Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
મન હોય તો મેડલ જીતાય

કવર સ્ટોરી-અનંત મામતોરાઆજથી છોંતેર વર્ષ પહેલાં આજના દિવસે ભારત છોડો આંદોલનનું રણશિંગું ફૂંકાયુ હતું એમાં મહિલાઓનો ફાળો કાંઇ નાનો-સૂનો ન હતો. આ સમયે કાર્યરત મુંબઇની બે નીડર મહિલાઓ ઉષા મહેતા અને અરુણા અસફઅલીના યોગદાનને ભુલાય એમ નથી. ભારત છોડો આંદોલન દરમ્યાન મુંબઇમાં ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કરીને સ્વાતંત્ર્યની લડતમાં અનોખી સેવા આપનાર ઉષા મહેતાને આ કારણસર જેલની સજા પણ ભોગવવી પડી હતી. ૯મી ઓગસ્ટ, ૧૯૪૨ના દિવસે મુંબઇના ગોવાલિયા ટેન્ક મેદાનમાં સર્વપ્રથમ તે સમયની કૉંગ્રેસનો ધ્વજ જાહેરમાં ફરકાવનાર અરૂણા અસફઅલીને પણ કેમ ભુલાય?

હવે તો દેશ સ્વતંત્ર થઇ ગયો છે પણ મહિલાઓમાં લડત આપવાનો જુસ્સો તો એનો એ જ રહ્યો છે પછી એ મહિલા મહાનગર મુંબઇની હોય કે હરિયાણાના કોઇ નાનકડા ગામની.

આજે વાત કરવી છે એવી મહિલાની જે સંજોગો સામે તો હસતાં હસતાં લડી, સાથે સાથે રિંગમાં મુષ્ટિ યુદ્ધ (બોક્સિગં) પણ લડી અને સુવર્ણ પણ જીત્યો.

જી હાં, હરિયાણાના ફારુખનગર ગામે જન્મેલી ચેતનાના ઘણા ગામડાઓમાં થાય છે એમ નાનપણમાં જ લગ્ન થઇ ગયા હતા. ૧૮ વર્ષની વયે, બારમું ધોરણ પાસ થતાં જ હાથ પીળા કરનાર ચેતના સૈનીના હાથે એ અગાઉ બોક્સિગં ગ્લોવ્ઝ પણ શોભાવ્યા હતાં. શાળાના ભણતર દરમ્યાન બોક્સિગં ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર ચેતનાના લગ્ન તો જલદી થઇ ગયા, પાંચ વર્ષના ગાળામાં બે બાળકોની માતા પણ બની, પરંતુ કામિયાબ બોક્સર બનવાનું સપનું તો હૃદયમાં સજાવીને જ રાખ્યું હતું. આ જ સપનાને સાકાર કરવાની તીવ્ર ઉત્કંઠાને લઇને લગ્ન બાદ પોતાનું અધૂરું ભણતર તો પૂરુ કર્યું, સાથે સાથે પાંચ વર્ષ બાદ ફરી એક વાર રિંગમાં ઊતરી અને બોક્સિગંમાં ડિસ્ટ્રિક્ટ લેવલ પર સુવર્ણચંદ્રક જીતીને પણ બતાવ્યો.

ભારતના ગામડાઓમાં જ્યાં છોકરીઓના લગ્ન નાની ઉંમરે જ કરી દેવામાં આવે છે ત્યાં એવી બહુ ઓછી છોકરીઓ હોય છે જે લગ્ન બાદ પણ પોતાના સપનાઓને પૂરાં કરી શકે.

ચેતનાના કહેવા પ્રમાણે તેઓ બે બહેન છે. બેઉ બહેનોના એકસાથે લગ્ન થઇ ગયાં હતાં. બારમું પાસ કર્યા બાદ કૉલેજમાં જવાની ઇચ્છા તો હતી પણ કૉલેજ તેના ગામથી ઘણી દૂર હતી. બોક્સિગં ક્ષેત્રે પણ આગળ વધવાની તમન્ના હતી. પણ અચાનક લગ્નની વાતો થવા લાગતાં તેની આ બન્ને મહત્ત્વાકાંક્ષાઓ પર પાણી ફરી વળ્યું હતું.

લગ્ન બાદ સાસરે આવી ત્યારે મોટી વહુ હોવાને કારણે તેની પર જવાબદારીઓનો પણ ઘણો બોજ હતો. સિલોખરા ગામમાં એક સંયુક્ત કુટુંબમાં પરણેલી ચેતના પોતાના સ્વભાવને કારણે જલદીથી આ પરિવારના મનમાં વસી ગઇ હતી. તેણે બી.કોમ.ની ડિગ્રી તો પરણ્યા પછી ગુડગાંવની ગવર્ન્મેન્ટ ગર્લ્સ કોલેજમાં ભણીને લીધી. સાથે સાથે તેની સાસુ, નણંદ, દિયર અને પતિના સહકારથી લગ્નના પાંચ વર્ષ બાદ બોક્સિગં રિંગમાં ઊતરવાનું તેનું સપનું પણ પૂરું થયું.

આટલા લાંબા સમયના અંતરાલ બાદ માત્ર બે મહિના પ્રેક્ટિસ કરવા મળી છતાંયે જિલ્લા સ્તરે આયોજિત બોક્સિગં સ્પર્ધામાં તેને બેસ્ટ બોક્સરનો ખિતાબ મળ્યો. ૫૪ કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો. એટલું જ નહિ બે મહિના બાદ નેશનલ ઓપન બોક્સિગં ચેમ્પિયનશિપ માટે ટ્રાયલ યોજાવાની છે એ માટેની પ્રેક્ટિસ પણ તેણે અત્યારથી જ શરૂ કરી દીધી છે.

તેના બે પુત્ર , એક નર્સરીમાં અને બીજો પ્રી-નર્સરીમાં ભણી રહ્યો છે. આ બેઉ બાળકોને તેની ગેરહાજરીમાં તેની સાસુ અને નણંદ સંભાળે છે. ક્યારેક તેની પ્રેક્ટિસ દરમ્યાન તેના બાળકો પણ આવે છે અને મમ્મીને બોક્સિગં કરતા જોઇને ખૂબ ખુશ થાય છે. બોક્સિગં કરતાં સંતાનોને બિરદાવવા આવતાં માતાપિતા તો તમે જોયા હશે, પણ પોતાની મમ્મીને બોક્સિગં રિંગમાં નિહાળીને પ્રોત્સાહિત કરવા આવતા સંતાનોનું આ સોહામણું દૃશ્ય તો જ્વલ્લે જોવા મળતું હોય એવું અનુપમ હોય છે.

પોતાના અધૂરા રહી ગયેલા સપનાને તેણે લગ્ન બાદ પૂરાં તો કર્યા પણ લાગે છે એના સપનાનો કોઇ અંત જ નથી. તેણે બી. કોમ. કર્યા બાદ એમ.કોમ.ની તૈયારી પણ શરૂ કરી દીધી છે.

ભવિષ્યમાં તે સિલોખરા ગામની છોકરીઓ અને મહિલાઓ માટે પણ બોક્સિગંનું નિ:શુલ્ક પ્રશિક્ષણ આપવાની ઇચ્છા ધરાવે છે. તેનું કહેવું એમ છે કે આજના સમયમાં મહિલાઓએ પોતાની સુરક્ષા માટે પણ બોક્સિગં શીખવું જરૂરી છે. એક શાળામાં એણે છોકરીઓને બોક્સિગં શીખવવાનું શરૂ પણ કર્યું છે.

લગ્ન પહેલાં શાળામાં ત્રણ વાર રાષ્ટ્રીય સ્તર પર ભાગ લઇ ચૂકેલી ચેતનાને તામિલનાડુ અને પંજાબમાં રમવા જવાનો મોકો પણ મળ્યો હતો. હવે તેનો પરિવાર ઇચ્છે છે કે એ દેશ વતી રમીને મેડલ લઇ આવે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ પોતાનું નામ રોશન કરે.

હાલમાં, ગુડગાવ, હરિયાણાની મેરી કોમ કહી શકાય એવી આ ચેતના સૈનીની ઉંમર માત્ર ૨૩ વર્ષની છે એ જોતાં એ ભવિષ્યમાં પોતાના તેમ જ પરિવારના દરેક સપનાં પૂરા કરવા માટે તેની પાસે પૂરતો સમય અને તક છે. ભવિષ્યમાં તેની દરેક આકાંક્ષાઓ પૂર્ણ થાય એવી શુભેચ્છા. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

kGOf3y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com