Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
ડિજિટલ ડાકુઓથી બચકે રહેના

કવર સ્ટોરી-દર્શના વિસરીયાસીન-૧:

૨૮વર્ષીય આરવ ઝુનઝુનવાલા પોતાનું પ્રેઝેન્ટેશન પૂરું કરવાની ઉતાવળમાં હતો અને બરાબર એ જ સમયે મોબાઈલ પર સતત પાંચ-છ વખત મેસેજ ટોન સંભળાય છે. વૉટ્સઍપ અને ઈન્સ્ટાગ્રામના યુગમાં કોઈ આટલા એસએમએસ કરે એ અજૂગતું લાગ્યું અને તરત જ મેસેજ ચેક કર્યા અને આરવને આખી ઑફિસ ગોળ ગોળ ફરતી દેખાઈ કારણ કે બે મિનિટ કરતાં ઓછા સમયમાં તેણે કરેલી બે વર્ષની સેવિંગ સફાચટ થઈ ગઈ હતી. જોકે, આ બધા વચ્ચે આરવને એક જ સવાલ સતાવી રહ્યો હતો. એને સમજાતું નહોતું કે ક્રેડિટ કાર્ડ તો તેની પાસે જ હતું તેમ છતાં કઈ રીતે ઉચાપતિયાઓએ તેના ખાતામાંથી બધા જ પૈસા ઉપાડી લીધા???

સીન-૨:

અચાનક બપોરે બે-અઢી વાગ્યે ૬૮ વર્ષીય મંગળા પાટીલનો ફોન વાગે છે અને સામેથી એક મધથી પણ મીઠું બોલતી યુવતીનો અવાજ સંભળાય છે કે ‘મૅમ, હું ફલાણી ફલાણી બૅન્કમાંથી બોલું છું. તમારા ડેબિટ કાર્ડની મર્યાદા પૂરી થવાની છે, કાર્ડને રિન્યુ કરવા માટે તમારે ફોન પર તમારો પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર (પીન) અને કાર્ડ વેરિફિકેશન નંબર (સીવીવી) આપવાનો રહેશે. મંગળાબહેનને થયું કે બૅન્કમાં જઈને ઘૂંટણ દુ:ખાડવા એના કરતાં ફોન પર જ કામ પતી જતું હોય તો શું વાંધો છે, એમ વિચારીને પીન નંબર અને કાર્ડ વૅરિફિકેશન નંબર આપી દીધો અને આંખના પલકારામાં જ મંગળાબહેનનું અકાઉન્ટ પણ સાફ થઈ ગયું.

ત્રીજો કિસ્સો જરા નોખો તરી આવે છે. ઉત્તર ભારતની એક બૅન્કનું પુરાણ છે. એ બૅન્કમાં એક દંપતિ સેવિંગ્સ અકાઉન્ટની સાથે ફિક્સ્ડ ડિપોઝિટ સુધ્ધાં ધરાવતું હતું. બધું મળીને આશરે પચીસેક લાખ રૂપિયાની ક્રેડિટ તેમના નામે બોલતી હતી. અચાનક એક દિવસ તેમને બૅન્ક દ્વારા જાણ કરવામાં આવી કે તેમના નાણાંના ઉપાડ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે અને તેમને માત્ર એક લાખ રૂપિયાનો જ ઉપાડ કરવા દેવામાં આવશે. દંપતિએ લડી લેવાનું નક્કી કર્યું અને મામલો પહોંચ્યો નૅશનલ કમિશન પાસે. કમિશને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ઍન્ડ ક્રેડિટ ગેરંટી કૉર્પોરેશન (ડીઆઈસીજીસી) ઍક્ટ, ૧૯૬૧ હેઠળ બૅન્કની તરફેણ કરીને જણાવ્યું કે દંપતિ પાંચ લાખ રૂપિયા અથવા તેમની લેણી નીકળતી રકમમાંથી જે રકમ નાની હશે એટલા જ પૈસા ઉપાડવા માટે હકદાર છે. હવે આમાં પેલા દંપતિનો કયો વાંકગુનો?

અહીં વાત એકલા મંગળાબહેન કે આરવની નથી. આવા તો કંઈ કેટલાય લોકો હશે કે જે જાણતા-અજાણતાં જ આવી માહિતી ફોન પર આપી દેતાં હશે કે પછી ક્યાંક લખી રાખતા હશે અને છેતરપિંડીનો ભોગ બનતાં હશે. જો મંગળાબહેનને જાણ હોત કે પીન નંબર, ઓટીપી, સીવીવી નંબર કોઈને પણ આપવા ન જોઈએ તો આજે એમના પૈસા એમના અકાઉન્ટમાં એકદમ સુરક્ષિત હોત. પણ તેમ છતાં આની સાથે એક સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે આખરે જો પૈસા બૅંકમાં પણ સલામત નથી તો કૉમનમૅન તેની મૂડી, સેવિંગ્સ ક્યાં રાખે કે જેથી તે કાયમ સુરક્ષિત રહી શકે? જો પૈસા સુરક્ષિત રાખવા હોય તો સૌથી પહેલાં તો મનમાં એક વાત કોતરી રાખો કે કોઈ પણ બૅન્ક આ રીતે પોતાના ઍક્ઝિક્યુટિવ પાસેથી કાર્ડ રિન્યુ કરાવવા માટે ફોન નથી કરતી. બૅન્કમાંથી મોટાભાગે ફોન આવે તો તે લોન ઑફર કરવા માટે, ઈન્ટરેસ્ટ રેટની જાણકારી આપવા કે પછી તેમની વિવિધ સ્કીમ વિશે માહિતી આપવા માટે જ કરવામાં આવતા હોય છે.

અલબત્ત હવે આ ડિજિટલ ચોર એટલા સાવધ થઈ ગયાં છે કે જો ફોન પરની વ્યક્તિને શંકા આવે તો તેઓ ઈન્ટરઍક્ટિવ વોઈસ રિસ્પૉન્સ (આઈવીઆર) સિસ્ટમનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ સંદર્ભમાં માહિતી આપતા સાઈબર લૉના નિષ્ણાતે જણાવ્યું હતું કે ‘આ નવી ટ્રીકને સોશિયલ એન્જિનિયરિંગ કપલ વિથ ટૅક્નોલોજી તરીકે ઓળખવામાં આવે છે. પોતાનો બદઈરાદો પાર પાડવા માટે ઠગ લોકો દ્વારા બૅંકના આઈવીઆરના મૅન્યુઅલ્સ કૉપી કરવામાં આવે છે, જેથી સાંભળનાર વ્યક્તિને વિશ્ર્વાસ થઈ જાય કે આ કૉલ બૅંક તરફથી જ કરવામાં આવ્યો છે અને તે જાળમાં ફસાઈ જાય છે.’ ક્યારેક ફોન કરનારાઓ ખાતેદાર ગભરાઈ જાય એવી વાત પણ કરીને તેમને ફસાવતા હોય છે. આ ઉપરાંત ઓટીપી વગર ખાતામાંથી પૈસા ઉપાડવાનું મુશ્કેલ છે, પણ બૅંક જો કોઈ સાથે ખાતાધારકોના પૅન કાર્ડ, આધાર નંબર મોબાઈલ નંબર જેવી મહત્ત્વની માહિતી શૅયર કરે તો સીમ સ્વૅપની મદદથી ડિજિટલ ચોર ખાતાધારકનો ઓટીપીની ચોરી કરીને પોતાના પ્લાનને સફળ બનાવી શકે છે.

આ બધા વચ્ચે બૅંકના અધિકારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે તેમની સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરી શકાય એમ નથી. તેમની એવી પણ દલીલ છે કે અકાઉન્ટ હોલ્ડરોની જાણકારી કે માહિતી હૅક થઈ શકે એમ નથી. ખાતાધારકોના પૈસા બૅંકમાં એકદમ સુરક્ષિત છે. જો સિસ્ટમ આટલી અનબ્રેકેબલ છે તો પછી ખાતાધારકોના પૈસા ખાતામાંથી આંખના પલકારામાં એક જ ક્લિકમાં કોઈ કઈ રીતે તફડાવી શકે?

રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા આપવામાં આવેલાં આંકડા પર જો વિશ્ર્વાસ કરવામાં આવે તો એપ્રિલ, ૨૦૧૭થી ડિસેમ્બર, ૨૦૧૭ વચ્ચે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઈન્ટરનેટ બૅંકિંગ અને કાર્ડ ક્લોનિંગથી છેતરપિંડી થયાના ૨૩,૮૬૫ કેસ નોંધાયા હતા. આ તો નોંધાયેલા કેસ છે, કદાચ કેટલાય કેસ તો રજિસ્ટર પણ નહીં કરવામાં આવ્યા હોય. એટલું જ નહીં આરબીઆઈ દ્વારા આ પ્રકારના ગુનાઓને રોકવા માટે એક હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઈન પર તમારે મિસ કૉલ આપવાનો અને સામેથી તમને ફોન આવશે અને કઈ રીતે બચી શકાય અને જો તમે છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો કઈ રીતે ગુમાવી દીધેલા પૈસા પાછા મેળવી શકાય જેવી અનેક મહત્ત્વની માહિતી પૂરી પાડવામાં આવે છે. અલબત્ત જો બૅંકની ગફલતને કારણે તમને નુકસાન થયું હોય તો તેની ભરપાઈ બૅંકે જ કરવી પડશે, પણ જો તમે સીવીવી નંબર, ઓટીપી, પીન નંબર કોઈને જણાવી દેવાની ભૂલ કરી હશે અને એને કારણે નુકસાન થયું હશે તો એ નુકસાન તમારે ભોગવવાનું રહેશે. ઉપરાંત બૅંક દ્વારા પણ ગ્રાહકોને દર થોડાક સમયે કોઈ પણ વ્યક્તિ સાથે પીન નંબર, કાર્ડ નંબર, ઓટીપી જેવી માહિતી નહીં શૅયર કરવા માટેના એસએમએસ વારંવાર મોકલવામાં આવે છે.

ખૅર, માત્ર બૅંકને દોષી ઠેરવીને આપણે આપણી જવાબદારીમાંથી છટકી તો ન જ શકીએ. બૅંકની સાથે સાથે આપણે પણ થોડી તકેદારી તો રાખવી જ ઘટે. જો આવો કોઈ પણ ફોન આવે તો તેને એક જ વાક્યમાં જણાવો કે તમે તમારી બ્રાન્ચમાં જઈને એની ચોક્સાઈ કરશો. ત્યાર બાદ જ કોઈ પણ નિર્ણય લેશો અને ફોન કટ કરી દો, કારણ કે જો કોઈ પણ ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને તમારો ફોન હૅક કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હશે તો તે નિષ્ફળ થઈ જશે. જો તમે કોઈ કારણસર તમારી અંગત માહિતી ફોન કરનારી વ્યક્તિને આપી દેશો (બૅન્ક અકાઉન્ટને લગતી કોઇ પણ માહિતી ન આપવી એવી જાણકારી અસંખ્ય વાર બૅન્ક દ્વારા આપવામાં આવતી હોવા છતાં) તો પછી જે થાય એને માટે તમે જ જવાબદાર કહેવાશો.

જો કોઈને તમારા પીન નંબર કે ઓટીપી નંબરની જાણ થઈ જાય તો તાત્કાલિક તમારી બ્રાન્ચને આ બાબતની જાણ કરો અને તમારો કાર્ડ બ્લોક કરાવી દો. આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર છેતરપિંડી થયાના ત્રણ દિવસની અંદર તમારે તમારી બૅંકને આ અંગેની જાણ કરવી જરૂરી છે. તેની સાથે સાથે બૅંક અને નજીકના પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવવી એ ખાતાધારકની જવાબદારી છે અને જો બૅન્ક દ્વારા આપવામાં આવેલા જવાબથી તમને સંતોષ ન થયો હોય તો ક્ધઝ્યુમર કોર્ટમાં પણ આ બાબતની દાદ માગી શકાય છે.

આ બધાનો સાર એટલો જ કે મશીન હોય કે માણસ તમારી કાર્ડ ડિટેઈલ્સ માટે તમારી જાત સિવાય તમે કોઈ પર પણ ભરોસો નહીં કરી શકો.

શું કરવું?

ૄ આવી છેતરપિંડીથી બચવા તમારા પાસવર્ડ, પીન ક્યાંય પણ લખી રાખવાને બદલે મનમાં જ યાદ રાખો.

ૄ ડેબિટ-ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટ સાથે તમે કરેલાં ટ્રાન્ઝેક્શનની રિસીપ્ટ સરખાવી લો, જો કોઈ પણ ગરબડ દેખાય તો તાત્કાલિક બૅન્કનો સંપર્ક કરો.

ૄ તમે વિદેશ ફરવા જઈ રહ્યા છો તો તમારી બૅન્કને આ બાબતની માહિતી આપી દો, જેથી કોઈ પણ ટ્રાન્ઝેકશન થાય તો તેમને આ ટ્રાન્ઝેક્શન તમે નથી કર્યા એની જાણ થાય.

ૄ ક્યાંયથી પણ ખરીદી કરો ત્યારે દુકાનદાર એક કરતાં વધુ કૉપી પ્રિન્ટ કરે તો તાત્કાલિક તેને રોકો અને બધી રીસિપ્ટ તેની પાસેથી લઈ લો.

શું નહીં કરવું?

ૄ તમારા પાસવર્ડ કે પીન નંબર કાર્ડની પાછળ લખવાનું ટાળો.

ૄ પાસવર્ડ કે પીન નંબરમાં તમારી બર્થ ડેટ કે મોબાઈલ નંબર ન રાખો, કારણ કે આવું કરશો તો તમે સરળતાથી છેતરાઈ જશો.

ૄ બધા કાર્ડ અને અકાઉન્ટ્સ માટે એક જ પાસવર્ડ રાખવાનું ટાળો.

ૄ હોટેલમાં કે રેસ્ટોરાંમાં કાર્ડ વેઈટરના હાથમાં આપવાને બદલે કૅશિય૨ પાસે જઈને ભરો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

16J68504
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com