Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સંગીત અમારા ઉછેરનો ભાગ હતું!
મારા પિતા કહેતા, "સંગીત વ્યવસાય કે કારકિર્દી પણ નથી, એ તો જીવનશૈલી છે. જીવનમાં સંગીત વણાઈ જતાં કર્કશતા બચતી નથી કારણ કે, એક વાર બધું સૂરમાં ચાલવા લાગે તો પછી જીવન આપોઆપ સૂરીલું થઈ જાય છે.

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્યનામ : સુલક્ષણા પંડિત

સ્થળ : મુંબઈ

સમય : 2017

ઉંમર : 62

ભાગ-1

લ્લા ચાર દિવસથી મારી ભીતર જાણે કશું વલોવાય છે. ફરી એક વાર ડિપ્રેશનનો હુમલો આવશે એવી બીક લાગે છે... ઊંઘ ઓછી થઈ ગઈ છે ફરી એકવાર. હું રાત્રે જાગીને બારીની બહાર જોયા કરું છું. દૂર દૂર દેખાતા તારાઓ તરફ. આકાશમાં દેખાતા તારા જોઈને મને વિચાર આવે છે કે આમાંથી કયા તારા ઉપર હસતા હશે મારા પ્રિયજનો! એમ કહેવાય છે ને કે માણસ મૃત્યુ પછી તારો બની જાય છે. આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓમાં ક્યાંક આપણા સૌના મૃત્યુ પામેલા સ્વજનો હશે. મારા, તમારા, આપણા સૌના... આપણે જેને ખૂબ પ્રેમ કરીએ એને આ દુનિયામાંથી વિદાય લેતા જોવા એ કેટલી મોટી પીડા છે એ કદાચ મારા સિવાય કોઈને સમજાય એમ નથી. તમે પણ ખોયા હશે તમારા સ્વજનો, પરંતુ મારી જિંદગીમાં તો એક આખું લાંબુ લિસ્ટ છે. એક પછી એક જતા જોયા મેં સૌને... ને હું બેઠી છું. જિંદગીના છ દાયકા પૂરા કરીને એકલતામાં ઓગાળી રહી છું મારી જાતને.

એવું નથી કે આ એકલતા મેં પસંદ કરી છે, એવું પણ નથી કે આ એકલતા ગમે છે કે કોઠે પડી ગઈ છે. હું તો ભર્યા પૂરા પરિવારમાંથી આવું છું. ત્રણ ભાઈઓ ને ત્રણ બહેનો. મારા મોટા ભાઈ મનધીર, એના પછી જતિન ને પછી લલિત... અમે ત્રણ બહેનો, સુલક્ષણા, વિજયતા અને સંધ્યા... મારા કાકા એટલે પંડિત જસરાજ. સંગીત અમારા પરિવારના લોહીમાં વહે છે. પ્રતાપ નારાયણ પંડિત મારા પિતાનું નામ. એમને માટે સંગીત એ એમના જીવનનો પર્યાય હતો. અમને છયે ભાઈ-બહેનોને એમણે સંગીત શીખવ્યું. મારી મા પણ સારું ગાતી, પણ એ શરમાળ હતી એટલે જાહેરમાં ગાતી નહીં. મારી બહેન સંધ્યા અને હું એક સાથે સંગીત શીખવા જતાં. મારા મોટા ભાઈ મનધીરજી દર અઠવાડિયે અમને રિયાઝ કરાવતા... મારા પિતા કહેતા, "સંગીત વ્યવસાય નથી, સંગીત કારકિર્દી પણ નથી, સંગીત તો જીવનશૈલી છે. જેના જીવનમાં સંગીત વણાઈ જાય એના જીવનમાં કર્કશતા બચતી નથી કારણ કે, એક વાર બધું સૂરમાં ચાલવા લાગે તો પછી જીવન આપોઆપ સૂરીલુ થઈ જાય છે.

મને નવાઈ લાગે છે, અમારા સૌના જીવનમાં સંગીત વણાયા છતાં અમે બધા જીવનની કેટલી કર્કશતાઓમાંથી પસાર થતાં રહ્યાં. નવાઈની વાત તો એ છે કે અમારા છ ભાઈ-બહેનમાંથી કોઈનુંય જીવન સૂરીલુ ન નિવડ્યું! મારો જન્મ રાયગઢ, મહારાષ્ટ્રમાં થયો. અમારું મોટું ઘર હતું ને એની આગળ વિશાળ આંગણું. અમે બધા આખો દિવસ આંગણામાં રમતાં. સમય સાથે મારા પિતાને કલકત્તામાં નોકરી મળી, એટલે અમે આખો પરિવાર છ એ ભાઈ-બહેનો સાથે કલકત્તા શિફ્ટ થઈ ગયાં. અમારું બાળપણ કલકત્તાની ગલીઓમાં વીત્યું. મારું શિક્ષણ પણ કલકત્તામાં થયું. બંગાળી ભાષા અને બંગાળી કલ્ચરની મારા ઉપર ઊંડી અસર છે. રબીન્દ્ર સંગીત પણ અમને શીખવવામાં આવ્યું. મારા પિતા પ્રતાપ નારાયણ પંડિત કહેતા, "સંગીતના કોઈ વાડા કે વિભાગ નથી હોતા... મારી માને સંગીત ગમતું પણ મારા પિતા જે રીતે અમને સંગીત તરફ ધકેલી રહ્યા હતા એ જોઈને મારી મા ક્યારેક એમને ટોક્તી, "લડકીયોં કો પરાયે ઘર જાના હૈં... ઉનકો ઘર કા કામ ભી સીખને દો મારા પિતાજી હસીને કહેતા, "એમના જેવું ઘર મળી જ રહેશે... બધું જ અટકી જાય પણ અમારો સંગીતનો અભ્યાસ ક્યારેય અટક્યો નહીં...

અમારા ઘરમાં દિલીપકુમાર ભગવાનની જેમ પૂજાતા. મારી મા, મનધીરભાઈ અને પિતાજીની સાથે હું દિલીપકુમારના પક્ષમાં, જ્યારે મારી બીજી બે બહેનો અને બીજા બે ભાઈઓ દેવ સા’બના પક્ષમાં. નવી ફિલ્મ રિલીઝ થાય એટલે અમારા ઘરમાં શર્ત લાગે... આખો પરિવાર સાથે ફિલ્મ જોવા જાય. મારા પિતા પણ ફિલ્મોના શોખીન. ફિલ્મી સંગીતનો અમારા ઘરમાં કોઈ પરહેઝ નહીં. સામાન્ય રીતે જેમ ક્લાસીકલ (શાસ્ત્રીય સંગીત)ના ઉપાસકોને ત્યાં ફિલ્મી સંગીત વર્જ્ય હોય છે એને બદલે મારા પિતાજી પોતે જ સાયગલ અને તલત મહેમૂદનાં ગીતો હાર્મોનિયમ પર ગાતા.

એ દિવસોમાં હું લતાતાઈની બહુ કોપી કરતી. હું જ શું કામ, અમારા સમયની કોઈ સિંગર એવી નહોતી કે જેના પર લતાતાઈની અસર નહોતી. મારા પિતાજી મને કહેતા, "એની પાસેથી બારીકીઓ શીખ પણ એના જેવું ગાવાનો પ્રયત્ન ન કર.

વર્ષો પછી જ્યારે મેં લતાતાઈ સાથે ‘સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ’ ગાયું ત્યારે લતાતાઈએ મારે માથે હાથ મૂકીને આશીર્વાદ આપેલા! જ્યારે નાની હતી ત્યારે કલ્પના પણ નહોતી કે હું જેને મારા આદર્શ માનું છું એની સાથે એક દિવસ મને ગાવાનો મોકો મળશે.

અમારી ત્રણેય બહેનોમાં હું સૌથી સારું ગાતી. જોકે, આવું મને ઘરમાં કોઈ કહેતું નહીં, પણ મારા કાકા પંડિત જસરાજ જ્યારે પણ અમારે ઘેર આવતા ત્યારે કહેતા, "ચલો બડકી કો બુલાઓ. એ મારી પાસે ગવડાવતા, એટલું જ નહીં, મને વચ્ચે રોકીને સંગીતની બારીકીઓ, તાન અને મુર્ગીની કલા શીખવતા... એક વાર મારા પિતાને મુંબઈ એક કાર્યક્રમમાં હાજર રહેવાનું હતું. હું એ વખતે નવ એક વર્ષની હોઈશ. મારા પિતાજીની સૌથી લાડકી. એ મને કોઈ વાતે ના ન પાડી શકે. એ જ્યારે મુંબઈ જવા માટે પોાતનો સામાન પેક કરી રહ્યા હતા ત્યારે મેં જીદ પકડી, "મેં ભી સાથ ચલુંગી. એમણે મને સમજાવી જોઈ પણ હું તો એવી રડવે ચડી કે ના પૂછોને વાત! મારી માએ એક થપ્પડ મારવા માટે હાથ ઉપાડ્યો ત્યારે પિતાજીએ કહ્યું, ‘ભલે આવતી’ હું ખુશ થઈ ગઈ... હું ઘણી નાની હતી એટલે મને એકલી લઈ જવાને બદલે પિતાજીએ મનધીરભાઈને સાથે લીધા. એ મારો મુંબઈ સાથેનો પહેલો પરિચય. ક્યારેય ધાર્યું નહોતું કે આ શહેર પોતાના મોહમાં એવું બાંધી લેશે કે એક દિવસ મારા સુખ, દુ:ખ, સપનાં, સમસ્યાઓ અને સફળતા પણ આજ શહેરમાં ઊગી નીકળશે ! એ દિવસે સમારંભમાં કોઈ મિનિસ્ટર આવવાના હતા. એમને આવતા મોડું થયું એટલે સમારંભના ઓર્ગેનાઈઝરે મારા પિતાજીને પૂછ્યું, "આ તમારો શિષ્ય છે ? એ મનધીરભાઈ વિશે પૂછતા હતા. મારા પિતાજીની ઈચ્છા નહોતી કે, મનધીર એનું સંગીતનું શિક્ષણ પૂરું કર્યા વગર પબ્લિક પરફોર્મન્સ કરે. એમને મનધીરભાઈ પાસેથી બહુ આશા હતી એટલે એમણે જરા સિફતથી કહ્યું, આ મારો શિષ્ય નથી, દીકરો છે પણ એ વિશારદનું શિક્ષણ લઈ રહ્યો છે એટલે એનું શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી એ જાહેરમાં ગાઈ ન શકે. હું ત્યાં ઊભી હતી. નાનકડી, ચંચળ અને થોડીક મૂરખ પણ! પિતાજીની વાત સમજી નહીં એટલે મેં કહ્યું, "હું ગાઉં ? મને આવડે છે. પિતાજીની નજરો મને જોઈ રહી. હવે જ્યારે મેં કહી જ દીધું હતું ત્યારે મને રોકવા કે અટકાવાનો કોઈ અર્થ નહોતો એવું એમને પણ સમજાયું. એમણે કચવાતે મને રજા આપી અને એ દિવસે મુંબઈ શહેરમાં મેં મારો પહેલો પબ્લિક પરફોર્મન્સ કર્યો, નવ વર્ષની ઉંમરે. એ દિવસે ત્યાં અનેક સંગીતકારો હતા. બધાએ મને ધ્યાનથી સાંભળી. સૌએ મારા વખાણ કર્યા... અમે તો કાર્યક્રમ પતાવીને મુંબઈથી પાછા કલકત્તા આવી ગયા, પરંતુ એક દિવસ અમારા ઘરનો ફોન રણક્યો. મુંબઈના એક સંગીતકાર મને એમના કાર્યક્રમમાં ગાવા માટે બોલાવવા માગતા હતા. મારા પિતાની ઈચ્છા નહોતી. એ સંગીતના પ્રખર પંડિત હતા અને એમ માનતા કે, સંગીતનું શિક્ષણ પૂરું થયા વગર જાહેર કાર્યક્રમો ન કરવા જોઈએ. હું તો જીદે ચડી ગઈ ને એમાં મારા કાકા પંડિત જસરાજે પણ મારા પિતાને સમજાવાનું કામ કર્યું. એમનું માનવું હતું કે, જાહેર કાર્યક્રમ પણ સંગીતના શિક્ષણનો એક ભાગ જ છે... બસ! એ દિવસથી મારા કાર્યક્રમો શરૂ થયા. નવ વર્ષની ઉંમરથી શરૂ કરીને 12-14 વર્ષની ઉંમર સુધી મેં અનેક જાહેર કાર્યક્રમો આપ્યા. એ દિવસોમાં અમારા કાર્યક્રમમાં કિશોરદા, રફીસા’બ, મન્ના ડેસા’બ પણ આવેલા. એ દિવસોમાં હું ‘બેબી સુલક્ષણા’ના નામે ગાતી. જે લોકોએ મને સાંભળી એ બધાએ મારા પિતાજીને કહેલું કે, એમણે મને ફિલ્મના પ્લેબેક માટે તૈયાર કરવી જોઈએ. ત્યારે મારા પિતાજીએ સ્પષ્ટ ના પાડી દીધેલી. જોકે, એમને એમના મિત્ર રાશીદ ખાન સાહેબે સમજાવેલા, "સંગીત સંગીત હોય છે એને ફિલ્મ કે શાસ્ત્રીયના વાડામાં બાંધવાની કોઈ જરૂર નથી. જોકે, રાશીદ ખાન સાહેબ પોતે ફિલ્મો માટે ખાસ ગાતા નહીં. એ સમયે મારે શું કરવું એવો સવાલ મારા પરિવાર સામે ઊભો હતો. એક તરફ મારી કારકિર્દી હતી. મુંબઈ શહેર અને એની સાથે જોડાયેલી ગ્લેમર, ઝાકઝમાળ, જ્યારે બીજી તરફ મારા પરિવારની વેલ્યૂઝ, મારા પિતાજીની કેટલીક દૃઢ માન્યતાઓ અને સાથે સાથે મારી માની સહેજ રૂઢિચુસ્ત વિચારધારા પણ હતી જ. કેટલીક વાર એવું થાય છે કે આપણે ન ઈચ્છતા હોઈએ તો પણ જીવન આપણને એ દિશામાં લઈ જાય છે જે આપણા માટે નિશ્ર્ચિત થયેલી દિશા હોય છે! મારી સાથે પણ એવું જ થયું. મારે ફિલ્મોમાં ગાવું કે નહીં, કારકિર્દી બનાવી કે નહીં, આવા બધા નિર્ણયો મારા પરિવાર કરે એ પહેલાં જાણે મારા નસીબે જ એ નિર્ણય લઈ લીધો હોય એમ મારા પિતાજીની ટ્રાન્સફર મુંબઈ થઈ.

અમે આખા પરિવાર સાથે મુંબઈ આવી ગયાં.

અહીં, એક નવી કારકિર્દી, નવું સપનું અને નવી દુનિયા મારી પ્રતીક્ષા કરી રહી હતી. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4B07y1j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com