Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
વાઘ દેખાડવાનો કપટ-ખેલ
છેલ્લાં કેટલાંક વર્ષથી ચાલતા વાઘલક્ષી પર્યટનનો ખુદ વાઘને જ ત્રાસ થવા લાગ્યો છે. આ તરકટી ખેલ અને એનું અર્થકારણ વાઘના નાશ કે વાઘના મરણતોલ થવામાં પરિણમ્યું છે

પ્રતીક ખંભાતીકેટલાંક વર્ષોમાં વાઘ-પ્રકલ્પે, રાષ્ટ્રીય ઉદ્યાનોએ અને અભયારણ્યોએ પર્યટન ક્ષેત્રમાં મોટી છલાંગ ભરી છે. ભારત જગતમાં મહત્ત્વનું અને વ્યાપક જૈવવૈવિધ્ય ધરાવતા દેશોમાં સ્થાન મેળવે છે. વિશ્ર્વનું એકંદર આઠ ટકા જૈવવૈવિધ્ય આપણે ત્યાં છે. ખાસ તો હાથીને વાઘદર્શન કરનારાઓનો વધારે ત્રાસ થાય છે. ભારતમાં 106 નેશનલ પાર્ક (રાષ્ટ્રીય ઉદ્યાન), 50 ટાઈગર પ્રોજેક્ટ (વાઘ પ્રકલ્પ) અને 700થી વધારે સૅંક્ચ્યૂઅરી (અભયારણ્ય) છે. મધ્ય પ્રદેશમાં કાન્હા, સાતપુડા, બંદીપુર, પન્ના અને પેંચ છે તો રાજસ્થાનમાં રણથંભોર છે, ઉત્તરાખંડમાં જિમ કોર્બેટ, પશ્ર્ચિમ બંગાળમાં બક્સા અને મહારાષ્ટ્રમાં મેળઘાટ, પેંચ, તાડોબા, સહ્યાદ્રી, બોર તથા નવેગાવ, નાગઝિરા વગેરે પ્રોજેક્ટ ટાઈગર પર્યટન માટેનું મુખ્ય આકર્ષણ બિંદુ બન્યું છે. એકલા મહારાષ્ટ્રમાં 6 નેશનલ પાર્ક, 6 પ્રોજેક્ટ ટાઈગર, 50 વાઈલ્ડલાઈફ સૅંક્ચ્યૂઅરી અને 4 ક્ધઝર્વેશન રિઝર્વ્ડ એરિયા છે. મેળઘાટ, પેંચ, તાડોબા, નવેગાંવ બંધ, ચાંદોલી તથા સંજય ગાંધી એમ છ રાષ્ટ્રીય ઉદ્યાનો તથા નરનાળા, વાન, અંબાબરવા, ઉમરેડ કરાન્ડલા, દેઉળગાવ રહેકુરી, ભીમાશંકર, તાનસા, કર્નાળા, તામ્હિણી, નાન્નજ, ટિપેશ્ર્વર વગેરે અભયારણ્ય સહિત સમગ્ર જંગલોમાં વન આધારિત પર્યટનની જાણે ભરતી જ આવી છે. પર્યટન ક્ષેત્ર એટલે હિલ સ્ટેશનો જ અને ત્યાં જવાથી પર્યટન થાય છે, એવી લોકોની માનસિકતા હવે રહી નથી, હવે પર્યટનના નામનુું ચિત્ર બદલાઈ ગયું છે વનમાં ફરવા-રહેવા જવું એટલે પણ પર્યટન પર જવું એવું લોકો માનતા થયા હોઈને વન આધારિત પર્યટને પોતાના મૂળિયાં જ માત્ર નથી વિસ્તાર્યાં પણ એ નક્કર-ઘટ્ટ સુધ્ધાં બનાવ્યા છે.

વન આધારિત પર્યટનના ધંધામાં ધીમે ધીમે મોટા ફેરફારો થવા લાગ્યા છે. એમાં પણ વાઘ કેન્દ્રિત પર્યટનની દિશા નિર્ધારિત થઈ છે ખરી, પણ જે વાઘની ફરતે આ ઘટાટોપ ઊભો થયો છે એ વાઘને બિચારાને એનો સહેજ પણ અંદેશો નહીં હોય. એક તરફ ભારતીય બંધારણથી માંડીને છેક યુનો મારફતે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અબાધિત રહે એટલા માટે આપણે સંઘર્ષ કરીએ છીએ, માનવ હક અકબંધ રહે અને એની જાળવણી થાય એ માટે સતત પ્રયત્નશીલ રહીને ક્યારેક એ માટે કાયદેસરની લડત પણ આપીએ છીએ..., પણ માનવહિત સંભાળતી-જાળવતી વખતે જીવન આપનારા જળ, જમીન, જંગલ તથા જૈવવૈવિધ્યનો આપણે પૂર્ણત: વિસરી જઈએ છીએ. વન્યપ્રાણીઓની બાબતે આપણે આટલા ક્રૂર કેવી રીતે થઈ જઈએ છીએ? વાઘ કેન્દ્રિત પર્યટનનો વાઘને ત્રાસ થાય છે. માત્ર પર્યટનના નામે ચાલી રહેલો કપટ-ખેલ અને એના અર્થતંત્રે અનેક રીતે વાઘનું ગળું ટૂંપવા ઉપર આવે છે, એ સત્યને નકારીને ચાલવાનું નથી.

સોશિયલ મીડિયા ઉપર અનેક વાર એવી તસવીરો અને વીડિયોક્લિપ જોઈએ છીએ જેમાં વાઘ કે વાઘનાં ટોળાં ફરતે રીતસરનું માનવોનું ટોળું હોય છે. પાંચ-પંદર જિપ્સી વાહનો, ઉત્સાહી પર્યટકો અને તસવીરકારો અને તેમના મોટાં મોટાં સાધનો-ઉપકરણો હોય છે એવું આપણે જોયું છે અને આ તમામ માનવીઓ જાણે ‘વાઘતરસ્યા’ હોય છે. વાઘના ફોટા લેવાની તો સ્પર્ધા થતી હોય છે... જાણે ક્યારે ફોટા ખેંચીએ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દઈએ ને કેટલાક સેંકડો લાઈક્સ અને ધડાધડ શેર અને ઢગલાબંધ કમેન્ટ્સ મળે તેની ઉતાવળ થઈ આવી હોય છે, પરિણામે વાઘ દેખાતાની સાથે તમામ નિયમો-મર્યાદાઓ અભેરાઈ ઉપર ચડાવી દઈ આ કહેવાતો સંવેદનહિન પર્યટક રીતસરનો વાઘનો પીછો કરે છે. વાઘનું દર્શન થાય એટલે જિપ્સીચાલક અને ગાઈડ ફોન કરીને એકબીજાને બોલાવે છે. વાઘને જોવાની લાલસા એટલા નીચલા સ્તરે જાય છે કે ગાડીની અમર્યાદ ગતિ અને એને કારણે ઊડનારી ધૂળના ગોટા જોઈને આપણને આવી પ્રવૃત્તિની દયા આવ્યા વિના રહે નહીં. થોડા દિવસ અગાઉ જ વાઈરલ થયેલી એક વીડિયોક્લિપમાં એક વાઘ શિકાર કરતો હતો એ દૃશ્ય એક જણની નજરે પડ્યું એણે ધડાધડ બધાને બોલાવી લીધા. જોતજોતામાં પચીસેક જિપ્સી ગાડીઓ આવી પહોંચી. લોકોનું ટોળું જોઈને વાઘને શું કરવું એ તરત સૂઝ્યું નહીં હોય એટલે એણે શિકાર કરેલા મારણને રસ્તા પરથી ખેંચી-તાણીને સલામત સ્થળે, ઝાડઝાડીના એક ઝૂંડમાં લઈ ગયો. આ બની રહ્યું હતું ત્યાં સુધીમાં પર્યટકો અને ફોટોગ્રાફરોની મોટી ગિરદી થઈ ગઈ હતી. કોઈ પણ અવરોધ વિના આ ખેલ ચાલ્યો હતો.

બે વર્ષ અગાઉ નાગપુર નજીકના ઉમરેડ કરાન્ડલા વન્યજીવન અભયારણ્ય ખાતે એક જિપ્સી ગાડી વાઘની એટલી બધી નજીક ગઈ કે વાઘ નિરાંતે જિપ્સીના સાઈડના ગ્લાસ ચાટવા લાગ્યો હતો. વાઘ આટલેથી ન અટક્યોે ગાડીમાં બેઠેલી એક મહિલાનો હાથ ચાટવા લાગ્યો હતો. તાડોબા અભયારણ્યમાં પણ એક વાઘણ તેના બચ્ચાંને શિકાર કરવાનો પાઠ શીખવતી હતી ત્યારે એક જિપ્સી ગાડી એની એટલે નજીક ગઈ કે ‘માયા’ વાઘણ ભડકી. કશું અનિચ્છનીય બનવાનો અંદેશો આવતા વાહનચાલકે ગાડીને પાછળ લીધી હતી. ખેર, કશું આડુંઆવળું બન્યું નહીં, પણ કદાચ કશું અજુગતું બન્યું હોત તો એનું જવાબદાર કોણ?

વાઘનો નિસર્ગદત્ત ગુણ માણસને ટાળવાનો હોય છે, પણ જ્યાં વધારે પ્રમાણમાં પર્યટન થવા લાગ્યું છે એવા વાઘ-પ્રકલ્પના વાઘ હવે માણસથી ટેવાવા લાગ્યા છે. એ સહજપણે વાહનોની નજીક આવે છે. આવા વધારે પડતાં પર્યટનને કારણે વાઘની માનસિક તેમ જ શારીરિક સ્થિતિ ઉપર શી અસર થાય છે એ વિશે આપણા દેશમાં ખાસ વિચાર કરવામાં આવ્યો નથી. આફ્રિકામાં મૅટ હેવર્ડ અને જિના હેવર્ડે પર્યટનના કારણે સિંહની માનસિક અને શારીરિક સ્થિતિ પર શું પરિણામ આવે છે એ વિશેનો અભ્યાસ વર્ષ 2008માં કર્યો હતો. આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે માનવની હાજરી કે એના અસ્તિત્વથી સિંહ પ્રચંડ તણાવમાં રહે છે. સંશોધકોને સિંહના બેઠાં બેઠાં બગાસાં ખાવા, બેસવા, ઊઠવામાં, તેના હરવા-ફરવામાં તેમ જ આળોટવામાં, ચાટવામાં અને બચ્ચાંને પ્રશિક્ષણ આપવામાં વગેરે બાબતોમાં પ્રતિકુળ પ્રભાવ પડ્યાનું જોવા-જાણવા મળ્યું હતું. પર્યટકો ન હોય ત્યારે સિંહના વર્તનમાં શારીરિક તથા માનસિક સ્થિરતા રહેતી હતી જ્યારે પર્યટકોની હાજરીમાં સિંહો અસ્વસ્થ થયાનું જોઈ-સમજી શકાતું હતું. વળી, સંશોધકોએ માણસોની હાજરીમાં સિંહોના હૃદયના ધબકારા વધી જતાં હોવાનું અને તેમની શારીરિક ઊર્જા ઓછી થઈ જતી હોવાનું પણ તારણ આપ્યું હતું. હવે પ્રજાતિ જુદી હોવા છતાં સિંહ અને વાઘનું કૂળ એક જ હોઈને વાઘ ઉપર પણ આવી જ અસર માનવ હાજરીથી થતી હોવી જોઈએ, એમ આપણે ચોકકસ જ કહી શકીએ. કેટલાક દેશોમાં પ્રાણીઓના સંવનનકાળમાં અને પ્રસવના કાળમાં પર્યટન બંધ કરવામાં આવે છે. ભારતમાં આવું થતું હોવાનું જોવા મળતું નથી.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા બીજી જૂન, 2011ના બહાર પાડવામાં આવેલા પરિપત્રકમાં પ્રોટેક્ટેડ-સંરક્ષિત વિસ્તારમાં પર્યટન માટે માર્ગદર્શક સૂચનો જેવી નિયમાવલી નિર્ધારિત કરી આપી હતી. જંગલને અનુરૂપ વસ્ત્રો પરિધાન કરવા, વન્યપ્રાણીઓને તકલીફ ન થાય એ રીતે ફોટા પાડવા, વન્યપ્રાણીઓથી ઓછામાં ઓછું 15 મીટરનું અંતર રાખવું, મોટેથી ન બોલવું, પ્રાણીઓ આરામ કરતાં હોય કે શિકાર કરતાં હોય ત્યારે એમને કોઈ પણ પ્રકારે તકલીફ થાય એવું કૃત્ય ન કરવું, વાહનોની ગતિમર્યાદા પાળવી... વગેરે નિયમનો દ્વારા વન્ય પ્રાણીઓની શાંતિ જળવાય એવાં બંધનો મૂક્યાં છે. જોકે, જોવામાં એવું આવે છે કે, પર્યટકો, ગાઈડ અને જિપ્સી ગાડીઓના ચાલકો વનવિભાગની સમક્ષ જ બિન્ધાસ્તપણે આ નિયમો તોડે છે. તાળી એક હાથે ન વાગે એવી જ રીતે સિક્કાની બે બાજુ હોય છે એટલું તો સમજવું જરૂરી છે. પર્યટકો પણ વાઘ દેખાવો જ જોઈએ એવી જિદ લઈ બેસે છે. ક્યારેક વળી, ગાઈડને અને જિપ્સીચાલકને લાલચ પણ આપવામાં આવે છે. વળી, વાઘ જોવા મળશે તો આપણને વધારે પર્યટકો મળશે. અને રોજગાર મળશે, એવો વિચાર એકતરફ તો બીજી તરફ વન વિભાગ અને તેમના કાયદાની અસરકારક અમલબજવણી થતી નથી એ મુદ્દો છે. આમાં વળી બીજો મહત્ત્વનો મુદ્દો એટલે વાઘ કેન્દ્રિત પર્યટનના ધંધામાં મોટા મોટા હૉટેલ વ્યાવસાયિકો ઊતર્યા છે, એ છે. એમનો ધંધો વાઘ-દર્શન થવા ઉપર આધારિત છે. ક્યારેક વળી કેટલાક હૉટેલવાળાઓને વાઘ-સંવર્ધનનો ઉમળકો આવે છે. વાઘ-પ્રકલ્પની નજીકમાં જમીન લેવાની અને એમાં હૉટેલ-રિસોર્ટ ઊભો કરવાનો તથા એક સ્વયંસેવી-વૉલન્ટરી સંસ્થા ઊભી કરવાની ને એની આડમાં પોતાનો ધંધો કરવાનો! વાઘ પ્રત્યેના તથાકથિત પ્રેમને કારણે ચાલતો આ કપટ-ખેલ દૂધ પીતાં કોઈ બચ્ચાનેય સમજાઈ જાય એવો છે ને બીજી તરફ વન ખાતું ‘મગ ગળી’ને બેઠું છે. હવે તો ‘નાઈટ સફારી’ અને ‘મચાણ થ્રિલ’ (માંચડા પરથી વાઘદર્શન)ના નામે શુલ્ક વસૂલ કરવામાં આવે છે. આના કરતાંય વધારે હાસ્યાસ્પદ તો વાઘનું નામકરણ કરવાની પ્રથા છે. વાઘનું નામ પાડ્યું એટલે બહાદુરો લોકોને કહેવા છૂટા કે, ‘માયા’ આજ અહીં દેખાઈ હતી, ‘મટકાસૂર’ પરમદિવસે ત્યાં હતો. વાઘદર્શન પર્યટનને વળગેલું આ ઘાતકી વલણ ધીમે ધીમે વાઘના વૈયક્તિક જીવન પર મૂળભૂત અને પ્રતિકુળ પરિણામ કરશે એ પાકું છે. વન વિભાગ અને સ્થાનિક ગાઈડની ભૂમિકા પણ આમાં મહત્ત્વની છે. વાઘ, વાઘ, વાઘના નામે ચાલતાં પર્યટન-ખેલને કારણે અન્ય વન્યજીવોની સદંતર ઉપેક્ષા થાય છે. પર્યટકોને જંગલ દર્શાવતી વખતે લેવી પડતી કાળજી-સાવધાની, શિસ્તનું સતત ભાન રાખવાની સાથે પર્યટન કરતી વખતે વાઘ કે જંગલના અન્ય જીવોને તકલીફ-ત્રાસ ન થાય એનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. જંગલમાં આવનારા દરેક પર્યટકને વાઘ જોવો જ હોય છે. વાઘનું દર્શન ન થાય તો એ નિરાશ થાય છે, પણ જંગલમાં વાઘ ઉપરાંત અન્ય પ્રાણીઓ, પક્ષીઓ, ફૂલ-ઝાડ, પતંગિયાં-જીવડાં તથા વૃક્ષસંપદાનું એક સુંદર વિશ્ર્વ ડગલેને પગલે વિખરાયેલું છે એ તરફ ધ્યાન આપવાથી વાઘ ન મળ્યાનું દુ:ખ ઘટશે એ નક્કી છે. વાઘ સહજ રીતે ચોક્કસ અંતર પર દેખાયો તો ઠીક નહીં તો ગાઈડે જંગલમાં અન્ય જૈવવૈવિધ્ય બાબતે જાણકારી આપવી જોઈએ અને પર્યટકના નિસર્ગપ્રેમને સકારાત્મક વળાંક આપવામાં અગ્રેસર થવું જોઈએ. સમજદાર પર્યટકને એનાથી પણ આનંદ અને સંતોેષ મળશે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5A2pk0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com