Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ટીવીમાં ચાલી રહ્યું છે સિક્વલપુરાણ

ટેલિવૂડ-કાજલ રામપરિયા‘યેસિક્વલ્સ કા ઝમાના હૈ ભાઇસાહબ ઔર ઇસે દેખકે હી જીના હૈ!’ આ ડાયલૉગ આજના સીકવલના યુગમાં પરફેક્ટ બેસે છે કે નહીં? નિર્માતાઓ વર્ષમાં અસંખ્ય ટીવી ધારાવાહિકો અને ફિલ્મો બનાવતાં હોય છે. તેમાંથી અમુક ટીવી સિરિયલો કે ફિલ્મોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. દર્શકો પસંદ કરે તો નિર્માતાઓના ખિસ્સા પણ ભરાય છે. તેથી મેકર્સ તે જ સિરિયલના બીજા ભાગને પ્રસ્તુત કરવાની કોશિશ કરે છે. જેને આપણે લોકો સીક્વલ કહીએ છીએ.

ફિલ્મોની જેમ ટીવી સિરિયલની પણ સીક્વલ બને છે. અમુક હિટ જાય છે તો અમુક ઊંધા માથે જમીન પર પછડાઇ જાય છે. ‘હમ પાંચ’, ‘કિતની મહોબ્બત હૈ’, ‘સાડ્ડા હક્’, ‘પરવરિશ’, ‘ન બોલે તુમ ના મૈંને કુછ કહા’, ‘દિયા ઔર બાતી હમ’, ‘નાગિન’, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દું’, ‘શશશ...કોઇ હૈ’ અને ‘ફિયર ફાઇલ્સ’ જેવી અમુક હિટ સિરિયલોની સીક્વલ આપણને જોવા મળી હતી, અને હજુ પણ ફિલ્મોની જેમ ટીવીમાં પણ સીક્વલપુરાણ જ ચાલી રહ્યું છે.

નવા અને અનોખા વિષય પ્રસ્તુત કરનારા લેખકો ઓછા થઇ ગયા હોવાને કારણે નિર્માતાઓ સિરિયલોની પણ સીક્વલ લાવતા રહે છે. એમાંથી ગણ્યાગાંઠ્યા શોની સીક્વલો સફળ થાય છે અને અમુક તો ક્યારે આવીને ક્યારે છુમંતર થઇ જાય છે એની દર્શકોને ખબર પણ નથી પડતી.

----------------------------

ઇચ્છાધારી નાગિન સુપરહિટ

સૌથી પહેલા વાત કરીએ એકતા કપૂરની બહુ ચર્ચિત અને લોકપ્રિય સિરિયલ નાગિનની! જ્યારે આ સિરિયલની પહેલી સિઝન આવી હતી ત્યારે દર્શકોએ તેને ખૂબ જ પસંદ કરી હતી. દર્શકો તરફથી ‘નાગિન’ના માધ્યમથી મૌની રૉય, અદા ખાન અને અર્જુન બિજલાની ઘર ઘરમાં પ્રખ્યાત થઇ ગયા હતા. આ સિરિયલ પૂરી થતાં પ્રક્ષકોની ડિમાન્ડથી એક્તા ફરી એકવાર આ જ સ્ટારકાસ્ટ સાથે મેદાનમાં ઊતરી હતી. ઇચ્છાધારી ‘નાગિન’ બીજી સિઝન પણ ધાર્યા કરતાં વધારે સુપરહિટ ગઇ હતી. હવે ‘નાગિન થ્રી’ એટલે કે આ સિરિયલની બીજી સીક્વલને પણ દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

---------------------------

સૂરજની સંધ્યા ફરી ન ફૂટી શકી

આ સિરિયલ દીપિકા સિંહ અને અનસ રાશિદ સ્ટારર ‘દિયા ઔર બાતી હમ’ની સીક્વલ હતી. સૂરજ અને સંધ્યાની આઇપીએસ ઓફિસરની વાર્તા દર્શકોના મનમાં જાણે વસી જ ગઇ. તેની આ વાર્તાને જોઇને ઘણા લોકોને પ્રેરણા મળી હતી કે કોઇ સપનાને તમે દિલથી ચાહો તો તે પૂરા થઇને રહે છે. આ સિરિયલ પૂરી થયા બાદ આ દંપતીની દીકરી કનક કહાનીને ‘તુ સૂરજ મૈં સાંજ પિયાજી’ ધારાવાહિકના માધ્યમથી આગળ વધારે છે, પણ કનક સંધ્યા જેવો જાદુ ફેલાવવામાં નિષ્ફળ રહી હતી અને ટૂંક સમયમાં દર્શકોને આ શો બિલકુલ પસંદ ન આવતાં તેના પર પૂર્ણવિરામ લાગી ગયું હતું.

------------------------------

દર્શકોની ફેવરિટ હતી ‘૨૪’

બૉલીવૂડના જક્કાસ અભિનેતા અનિલ કપૂરે ‘૨૪’ નામની ધારાવાહિકથી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. અમેરિકન ડ્રામા ‘૨૪’ પરથી બનાવવામાં આવેલા અમુક એપિસોડના સસ્પેન્સ અને પોલિટિકલ ડ્રામાને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હોવાથી તેની બીજી બે સિઝનનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આવી જ સસ્પેન્સ થ્રિલર સિરીઝ આશિષ ચૌધરી સ્ટારર ‘દેવ આનંદ’ પણ હિટ જતાં તેની પણ હાલમાં સિરીઝ ચાલી રહી છે.

----------------------------

ફરી એક વાર ઝિંદગીની કસોટી થશે

એકતા કપૂરની સૌથી લોકપ્રિય રહી ચૂકેલી સિરિયલ ‘કસૌટી ઝિંદગી કી’ ફરી એકવાર આવી રહી છે. એકતા કપૂર ફરી એક વાર ધીરે ધીરે તેનું કે ફૅક્ટર લાવી રહી હોય એવું લાગી રહ્યું છે. અલગ સ્ટારકાસ્ટ સાથે આ સિરિયલ કેવી ચાલશે એ જાણવા અને જોવા દર્શકો આતુર થઇ રહ્યા છે. આ ઉપરાંત ખબર તો એમ પણ આવી રહી છે કે એકતા તેની વધુ બે જાણીતી અને સુપરહિટ સિરિયલો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ અને ‘કહાની ઘર ઘર કી’ની પણ સીક્વલ લાવવાની તૈયારીઓ કરી રહી છે. આ વાત કેટલી સાચી છે એ તો હવે સમય જ બતાવશે. ખેર, હાલમાં તો ‘કસોટી ઝિંદગી કી’ની આવી રહેલી સીક્વલની મજા લઇએ.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5n4011
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com