Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
માના તેરી નઝર મેં,તેરા પ્યાર હમ નહીં...

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્યનામ : સુલક્ષણા પંડિત

સ્થળ : મુંબઈ

સમય : ૨૦૧૭

ઉંમર : ૬૨

(ગયા અંકથી ચાલુ)

૧૯૮૫માં મારી જિંદગીમાં એકસાથે એટલું બધું બની ગયું. આ દુનિયા કેટલી વિચિત્ર છે એનો ખ્યાલ અમને સતત આવતો રહ્યો છે. સંજીવ જ્યારે હતા ત્યારે મેં એમની ખૂબ કાળજી લીધી.

અમારા નિકટના મિત્રો અને એમના સેક્રેટરી જમનાદાસે પણ સંજીવકુમારને સમજાવેલા કે એમણે લગ્ન કરી લેવાં જોઈએ... પરંતુ, એમણે કોઈક કારણસર એ લગ્ન ટાળ્યા. એ જ્યારે ચાલી ગયા ત્યારે સહુ મને એ માટે જવાબદાર ઠેરવવા લાગ્યા. એટલી હદ સુધી કે એમના નિકટના મિત્રોએ મને એમની અંતિમયાત્રામાં પણ સહભાગી ન થવા દીધી.

હું તો મારા તરફથી તેમને માટે જે થઈ શકે તે બધું જ કરવા તૈયાર હતી. મને એમના ડૉક્ટરે કહ્યું હતું, "હરિભાઈ જે રીતે જીવે છે એ રીતે હું એમને બે વર્ષ આપી શકીશ. એ જાણવા છતાં હું એમની સાથે લગ્ન કરવા તૈયાર હતી. એમને જ કદાચ હેમા માલિની માટેનો મોહ છૂટી શક્યો નહીં. હું જાણું છું કે ફક્ત હેમાજી જ નહીં, જયશ્રી ટી., નૂતનજી અને બીજી કેટલીયે અભિનેત્રીઓ સંજીવજીને રીઝવવાનો પ્રયત્ન કરતી. એમની સાથે લગ્ન કરવા માટે જાણે હરીફાઈ ચાલી હતી !

સંજીવજીના અંગત મિત્ર અંજુ મહેન્દ્રુ ઘણી વાર એમને સમજાવતા, પરંતુ સંજીવજી શરાબ અને સિગારેટ છોડી શક્યા નહીં, એ એમની સૌથી મોટી નબળાઈ પુરવાર થઈ. હું એક વાર અંજુ મહેન્દ્રુને મળવા પણ ગયેલી. એમની વચ્ચે પ્રગાઢ મિત્રતા હતી એટલે મને લાગતું હતું કે, અંજુજી એમને સમજાવી શકશે.

અંજુજીએ મારી વાત ધ્યાનથી સાંભળીને મને કહેલું, "પ્રેમ બંને તરફ હોવો જોઈએ. તું તારા તરફથી ફનાહ થઈ જા પણ એને રસ જ ન હોય તો શું કરીશ ? અંજુજી ખૂબ મેચ્યોર હતા. રાજેશ ખન્ના સાથે એમના સંબંધો તૂટ્યા પછી એમણે જિંદગીને જે રીતે સ્વીકારી એ અદ્ભુત હતું. એ કેટલાય વર્ષો સુધી રાજેશ ખન્ના સાથે લગભગ પત્નીની જેમ જ રહેતા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સહુ માનતા હતા કે એક દિવસ એ પરણી જશે, પરંતુ અચાનક રાજેશ ખન્નાએ ડિમ્પલજી સાથેના લગ્નની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા.

અંજુજીના અંગત મિત્રો ડરતા ડરતા એમને ઘેર ગયા, એમ વિચારીને કે કદાચ એ દુ:ખી હશે... ડિપ્રેશનમાં હશે અથવા એમને સહારાની જરૂર હશે, પરંતુ અંજુજીએ સાવ નિરાંતે હસીને એમને આવકાર્યા એટલું જ નહીં, એમણે કહ્યું, "શું થયું ? કોઈ મરી ગયું છે ? એણે એનો નિર્ણય કર્યો છે અને એટલો અધિકાર આપણે સૌને આપવો જ પડે.

અંજુજીએ આ વાત મને કહેલી અને એ પછી મેં મારી જાતને સંભાળવાનો બહુ પ્રયત્ન કરેલો. મેં સંજીવજી સાથે સંબંધ પણ ઓછો કરી નાખેલો. એમને ત્યાં જવાનું પણ બંધ કરી દીધેલું, પરંતુ જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે મને લાગ્યું કે, હું એમને બચાવી શકી હોત ! એમને કોઈ એવી સ્ત્રીની જરૂર હતી જે એમને સંભાળે. બરાબર એ જ વખતે હું ભાંગી ચૂકી કે શું ? સંજીવજીના ગયા પછી હું ભયાનક ડિપ્રેશનમાં ધકેલાઈ. મને રોજ આત્મહત્યાના વિચારો આવતા.

વિજયેતા અને મારી બહેન સંધ્યા વારાફરતી મારી પાસે રહેતા, પરંતુ સંધ્યાનું પણ ખૂન થઈ ગયું. અમને આજે પણ ખબર નથી કે કોઈ સંધ્યાને શું કામ મારે ? એના ખૂન માટે એના જ દીકરા રઘુવીરને જવાબદાર ઠેરવવામાં આવ્યો ત્યારે તો હદ થઈ ગઈ. એના પતિ ઈન્દોર હતા... સંધ્યા ઘેર પાછી ન ફરી એ પછી તેર દિવસે એમણે ફરિયાદ લખાવી. સૌને નવાઈ લાગી કે તેર-તેર દિવસ સુધી પત્ની ઘેર ન આવે તો કોઈને ઉચાટ કેમ થયો નહીં! ઘણાં સવાલો હતા પણ અમે કશું પૂછી શક્યા નહીં. સંધ્યાના ગયા પછી જાણે મારા જીવનનો કોઈ હિસ્સો કપાઈ ગયો હોય એવું લાગતું રહ્યું મને.

એટલું ઓછું હોય એમ અમારા પરિવાર પર નવો આઘાત આવીને પડ્યો.

વિજયેતાના છૂટાછેડા થયા પછી એણે જ્યારે આદેશ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે અમે બધા ખુશ હતા કારણ કે આદેશ એક સારા પરિવારનો સરસ છોકરો હતો. એની પાસે સંગીતનું બેકગ્રાઉન્ડ હતું. એ મારી બહેનને ખુશ રાખશે એવી અમને સહુને ખાતરી હતી.

મારી માએ આનંદથી આશીર્વાદ આપ્યા અને મનધીરભાઈએ ક્ધયાદાન કરીને વિજયેતાના લગ્ન કરાવ્યા. એક બહેન તો સુખી છે એમ વિચારીને અમે બધા જ મન મનાવતા હતા, પરંતુ એમનો આનંદ બહુ લાંબો ચાલ્યો નહીં.

આદેશની કારકિર્દી સારી ચાલતી હતી. એણે પોતાનો સ્ટુડિયો કર્યો. એમને બે દીકરાઓ થયા પછી આદેશને કૅન્સર છે એવી ખબર પડી. આદેશનો મોટો ભાઈ પણ કાર એક્સિડેન્ટમાં મૃત્યુ પામ્યો હતો. એના પરિવાર પાસે કોઈ નહોતું !

આદેશને કૅન્સર થયું એ પછી અમે બધાએ એની સારવારમાં કોઈ ક્સર છોડી નહીં, પરંતુ એને જ્યારે ખબર પડી ત્યારે જ મોડું થઈ ગયું હતું. એને બચાવવાનો બધો જ પૂરતો પ્રયત્ન કર્યા છતાં અમે આદેશને બચાવી ન શક્યા. કૅન્સર દરમિયાન આદેશના મિત્રો વિજયેતાની પડખે ઊભા રહ્યા. રેમો ડિસોઝાએ શૉ માટે લીધેલા દસ લાખ રૂપિયા પાછા આપ્યા, શાને ત્રણ લાખ રૂપિયા પાછા આપ્યા.

અમિતાભ બચ્ચને હૉસ્પિટલના બિલમાં પૈસા ઓછા કરાવી આપ્યા. બીજા મિત્રો જેમણે આદેશ સાથેના ફાઈનાન્શિયલ સેટલમેન્ટ બાકી હતા એ બધાએ પોતપોતાની તરફથી સેટલમેન્ટ કરીને પૈસા મોકલવાની ભલમનસાઈ દેખાડી, પરંતુ સૌથી ખરાબ વાત એ છે કે આદેશે જેની સાથે સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ, મોતી સાગરે (રામાનંદ સાગર પરિવાર) પૈસા પાછા આપવાની ના પાડી દીધી.

પોતાના સ્ટુડિયોની આવકના સારા એવા પૈસા આદેશે આ જમીનમાં રોક્યા હતા. એ લોકો એક મોટો શૂટિંગ અને ડબિંગનો સ્ટુડિયો ઊભો કરવા માગતા હતા. આદેશજીને કૅન્સર થયું એવી ખબર પડી કે તરત જ મોતી સાગરે સ્ટુડિયોનું કામ ઢીલમાં પાડી દીધું.

આદેશજી પોતાની જિંદગીના છેલ્લા શ્ર્વાસ ગણી રહ્યા હતા ત્યારે વિજયેતાનો દીકરો અવિતેશ એમને મળવા ગયો હતો. એમણે ગલ્લાંતલ્લાં કરીને દસ કરોડની પ્રોપર્ટીમાંથી કશું જ આપવાની ના પાડી દીધી. એમણે કહ્યું કે, જમીન વેચાશે તો જરૂર ભાગ પાડીશું. હવે જમીન વેચાતી નથી એમ કહીને પૈસા આપવામાં ઢીલ કરે છે.

વિજયેતાના માથેે અમારા આખા પરિવારની જવાબદારી છે. જોકે, એ છોકરી હિંમતથી આ બધું કરી રહી છે. એના બંને દીકરાઓ અવિનાશ અને અવિતેશ હવે મોટા થયા છે. માની તકલીફ અને સંઘર્ષ સમજે છે. એમણે અમિત મહેતા નામના લૉયર થ્રુ મોતી સાગરને નોટિસ મોકલાવી છે, પરંતુ એ વિશે પણ કશું થઈ રહ્યું નથી એવું અમને સમજાય છે. એમના પાર્ટનર રાજેશ પટેલ પણ હવે દાદ દેતા નથી.

આદેશનું મૃત્યુ અમારા પરિવારને મળેલો સૌથી મોટો આંચકો હતો... એ અમારા પરિવારનો જમાઈ નહીં, દીકરો હતો. આદેશના ગયા પછી અમારો પરિવાર જાણે વિખરાઈ ગયો છે. અમિતજી પોતાનું બધું ડબિંગ આદેશજીના સ્ટુડિયોમાં કરીને પરિવારને મદદ કરે છે. એવા બીજા ઘણાં કલાકારો છે જે આદેશ શ્રીવાસ્તવના સ્ટુડિયોમાં કામ કરવાનો આગ્રહ રાખે છે જેથી પરિવારને આવક થાય...

છૂટા પડ્યા પછી જતિન અને લલિત બંનેની કારકિર્દી ગૂંચવાઈ ગઈ છે. એમની બેલડીએ ઘણું સારું સંગીત આપ્યું, પરંતુ હવે છૂટા પડ્યા પછી એમનું પણ કામ એટલું સારું ચાલતું નથી. મારા ભાઈ મનધીરજી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો કરે છે કે પછી નાની મોટી ફિલ્મોમાં સંગીત આપે છે. હું કશું કમાઈ શક્તી નથી. સંધ્યાના સાસરાના પરિવારે અમારી સાથે સંબંધ તોડી નાખ્યો છે...

સૌથી નાની વિજયેતાના માથે જ બધી જવાબદારી આવી ગઈ છે. મને ઘણી વાર ગિલ્ટ થાય છે કે મારે કામ કરવું જોઈએ, પરંતુ પ્લેબેક સિંગિંગનું કામ હવે મળતું નથી.

અભિનેત્રી તરીકે કામ કરી શકું એવો દેખાવ કે ઉંમર રહ્યા નથી... એક-બે ટીવી સીરિયલની ઓફર હતી, પરંતુ શૂટિંગ શરૂ થતા પહેલાં જ અમારે ડિસ્પ્યુટ થઈ ગયો એટલે પ્રોજેક્ટ પડી ભાંગ્યો. ડિપ્રેશનના સ્ટેજમાં મેં ગાયેલું ગીત "સાત સમુંદર પાર મેં તેરે... ખૂબ જ લોકપ્રિય થયું, ફિલ્મફેર માટે નોમિનેટ પણ થયું.

હું જાણું છું કે હું બહુ ટેલેન્ટેડ છું, પરંતુ આ પ્રેમના ગમમાં મેં મારી જાતને એટલી ખુવાર કરી નાખી છે કે હવે વિખરાઈ ગયેલી જાતને સમેટીને ઊભા થવાનું શક્ય લાગતું નથી.

એ-સંજીવજી તો ચાલી ગયા. હવે હું એમની પાસે જઈ શકું એ દિવસની રાહ જોઉં છું. કહેવાય છે કે, જોડીઓ સ્વર્ગમાં બનતી હોય છે... અમારી જોડી કદાચ સ્વર્ગમાં પહોંચીને બને તો નવાઈ નહીં!

(સમાપ્ત) ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

VL00R41
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com