Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
જીવતા અને મર્યા પછી પણ સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યા
અમેરિકાના હાવર્ડ હ્યુજીસ તેમના વાદ-વિવાદ અને તરંગી-વિચિત્ર સ્વભાવ તથા એકલવાયા જીવનને કારણે વધારે જાણીતા થયા. તેમણે હવાઈ ઉડ્ડયન, હોલીવુડ, રિયલ એસ્ટેટ સહિત અનેક ક્ષેત્રે સફળતા મેળવી

સંઘર્ષથી સફળતાધનંજય દેસાઈમેરિકાના પ્રખ્યાત બિઝનેસમેન અને મોટા રોકાણકાર તથા સાહસિક વ્યક્તિ એવા હાવર્ડ હ્યુજીસ તેમના તરંગી-વિચિત્ર વર્તન માટે વધારે જાણીતા હતા. મોટાભાગનું જીવન એકલવાયુ રહ્યું. એકાંતપ્રિય હતા અથવા તો તેવા રહેવાની સ્થિતિ ઊભી થઈ તે વિશે અત્રે વિગતે જાણીએ.

પિતાએ ઑઈલ-ગૅસ શોધવા માટે જરૂરી મશીનરી-ટૅક્નોલૉજી બનાવી હતી તેમાં તેઓ માલામાલ થઈ ગયા. માતા-પિતા અવસાન પામતાં હાવર્ડ હ્યુજીસના માથે 17-18 વર્ષ જ મોટી જવાબદારી આવી ગઈ.

યુવા વયે જ અબજપતિ બની ગયા. તેમણે જેટલાં સાહસ/કંપની ઊભી કરી તેટલા વિવાદમાં રહ્યાં. એવી સ્થિતિ હતી. ર1મા વર્ષે ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવીને સફળતા મેળવી. અચાનક ઉડ્ડયન ક્ષેત્રે ઉડાન ભરી ત્યાં વાદ-વિવાદ અને કાનૂની કેસ ઊભા થતાં મેડિકલ, હૉટેલ, રિયલ એસ્ટેટ કેસીનો ક્ષેત્રે તેમણે ઝંપલાવ્યું.

તેઓ જીવતાં જેટલા વિવાદમાં હતા, તેનાથી પણ વધુ વિવાદ મરણ બાદ વર્ષો સુધી રહ્યાં. હાવર્ડ હ્યુજીસ વિપુલ સંપત્તિ છોડી ગયા. તેમનું નજીકનું કોઈ સગું હતું નહીં, બીજું તેમણે કોઈ વસિયતનામું બનાવ્યું નહોતું. દૂરના સગાં અને અચાનક ઊભા થયેલા સગાંઓ ખોટા અને બનાવટી દસ્તાવેજ વસિયતનામું લઈને સંપત્તિમાં દાવો કરવા માંડ્યા એટલે કાનૂની આંટીઘૂંટીમાં વર્ષો સુધી કેસ ચાલ્યા. અંતિમ વર્ષોમાં તેઓ એકાંતમાં અને અવારનવાર રહેઠાણ બદલીને રહ્યાં.

હાવર્ડ હ્યુજીસનો જન્મ ડિસેમ્બર-1905માં અમેરિકાના ટેક્સાસમાં થયો હતો. તેમનું માઈન્ડ ઈનોવેટિવ નાનપણથી જ હતું. ફક્ત 12 વર્ષની ઉંમરે ઈલેક્ટ્રિક ડોરબેલમાંથી રેડિયો ટ્રાન્સમીટર બનાવીને બધાને ચોંકાવી દીધાં.

બાયસિકલમાં સ્વયં સંચાલિત મોટર બનાવી. 14મા વર્ષે પ્રથમ એરોપ્લેન ફ્લાઈટ બનાવી. યુવાનીમાં પ્રવેશી રહ્યાં હતા ત્યારે 16મા વર્ષે માતાનું મરણ થયું. બે વર્ષ બાદ હાવર્ડ હ્યુજીસના પિતા પણ અવસાન પામ્યા. કૉલેજનું ભણતર અધૂરું છોડીને પિતાના બિઝનેસમાં જોડાયા. નાની ઉંમરે મોટી જવાબદારી આવી ગઈ.

તેમના પિતા સારી સંપત્તિ છોડી ગયા હતા. એટલે આર્થિક મુશ્કેલી આવી નહીં. પિતા ઑઈલ ડ્રિલિંગના કામકાજ સાથે સંકડાયેલા હતા. પિતાએ ઑઈલ ડ્રિલિંગ સરળતાથી થઈ શકે તે માટે નવી મશીનરી ટૅક્નોલૉજી શોધી અને ઓઈલ ઉદ્યોગમાં ક્રાંતિ આવી ગઈ. ઑઈલ શોધવાનું સહેલું અને ઝડપી બન્યું. હાવર્ડ સિનિયરે 1909માં નવી મશીનરી બનાવી. તે અગાઉ ઑઈલ શોધવાનું કામ ઘણું કઠિન હતું. હ્યુજીસ જુનિયરને એન્જિનિયરિંગમાં રસ હતો. બાદમાં તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજી-કેલિફોર્નિયામાં ભણ્યા. ત્યાર બાદ હ્યુસ્ટનમાં રાઈસ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજીમાં ભણ્યા. પિતાના અવસાન બાદ જે ભણતર અધૂરું રહી ગયું હતું તે પૂરું કર્યું.

માત્ર 21 વર્ષની ઉંમરે તેમણે હોલીવુડમાં ઝંપલાવ્યું. અનેક ફિલ્મ બનાવી. મોટા ભાગની ફિલ્મ સફળ રહી. અમુક ફિલ્મ બાદ વિવાદ પણ થયા. હ્યુજીસના જીવનમાં અનેક વાર વિવાદ થયા તે મરણ બાદ પણ વર્ષો સુધી ચાલ્યા. તેમના પિતાએ તેલ-ગૅસ ડ્રિલિંગમાં વપરાતું મશીન બનાવ્યું તેની પેટન્ટ પણ લીધી હતી. તેઓ હ્યુજીસ માટે 8,71000 ડૉલરની સંપત્તિ અને મહત્ત્વની પેટન્ટ છોડી ગયા. આ નાણાંમાંથી તેમણે ફિલ્મ બનાવી.

ફિલ્મમાં આવ્યા તે જ સમયે તેમણે એલા રાઈસ સાથે લગ્ન કર્યા તે વધુ સમય ટક્યા નહીં. ત્રણ જ વર્ષમાં છૂટા પડ્યા. મોટા ભાગના સફળ અને વિશ્ર્વવિખ્યાત બિઝનેસમેન-ઉદ્યોગપતિ લગ્નજીવનમાં નિષ્ફળ ગયા છે એ એક સર્વેનો વિષય છે. ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ્યા ત્યારે તેઓ નાના એપાર્ટમેન્ટમાં ભાડાનાં ઘરમાં એકાંત જીવન ગાળતા હતા. બાદમાં તેમની લાઈફસ્ટાઈલ બદલાય ગઈ અનેક અભિનેત્રીઓ સાથે તેમનું નામ ચર્ચાયું.

હોલીવુડમાં હતા ત્યારે તેમને બીજી લાઈન પકડવાનું સૂઝયું. 23માં વર્ષે પાઈલટ લાયસન્સ મેળવ્યું. 1932માં હ્યુજીસે એરક્રાફ્ટ કંપની શરૂ કરી, જેની ઑફિસ કેલિફોર્નિયામાં હતી.

હાવર્ડ હ્યુજીસ 18મા વર્ષે જ અબજપતિ થઈ ગયો. પિતાની સંપત્તિ અને પોતાની મહેનત અને સાહસથી તેઓએ સારા નાણાં મેળવ્યા. એક કંપનીમાં જે કમાય અને નફો કરે તે બીજી કંપની શરૂ કરવામાં વાપરવા માંડ્યાં, આમ એક પછી એક નવાં સાહસ શરૂ કર્યાં.

પ્રારંભમાં તેમણે મિત્ર વોલ્ટર શાર્પ સાથે મળીને હ્યુજીસ ટૂલ કંપની શરૂ કરી. આ કંપનીની સફળતા બાદ હોલીવુડમાં આવીને ફિલ્મ નિર્માતા બન્યા. હેલ્સ એન્જલ્સ નામની તે સમયની સૌથી ખર્ચાળ/મોંઘી ફિલ્મ બનાવી.

હોલીવુડમાં સફળતા-નામના મેળવ્યા બાદ તેમાં જે સંપત્તિ ઊભી કરી તેમાંથી ઉડ્ડયન ક્ષેત્રે રોકાણ કર્યું.

એવીએશન ક્ષેત્રે હાવર્ડ હ્યુજીસે અનેક રેકોર્ડ કર્યા, જેની અમેરિકા જ નહીં, વિશ્ર્વભરે નોંધ લીધી. 1932થી 1938 ઉડ્ડયન ક્ષેત્રે નવી ઉડાન ભરી તેમાં મુશ્કેલી પણ આવી. એક વખત પ્લેન ક્રેશ થતાં હ્યુજીસ માંડ માંડ બચ્યા ઘણા હાડકાં ભાંગી ગયા. લાંબો સમય ખાટલો થઈ ગયો. જોકે, સાહસિક એવા હ્યુજીસ એક વર્ષ બાદ બેઠા થઈને ફરી ઉડ્ડયન ક્ષેત્રે સક્રિય થયા.

તેમણે પ્લેન ઉડાવવામાં વર્લ્ડ સ્પિડનો રેકોર્ડ કર્યો. બીજા વિશ્ર્વયુદ્ધ વખતે તેમણે મિલિટરી એરક્રાફ્ટ બનાવ્યું. અમેરિકન સરકારનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો. વિશ્ર્વનું સૌથી મોટું પ્લેન બનાવ્યું. વિશ્ર્વયુદ્ધ ધ્યાનમાં લઈને તેમણે મિલિટરી એરક્રાફ્ટ તરફ વધુ ધ્યાન આપ્યું. મિલિટરી એરક્રાફ્ટ બનાવતી વખતે તેઓ વિવાદમાં આવ્યા અને કાનૂની કેસનો પણ સામનો કરવો પડ્યો. તે અગાઉ તેમણે ટ્રાન્સ વર્લ્ડ એરલાઈન્સનો 78 ટકા હિસ્સો ખરીદી લીધો હતો.

અનેક વિવાદ અને કાનૂની કેસની આંટીઘૂંટીમાં અથડાતાં રહ્યાં તેમાં એક તબક્કે તેઓ નર્વસ બ્રેકડાઉનનો ભોગ બન્યા. તેઓ પ્રખ્યાત પબ્લિક ફિગર બની ચૂક્યા હતા. એવીએશન હોલી ફેમ તરીકે ઓળખાવા લાગ્યા. સરકારના લાખો ડૉલરનો ગેરઉપયોગનો આક્ષેપ થતાં યુએસ સેનેટ સામે હાજર થવું પડ્યું હતું. ઉડ્ડયન ક્ષેત્રમાંથી પાછા ફિલ્મલાઈનમાં આવ્યા. આરકેએ સ્ટુડિયો ખરીદ્યો. કંપનીના શેર લીધા બાદ વેચી નાખ્યા. થોડા સમય બાદ ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો. ફિલ્મલાઈનમાં અનેક અભિનેત્રી સાથે તેના સંબંધ હતા તે પૈકી પેટર્સ જીન સાથે 19પ7માં લગ્ન કર્યા જે 14 વર્ષ ટક્યા અને 1971માં છૂટા પડ્યાં. બંને લગ્ન નિષ્ફળ ગયા. તેમનું અંગત અને નજીકનું કોઈ હતું નહીં. ઘણો સમય એકાંતમાં રહ્યાં અને અવારનવાર રહેઠાણ બદલતા ગયા. તેમનું પ્રથમ સાહસ હ્યુજીસ ટૂલ કંપની વેચી નાખી. એરક્રાફ્ટ ક્ષેત્રે જે કમાયા હતા તેનું રોકાણ હાવર્ડ હ્યુજીસ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ ઊભી કરવામાં કર્યું.

ત્યાર બાદ તેમણે હૉટેલ, કેસીનો, ગોલ્ફ કોર્સ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કર્યું અને અઢળક નાણાં કમાયા. લાસવેગાસમાં રિસોર્ટ કેસીનો ખરીદ્યો. આ શહેરની ઈમેજ બદલી નાખી. લાસવેગાસના વિકાસમાં તેમનું યોગદાન મોટું છે. અમેરિકાના તે સમયનાં પ્રમુખ રિચાર્ડ નિકશનના પ્રયાસમાં હ્યુજીસ સક્રિય રહ્યાં હતા. ગુપ્ત મદદ પણ કરી હતી. નિકસનના ભાઈને કરોડો ડૉલરની લોન આપી હતી. રિચાર્ડ નિકસન પ્રમુખપદે આવી ગયા અને હાવર્ડ હ્યુજીસનો દબદબો પણ વધ્યો હતો. જોકે, વોટરગેટ કૌભાંડમાં ખુદ નિકસન ફસાયા હતા.

નિક્સનની જેમ હાવર્ડ હ્યુજીસ પણ વિવાદના પર્યાય બની ગયા હતા. તેમણે અંતિમ વર્ષોમાં અગાઉના સાહસ અને કંપનીને વેચવાની શરૂઆત કરી દીધી હતી. ટ્રાન્સ-વર્લ્ડ એરલાઈનના શેર વેચી નાખ્યા હતા.

વિભિન્ન ચેરિટેબલ ઑર્ગેનાઈઝેશનને 1.પ6 અબજ ડૉલર્સનું દાન કર્યું. હાવર્ડ હ્યુજીસ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટને 6250 લાખ ડૉલર આપ્યા. ત્યાર બાદ પણ ઘણી સંપત્તિ છોડી ગયા જેનો કાનૂની વારસદાર કોઈ નહોતો. અંતિમ વર્ષોમાં તેઓ ઘર બદલતાં રહ્યાં. નિકારાગુઆ, કૅનેડા, ઈંગ્લેન્ડ, લાસવેગાસ, મેક્સિકો એમ અલગ દેશ અને શહેરમાં ફરતાં રહ્યા.

1976માં કિડની ફેઈલ થતાં તેમનું મરણ થયું. જીવતાં હતા ત્યારે અનેક વાદ-વિવાદનો સામનો કરતાં રહ્યાં. તેમના મરણ બાદ પણ ઘણાં વર્ષ સુધી વિવાદમાં રહ્યાં, પરંતુ આ વખતે તેમની સંપત્તિના કારણે ચર્ચામાં રહ્યાં. તેમની નજીકના અને અંગત કહી શકાય એવા કોઈ સગાં નહોતા તેથી દૂરના સગાં-મિત્રો તેમની સંપત્તિ લેવા કુદી પડ્યા. તેમાં અનેક કેશ કોર્ટમાં ચાલ્યા.

3.8 અબજ ડૉલરની સંપત્તિ કોને આપવી તે વિશે મોટો પ્રશ્ર્ન ઊભો થયો હતો. નજીકનું કોઈ હતું નહીં. બંને પત્ની સાથે છૂટાછેડા થયા હતા. બહેન હતી પણ તેની સાથે કોઈ સંબંધ હતો નહીં. સામાવાળાઓએ બૅન્કો, વકીલ, તેના કર્મચારીઓ, દૂરના સગાં-કઝીનનો સંપર્ક કરીને સંપત્તિ નિકાલનો પ્રયાસ વર્ષો સુધી કર્યો.

અનેક લોકોએ ખોટા-બનાવટી વસિયતનામા અને દસ્તાવેજ લઈને આવીને તેમની સંપત્તિ હડપ કરવાના પ્રયાસ કર્યાં. અમુક લોકો ગેરલાભ પણ લઈ ગયા. વસિયતનામું-વિલ સમયસર અને શરીરની સ્થિતિ જોઈને વેળાસર બનાવી લેવું જોઈએ તે શીખ આ કેસમાંથી મળે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

26k43855
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com