Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
મક્કમ મનોબળની માલિક
બે દીકરીઓને ઉછેરવા સહિતની ગૃહિણી તરીકેની સર્વ જવાબદારીઓ સંભાળવાની સાથે લકપા શેરપા વધુ એક વખત એવરેસ્ટ સર કરવા થનગની રહી છે

કવર સ્ટોરી-હેમંત વૈદ્યસમય છે સવારના છ. ઍલાર્મવાળી ઘડિયાળ કે બીજી કોઈ પણ મદદ વિના 44 વર્ષનાં લકપા શેરપાની આંખો આપમેળે ઊઘડી જાય છે. ઊઠીને તરત કામે લાગી જાય છે. પહેલું અને મહત્ત્વનું કામ છે બે દીકરીઓને જગાડવાનું. શ્રીમતી લકમા બે દીકરીઓની જનેતા છે. એક છે 11 વર્ષની શાઈની અને બીજી છે 16 વર્ષની સની. ના, આ બે દીકરીઓ ઘરકામમાં મદદરૂપ થવા લાગે એ માટે માતા તેમને વહેલી જગાડી નથી રહી. બલકે શાળાએ મોકલવાની હોવાથી તેમને તૈયાર થવામાં મદદરૂપ થાય છે. સંજોગોને કારણે પોતે ભણતરથી વંચિત ભલે રહી ગઈ, પણ એનું પુનરાવર્તન દીકરીઓની બાબતમાં ન થાય એની તકેદારી તેઓ સતત રાખી રહ્યા છે. પુત્રીઓ ભણે છે એ જગ્યા ઘરથી થોડી દૂર હોવાથી મા બેઉંને લઈને ચાલતા ચાલતા શાળાએ મૂકવા જાય છે. ઘરમાં નાનકડું વાહન છે ખરું, પણ શ્રીમતી લકપાને ડ્રાઈવિંગ ન આવડતું હોવાથી પગપાળા જવા સિવાય બીજો કોઈ પર્યાય પણ નથી. વાત આટલે પૂરી નથી થઇ જતી. સંતાનોને શાળાએ હેમખેમ પહોંચાડીને માતુશ્રી સીધા નોકરીએ ઊપડે છે. નોકરીનું સ્થળ શાળાથી સવા ત્રણ કિલોમીટરના અંતરે છે. આ અંતર પણ ગૃહિણી પગપાળા કાપીને પૂરું કરે છે. આટલે દૂર પહોંચ્યા પછી પણ કંઈ આરામની નોકરી તો નથી જ, ઊલટાની પરસેવો પાડવો પડે એવી આકરી મહેનત કરવાની છે. કામ શું કરવાનું છે એ જાણશો તો ‘માં તુઝે સલામ’ એ ઉદગારો સહજભાવે મોઢામાંથી સરી પડશે. સવા ત્રણ કિલોમીટર ચાલ્યા પછી 44 વર્ષનાં આ ગૃહિણી ડિશ ધોવાના કામે લાગી જાય છે. આ કામ પૂરું થયા પછી ગંદકી અને એઠવાડ સાફ કરવાની જવાબદારી પણ તેમના શિરે છે જ. આ બધા કામ તેમનું શરીર થાક્યા વિના અને ફરિયાદ કર્યા વિના સતત કરતું રહે છે. બીજી તરફ તેમના મનમાં સપનાની ઇમારતનું ચણતર થઇ રહ્યું છે. આઠ વખત સર્વોચ્ચ શિખર એવરેસ્ટ સર કરવાના પોતાના જ વિશ્ર્વ વિક્રમને તોડવાની ઇચ્છાએ આકાર લીધો છે. ઉપર જે જવાબદારીઓ જણાવી એ જાણ્યા પછી આ હોંશીલી માતા પાસે એવરેસ્ટ ચડવા માટે ટ્રેઇનિંગનો સમય તો ક્યાંથી બચે એ તો તમે સમજી જ ગયા હશો. જોકે, માતાનું મન મક્કમ છે અને નવમી વખત શિખર સર કરવાની તમન્ના બળવત્તર છે.

લકમા શેરપા પાસે ભણતર નથી, પણ ગણતર છે, સમજણ છે. તેમની વાતો પરથી એટલું જરૂર સિદ્ધ થાય છે કે સમજણ કેળવાય એ માટે ભણતર હોવું જ જોઈએ એ જરૂરી નથી હોતું. એવરેસ્ટ સર કરવા નીકળવું એ જાણે કે શ્રીમતી શેરપા માટે વાર્ષિક કાર્યક્રમ થઇ ગયો છે. ‘મારું શરીર લાંબી મજલ કાપીને ઊંચાઈ સર કરવા માટે ટેવાઈ ગયું છે,’ માતુશ્રી જણાવે છે, ‘સાચું કહું તો મારું શરીર કમ્પ્યુટરની જેમ કામ કરે છે. ઊંચાઈએ જવા નીકળું એટલે મારું શરીર બદલાતા વાતાવરણને અનુકૂળ થવા લાગે છે. ઊંચાઈએ પહોંચું એની પણ જાણે શરીરને જાણ થઇ જતી હોય એ પ્રમાણે એડજસ્ટ થઇ જાય છે.’

સરળ અને સાદું જીવન જીવી રહેલાં લકમા શેરપાની અદભુત કહી શકાય એવી સિદ્ધિઓ જનમાનસમાં ઓછી જાણીતી છે. તેઓ પ્રસિદ્ધિથી દૂર રહે છે. જોકે, ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેમની નોંધ લેવામાં આવી છે. મજાની વાત તો એ છે કે એવરેસ્ટ સર કરવો એ પરિવાર પ્રેમ છે, કારણ કે તેમની બહેન અને ભાઈએ પણ આ સિદ્ધિ ભૂતકાળમાં મેળવી છે. નાની બહેન મિંગ્માએ 2003માં પહેલી વાર એવરેસ્ટ સર કર્યું ત્યારે તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી. એ સમયની નોંધ પ્રમાણે આટલી નાની ઉંમરે એવરેસ્ટ સર કર્યાનો એ પહેલો પ્રસંગ હતો. રસપ્રદ વાત તો એ છે કે એ વખતે બહેન લકપા અને ભાઈ ગેલુ પણ સાથે હતા. ત્રણ ભાઈ-ભાંડુઓ સાથે અને એક જ સમયે શિખરની બુલંદીએ પહોંચ્યા હોય એવો એ પહેલો પ્રસંગ હતો. ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ એની નોંધ છે. લકમાજીના ભાઈ મિંગ્મા ગેલુ શેરપાએ 2016 સુધીમાં આઠ વખત એવરેસ્ટનું શિખર સર કર્યું હોવાની સત્તાવાર માહિતી છે. આમ લકમાજીની સિદ્ધિઓ પર્વતારોહણ પ્રેમીઓમાં જાણીતી છે. અત્યારે તેઓ ભૂતપૂર્વ પતિ સાથે એક નાનકડા ગામમાં રહે છે.

લકપાને સપનાં જોવાની તો નાનપણથી જ આદત પડી ગઈ હતી. અન્ય બાળકોને શાળાએ જતા જોઈને કુમળી વયે જ ભણતર પ્રત્યે લગાવ થઇ ગયો હોવાથી તેમની મનોકામના ડૉક્ટર અથવા પાઇલટ થવાની હતી. જોકે, પરિવારની વિચારધારા આડી આવી. શેરપા કોમમાં તેમનો ઉછેર ચાર ભાઈઓ અને સાત બહેનોના બહોળા પરિવારમાં થયો હતો. જોકે, નાનકડી લકમાને શાળામાં ભણવાની છૂટ નહોતી આપવામાં આવી. એટલે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વિના ઉછેર થયો હોવાને કારણે યુવાન વયે કામ કરવા નીકળ્યા પછી લોકોના ઘરકામની કે અત્યારે કરે છે એ ફૂડ કંપનીમાં સફાઈ કામગાર જેવી નોકરીઓ જ તેમને કરવી પડી છે. જોકે પ્રતિકૂળતા સામે ઝઝૂમીને આગળ વધવું એ જાણે તેમના જીવનનો નિત્યકર્મ બની ગયો છે. શેરપા પરિવારની ક્ધયાઓને પર્વતારોહણ વિષે બહુ ઉત્તેજન નથી અપાતું. તેમને એનાથી દૂર રાખવાની કોશિશ કરવામાં આવે છે. લકમા નાનપણથી એક છોકરાની જેમ વધુ ઉછરી છે અને એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પર્વતારોહકનો માલસામાન લઇ જવામાં મદદરૂપ થવામાં એમને આનંદ આવતો હતો. 1993માં એવરેસ્ટ સર કરનારી પ્રથમ નેપાળી મહિલાનું સન્માન મેળવ્યા પછી નીચે ઊતરતી વખતે પસાંગ લહામું શેરપાનું અવસાન થતાં લકમા માટે પર્વતારોહક બનવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. જોકે, 2000ની સાલમાં લકમાજીને તક મળી ખરી. નેપાળ સરકાર પાસેથી પરમિટ મેળવવામાં સફળ રહેલી મહિલા પર્વતારોહકની ટીમમાં તેઓ જોડાઈ ગયાં હતાં. ટોચ પર પહોંચીને હેમખેમ પાછા ફરેલા તેઓ પ્રથમ નેપાળી મહિલા બન્યાં હતાં. લકમાજીએ પ્રથમ સિદ્ધિ 18મે, 2000ના દિવસે મેળવી હતી. ત્યાર બાદ 2001, 2003, 2004, 2005 અને 2006માં તેમની વિરલ સિદ્ધિઓનું પુનરાવર્તન થયું હતું. 2006 પછી એક મોટો ગેપ આવી ગયો. કદાચ દીકરીઓના ઉછેરને પ્રાધાન્ય આપવું હશે એટલે વિશ્રાંતિ લીધી હશે. બરાબર 10 વર્ષ પછી 2016માં તેમણે સાતમી વખત સોનેરી સિદ્ધિ મેળવી અને સાથે આંકડો આઠ પર પહોંચ્યો છે. જોઈએ નવમી વારનો પ્રયત્ન કેવો રહે છે. લકમા સાથે 2004માં એવરેસ્ટની ઊંચાઈએ પહોંચવામાં સફળ રહેલી ઍન નામની યુવતીના કહેવા પ્રમાણે લકમાની શારીરિક અને માનસિક મજબૂતી વખાણવાલાયક છે. લકમાજી પોતે પણ ગર્વ અનુભવે છે અને કહે છે કે ‘પુરુષ કરે એવાં ઘણા વિકટ કાર્યો મહિલા પણ સફળતાપૂર્વક કરી શકે છે. એવરેસ્ટના શિખર પર વાવટો લહેરાવવો આ માત્ર પુરુષનો જ ઈજારો નથી. મહિલાઓને માનસિક બળ મળતું રહે એ માટે હું વધુ ને વધુ વાર શિખર સર કરવાની ઈચ્છા રાખું છું.’ ગુડ લક, શ્રીમતી લકમા શેરપા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

206f16V
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com