Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
નારીવાદે કર્યું છે શું સ્ત્રીઓ માટે?

કેતકી જાનીનારીવાદે કર્યું છે શું સ્ત્રીઓ માટે?

સવાલ: નમસ્તે બેન મારે એ પૂછવું છે કે આટલાં વર્ષોથી આપણે સ્ત્રીઓ હક માટે લડીએ છીએ, પણ આજ સુધી સમાજમાં કેમ સમાન નથી થયા આપણે? કહેવાતો નારીવાદ શું છે? જે હજી સુધી સામાન્ય સ્ત્રી સુધી નથી પહોંચ્યો, તેનું કારણ શું હોઈ શકે? કહેવાય કે સ્ત્રીઓ આજે આગળ વધી પણ તેવી સ્ત્રીઓ કેટલી? આજે પણ સમાજમાં જુઓ. ઘરમાં રોજ માર ખાતી, દહેજ માટે બાળી મુકાતી સ્ત્રીઓ નથી શું? નારીવાદે કર્યું શું નારી માટે?

-----------------------

જવાબ

નમસ્તે બહેન ખરેખર બહુ જ ગહન વિચારણા માંગી લે તેવી ઉલઝન છે તમારી તો, પણ ખેર, આવા વિચારો કરવા જેટલું પગલું પણ સામાન્ય સ્ત્રીઓ નથી ઉઠાવી શકતી. એ દૃષ્ટિએ તમારો આ વિચાર અહીં ઉલઝનરૂપે વ્યક્ત થવો તે પણ તમારો સ્વતંત્ર કરી શકાય તેવો નારીવાદ કહી શકાય કે કેમ? આ વિશે ચોક્કસ વિચારજો.

હકીકતમાં નારીવાદ એ કંઈ કાયદો નથી કે તે લાગુ કરી દેવાય એટલે પત્યું. લાગુ પડતાં જ બધી સ્ત્રીઓ એક માનવની જેમ સ્વીકારાઈ જાય. નારીવાદ તો રાજનૈતિક આંદોલનોમાં એક સામાજિક સિદ્ધાંત છે જે સ્ત્રીઓના વિવિધ કટુ અનુભવોથી જન્મ્યો છે. સ્ત્રીઓને થતાં અનેકવિધ અનુભવો સ્વાભાવિકપણે જ આપણા સમાજમાં વિધવિધ સામાજિક સંબંધોથી જ પ્રેરિત અથવા વિવિધ સામાજિક આંતરક્રિયાઓથી જ મળેલા હોવાથી ઉપરછલ્લી રીતે જ્યારે ‘નારીવાદ’ જેવો શબ્દ આવે ત્યારે મુખ્ય ધ્યાન ‘લૈંગિક અસમાનતા’ અને ‘સ્ત્રીઓના અધિકાર’ જેવા મુદ્દાઓ જ તરત નજર સામે ઝળકી જાય છે. લૈંગિક અસમાનતાના સ્વરૂપ અને કારણોની ચીરફાડ/પૉસ્ટમોર્ટમ કરી તેના પરિણામે ઉદ્ભવેલા લૈંગિક ભેદભાવની રાજનીતિ અને શક્તિ સંતુલનના સિદ્ધાંતો પર થયેલી અસરને શબ્દો/વાચા આપવાનું કામ નારીવાદનો મુખ્ય ઉદ્દેશ હોય છે, તમે બારીકીથી અભ્યાસ કરશો તો અનુભવશો કે સ્ત્રી અધિકાર સંબંધી પ્રચારો હંમેશાં પ્રજનન સંબંધી અધિકાર, ઘરેલું હિંસા, મહત્ત્વ, સમાન વેતન, યૌન ઉત્પીડન જેવા વિવિધ મુદ્દાઓ આગળ કરતાં હોય છે. આમ, નારીવાદની મૂળ ધરી ‘કાયદાથી મળતો એક પણ અધિકાર લિંગને કારણે અસમાન ન હોય’ તે જ કહેવાય. ઘણાં લોકો માને છે કે નારીવાદ તો પાશ્ર્ચાત્ય સંસ્કૃતિની વિભાવના છે પણ એ બહુ આત્યંતિક વાત છે. કાલાંતરે પોતાની ભૌગોલિક સીમામાં રહીને અનેક વિચારવંત્ સ્ત્રીઓએ ભારતભરમાં બીબાંઢાળ અનુસરણને બદલે ઘણાં નવા ફેરફાર કરવા પ્રયત્નો કર્યાં જ છે. સાવિત્રીબાઈ ફૂલે આના માટે એકદમ યોગ્ય ઉદાહરણ તરીકે જોઈ શકાય. જેમણે સ્ત્રી શિક્ષણના દરવાજા ખોલ્યા. સમસ્ત સ્ત્રીજાતિના શિક્ષણના અધિકાર માટે તેમના પ્રયાસ નારીવાદને સાર્થક કરી ગયા તો ફૂલનદેવી જેવી વિદ્રોહી નારી સમાજ સામે સ્ત્રીનો એક જ્વાળા સ્વરૂપ વૈયક્તિક નારીવાદ સાર્થક કરે છે. માત્ર લિંગના આધારે એક સમુદાયને વિશેષ અધિકારો મળી જાય તેને નારીવાદ પડકારે છે. આપણી સામાજિક સંરચનામાં સ્ત્રીઓને વ્યવસ્થિત રીતે નિર્ણય લેવાના મહત્ત્વનાં કામમાં અને સમાનતાની ભાગીદારીથી વંચિત રાખવામાં આવી છે, જેના કારણે આજે આપણે પિતૃસત્તાક પરિવેશમાં છીએ. નારીવાદ આ પુરુષોને માત્ર પુરુષ હોવાને કારણે મળેલા અધિકારોનાં થડ પર કુહાડો મારે છે. નારીવાદ પુરુષોનો વિરોધી નથી. સમાનતાનો આગ્રહી ચોક્કસ છે. સમય પ્રમાણે નારીવાદ પણ અનેક રીતે બળકટ બન્યો છે, તો સામે જે મહાકાય પક્ષ છે તે પણ પોતાને મજબૂત કરે તેવી રાક્ષસી તાકાત સાથે મેદાનમાં છે, માટે જ તો તમે કહો છો તેમ બધી જ સ્ત્રીઓ મુક્ત નથી થઈ હજી. નારીવાદ હકીકતે દરેક ઘરની ચાર દીવાલોમાં હોય તો જ બધી સ્ત્રીઓ મુક્ત થાય. મુઠ્ઠીભર સ્ત્રીઓ પ્રદર્શન / ધરણા / આંદોલન કરી સમાજમાં નારીવાદ કેમ લાવી શકશે? વૈવાહિક જીવનમાં વેઠિયા ગુલામ જેવી દશા ભોગવતી, બાળકો જણવાનું મશીન બનેલી, પુત્રીને જન્મ આપ્યા બદલ શારીરિક-માનસિક ત્રાસ સહન કરનારી, દહેજને કારણે બાળી મૂકનારી, રોજ ઘરમાં મારપીટનો ભોગ બનતી કે નામરજીથી પતિ સાથે જબરદસ્તી સેક્સ કરવા મજબૂર, કામનાં સ્થળે થતું શારીરિક ઉત્પીડન સહન કરતી અને બળાત્કારનો ભોગ બનતી સ્ત્રીઓ સમાજમાં જ્યાં સુધી હશે ત્યાં સુધી નારીવાદની ચિનગારીનું અસ્તિત્વ રહેવાનું જ. બસ એક દિવસ તે ચિનગારી ભડકે તેની રાહ જોવી રહી. બધી જ સ્ત્રીઓની આઝાદી માટે તો ‘બ્રા બર્નિંગ’, ‘ગર્ભપાતનો અધિકાર’, ‘માય બૉડી માય ચૉઈસ’, ‘મીટુ’ જેવી લહેરો નારીવાદના સમુદ્ર પર તરતી રહે છે અને જે મુઠ્ઠીભર સ્ત્રીઓ સમજી જાય તે તરી જાય પણ બાકીની સ્ત્રીઓ પુરુષના આધિપત્યમાં જીવવું સ્વીકારી જૈસે થે જ રહી જાય છે. દરેકના ઘરમાં જઈ નારીવાદ તેમનો હાથ પકડી શકતો નથી. આમ મારી દૃષ્ટિએ તો ‘નારીવાદ’ સ્ત્રીએ પોતાની લગામ પોતાના જ હાથમાં રાખવાની તાકાત છે. ‘નારીવાદ’ના ઘણાં અલગ પ્રકાર છે તેની વિસ્તૃત છણાવટ તો અહીં શક્ય નથી, પણ તમે આ વિશેની માહિતી માટે ગૂગલ ગુરુની મદદ ચોક્કસ લેજો. તમારી જિજ્ઞાસાને ચોક્કસ દિશા મળશે.

--------------------------

લગ્નના બે મહિનેય હજીય પ્રોપર સેક્સનો અભાવ છે

સવાલ: મારી એક ફ્રેન્ડની સમસ્યા છે આ. અમે તમારી જોડે શૅર કરીએ છીએ. મારી ફ્રેન્ડના લગ્ન થયે બે મહિના થયા છે, પણ હજી તેમની વચ્ચે પ્રોપર સેક્સ જ નથી થયો, તે પિયરમાં કહેતા ડરે છે, તો સાસરામાં પણ કોને કહેવું? તેનો વર ધમકી આપે છે કે આ તો બધું સારું થઈ જશે એક દિવસ. તું કોઈને આ કહીશ તો આ ઘરથી પણ બહાર સમજી લેજે. ડૉક્ટર જોડે ચેકઅપની પણ ના પાડે છે, ઉધારી કરીને જે મા-બાપ ધામધૂમથી પરણાવી તેમને પરેશાન કરવા નથી માંગતી. સાસરામાં આર્થિક સ્થિતિ ઘણી સારી છે. તેનો વર પ્રેમ પણ કરે છે ખૂબ. છતાં તે દુ:ખી છે. તે શું કરી શકે?

-------------------------

જવાબ

સૌ પ્રથમ તો એ જ કે તમારી ફ્રેન્ડને સમજ આપો કે આ કેસમાં ચૂપચાપ બેસવાથી બધું કંઈ જ આપોઆપ સારું થઈ જવાનું નથી, તેનો વર પોતાની ઍબ છુપાવવા તેને ખોટું આશ્ર્વાસન આપી રહ્યો છે. પૈસાના જોરે તે તેને વિવિધ વસ્તુ / પ્રલોભનો આપી ક્યાં સુધી શરીરસુખથી દૂર રહેવા રાજી રાખી શકશે? હું એમ નથી કહેતી કે સેક્સ છે તો જ બધું છે, પણ તે જીવનની મૂળભૂત જરૂરિયાતોમાંથી એક છે, એ વાત કેમ નકારી શકાય? જો તેને સાસરાની સધ્ધર સ્થિતિથી જ સંતોષ હોય તો તેણે આ વાત તમને સુધ્ધાં કદાચ ના કરી હોત, અને તમે જ કહ્યું કે તે દુ:ખી છે. વહેલામાં વહેલી તકે તેને કહો કે પતિથી ડર્યા વિના સાસરામાં સાસુને અને પિયારમાં મમ્મીને આ વાત જણાવી દે, એવું બને તો સાસુની સમજાવટથી તેનો વર ડૉક્ટર પાસે જઈ તપાસ કરાવવા તૈયાર થઈ જાય. ક્યારેક આવી સમસ્યા લેશમાત્ર ગંભીર નથી હોતી પણ આપણે ડરના માર્યા કોઠીમાં મોં નાંખીને બેસી રહીએ તેમાં જિંદગી બરબાદ થઈ જાય છે. માત્ર સાસરિયાની સધ્ધર આર્થિક સ્થિતિને સહારે તમારી ફ્રેન્ડ જીવન શાંતિથી નહીં વિતાવી શકે. વિચારો કે આજ નહીં તો છ મહિના કે બે - ચાર વષર્ર્ે બધા તેને બાળક માટે પૂછશે ત્યારે તે શું જવાબ આપશે બધાને? તેના વરને પણ ડર હશે કે તેનું ખરાબ લાગશે. તેમને સમજાવવાની જવાબદારી લઈ શકે તેવા કોઈને આ વાત કરી શકાય. તે તેનો ફ્રેન્ડ પણ હોઈ શકે કે ઘરનું કોઈ પણ હોઈ શકે.

સેક્સ સંબંધિત કોઈપણ સમસ્યાનો ઈલાજ હોય જ છે પણ લોકો તેનાથી ડરીને બેસી રહે તેમાં જ ઈલાજની યોગ્ય ઉંમર પસાર થઈ જાય છે. તેમને વ્યવસ્થિત સેક્સોલોજીસ્ટ અને મનોચિકિત્સકની સારવાર પણ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વસ્તુ માટે સમાજ આજે પણ ખૂબ પછાત વિચારો રાખે છે, પણ તે યોગ્ય નથી જ. માટે જેટલું બને તેટલું જલદી બધાને આ વાત કરી તેનો નિવેડો લાવવો, તે જ તમારી ફ્રેન્ડની જિંદગી માટે હિતાવહ છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

BAd5n7U
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com