Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
જર્મનીમાં ઘડાયો, જર્મનીનો જ ઘડોલાડવો કરાવ્યો
સાઉથ કોરિયાનો પચીસ વર્ષીય ખેલાડી ફૂટબૉલની કરામતો જર્મનીમાં શીખેલો અને તાજેતરમાં એ જ દેશની ટીમને તેણે વર્લ્ડ કપની બહાર ફેંકાવી દીધી

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલાટબૉલજગતમાં મીડિયાએ સુપરસ્ટાર ખેલાડીઓ લિયોનેલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેયમાર વિશે અઢળક લખ્યું છે અને મોટા ભાગના સૉકરપ્રેમીઓ આ ત્રણ સિતારાઓ વિશે ઘણુંબધું જાણતા હશે, પરંતુ ‘એશિયન સુપરસ્ટાર’ તરીકે ઓળખાતા સૉન હૂન્ગ-મીન વિશેની બહુ ઓછી જાણકારી ફૂટબૉલરસિકો સુધી પહોંચાડવામાં આવી હોય એવું લાગે છે. તાજેતરમાં ફિફા વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન જર્મનીને સ્પર્ધાની બહાર કરાવવામાં સૉન હૂન્ગે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એટલે આ મશહૂર ખેલાડી વિશે ઘણું કહેવાનો અવસર મળ્યો છે.

બુધવાર, 27મી જૂને રશિયાના વર્લ્ડ કપમાં જર્મની સામેની સાઉથ કોરિયાની જીતમાં ‘7’ નંબરની જર્સી પહેરીને રમેલો સૉન હૂન્ગ-મીન ચાવીરૂપ હતો. ગોલપોસ્ટ પર તેના પાંચ શૉટ હતા જેમાંથી એક શૉટ ગોલમાં પરિવર્તિત થયો હતો. ટૂંકમાં, તે આખી મૅચમાં જર્મનીની ટીમ પર હાવી થયો હતો. જર્મનીએ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા સાઉથ કોરિયા સામે 2-0થી જીતવાનું હતું, પરંતુ એના બદલે જર્મનીનો 0-2થી નાલેશીભર્યો પરાભવ થયો હતો. મૅચના ફુલ-ટાઇમ (90 મિનિટ) સુધી બન્ને દેશ 0-0થી બરાબરીમાં હતા, પરંતુ ઇન્જરી-ટાઇમ શરૂ થતાં અને જર્મન ટીમની સંરક્ષક-દીવાલ નબળી પડતાં 93મી મિનિટમાં સાઉથ કોરિયાના કિમ યંગ-ગ્વોને અને પછી 96મી મિનિટમાં સૉન હૂન્ગ-મીને ગોલ કરીને જર્મનીની આશા પર સાવ પાણી ફેરવી દીધું હતું.

સાઉથ કોરિયાની આ ઐતિહાસિક જીત હતી, પરંતુ ‘એશિયન કિંગ’ તથા વિશ્ર્વમાં 57મી રૅન્ક ધરાવતા સાઉથ કોરિયા સામેના પરાજયને લીધે ગયા વખતના વર્લ્ડ ચૅમ્પિયન અને વર્તમાન વર્લ્ડ નંબર વન જર્મનીનું નાક જ કપાઈ ગયું હતું. મેદાન પર ત્યારે જર્મન ખેલાડીઓ હતાશામાં ડૂબી ગયા હતા (જેમાંના કેટલાક રડી પડ્યા હતા), જર્મન-તરફી પ્રેક્ષકો પણ વેદના રોકી શક્યા નહોતા. અનેક સૉકર-લવર્સ રડી રહ્યા હોય અથવા આઘાતગ્રસ્ત હોય એવી તસવીરો અખબારો અને વેબસાઇટો પર જોવા મળી હતી. જર્મન પ્લેયરોએ ગુરુવારે સ્વદેશ પાછા આવ્યા બાદ ઍરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના દેશની જનતાની ‘માફી’ માગી હતી. જર્મન મીડિયાએ પોતાની ટીમની ખૂબ ટીકા કરી હતી. એટલું જ નહીં, બ્રિટિશ મીડિયાએ પણ જર્મન ખેલાડીઓને વખોડવા કોઈ કસર નહોતી છોડી.

જર્મન ટીમને વિશ્ર્વકપની બહાર કરાવનાર સૉન હૂન્ગ-મીનની વાત પર ફરી આવી જઈએ. ખરેખર તો તે 2008થી 2015ની સાલ દરમિયાન (16થી 23 વર્ષની વય સુધી) ફૂટબૉલર તરીકે જર્મનીમાં ઘડાયો હતો. પહેલાં તે 2008થી 2013 સુધી જર્મનીની હૅમ્બર્ગર એસવી ક્લબ વતી અને પછી 2015 સુધી એ જ દેશની બાયર લીવરકુસેન ક્લબ વતી રમ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય મૅચોમાં પગથી કરામત બતાવી રહ્યો છે એના મોટા ભાગના દાવપેચ જર્મનીમાં જ શીખ્યો હતો.

સૉન હૂન્ગ વિશે હવે થોડું અંગત જાણીએ. તેના કરતાં તેની ઍક્ટ્રેસ-પ્રેમિકા યૂ સૉ યંગ ઉંમરમાં 6 વર્ષ મોટી છે. સૉન 25 વર્ષનો અને યૂ સૉ યંગ 31 વર્ષની છે. જોકે, થોડા સમયથી સૉન અને યૂ યંગ વચ્ચે બહુ કંઈ સંભળાતું નથી એટલે માની શકાય કે સૉનનું ભૂતપૂર્વ પૉપ સિંગર-પ્રેમિકા બૅન્ગ મિનાહની જેમ યૂ યંગ સાથે પણ બ્રેક-અપ થઈ ગયું છે.

સૉન પચીસ વર્ષનો છે. સાઉથ કોરિયામાં દરેક વ્યક્તિએ 28 વર્ષની ઉંમર પહેલાં 21 મહિનાની લશ્કરી તાલીમ ફરજિયાત લેવી પડે છે. જો કોઈ ઍથ્લેટ કે સ્પોર્ટ્સમૅન ઑલિમ્પિક્સનું કોઈ મેડલ કે એશિયન ગેમ્સનું ગોલ્ડ મેડલ જીતે તો તેને આ ફરજિયાત તાલીમમાંથી મુક્તિ આપવામાં આવે છે. જોકે, તેણે ચાર અઠવાડિયાની પાયારૂપ લશ્કરી તાલીમ લેવી જ પડે છે. સાઉથ કોરિયાની ટીમ 2016ની રિયો ઑલિમ્પિક્સમાં હૉન્ડુરસ સામેની ક્વૉર્ટર ફાઇનલ હારી જતાં સૉને એમાં મેડલ જીતવાની તક અને લશ્કરી તાલીમમાંથી મુક્તિ મેળવવાની તક ગુમાવી હતી. ત્યાર પછી તેણે એ ટ્રેઇનિંગ પૂરી નથી કરી. હવે તેને એમાંથી મુક્તિ મેળવવા છેલ્લી તક છે. આગામી ઑગસ્ટમાં એશિયન ગેમ્સ રમાશે જેમાં જો સૉન ફૂટબૉલનો ટીમ-ગોલ્ડ મેડલ જીતશે તો તેણે મિલિટરી ટ્રેઇનિંગ નહીં લેવી પડે. જોકે, તાલીમ લેવાનો વખત આવશે તો પણ તે સાઉથ કોરિયાનો સૉલ્જર નહી બને, કારણકે એવા તાલીમાર્થીઓ લશ્કરની ટીમ વતી રમતા હોય છે.

----------------------------------------

એશિયાનો સર્વશ્રેષ્ઠ અને સૌથી મોંઘો ફૂટબૉલર

સૉન હૂન્ગ-મીન એશિયાનો સૌથી મોંઘો ફૂટબૉલર ગણાય છે. વર્તમાન વર્લ્ડ કપ અગાઉ થોડા મહિના પૂર્વે બ્રિટનની ટૉટનહૅમ ક્લબ દ્વારા 3 કરોડ યુરો (2.40 અબજ રૂપિયા)માં ખરીદવામાં આવ્યો હતો. એ સાથે તે એશિયાનો સૌથી મોંઘો ફૂટબૉલર પણ બન્યો હતો.

વિશ્ર્વભરની ટોચની ફૂટબૉલ ક્લબો વચ્ચે દર વર્ષે રમાતી પ્રીમિયર લીગની ટ્રોફી જીતનારો સૉન પ્રથમ ખેલાડી છે.

‘કોરિયાનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો’

સૉન હૂન્ગ-મીન કોરિયાના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તરીકે ઓળખાય છે. એશિયામાં ભારત અને ચીન તેમ જ જાપાન સહિતના અનેક દેશોની ટીમોમાં સૉન જેવો ટૅલન્ટેડ અને સક્ષમ ફૂટબૉલર બીજો કોઈ નથી, એવું ઘણા સૉકર-નિષ્ણાતોનું માનવું છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1Ek36a4P
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com