Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
પ્રણય કોઈ જાતના માલિકીહક વિના પણ થઈ શકે

ઘટના અને -અર્થઘટન-સોનલ શુક્લઆતુમ મુઝે ન ચાહો તો કોઇ બાત નહીં

તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી

- સાહિર લુધિયાનવી

ગીત લખાયું તો છે એક ફિલ્મના એક દૃશ્ય માટે જ્યાં હીરોઇન નૂતન ખલનાયક પ્રાણની બાજુમાં બેઠેલી છે અને હીરો રાજ કપૂર ગાય છે, કાંઇક ગેરસમજ થઇ હશે કે માબાપે દબાણ આણ્યું હશે. ફિલ્મ જોવાની તો હામ નથી ગીત સાંભળેલું હતું એટલે ઇન્ટરનેટ પર શોધીને જોયું. આ પંક્તિઓ હજી થોડા જ સમય અગાઉ આ કટારમાં નોંધેલી. આજે પુનરાવર્તન કરવું પડે છે, કારણ કે એની એ ઘટનાઓ બનતી રહે છે જ્યાં યુવાન પ્રેમીયુગલમાં છોકરી સંબંધનો અંત આણે છે અને છોકરો પેલીની જિંદગી ‘મુશ્કિલ’ બનાવે છે. આપણે પેલી ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, લેખક કે ગીતકારને પૂછવા ન જઇ શકીએ કે "તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી કોને માટે મુશ્કેલી થવાની હતી ? ભાઇસાહેબ માટે કે પેલી બાઇ માટે ? ગાયન મધુર લાગે છે પણ અહીં જાણે કે ગર્ભિત ઇશારો છે કે બીજા પાસે ગઇ તો ખેર નથી. સાહિર લુધિયાણવીના દિલમાં એવું કદાચ નહીં હોય પણ શબ્દોના તટસ્થ અર્થ હોય છે. સાંભળનાર સાહિરનું દિલ જોવા જતા નથી. લાખો ભારતવાસીઓએ આ ગીત ત્યારે રેડિયોમાં સાંભળ્યું હશે ત્યારે એમને પરવા પણ નહીં હોય કે એ કોણે લખ્યું હશે. મુકેશનો અવાજ અને રાજ કપૂરનો અભિનય જ એમને આકર્ષવા પૂરતો થઇ પડે. આવાં ગીતો મીઠી ગોળીની અંદર અપાયેલું ઝેર છે. પ્રણય, રોમેન્સ, જે હોય તે આવી પઝેસિવનેસ, આવા માલિકીહક વિના પણ થઇ શકે. આ તો જાણે કે પોતે મકાન ખાલી કરી આપ્યું પણ પછી કોઇને એમાં રહેવા નહીં દેવાનું એમ જ ને! અને કોઇ પેલીના દિલમાં રહેશે એવો અણસાર પણ આવે તો એને રહેંસી નાખવાની!!

વીસ વર્ષની પ્રાચી ઝાડે બી.કોમ.ના બીજા વર્ષમાં હતી. થોડા વખત અગાઉ જ એણે એના બોયફ્રેન્ડ જોડે સંબંધ કાપી દીધેલો. એ બોયફ્રેન્ડ આકાશ પવાર વહશી થઇ ગયેલો, ક્રોધમાં ગાંડા જેવા થઇ ગયેલો. પ્રાચીનો પીછો કરતો હતો અને ફોન પર અને બીજી રીતે ધમકીઓ આપતો હતો. આ કિસ્સો તો અખબારોમાં ચર્ચાઇ જ રહ્યો છે. એક સૂચન એમ થયું છે કે સ્ત્રીઓની સલામતી માટે વધુ પોલીસ રાખવી. સ્ત્રીઓની સલામતીની ચિંતા અને એમના હરવા ફરવા ઉપરના નિયંત્રણોનો સીધો સંબંધ છે. સ્ત્રીઓ આવા શિકાર બને છે તો શિકારીઓને રોકતા કેમ કોઇ શીખતું નથી? પિતૃસત્તાક પ્રેમમાં તિરસ્કૃત પ્રેમી પુરુષ જ હિંસક બની શકે એમને કાંઇ કેટલીયે તરછોડાયેલી પ્રેમિકાઓ અને પત્નીઓ આપણી નજર સમક્ષ હોય છે પણ જો સ્ત્રીએ પુરુષને છોડ્યો તો ક્યારેક આવી બને છે, ચૂપચાપ પોતાને રસ્તે ચાલ્યા જાઓને ભાઇ! જે વાત પતી ગઇ તે પતી ગઇ, પણ ના "તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી.

જોવા જેવી વાત એ છે કે જ્યારે ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ/પ્રેયસી સંબંધ તોડે અને એની ઉપર એસિડ છંટાય કે એની હત્યા થાય અને કાંઇ નહીં તો એનો પીછો કરી કરીને પેલીની સતામણી થાય, બદનામી થાય એવા કિસ્સામાં કિશોરી કે યુવતી બોયફ્રેન્ડ કરતાં કોઇક બાબતે ચડિયાતી હોય છે. મોટા ઘરની, ઉપલી જ્ઞાતિની, વધુ દેખાવડી, વધુ હોશિયાર, વધુ ખંતીલી અને મહેનતી કે આવું કાંઇક હોય છે. યૌવનના જોશમાં કે ગમે તે કારણસર એક વાર એ છોકરાની નજીક આવે પછી એને ધીરે ધીરે ખ્યાલ આવે કે અહીં લાંબાગાળાનો સંબંધ શક્ય નથી, આ પ્રણય પરિણય સુધી પહોંચે તેમ નથી. યુવાન અહીં માત્ર ગર્લફ્રેન્ડ ગુમાવતો નથી પણ એ પોતાની માશૂકા છે તે કારણસર એ જે એને સ્ટેટસ લાગતું હતું તે પણ ગુમાવે છે. લઘુતાગ્રંથિથી એ છેડાઇ જાય છે, એને જાણે કે ચિત્તભ્રમ થાય છે, એની અંદર રહેતી હિંસકતા એનો કબજો કરી લે, પ્રણયસંબંધ સ્ત્રી તોડે ત્યારે બધા પુરુષો આમ છંછેડાતા નથી, ઊતરતી કક્ષા હોય કે પોતાને લાગતી હોય તેવા ભાયડાઓનો પ્રકોપ ભયંકર હોય છે. આ કિસ્સામાં પ્રાચી હજી બી.કોમ. ના બીજા વર્ષમાં હતી જ્યારે એનો હત્યારો પ્રેમી ડ્રોપ આઉટ હતો. ભણવાનું પૂરું કર્યા વિનાનો ટપોરી હતો. શું કામ પ્રાચીએ એને નજીક આવવા દીધો એ પૂછવાનો આ સમય નથી. આને કહેવાય વિક્ટિમ બેઇટિંગ એટલે કે જેની પર અન્યાય થયો છે એનો જ વાંક જોવાનો. કારણ ગમે તે હોય. આપણે રોજના જીવનમાં કેટલાંયે પ્રેમી કે પરિણીત કજોડાં જોતાં હોઇએ છીએ, કોણ કોને કયા સમયે ગમે છે એની કોઇ ગણતરી થઇ શકતી નથી. જોવાનો સવાલ સંબંધ તોડનાર સ્ત્રીની પરેશાની અને હત્યાનો છે.

સોશિયલ મીડિયાની ભૂમિકા

અત્યારે સોશિયલ મીડિયાની ઘણી હાયવોય ચાલી રહી છે. એ વિશે ઘણા તર્ક કરીને, કિસ્સા જોઇને વિસ્તૃત પૃથ્થક્કરણ જોડે લખી શકાય અને દેશવિદેશમાં ઘણા લખે પણ છે, એ વાત જુદી છે. સોશિયલ મીડિયા અમુક રીતે મુક્તિ અપાવે છે. શાસન કહે છે તે જ માત્ર સત્ય નથી એવું લાગતું પણ હોય તો યે એક કે બીજા કારણસર શાસનભક્ત બનેલાઓ અને બીજાં ઝાઝું કાંઇ કરી શકતા નહીં. હવે સોશિયલ મીડિયા પોતાની મેળે સમાચાર શેર કરી શકે છે, પુરાવારૂપે ફોટા, વીડિયો વગેરે મોકલી શકે છે. બીજી બાજુએ નાના છોકરાઓ પણ એની ઉપર બીભત્સ ફિલ્મો જોઇ શકે છે અને નાલાયકો ખોટા અને બદનક્ષી ફેલાવી શકે છે. સોશિયલ મીડિયામાં ઘેર બેઠાં ગંગા પણ આવે અને ઘેર બેઠાં ગટર પણ. ત્રીસચાલીસની વયની કમાતી ધમાતી સ્ત્રીઓની ઇન્ટરનેટ પરની લગ્ન માટેની જાહેરાતોમાંથી વિગતો મેળવી એમની પાસે ખમતીધર સજ્જન હોવાનો ડોળ કરી બાઇઓને છેતરનારા મળી આવે છે. બીજી બાજુ જોઇએ તો ઘરની બહાર જવા ન મળતું હોય તેવી આરબ સ્ત્રીઓ ઇન્ટરનેટ દ્વારા દુનિયા સાથે સંપર્ક રાખી શકે છે. માહિતી અને જ્ઞાન ઉપર સાપ થઇને બેસવાનો બ્રાહ્મણો અને આખા ભદ્ર વર્ગનો ઇજારો હવે ચાલી ગયો છે. અન્ય વંચિતોની જેમ સ્ત્રીઓ પણ ઇન્ટરનેટ પર જાણકારી મેળવી આગળ અભ્યાસ, વેપાર વગેરે કરી શકે છે. ઇન્ટરનેટ એક ફ્રેન્કેનસ્ટાઇન છે. ઊભો કરેલો, સર્જેલો મહારાક્ષસ. ભૂતની જેમ એને ફરી દાબડામાં નાખી શકાય નહીં. આ તો વળી ઉપકારક પણ છે, તે છતાં ફાયદામંદ નવી શોધખોળોનો સ્ત્રીઓ હંમેશની જેમ પોતાની રીતે ભોગ બનતી જાય છે. કૂકર, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટુઇનવન રેડિયો અને કેસેટ પ્લેયર, ફ્રિજ-ટી.વી. જે કાંઇ નવી વૈજ્ઞાનિક શોધથી આઇટમો બની તે બધી જ એક યા બીજા કાળે, એક યા બીજા સમાજમાં દહેજની આઇટમ બની ગયેલી. હવે આ ચાલુ છે અને જોડે સોશિયલ મીડિયાનું ભૂત ધૂણે છે. એક બાઇ પર બળાત્કાર થાય અને પાછી એની વીડિયો લઇને ધમકીઓ અપાય કે વારંવાર પોતાની ઇચ્છા વિરુદ્ધ સંસર્ગ નહીં કરવા દે તો પોતે વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી દેશે.

પ્રાચી અને આકાશના કિસ્સામાં નવી વાત આવી. સંબંધ તૂટ્યા પછી પ્રાચી બીજા કોઇ યુવાન જોડે વાત પણ કરે તે આકાશ સહન કરી શકતો નહોતો. એના ત્રાસની વાત પર પ્રાચી અને તેના પિતાએ પોલીસમાં ફરિયાદ પણ કરેલી. પોલીસ માત્ર એન.સી. (નોન કોગ્નિઝન્ટ) લખીને બેસી જતી હોય છે જેથી પોતે કાંઇ એકશન લેવું ન પડે, અહીં એવું જ બન્યું. એવામાં પ્રાચીએ બીજા કોઇ એક કે બે છોકરા જોડે મેસેજિંગમાં કાંઇક સારો પ્રતિભાવ આપ્યો તો કોઇ વોટ્સ એપ સંદેશને ‘લાઇક’ આપ્યો કે પસંદગી બતાવી ને આકાશ વીફર્યો. "અબ અગર મેલ ભી નહીં હૈ તો જુદાઇ ભી નહીં, તુમ અગર મેરી નહીં તો પરાઇ ભી નહીં...મુશ્કિલ હોગી. ટૂંકમાં ત્રિશંકુની જેમ વચ્ચે લટક્યા કર. બીજા જોડે વાત પણ કરી તો ખબરદાર, મુશ્કિલ હોગી...

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

m706OF
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com