Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે

હૈયાને દરબાર-નંદિની ત્રિવેદીમોર બની થનગાટ કરે...ની ગીતકથા અને મેઘાણીને અગાઉની કોલમમાં યાદ કર્યા પછી મન જઈ પહોંચ્યું છે હવે મારા સ્કૂલ જીવન સુધી. મેઘાણીની મોહિનીમાંથી મુક્ત થવું આસાન નથી. મેઘાણીની કેવી ઊંડી અસર શાળાજીવનથી હતી એ પ્રસંગની વાત કરવી છે. અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈ શેઠે એમનાં માતાનાં સ્મરણાર્થે શાળા સ્થાપી, જેનું નામ મોહિનાબા ક્ધયા વિદ્યાલય. અમદાવાદની ચાર-પાંચ અતિ પ્રતિષ્ઠિત સ્કૂલોમાં એનું નામ આવે. સી.એન. વિદ્યાલય અને મોહિનાબામાં ૧૩ વર્ષની ઉંમરે આઠમા ધોરણના એડમિશન માટે અમે ફોર્મ ભર્યાં હતાં જેમાં ઍડમિશન મળ્યાનો પહેલો પત્ર મોહિનાબામાંથી આવ્યો. કવિ સ્નેહરશ્મિ જે સ્કૂલના આચાર્યપદે હતા એ સી.એન. વિદ્યાલયમાં દાખલ થવાનાં ઓરતાં ઘણાં હતાં પણ પહેલો પત્ર મોહિનાબામાંથી આવ્યો એટલે મમ્મી ત્યાં લઇ ગઈ. એ સ્કૂલ વિશે ખાસ જાણકારી નહીં એટલે મોઢું વકાસીને ચૂપચાપ મા સાથે પ્રવેશની ઔપચારિકતા પતાવવા સ્કૂલમાં ગઈ. આ સ્કૂલ આશ્રમ રોડના સાબરમતીના પટ પર હતી એટલી જ માત્ર ખબર. સ્કૂલના મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ કોઈક અજબ પ્રકારની તાજગી ઘેરી વળી. શાળાના મકાન સુધી પહોંચતાં પહેલાં પાંચેક મિનિટનો રસ્તો વટાવવાનો આવે. એ રસ્તાની બન્ને બાજુ આસોપાલવની હારમાળા. ચોગાનમાં આવેલાં ઘટાટોપ વૃક્ષોમાંથી ચળાઈને આવતો મંદ મંદ પવન અને નદીનું મોહક સૌંદર્ય આ સ્કૂલના પહેલી નજરના પ્રેમમાં પડી જવા માટે પૂરતાં હતાં. આ વાત આજે એટલા માટે કરવી છે કે ઘર અને સ્કૂલનું વાતાવરણ સંતાનોને સાહિત્ય-સંગીતમાં રસ લેતાં કરવામાં કેટલાં ઉપયોગી છે. એટલું જ નહીં, આજે ‘ઓગસ્ટ ક્રાંતિ દિન’ છે ત્યારે મેઘાણીનાં એવાં ગીત યાદ કરવાં છે જે સાંભળીને આપણાં રૂંવાડાં ખડાં થઈ જાય. એમાંય સ્કૂલમાં શીખેલા મેઘાણીના એક ગીતે મારામાં સંગીતનાં બીજ રોપ્યાં હતાં એ સંદર્ભે સ્કૂલની વાત કરવી જરૂરી છે.

અમારી શાળાનું મકાન સ્થાપત્યનો અદ્ભુત નમૂનો. આજ દિન સુધી શાળાનું આવું સુંદર મકાન મેં જોયું નથી. મોહિનાબા સ્કૂલમાં મેં પ્રવેશ મેળવી લીધો. આચાર્ય દોલતભાઈ દેસાઈ મુંબઈની ન્યુ એરા સ્કૂલમાંથી આવ્યા હતા એટલે એમણે અમારી આ સ્કૂલમાં ન્યુ એરા મોડલ જ અપનાવ્યું હતું. ચોખ્ખીચણક સ્કૂલ. પગથિયું ચડતાંની સાથે ચપ્પલ કે શૂઝ હાથમાં લઈને સીધા ક્લાસની બાલ્કનીમાં મૂકવાનાં. દરેક વિશાળ ક્લાસરૂમ સાથે બાલ્કની હોય જ. પ્રવેશદ્વારમાં એક તરફ મા સરસ્વતી અને મધ્યમાં મોરનું કાષ્ઠશિલ્પ. એસેમ્બલીમાં દરરોજ સર્વધર્મ પ્રાર્થના થાય. શિક્ષકો પણ કેવા સજ્જ! સંસ્કૃત, ગુજરાતી, હિન્દીનાં શિક્ષકો આદરણીય દોલતભાઈ, ચારૂબહેન વૈદ્ય અને જયશ્રીબહેન મહેતાનો મારી સાહિત્ય-સંગીતરૂચિમાં ઊંડો પ્રભાવ. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અમારાં સાયન્સ ટીચર. ખૂબ કડક છતાં હંમેશાં વિદ્યાર્થિનીઓનાં હિતેચ્છુ. મિનાક્ષીબહેન, દિનેશ આચાર્ય, કુંજબાળાબહેન, ક્રિશ્ર્નાબહેન પણ વિદ્યાર્થીઓમાં ખૂબ રસ લે. નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓ માટે સત્રારંભે જ ટેલન્ટ હન્ટ કોમ્પિટિશન થાય. ફ્રી પિરિયડની અંતાક્ષરી દરમ્યાન ચારૂબહેને મારી કલારૂચિને પારખી લીધી અને ગીતસ્પર્ધા માટે મને ઝવેરચંદ મેઘાણીનું ગીત સૂના સમદરની પાળે...શિખવાડ્યું. શબ્દોના ઉચ્ચાર, કવિતાનો ભાવ એવા સરસ રીતે સમજાવ્યા હતા કે એ ગીત રજૂ કર્યું તો આખા એસેમ્બલી હોલમાં દરેકની આંખ ભીંજાઈ ગઈ હતી. કુંજબાળાબહેન સહિત કેટલાક તો ચોધાર આંસુએ રડ્યા હતા. બેશક, મેઘાણીના હૃદયદ્રાવક ગીતની જ એ કમાલ હતી. દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્ર્વાસ ખેંચી રહ્યો છે. એની પાસે જ એક જીવિત સાથી ઊભો છે, મૃત્યુશૈયા પર સૂતેલો યુવાન છેલ્લો સંદેશ આપે છે :

સૂના સમદરની પાળે

રે આઘા સમદરની પાળે

ઘેરાતી રાતના છેલ્લા શ્ર્વાસ ઘૂંટે છે એક બાળુડો રે

સૂના સમદરની પાળે.

નો’તી એની પાસે કો માડી.

રે નો’તી એની પાસે કો બે’ની:

વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો’તી રે

સૂના સમદરની પાળે.

વેગે એનાં લોહી વ્હેતાં’તાં

રે વેગે એનાં લોહી વ્હેતાં’તાં,

બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઊભો રે

સાથી સમદરની પાળે.

વીરા ! મારો દેશડો દૂરે,

રે વીરા! મારું ગામડું દૂરે,

વા’લીડાં દેશવાસીને સોંપજે, મોંઘી તેગ આ મારી રે

સૂના સમદરની પાળે.

જાહેરમાં ગાયેલું ઝવેરચંદ મેઘાણીનું આ પહેલવહેલું ગીત મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયું. ચારુબહેનના કહેવાથી જ મેં સંગીતની પદ્ધતિસરની તાલીમ શરૂ કરી અને એ પછી તો અનેક ગુરૂઓના આશીર્વાદ વરસતા રહ્યા છે આજ સુધી. ગુરુપૂર્ણિમા તાજેતરમાં જ ઉજવાઈ અને ઑગસ્ટ મહિનો આપણે માટે ત્રણ રીતે અગત્યનો છે. નવમી ઑગસ્ટે ક્રાંતિ દિન છે, પંદરમીએ સ્વાતંત્ર્ય દિવસ અને અઠ્યાવીસ ઑગસ્ટ મહાન લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મદિન. આ બધી જ ઘટનાઓને સાંકળી લઈને આ લેખ આપણા સૌના જીવનમાં જેઓ જે કંઈ પણ આપણને શીખવી ગયા એ તમામ ગુરૂઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સમર્પિત છે. મહાત્મા ગાંધી બીજી ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા તેના એક કલાક પહેલાં જ મેઘાણીએ ‘છેલ્લો કટોરો’ કાવ્ય રચી દોડીને ગાંધીજીને આપ્યું. પાછળથી ગાંધીજીએ વાંચ્યું અને નોંધ્યું કે: આ કવિતા તો મારા મનનાં જ વિચારો છે, તે મારા હૃદયસોંસરવી ઊતરી ગઈ છે. ત્યારબાદ તરત જ ગાંધીજીએ એમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરૂદ આપી દીધું. ગાંધીજીના રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે - ભણેલા અને અભણ - એ બેને સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર. એ બે વચ્ચેની દીવાલ, મેઘાણીની ભાષામાં કહીએ તો :

હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી

મનડાની આખરી ઉમેદ

વર્ગભેદ, જાતિભેદની જે ખોટી દીવાલ ઊભી હતી તે દીવાલ એમને તોડી નાખવી હતી. તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી શી વત્સલતા ભરી...જેવાં ગીતો દ્વારા દેશભરમાં મેઘાણીએ ગાંધીજીના આદર્શોની અખંડિતતા રજૂ કરી છે. મારાં માતા-પિતાને મેં કોઈનો લાડકવાયો એટલે કે રક્ત ટપકતી સો સો ઝોળી તથા પરદેશી ભૂખ્યા ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં જેવાં ગીતો બહુ ગર્વભેર ગાતાં સાંભળ્યાં છે. મુંબઈ સમાચારના વરિષ્ઠ વાચકોએ પણ આ ગીતો ગાયાં જ હશે. દેશભક્તિનો આ જ સમૃદ્ધ વારસો આપણે સંગીત-સાહિત્ય અને નાગરિક ધર્મ દ્વારા આપણાં સંતાનોને આપી જવાનો છે. મહાત્મા ગાંધી કે મેઘાણીની કલમ દરેક યુગમાં પ્રસ્તુત બની શકે એવી અમર છે. સરદાર પટેલે તો મેઘાણીને ભારતની સ્વતંત્રતાના યુદ્ધના એક અગ્રગણ્ય સૈનિક ગણાવ્યા હતા. તેમની વાણીમાં વીરતા હતી અને સરહદના જવાનોની વીરગાથા એ વખતે એમનાં કેટલાંય ગીતોમાં પ્રગટી હતી. યોગાનુયોગે આજે ‘ભારત છોડો’ (ક્વિટ ઈન્ડિયા) અથવા ક્રાંતિ દિન છે. રક્ત ટપકતી સો સો ઝોળીથી વધુ ઉત્તમ કોઈ ગીત આજે હોઈ ન શકે. ખફશિય છફદયક્ષફહ મય કફ ઈજ્ઞતયિં કૃત જજ્ઞળયબજ્ઞમુ’ત ઉફહિશક્ષલ નામના ગીતનું મેઘાણીએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે આ ગીત. મારી રેવનલ ડી લાકોસ્ટે અમેરિકન કવયિત્રી, નર્સ અને ફ્રેન્ચ ટીચર હતાં. ‘સમબડી’ઝ ડાર્લિંગ’ કવિતાથી પ્રખ્યાત એ થયાં હતાં. ૧૮૬૪માં પ્રગટ થયેલું આ હૃદયદ્રાવક કાવ્ય યુદ્ધનો અસલી ચહેરો છે. અમેરિકન આંતરિક વિગ્રહ (સિવિલ વોર) દરમ્યાન લખાયેલા આ કાવ્યને મેઘાણીએ એટલું પોતીકું બનાવીને અનુવાદિત કર્યું છે કે કોઈને અણસાર સુધ્ધાં ન આવે કે રક્ત ટપકતી...ગીત પરભાષાનું છે.

કોઈનો લાડકવાયો ગીતના શબ્દો એટલા તો વીંધી નાખે એવા છે કે વાત નહીં. યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમ જ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે. શહીદો-ક્રાંતિવીરોની દેશસેવા અને સમર્પણને યાદ કરીને નતમસ્તકે એમને વંદન કરી આ ગીત આજે જરૂર ગાજો અથવા સાંભળજો. મેઘાણીના હજુ એક લાજવાબ ગીતની કથા આવતા અંકે.

------------------------------

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,

કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;

ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,

શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;

મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,

શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;

નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;

એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;

કોઇનાં લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,

હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજો;

પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરતાં,

એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;

વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,

એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;

કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,

એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;

લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’

કવિ : ઝવેરચંદ મેઘાણી

--------------------------

ક્વિઝ ટાઈમ

ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ સન્માનના પ્રથમ વિજેતા ઝવેરચંદ મેઘાણી હતા. ૧૯૨૮માં શરૂ થયેલો એ સર્વોચ્ચ પુરસ્કાર (સુવર્ણચંદ્રક) કયા સાહિત્યકારની સ્મૃતિમાં આપવામાં આવે છે

--------------------------

ગયા વખતની ક્વિઝનો જવાબ

કોક સ્ટુડીઓમાં ખૂબ પ્રચલિત થયેલા ગુજરાતી ગીત ‘લાડકી’ના સંગીતકાર સચિન-જિગર છે અને ગાયક કલાકારો કીર્તિદાન ગઢવી, રેખા ભારદ્વાજ અને તનિષ્કા સંઘવી છે. ક્વિઝમાં ‘મુંબઇ સમાચાર’ના ઘણાં વાચકો ઉત્સાહ અને ઉમળકા સાથે સામેલ થયા હતા. પણ ‘મુંબઇ સમાચાર’એ સંપૂર્ણ સાચો જવાબ આપનારી વ્યક્તિનાં નામ જ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું હોવાથી શનિવાર સાંજ સુધી સંપૂર્ણ સાચો જવાબ આપનારા વાચકોનાં નામ આ પ્રમાણે છે. સર્વેને અભિનંદન.

ૄઘનશ્યામ ભરૂચા ૄહંસાબેન ભરૂચાૄરસિક જુઠાણી ૄદીપિકા મહેતા ૄચંદ્રેશ દોશી ૄમાના વ્યાસ ૄજિગ્ના વકીલ ૄઅશોક સંઘવી ૄપુષ્પા ચૌહાણ ૄપરેન શેઠ ૄઅમિત ગુડકા ૄઅલ્પા મહેતા ૄહરીશ જોષી ૄરંજન કારિયા ૄદિલીપ રાવલ ૄયક્ષા નિકુંજ ૄલવંગિકા સાવલા ૄશૈલજા ચંદરીયા ૄમહિમા મહેતા ૄમયંક ત્રિવેદી ૄજયશ્રી ગોરડીયા ૄહિતેશ ગોટેચા ૄજ્યોત્સ્ના શાહ ૄસી. જે. શેઠ ૄરેણુકા ખંડેરીયા ૄસુભાષ છેડા ૄનેહલ દલાલ ૄરોહિત મહેતા ૄહંસા - હર્ષદ ૄપ્રવીણા દેઢીયા ૄઅરુણકુમાર પરીખ ૄજયશ્રી મહેતા ૄકુમુદ શાહ

---------------------------

આપના ઉત્તર શનિવાર સાંજ સુધી અને વફશુફક્ષય.મફબિફબિજ્ઞળબફુતફળફભવફિ.ભજ્ઞળ પર મોકલી આપવા. શનિવાર સાંજ સુધીમાં આવેલા જવાબ જ સ્વીકાર્ય રહેશે. પછીના ગુરુવારે આ જ કોલમમાં સાચા જવાબ આપનારનાં નામ પ્રસિદ્ધ થશે. વાચકોએ જવાબની નીચે પોતાનું સંપૂર્ણ નામ લખવું.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7Qjf1qf
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com