Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
હેતલ બની યશોદા

સ્પર્ધકની કૃતિ-મૃદુલા સ્વાલી

નંદુકાકાના જીવનમાં ચિંતાનાં કાળાં વાદળો ઘેરાયેલાં હતાં. પાછલી અવસ્થામાં દરેક ક્ષણ બોજારૂપ લાગતી હતી. એક જ સવાલ કાનખજૂરાની માફક દિલને કોતરી રહ્યો હતો કે "મારે આ દહાડા જોવાના? મારી લાડકી હેતલના સંસારમાં આગ ફેલાતી જોવાની? એની જિંદગીમાં આનંદની સરવાણી ક્યારે ફૂટશે? મારે નાના બની મારું બાળપણ માણવું છે. દીકરીના સંતાનને રમાડતાં રમાડતાં મારે હંમેશ માટે આંખો મીંચવી છે.

આવા વિચારોથી તેમને રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. મધરાત્રે પાણી પીવા ઊઠેલી હેતલે જોયું અને કાકા પાસે આવીને પૂછ્યું, "પાણી આપું? ઊંઘ નથી આવતી?

"ના બેટા, અમસ્તો જ જાગતો હતો. બપોરે જરા સારી ઊંઘ આવી હતી એટલે અત્યારે... પણ તું સૂઈ જા બેટા.

હેતલ અંદરના ઓરડામાં સૂવા ગઈ.

નંદુકાકાને રાતભર વિચારો આવતા હતા, કેટલાં અરમાન સાથે હેતલને પરણાવી હતી.

આજે દીકરીને સાસરેથી આવ્યાને બે મહિના થઈ ગયા અને આવતાંવેંત જ હેતલે કહ્યું હતું, "કાકા, મારે હવે સાસરે નથી જવું.

"કેમ બેટા? નંદુકાકાને આઘાત સાથે આશ્ર્ચર્ય થયું. "ચેતનકુમાર સાથે કંઈ થયું?

"થયું તો કંઈ જ નથી, પણ મારે સંતાન ના થાય એટલા માટે એમણે ઓપરેશન કરાવી લીધું છે, એવું એમણે મને જણાવ્યું.

"પણ એનું કારણ શું? નંદુકાકાએ રડમસ અવાજે પૂછ્યું.

"કારણ જાણીને તમને પણ એમના માટે ધિક્કાર આવશે. હેતલે રડતાં રડતાં કહ્યું: "લગ્ન પહેલાં એમને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને ડિલિવરીમાં એ છોકરીનું મૃત્યુ થયું પણ

બાળક બચી ગયું અને તે અનાથાશ્રમમાં છે, એવું એમણે મને કહ્યું. એ બાળકને આપણે દત્તક

લઈને ઘરે લાવવાનું છે. કાકા, મારે હવે ત્યાં નથી જવું.

"એવું ન બોલ ઈશ્ર્વર માર્ગ દેખાડશે. નંદુકાકાએ હૈયાધારણ આપી.

"આજે તારી મા જીવતી હોત તો એ તારા દુ:ખને સમજી શકી હોત અને સારી સલાહ પણ આપી હોત. બેટા, તું દુ:ખી ન થા.

આંખો લૂંછી હેતલે કહ્યું, "કાકા મારે નોકરી કરવી છે, હું તમને ભારે પડવા નથી માંગતી.

"આમાં ભારે પડવાની વાત નથી નંદુકાકાનો અવાજ ગદ્ ગદ્ થઈ ગયો.

"હું તો પીળું પાન. આજ ખરું, કાલ ખરું, કાંઈ કહેવાય નહીં પણ તું તો ફૂલ જેવી છો. ફૂલનો બોજો એની ડાળને ક્યારેય હોય?

થોડા દિવસો આવી ચિંતામાં ગયા. બંનેને એકબીજાને દુ:ખ પહોંચાડવાનું ન હતું... વલસાડની હોસ્ટેલમાં નંદુકાકા ઉપરી પદે હતા. ખૂબ જ લાગણીશીલ હોવાથી બાળકો હંમેશાં તેમને વીંટળાઈ વળતાં. હસતા - હસાવતા અને પ્રેમથી બાળકો જોડે વર્તાવ કરતા. જ્યારે ખબર પડે કે કોઈ છોકરાએ મા અથવા બાપ ગુમાવ્યાં છે તો એવા બાળકને પોતાનું સંતાન સમજી હૈયાની હૂંફ આપતા. જ્યારે તેઓ રિટાયર થયા ત્યારે વિદ્યાર્થીઓએ છત્રછાયા ગુમાવી હોય એવું મહેસૂસ કર્યું હતું.

"હેતલ, આજે તારી માની મરણતિથિ છે. તેને ખીરપૂરી બહુ ભાવતાં, આજે તું એ બનાવ અને માના ફોટાને ધરાવીને તું ખાજે.

"તમે નહીં ખાવ? હેતલે ચોંકીને પૂછ્યું. "ના હૈયું ભરાતા કાકાએ કહ્યું, "તારી મા મને અવારનવાર ટોકતી, મોટી ઉંમરે બહુ ગળપણ ખાવું સારું નહીં.

"તો પછી હું ખીરપૂરી બનાવીશ જ નહીં હેતલે કહ્યું. "ના, એ તો તારે બનાવવાની અને ખાવાની જ નંદુકાકાએ અરજભાવ સાથે કહ્યું.

"તો તમારે પણ ખાવાની. હેતલે આદેશના અવાજમાં કહ્યું.

"ભલે નંદુકાકા સંમત થયા. હેતલે સાંજે દિવાબત્તી કરીને આવી ત્યારે કાકાએ કહ્યું. "મારે તને એક વાત કરવી છે, યોગ્ય લાગે તો અમલ કરજે. આ તો કાલે તારી માએ સપનામાં આવી માર્ગ દેખાડ્યો.

"કેવો માર્ગ? હેતલે ઉત્સુકતાથી પ્રશ્ર્ન કર્યો.

"બેટા, ચેતનકુમારના ઓપરેશન પછી તું મા નહીં બની શકે, પણ મા બનવાનો એક રસ્તો છે.

"કેવો રસ્તો? હેતલે આશ્ર્ચર્યજનક પ્રશ્ર્ન કર્યો.

"સમજાવું તને નંદુકાકાએ કહ્યું, અને કહેવા લાગ્યા.

"જે બાળકને દત્તક લેવાનું છે તેણે તેની મા ગુમાવી છે અને આમ પણ આ બાળક ચેતનકુમારનું જ છે બેટા. બાપ-દીકરાને ભેગા કરવા એ સૌથી મોટું સુખ આપવાનું પુણ્ય છે. ભલે તું દેવકી ન બની, પણ યશોદા તો બની શકે ને?

નંદુકાકાએ આશા વ્યક્ત કરી.

* * *

આ વાતને પાંચ વરસ થઈ ગયાં. હેતલ પોતાના સાસરે છે અને દીકરા મોહનને યશોદા બનીને ઉછેરી રહી છે. ક્યારેક નવરાશની પળોમાં હેતલ વિચારે છે, પારકો હવે પોતાનો થઈ ગયો. આ કેવું ઋણાનું બંધન.

-----------------------

આવતી કાલે વાંચો

હું છુંને ડૉ. મનીષા પટેલ (દહિસર)ની વાર્તા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Q05pfY40
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com