રંગ કેવોક હશે તે કેવી રીતે કહી શકાશે!

* કહી કિસી ને ન રુદાદે-ઝિંદગી મૈં ને,

ગુઝાર દેને કી શય થી, ગુઝાર દી મૈં ને

મારા જીવનની વાર્તા મેં કોઇને ય કહી નથી. (મારા માટે તો) આ એક ચીજ-વસ્તુ માત્ર હતી. જે વ્યતીત કરવાની હતી તેને તો મેં ગુજારી દીધી. (જીવનને ચીજ-વસ્તુ જેવી ઉપમા તો માત્ર ટેકીલો શાયર જ આપી શકે. )

* ન માથે પર શિકન હોતી, ન જબ તેવર બદલતે થે,

ખુદા ભી મુસ્કુરા દેતા થા, જબ હમ પ્યાર કરતે થે.

અમે જ્યારે (પ્રિયતમાને) પ્રેમ કરતા હતા ત્યારે ન તો અમારા માથા પર કરચલી પડતી હતી કે ન તો અમે નિર્લજ્જ થઇ જતા હતા. પણ એ વખતે આ બધું જોઇને પેલો ખુદા પણ હસી પડતો હતો.

* કોઇ જલતા હી નહીં, કોઇ પિઘલતા હી નહીં,

મોમ બન જાઓ, પિઘલ જાઓ કિ કુછ રાત કટે.

કોઇ બળતું પણ નથી ને વળી કોઇ પીગળતું યે નથી. તમે હવે મીણ થઈને પીગળી જાવ તો બાકીની રાત્રિ પસાર થઇ શકે. (તેના વિના આ રાત્રિ ક્યાંક સ્થગિત થઇ ગઇ હોય તેમ લાગે છે. )

* સુનાતી ફિરતી હૈં આંખેં કહાનિયાં ક્યા ક્યા,

અબ ઔર ક્યા કહેં, કિસ કિસ કો સોગવાર કરેં.

આ આંખો (સૌને) કેવી કેવી વાર્તાઓ સંભળાવી રહી છે! આ બાબતે હું વિશેષ શું કહું? એ વિશે હું કોને કોને દુ:ખી કરું?

* કિસી ખયાલ કી ખુશ્બૂ, કિસી બદન કી મહક,

દરે કફ્સ મેં ખડી હૈ સબા પયામ લિયે.

કોઇ વિચારની સુગંધ અને કોઇ બદનની ફોરમ પિંજરાના દરવાજે ઠંડા પવનનો પૈગામ (સંદેશ) લઇને (વાટ જોતી) ઊભી છે.

* ઊઠો કે ફુરસતે દીવાનગી ગનીમત હૈ,

કફસ કો લે કે ઉડેં, ગુલ કો હમ કિનાર કરે.

માણસના નિરાશ-હતાશ જીવનમાં પ્રેરણાનો દીવો પ્રગટાવતો આ શે’ર તેમાંથી સંભળાતા આશાવાદી સૂરને કારણે દિલકશ બન્યો છે. શાયર કહે છે કે હવે જાગો, ઊઠો અને દીવાનગીની નવરાશની પળોને મૂલ્યવાન સમજી લો. આવો, હવે આ પિંજરાને સાથે લઇને ઊડી જઇએ અને ફૂલને આલિંગન કરી લઇએ.

* ચાંદ ઉતરા કિ ઉતર આયે સિતારે દિલ મેં,

ખ્વાબ મેં હોટોં પે આયા તેરા નામ આહિસ્તા.

‘આહિસ્તા ’ જેવા રદીફ (અનુપ્રાસ)ને બેવડાવીને ભૂતકાળમાં કેટલાક શાયરોએ લખેલી ગઝલોમાં પ્રેમરસના શાયર ‘અમીર’ મીનાઇની જગજીત સિંહે ગાયેલી ગઝલ - ‘સરકતી જાયે હૈ રૂખ સે નકાબ આહિસ્તા, આહિસ્તા’ -લોકપ્રિયતાના ઉત્તુંગ શિખરે પહોંચી છે. મખ્દૂમે પણ ‘આહિસ્તા’ રદીફ પર સુંદર ગઝલનું સર્જન કર્યું છે. પૃથ્વી પર (જેવો) ચાંદ ઉતર્યો કે તરત હદયમાં તારલાઓ પણ ઊતરી આવ્યા. આમ સ્વપ્નમાં ધીમે ધીમે હોઠ પર તારું નામ પણ આવી ગયું.

* ચટક રહી હૈ કિસી યાદ કી કલી દિલ મેં,

નઝર મેં રકસે-બહારાં કી સુબ્હ શામ લિયે.

હદયમાં કોઇની યાદની કળી ખીલી રહી છે. નજરમાં (જાણે) સવાર-સાંજ વસંતઋતુનું નૃત્ય કરીને કોઇ ખીલું ખીલું થઇ રહ્યું છે.

* બજા રહા થા કહીં દૂર કોઇ શહનાઇ,

ઉઠા હૂં આંખો મેં એક ખ્વાબે નાતમામ લિયે.

કોઇ ક્યાંક દૂર શરણાઇ વગાડી રહ્યું છે અને આ સાંભળીને જે (ક્યારેય) પૂરું થવાનું નથી તે સ્વપ્નું આંખોમાં લઇને હું જાગી ગયો છું.

* શમીમ-એ-પૈરહન-એ-પ્યાર ક્યા નિસાર કરેં,

તુઝી સે દિલ સે લગા લેં, તુઝી કો પ્યાર કરેં.

માશૂકાના ગાલ પરનો કાળો તલ જોઇને કોઇ શાયરે તેના પર સમરકંદ-બુખારા ન્યોછાવર કરી દેવાની તૈયારી દર્શાવી હતી. આ શે’ર પણ કંઇક આ જ વાતની મિસાલ આપે છે. પ્રેમિકાના મિલન-ઉત્સવ સમયે હું માત્ર પહેરવાનાં કપડાં નહીં પણ મારી બધી જ ધન-દૌલત, સર્વસ્વ તેના પર ન્યોછાવર કરી દઉં. તને બસ હદયથી લગાવી લઉં અને તને જ પ્રેમ કર્યા કરું !

* હયાત લે કે ચલો, કાયનાત લે કે ચલો,

ચલો તો સારે ઝમાને કો સાથ લે કે ચલો.

જિંદગીના વાંકાચૂંકા રસ્તાઓ પર ચાલીને મંઝિલ હાંસલ કરવી તે વાત કાંઇ નાનીસૂની નથી. આ સચ્ચાઇને ધ્યાનમાં રાખીને શાયરે આ શે’રનું નિર્માણ કર્યું હશે. મખ્દૂમ સાહેબ કહે છે કે જીવનને અને સમસ્ત સંસારને પણ જોડાજોડ સાથે લઇને ચાલો. ચાલો, ચાલો, તમારો સાથ હશે તો આપણે સમસ્ત વિશ્ર્વને સાથે રાખીને આગળ વધીએ.

* આપ કા સાથ, સાથ ફૂલોં કા,

આપ કી બાત, બાત ફૂલોં કી.

કૌન દેતા હૈ જાન ફૂલોં પર,

કૌન કરતા હૈ બાત ફૂલોં કી.

મખ્દૂમની ખૂબ જાણીતી ગઝલમાંથી આ બે શે’ર અહીં ટાંક્યા છે. ‘સાગર’ સરહદીના દિગ્દર્શનમાં તૈયાર થયેલી ફિલ્મ ‘બાઝાર’માં આ આખી ગઝલ તલત અઝીઝ અને લતા મંગેશકરે ગાઇ હતી. તેનું નશીલું સંગીત ખય્યામે આપ્યું હતું.

* આપ કી યાદ આતી રહી રાત ભર,

ચશ્મે-નમ મુસ્કુરાતી રહી રાત ભર.

કોઇ દીવાના ગલિયોં મેં ફિરતા રહા,

કોઇ આવાઝ આતી રહી રાત ભર.

મખ્દૂમની પાંચ શે’રની પ્રચલિત ગઝલનો પ્રથમ અને અંતિમ શે’ર અત્રે મૂક્યો છે. મુઝફ્ફર અલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગમન’ (૧૯૭૮)માં લેવાયેલી આ ગઝલને જાણીતાં ગાયિકા છાયા ગાંગુલીએ તેમનો મખમલી કંઠ આપ્યો હતો. તેનું સંગીત જયદેવે આપ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

lq4A1O7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com