Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
મેહંદી લગા કે રખના, ડોલી સજા કે રખના લેને તુજે ઓ ગોરી, આએંગે તેરે સજના

કરંટ ટોપિક-હેન્રી શાસ્ત્રીલગ્ન. અઢી અક્ષરનો શબ્દ. એક એવો શબ્દ જે જીવન આખાની ભાવનાઓને નવો અને સુંદર અર્થ આપે. પ્રેમ નામના બીજા અઢી અક્ષરની લાગણીની ફલશ્રુતિ તરીકે પણ લગ્નને ઓળખવામાં આવે છે. લગ્ન એ આપણા દેશની સંસ્કૃતિનું એક અનોખું પર્વ છે, ઉજવણીનો પ્રસંગ છે, નવા જીવનની શરૂઆત છે, સાથે રહેવાનું સોગંદનામું છે. જોકે, આપણા દેશમાં લગ્નની ઉજવણીનો અનેરો મહિમા છે. રાય હોય કે રંક, રૂઢિચુસ્ત હોય કે સુધારાવાદી, લગ્નની ઉજવણી બાબતે આ ભિન્ન વર્ગના લોકોની વિચારધારામાં અચાનક સામ્ય ઝળકી ઊઠે છે. ફિલ્મોને સમાજના પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે અને એટલે મેરેજની ભાવનાની માનસિકતા છતી થવી સ્વાભાવિક હોવાથી હિન્દી ફિલ્મોમાં પણ લગ્નો ભપકાદાર હોય છે. વેડિંગ હોય એટલે વીડિયો તો હોય જ અને વિશ્ર્વના એક અત્યંત લાંબા અને ભપકાદાર વેડિંગ તરીકે ૧૯૯૪માં આવેલી સામાજિક ચિત્રપટો બનાવવા માટે જાણીતા રાજશ્રી પિક્ચર્સની ‘હમ આપકે હૈં કૌન’ ટોચનું સ્થાન નિ:શંક ધરાવે છે. છેલ્લાં પચીસ વર્ષનો હિસાબ માંડવા બેસીએ તો માધુરીની ૧૯૯૪ની ફિલ્મથી શરૂ કરીને આ વર્ષે હજી બે મહિના પહેલા આવેલી સોનમ કપૂર ઍન્ડ કંપનીની ‘વીરે દી વેડિંગ’ વાયા ‘બેન્ડ બાજા ઍન્ડ બારાત’ સુધી ફિલ્મોમાં ભારતીય લગ્નોની ભવ્યતા ઝળકતી રહી છે. હીરો ગરીબ હોય અને હીરોઇન શ્રીમંત હોય કે એનું વિપરીત હોય અથવા બેઉ શ્રીમંત હોય અને જ્ઞાતિભેદ લગ્નની આડે આવતો હોય તો પણ ‘શરદી ખાંસી ના મલેરિયા હુઆ, યે ગયા યારો ઇસકો લવેરિયા હુઆ’ની પરિસ્થિતિ યુગલને કોઈ પણ પ્રકારના વિઘ્નને ઓળંગીને શાદીના મંડપ સુધી અવશ્ય દોરી જાય છે. ક્ધયા પધરાવો સાવધાનની ઘોષણા અને સપ્તપદીના ઉચ્ચારણ સાથે વિવાહ સંપન્ન થાય છે અને ઉજવણીનું પર્વ ચરમસીમાએ પહોંચે છે. આવી આ અનોખી રસમ અને હિન્દી ફિલ્મોને નિકટનો નાતો રહ્યો છે.

‘મૈંને પ્યાર કિયા’થી રાજશ્રીના બેનરની કાયાપલટ કરી દેનારા સૂરજ બડજાત્યાએ કૌટુંબિક ભાવનાઓને કેન્દ્રમાં રાખીને એમાં ઝાકઝમાળ ઉમેરી ‘હમ આપકે હૈં કૌન’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ આવી હતી ૧૯૯૪માં અને ત્યારે હજી મધ્યમવર્ગના ખિસ્સા આજે છે એટલા ગરમ નહોતા. એટલે અંગત જીવનના અત્યંત મહત્ત્વના ગણાતા પ્રસંગમાં - લગ્નમાં- દેખાડવામાં આવેલો ભપકો જોવા એ વર્ગ થિયેટર સુધી દોડતો. ફિલ્મોના સ્કોલરો અને અભ્યાસુઓએ આ ફિલ્મ નથી પણ માત્ર વેડિંગ વીડિયો છે એમ કહીને વખોડી કાઢી હતી, પણ દરેક પ્રસંગ માટે ગીત ધરાવતી આ ફિલ્મ જોવા ધાડેધાડું ઊતરી આવ્યું હતું એ હકીકત છે. આ ફિલ્મની ભવ્ય સફળતાથી પ્રેરાયેલા કે અંજાયેલા ભાઈ સૂરજે લગ્નગીત ગાવાનાં ચાલુ રાખ્યાં અને વધુ બે વખત દર્શકોના હાથ પીળા કર્યા. ૧૯૯૯માં આવેલી ‘હમ સાથ સાથ હૈં’માં તો એક નહીં, બે નહીં પણ ત્રણ ત્રણ લગ્નની ઉજવણી કરી, એક પર બે ફ્રીની ઑફરની જેમ. જોકે, આ ચિત્રપટમાં મોટા દીકરાનાં લગ્ન પછી સંયુક્ત પરિવારમાં કેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે એના પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૨૦૦૬માં આવેલી ફિલ્મમાં લગ્નને સૂરજે એટલી ગંભીરતાથી લીધું કે ફિલ્મનું નામ જ ‘વિવાહ’ રાખી દીધું. જોકે, એ સમયે બોલીવૂડ કરવટ બદલી રહ્યું હતું અને રોમેન્સ મોડર્ન બની રહ્યો હતો ત્યારે રાજશ્રીની આ ફિલ્મમાં અસલના સમયની રોમેન્ટિક પરંપરા જોવા મળી. અલબત્ત આ ફિલ્મને અગાઉની બે ફિલ્મોની સરખામણીમાં ઓછી વ્યાવસાયિક સફળતા મળી હતી.

ફિલ્મો અને લગ્નની વાત કરતા હોઈએ ત્યારે ૨૦૦૧માં આવેલી મીરા નાયરની ‘મોન્સૂન વેડિંગ’નો ઉલ્લેખ ખાસ કરવો પડે. ઇંગ્લિશ બાબુ ઔર દેસી મેમના અર્થને રૂઢ અર્થમાં ચરિતાર્થ કરતી આ ફિલ્મમાં કલ્પનાના ઘણાં રંગો છે, પણ શાદીબ્યાહને કેન્દ્રમાં રાખીને જે પણ હિન્દી ફિલ્મો અત્યાર સુધી બની છે એમાં આ ફિલ્મને અત્યંત વિશ્ર્વાસપાત્ર અને પ્રમાણભૂત (ઑથેન્ટિક) માનવામાં આવે છે. અહીં ક્ધયાના પિતાનું સ્ટ્રેસ છે તો વેડિંગ પ્લાનરના નખરા છે, ક્ધયાનું કોઈ સિક્રેટ છે અને એક વડીલના છાનગપતિયા છે અને દુનિયાના ખૂણે ખૂણેથી પ્રસંગ માણવા આવી ચડતા સગા-સંબંધીઓનું ધાડું સુધ્ધાં છે. અને હા, આદિત્ય ચોપરાની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નો ઉલ્લેખ તો કરવો જ પડે. યુરોપમાં અફેર ને ભારતમાં શાદી અને એ પણ પંજાબી વેડિંગ હોય એટલે તો જલસા જ હોય ને.

૨૦૧૦માં આવેલી રણવીર સિંહ અને અનુષ્કા શર્માની ‘બેન્ડ બાજા બારાત’ એક રીતે જુઓ તો બેગાની શાદીમેં અબ્દુલ્લાનું ગોઠવાઈ ગયા જેવો ઘાટ છે. કંગના રનોટની ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં લગ્નની તૈયારીઓ દેખાડવાની સાથે આ બંધનમાં તિરાડ પડતા શું હાલત થાય છે એ સુધ્ધાં દર્શાવવામાં આવ્યું છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને પ્રોડ્યુસ કરેલી ૨૦૧૫ની ‘ડોલી કી ડોલી’ મેરેજ ફિલ્મોમાં અલાયદું સ્થાન ધરાવે છે. પુરુષોને ઉલ્લુ બનાવીને તેમની સંપત્તિ હડપ કરી જવાના ઈરાદા સાથે વારાફરતી લગ્ન કરતી અને ભાગતી ફરતી સોનમ કપૂર ફિલ્મના કેન્દ્રમાં છે. વાર્તામાં છળકપટ છે, પણ લગ્નનો ભપકો અને નાચગાનાનો સોનેરી અવસર માણવાનો મોકો પણ મળે છે. આ મોજમજામાં પતિ અને સાસરિયા સાથે કપટ કરતી દુલ્હન કદાચ વિસારે પડે છે. ગયા વર્ષે આવેલી ‘રનિંગ શાદી’માં તો લગ્ન માટે ભાગી જવાનું ગોઠવી આપતી એજન્સીની વાત કરીને મેરેજમાં અલગ પ્રકારે મજા માણવાની તક દર્શકોને આપવામાં આવી હતી. ૨૦૧૫ની ‘શાનદાર’માં ડેસ્ટિનેશન વેડિંગના આંજણ દર્શકોની આંખોમાં આંજવામાં આવ્યા હતા. આ વર્ષની ‘વીરે દી વેડિંગ’ તેમ જ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં પણ ઢોલ બજને લગાનો એક અલગ અનુભવ ફિલ્મ રસિકોને માણવા મળ્યો.

વાર્તા હોય કે ન હોય, વેડિંગ ફિલ્મો લોકો હોંશે હોંશે જોવા જાય છે એ હકીકત છે. એમાંય ભપકાદાર લગ્નવાળી ફિલ્મ તો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. માણસ જે પોતે નથી કરી શકતો એ બીજું કોઈ કરતું હોય એ જોવામાં એને અનેરો આનંદ આવતો હોય છે. આંખોમાં ઠંડક થતી હોય છે અને હૈયે ટાઢક વળે છે. આ સંગીત સેરેમનીનો દાખલો સમજવા જેવો છે. અગાઉ ગુજરાતીઓના લગ્નમાં સંગીત એટલે સાંજીના ગીત-ફટાણા એવું સમીકરણ હતું. ફિલ્મોમાં સંગીતની રસમ જોયા પછી હવે આજે કોઈ પણ લગ્ન એ રસમ વિના અધૂરા કહેવાય છે. લગ્નની વિધિના દિવસ કરતા સંગીત સંધ્યા માટે વધુ ઉત્સાહ અને વધુ તૈયારી કરવામાં આવે છે. વધુ પૈસા ખર્ચવામાં પણ વાંધો નથી આવતો. આમ સંગીતની રસમ ફિલ્મોની દેન છે એમ કહી શકાય.

આ સંદર્ભમાં ‘ડોલી કી ડોલી’ના દિગ્દર્શક અભિષેક ડોગરાનું માનવું છે કે લગ્નપ્રસંગ ભારતીયજનોના હૃદય સાથે નાતો ધરાવે છે. દરેક વર-ક્ધયામાં યુવક યુવતી પોતાની જાતને જોવા માગે છે અને દરેક ઉજવણીનો એ આનંદ લે છે. એ વેડિંગ સંબંધિત વધુ એક ફિલ્મ બનાવવાની વેતરણમાં છે. ‘વીરે દી વેડિંગ’માં કરીના કપૂર સાથે રોમેન્સ કરનાર અભિનેતા સુમિત વ્યાસની દલીલ છે કે ‘વેડિંગની થીમ હોવાને કારણે ફિલ્મ એક અનોખું આકર્ષણ પેદા કરે છે. શૂટિંગ વખતે પણ સાચે જ લગ્ન થઇ રહ્યા હોય એવો માહોલ ખાડો થઇ જાય છે. લગ્ન વખતે જેમ મહેમાનો અને ઘરના સભ્યો તૈયાર થાય એ જ રીતે સેટ પર પણ તૈયારી થવા લાગે છે. બોલીવૂડ હોય કે હોલીવૂડ લગ્ન એટલે ઉત્સવ એ સમીકરણ સનાતન છે. આ પ્રસંગ પરિવારને વધુ નિકટ લાવે છે એ નિર્વિવાદ સત્ય છે.’

ટ્રેડ એનાલિસ્ટ આમોદ મેહરાનું માનવું છે કે સામાન્યપણે મેઈનસ્ટ્રીમ હિન્દી ફિલ્મો મેરેજ વિના અધૂરી લાગે છે. તેમનું માનવું છે કે ‘વેડિંગ સિનેમાનું એક અત્યંત મહત્ત્વનું પાસું છે. ફેમિલી ડ્રામા અને પંજાબી છાંટવાળા લગ્નમાં થિયેટરમાં બેસીને મહાલવાની મજા કંઈ ઓર જ હોય છે. આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિનું અનેરું દર્શન થાય છે.’ બીજી એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે ફિલ્મોમાં જે રીતે વેડિંગ પ્લાનરોને તૈયારી કરતા દેખાડાય છે એમાંથી દર્શકોને અંગત પ્રસંગ માટે કંઈક જાણકારી ચોક્કસ મળે છે. હનીમૂન માટેના અલાયદા લોકેશન્સની જાણકારી ઘણી વખત ફિલ્મ જોઈને મળતી હોય છે. ઘણી હિન્દી ફિલ્મોમાં લગ્નો લેવાતા આવ્યા છે અને લેવાતા રહેશે કારણ કે લવ રોમેન્સ એ શાશ્ર્વત ભાવના છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0742y0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com