Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ચોરી કરવી એ ગુનો નથી પણ ચોરી કરતાં પકડાઈ જવું એ ગુનો છે

વાહ જનાબ!-મયૂર ચૌહાણચોરી કરતા સમયે આંખો ઝીણી થાય છે. જેનાથી એકાગ્રતામાં વધારો થાય છે. શિસ્ત, ચપળતા અને ધ્યાન કરવું પડે છે. જો ચોરી કરતા ન પકડાઇએ તો કદાચ રો જેવી ગુપ્તચર સંસ્થામાં નોકરી મળી જાય છે. આ સમયે પ્રથમવાર કોઇ છોકરો છોકરીના મુખને નહીં પણ તેના પેપરમાં લખેલા સુખ જેવા નાના અક્ષરોને તાકતો હોય છે. આ સમયે નિરીક્ષક તમારી બાજુમાંથી પસાર થાય તો તમે ટટ્ટાર બેસતા થઇ જાવ છો. અને જો ત્રણ કલાક સુધી તમારી બાજુમાંથી હટે નહીં તો સમજવું કે, વાંકી કમર રાખી બેસવાની તમારી આદતથી આજ છુટકારો મળવાનો છે. જેનાથી શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. ચોરી કરવી હોય ત્યારે જ કોઇ કડક માસ્તર આવી જાય ત્યારે ઠોઠ વિદ્યાર્થીને વારંવાર પાણીની તરસ લાગે છે. જે તેના આરોગ્ય માટે હિતાવહ છે. પેપરમાં કંઇ ન આવડતું હોય તો દીવાલ પર ટાંગેલી ઘડિયાળને તમે તાક્યા કરો છો. જેને શાસ્ત્રોમાં ઘુવડ નિરીક્ષણ કહેવામાં આવે છે. જેના કારણે આંખોની રેટિના મજબૂત થાય છે. પરિપક્વ બને છે. અને આગામી પરીક્ષાઓમાં કેવી રીતે સફળતા મેળવવી તેના બંધ રહેલા બારણા આપોઆપ ખુલી જાય છે. જો નાપાસ થયા તો એ જ સાહેબની સામે સિફતપૂર્વક ચોરી કેવી રીતે કરવી તે આગામી પરીક્ષામાં તમે શીખી શકો છો. ગમે એમ તો પણ અનુભવને !! તો આ હતા પરીક્ષામાં ચોરી કરવાના ફાયદા.

બોર્ડના રિઝલ્ટ આવતા શ્ર્વાસ અદ્ધર થઇ જાય. સારું છે પાસ વિદ્યાર્થીઓના જ નામ આપવામાં આવે છે, નાપાસના નહીં, બાકી મારું નામ પ્રથમ પંક્તિમાં હોય.

‘બોર્ડની પરીક્ષા પાસ કર્યે તો વર્ષોના વહાણ વીતી ગયા. તો પણ છાપું હાથમાં લઉં તો પાસ વિદ્યાર્થીઓમાં ભૂલથી આપણો ફોટો નથી છાપી દીધોને તે વ્યાકુળતા મગજ પર સવાર રહે. પણ પરીક્ષામાં જો કોઇ વસ્તુ આકર્ષિત કરતી હોય તો તે છે ચોરી. પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા મારા પિતાજીએ વિદ્યાર્થીઓના ખરાબ અભ્યાસને લઇ એક સ્લોગન આપેલું. રિક્ષા રૂપી પરીક્ષા આવી રહી છે, જો અભ્યાસ રૂપી બ્રેક નહીં મારવામાં આવે તો નાપાસ રૂપી અકસ્માત સર્જાશે.’

મારા પિતાજી અનુ-આધુનિક કવિઓમાંથી એક છે, કોઇવાર નવરા બેઠા આવા જોડકણા બનાવતા હોય છે. આટલું લબ્ધપ્રતિષ્ઠિત જોડકું આપ્યા છતાં તેમના વર્ગખંડમાંથી કોઈ છોકરો પાસ નહોતો થયો. કહેવાય કે પાસ થવું એ એક કળા છે, તો નાપાસ થવું એ ૬૫મી કળા છે.

‘પણ નાપાસ થવાની અને તૈયારી ન હોવાની બીકે વિદ્યાર્થીઓ ચોરીનો આસરો લેતા હોય છે અને ચોરી કરે તે પહેલા જ સાહેબ પોલીસ ઈન્સ્પેક્ટરની માફક બોલી દે,ચોરી કરવી એ ગુનો નથી પણ ચોરી કરતા પકડાય જવું એ ગુનો છે.’

અમારા એક સાહેબને આદત હતી. તેઓ જ્યારે પણ પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓના વર્ગખંડમાં જાય તો ‘સૌથી પહેલા પોતાનું પ્રિય વાક્ય બોલે,મને પોલીસમાં નોકરી મળતી હતી, પણ આખરે મારા લલાટે વિદ્યાદાન દેવાનું લખાયું.’ એટલે પોલીસનું બોલી તેઓ વિદ્યાર્થી ચોરી કરતા પકડાશે તો તેમના કેવા હાલ હવાલા થશે તેની પૂર્વભૂમિકા બાંધી દેતા.

વર્ષો સુધી આ વાક્યનો પ્રયોગ કરી તેઓ પરીક્ષામાં ચોરી અટકાવવામાં સફળ થયા હતા. પણ કહેવાનું મન થાય કે પેઢી બદલે તેમ નવા વિદ્યાર્થીઓ આવે. અને તે કંઇ સીધા ન હોય. ઉનાળાની પરીક્ષા દરમિયાન તેમની એન્ટ્રી થઇ. આ વાક્યને ફરી બોલ્યા અને એક વિદ્યાર્થીએ આંગળી ઊંચી કરી.

શું છે બોલ?’ સાહેબ માટે આ નવું હતું, પણ જાણ્યાં જેવુ પણ હતું.

‘છોકરો બોલ્યો,મારા ત્રણ ભાઇઓ અહીં ભણીને ગયા તેમને તમે પરીક્ષા સમયે આ જ વાક્ય કહેતા. બિચારા ચોરી ન કરતા અને નાપાસ થતા, પણ મારું એવું માનવું છે કે, તમારે પોલીસમાં જ જવાની જરૂર હતી. ત્યાં તમે કંઇક અલગ વિધાન બોલેત તો અભણ ગુનેગારો ભણવા માંડેત.’ સાહેબ જડ બની ગયેલા.

પ્રાથમિક શાળાની પરીક્ષાઓમાં ચોરી કરવાની મઝા જ અનેરી છે. આજે ક્યું પેપર હોય તેની વિદ્યાર્થી વર્ગખંડમાં પ્રવેશ કરે પછી ખબર પડે. ગણિતમાં ગુજરાતીની તૈયારી કરી હોય અને ગુજરાતીમાં હિન્દીની તૈયારી કરીને આવ્યો હોય. પછી ખબર પડે કે, ગણિત સિવાય આપણે બધામાં ફેઈલ છીએ. મારા ખાનદાનનો તો રિવાજ રહ્યો છે. ગણિત સિવાય બધામાં પાસ થવું. એટલે જ અમારા ખાનદાનમાં દૂર દૂર સુધી કોઈ ડોક્ટર કે એન્જિનિયર નથી.

કૉલેજકાળમાં વિદ્યાર્થીઓના નંબર આડેધડ આવે. સમાજશાસ્ત્રની બાજુમાં ઇતિહાસના ચાર વિદ્યાર્થીઓ એટલે ચોરી કરવાની કોઇ ગુંજાઈશ નહીં. તો પણ ચોરી કરવી એ તો અમારો પ્રાથમિક અધિકાર છે. અને વિદ્યાર્થીઓ પણ મુર્ખશિરોમણી. કલાક પછી ઇતિહાસનો વિદ્યાર્થી સપ્લિમેન્ટ્રી માગે એટલે સમાજશાસ્ત્રના વિદ્યાર્થીને જોશ ચઢે. ગેલમાં આવે. સમાજના વિદ્યાર્થી પાસેથી તેની મેઇન સપ્લિ માગી લખવા માંડે ઉર્ફે ચોરી કરવા માંડે.

‘સાહેબ પકડે એટલે વિદ્યાર્થી બચાવપ્રયુક્તિ કરે,સાહેબ હું સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી છું, આજુબાજુ ઈતિહાસના વિદ્યાર્થીઓ છે, ચોરી સંભવ નથી.’

‘હા, એ બરાબર પરંતુ સમાજશાસ્ત્રમાં ઇતિહાસની ઇસ્વીસન લખવાથી પણ કંઇ ફાયદો નહીં થાય.’

‘પણ સાહેબ તમે જ કહેલું કે, પેપરમાં ગમે તે લખજો પાસ કરી દેશું, સમાજશાસ્ત્રનું નહીં તો ઇતિહાસનું તો લખવા દો.’

‘એ અસંભવ છે, પણ હા, બીજા વિષયનું પેપર લઇ ચોરી કરનારો તું પ્રથમ વિદ્યાર્થી બન્યો છો. આ માટે હું ગિનીસ બુકને અચુક જાણ કરીશ.’

દુનિયામાં નેનો ટેકનોલોજી ત્યારે આવી જ્યારે કોઈ છોકરીએ ચોરી કરવા માટે પોતાના નખમાં પ્રશ્ર્નોના જવાબ લખ્યા. બાકી નેનો ટેકનોલોજીનો ખ્યાલ કેવી રીતે આવી શકેત? આ સિવાય ચોરી કરવા માટેની એ અફલાતૂન જગ્યાઓ, પેન્ટની અંદર ચોપડી સંતાડવી! હાથમાં લખીને જવું. બેન્ચ પર લખવું.

‘એક વિદ્યાર્થીએ તો પરીક્ષાના આગલા દિવસે બેન્ચ પર લખેલું તો બીજા દિવસે બેન્ચ બદલી ગઇ. જ્યારે બેન્ચ શા માટે બદલાય આ સાહેબને પૂછ્યું તો તેમણે કહ્યું,અમેરિકાથી સ્કૂલ જોવા એક ટીમ આવી હતી. આ બેન્ચ જોઇ તેમને સમ્રાટ અશોકનો શિલાલેખ યાદ આવી ગયો. જે બ્રામ્હી લિપિ અને માગધી ભાષામાં લખાયેલો છે. એટલે ઉપાડી ગયા. હવે ત્યાં જઇ સંશોધન કરશે.’

‘પણ એ તો મારા અક્ષર હતા.’ અને એ રડમસ બની ગયો.

‘તો તો વધુ સારું નવો અશોક આપણી સ્કૂલનો હશે.’ તે વિદ્યાર્થીનું નામ પણ અશોક સરિયા જ હતું.

અમારા સૌરાષ્ટ્રમાં એવું કે જોઈ જોઇને પેપર લખવા દે તો પણ નાપાસ થાય.

યુનિવર્સિટી કક્ષાએ તત્ત્વજ્ઞાનનું પેપર હતું. બજારમાં તત્ત્વજ્ઞાન બાબતે મંદી ચાલે. કોઈ ચોપડી નહીં, આમ છતાં આપણા ચિંતકો આટલું બધુ ક્યાંથી લખે છે, તેની ખબર નથી પડતી. પરંતુ તત્ત્વજ્ઞાનના પેપરમાં પરાપૂર્વોથી ચાલ્યો આવતો લીથો બે વિદ્યાર્થી પાસે હતો. યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાન વિષય રાખી ભણનારા આ બે જ ભડવીર હતા.

લીથો લઇ અંદર ગયા. યુનિવર્સિટીમાં તો બે પેપરમાંથી તમારે એકની પસંદગી કરવાની હોય. ફોર્મ ભરતી વખતે સિલેક્શન કરવાનું હોય. સાહેબે આવી પહેલું પેપર આપ્યું. વિદ્યાર્થીઓએ લીથો જોઇ સરખાવ્યું તો પેપરના એક પણ પ્રશ્ર્નોના જવાબ લીથામાં નહોતા. આ અમારું પેપર નથી આમ કહી બીજું પેપર માગ્યું. સાહેબે બીજું પેપર આપ્યું તો એના પ્રશ્ર્નોના જવાબ પણ લીથા સાથે મેચ નહોતા થાતા, સાહેબ આ પણ અમારું પેપર નથી.

‘સાહેબે કહ્યું,હવે લખવા માંડો. ભગવાન ભલું કરે.’

લીથામાંથી લખવા માંડ્યા. આખું પેપર પૂરું થયું પછી ઘેર ગયા ત્યારે ખબર પડી કે, જે પેપરનો લીથો લઇ ગયા તે તો આવતીકાલના પેપરનો છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4188aQn4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com