Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
લખવું, રચવું, વિચારવું, તડપવું, ખરજવું... વગેરે વગેરે

અંદાઝે બયાં-સંજય છેલટાઇટલ્સ : લેખક તરીકે મને વેશ્યાલયની નોકરી ફાવી. દિવસે શાંતિમાં લખાય અને રાત્રે પાત્રોને મળાય! - (વિલીયમ ફોકનર)

એક જાણીતા લેખકને પત્રકારે પૂછ્યું, ‘તમે લખો ક્યારે? કોઈ ચોક્કસ સમય કે મૂડ? તમારું લખવાનું શિડ્યુલ શું હોય?’ લેખકે સમજાવ્યું, ‘જુઓ હું સવારે આઠ વાગે ઊઠું. એક કલાક વોક લેવા જઉ. પછી ઘરે આવીને એક-બે કલાક છાપા વાંચું. જગતમાં શું ચાલે છે એની લેખક તરીકે ખબર તો હોવી જોઈએને? પછી નહાઈ ધોઈને નાસ્તો કરું. પછી કોઈ લેખકની નવી બુક બહાર પડી હોય તો એને બે-ત્રણ કલાક વાંચું. ત્યાં સુધી લંચનો સમય થઈ જાય એટલે લંચ લઉં. હવે આટઆટલું કામ કર્યા પછી માણસ એકાદ કલાક ઊંઘેને? એટલે ત્રણ-ચાર વાગ્યા સુધી આરામ કરું. એનાથી અજાગ્રત મનમાં ક્રિએટીવ વિચારો આવે જે લખવામાં મદદરૂપ થાય. પછી ચાર વાગે ફોન કરવાનાં, પબ્લિશરને મળવાનું, પત્રો-ઈમેઈલનાં જવાબ આપવાનાં. સાંજે બે-ત્રણ મુલાકાતીઓ આવે. સાહિત્યની, પોલિટીક્સની ચર્ચાઓ કરું. પછી ક્લબ પર જઈ મારા ખાસ મિત્રો સાથે બેડમિન્ટન કે ચેસ રમું. કારણ કે લેખક તરીકે બેઠાડું જીવનને કારણે શરીર લથડે નહીં એનું ધ્યાન રાખવું પડેને? રાત્રે ઘરે આવીને ફેમિલી સાથે ડિનર લઉં કારણ કે મારી વ્યસ્તતામાં ફેમિલીને કેમ અન્યાય કરાય. પછી મારા સંતાનો સાથે વાતો કરું, એમના ભણતરમાં રસ લઉં. પછી હું ટી.વી. કે ડીવીડી પર નવી ફિલ્મો જોઉં, એક લેખક તરીકે પ્રજાનો મિજાજ સમજવો જરૂરી છે ને? એવામાં બાર વાગી જાય. તમે જ કહો, કામ, કામ, કામ... માણસ કેટલું કામ કરે? બસ સાડા બારે સૂઈ જઉં. આ મારી દિનચર્યા’

પત્રકારે પૂછ્યું ‘તો પછી તમે લખો ક્યારે?’

‘નેકસ્ટ ડે! બીજા દિવસે!’ લેખક હસીને બોલ્યા.

આમ તો આ જોક છે, પણ એમાં દરેક લેખકના જીવનની કરુણતા છુપાયેલી છે. મોટાભાગના લેખકોને લખવાનો કંટાળો આવતો હોય છે કે ડર લાગતો હોય છે, કફન જેવા સફેદ પાનાંનો. દર વખતે નવું સર્જન કરવું, નવાં પાત્રો, નવી દુનિયા, નવા અંધારાની સામે આંખ મિલાવવાની નર્વસનેસ હોય છે. પણ સાચા લેખકો વર્ષોથી એક શિસ્ત કેળવીને લખતાં હોય છે, લખવું જ પડે છે, આજીવિકા માટે કે પોતાની જાતને જીવતી રાખવા. પણ જો ચાન્સ મળે તો બધાં લેખક, જોકમાંના લેખકની જેમ બીજા દિવસે જ લખવાનું રાખે. જોકે, લખવાથી સહેલું કામ કોઈ નથી અને લખવાથી અઘરું કામ પણ કોઈ નથી. ઘણાં ડાહ્યા લેખકો સવારના પહોરમાં લખતા હોય છે. હેન્રી મિલર રોજ સવારે બે કલાક લખતાં, ગુણવંત રાય આચાર્ય કે પ્રેમચંદ પ્રાત:કાળે લખતાં, તારક મહેતાં રાત્રે જ લખે છે. હોલીવૂડના ડેવીડ મામે જેવા લેખકો સતત સાત દિવસ લખ્યા કરતા હોય છે. જેફ્રી આર્ચર જ્યારે નવલકથા લખવા બેસે ત્યારે સવારે સાતથી રાત્રે બાર સુધી સતત લખે, પણ દર બે કલાક પછી એક-દોઢ કલાકનો વિશ્રામ લે. વિશ્ર્વના મોટા ભાગના સફળ લેખકો દરરોજ ૧૫-૨૦ પાનાં લખવાની જાલિમ શિસ્ત ધરાવે છે. ચંદ્રકાંત બક્ષી કહે છે કે એ એકીબેઠકે લખી નાખતા અને પછી કોઈ રિવિઝન નહોતાં કરતાં! પણ ગ્રેહામ ગ્રીન કે ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા લેખકો વર્ષો સુધી એમની નોવેલને મઠાર્યાં કરતા. અગાથા ક્રિસ્ટીના પતિ પુરાતત્ત્વશાસ્ત્રી હતા, ખંડેરોમાં બિઝી રહેતા. તો અગાથાએ બોરડમ ખતમ કરવા રહસ્યકથાઓ લખવી શરૂ કરી અને જગત પર છવાઈ ગઈ. અગાથા કહે છે કે લખવા કરતાં, ફરીથી લખવું કે રી-રાઈટ કરવું બહુ જરૂરી છે. કપડાંને તમે જેટલું ધુઓ એટલાં એ વધુ ચમકે એમ લખાણને પણ વારંવાર ફરી ફરીને લખવું જોઈએ.

અમારા જેવાને કુદરતી શ્રાપ કે ગમે તે સ્થિતિમાં ગમે તેવું લખી શકીએ છીએ. અમે અમુક ફિલ્મો એક વરસ સુધી રી-રાઈટ કરી કરીને લખી છે અને તોયે એ સારી બને નહીં, એમ પણ બન્યું છે કે ‘હેલો’ જેવી નેશનલ એવૉર્ડ વિનર બાળફિલ્મ, એને માત્ર પાંચ જ દિવસમાં લખેલી. મુંબઈની લોકલ ટ્રેનમાંય લખ્યું છે, એકાંકી સ્પર્ધાઓમાં સ્ટેજ પર નાટક ચાલતું હોય ત્યારે આગળનો સીન લખીને ભજવાવ્યો હોય. ક્યારેક ખૂબ પ્રેશર હોય ત્યારે જ લખવાનું બને છે. એકીબેઠકે ટૂંકી વાર્તાઓ એક કલાકમાંય લખી છે અને ક્યારેક લખવા ધારેલી કવિતા પૂરી કરવામાં વરસોનાં વરસ પણ લાગી જાય છે.

ખરેખર તો લખવું એ સાપ કાંચળી ઉતારે એવી ઘટના છે. જાતે ઊભી કરેલ જેલમાં લેખકે રોજ બંધ થવું પડે છે. સંવેદના ઊભરાતાં લેખક, ઘણીવાર એકીશ્ર્વાસે અમર રચના લખી નાખે છે. ક્યારે વરસો સુધી સચવાયેલા ગયા જનમના ડૂમાઓ જેવી લાગણી અચાનક રચના રૂપે નીકળી આવે છે. મરીઝ જેવા શાયર, સિગરેટનાં ઠૂંઠા પર ગઝલ લખતા, કવિ વેણીભાઈ પુરોહિતને ચાલતાં ચાલતાં કે ટ્રેનમાં કાવ્ય સૂઝે તો એ કહેતાં, મારે હવે લખવું પડશે, હું ગાભણો (પ્રેગનન્ટ) થયો છું.

જોકે વાર્તા, નવલકથા, ખુરશી-ટેબલ પર બેસીને લખી શકાય, પણ કવિતા એવી શિસ્તની બાંદી નથી. રસ્તો ક્રોસ કરતી છોકરીના સ્મિતમાં કે એકાંકી વૃદ્ધની ચાલ જોઈને ક્યાંય પણ સ્ફૂરી શકે. રજનીશે, મીરાં માટે કહ્યું છેને, ‘મીરાંને કભી અપને પદ અપની રચનાએ ટેબલ કુર્સી પર બૈઠ કે નહીં લીખી. મીરાં, બસ ચલતી ગઈ, ગીત ઉસકે પદચિહ્ન બનતે ગયે. મીરાં, રોતી રહી, ગીત ઉસકે આંસુમેં ઝલકતે રહે. મીરાં, મામૂલી કવિ નહીં થી, ભક્ત થી ઔર ભક્તકી કવિતાએ લિખની નહીં પડતી, જીની પડતી હૈ!!’

ઇન્ટરવલ :

મત પૂછો ઓરો કે દુ:ખ સે યે પ્રેમકવિ ક્યું રોતા હૈ?

( આનંદ બક્ષી)

જોકે કવિતા, નવલકથા કે વાર્તાનાં સર્જકને ‘આજે મૂડ નથી’ એવો મૂડીવાદી એટિટ્યૂડ ચાલી શકે પણ કોલમિસ્ટો, પત્રકારો, ધારાવાહિક નવલકથાના લેખકોએ ગમે તે સંજોગોમાં ડિલિવર કરવું પડે છે. ક્રિએટીવ રાઈટિંગ અને પ્રોફેશનલ રાઈટિંગ વચ્ચે ટેસ્ટ મેચ અને વન-ડે મેચનો ફરક છે. કનૈયાલાલ મુનશી કોર્ટમાં અટપટા કેસ લડતા લડતા, વચ્ચે લંચ ટાઈમમાં ‘જય સોમનાથ’ જેવી અમર રચનાનું પ્રકરણ લખી નાખતા. ઉર્દૂ લેખક મંટો, પીઠાંમાં બેસીને વાર્તા લખીને, પાનાંઓનો રીતસરનો ડૂચો કરી, ખિસ્સામાં નાખીને મેગેઝિનનાં સંપાદક પાસે જઈ, ટેબલ પર મૂકતા અને કહેતા, ‘યે લો નઈ કહાની, પૈસે દો!’ અને પૈસા લઈ ફરી પીઠામાં જતાં. હોલીવૂડના લેખક વિલીયમ ગોલ્ડિંગ, એમની પટકથાના દૃશ્યોને નંબર આપી, પોસ્ટર્કાડ જેવા ટુકડા પર લખતાં. પછી પત્તાં રમતાં હોય એમ એ કાર્ડને આગળ-પાછળ સિક્વન્સમાં ગોઠવતાં અને સ્ક્રીન-પ્લેને મઠારતા. ગુલઝાર જેવા લેખકો વહેલી સવારે ઊઠીને ગીતો કે સંવાદો લખે છે અને સવારે સાત વાગે ફોન કરીને ગીતનું મુખડું દિગ્દર્શકને સંભળાવે છે, એવો અંગત અનુભવ છે. જેટલાં સફળ લેખકો છે એ બધાં ખૂબ મહેનત કરે છે, મન મારીને કે કાબૂમાં રાખીને!!

કોઈ લેપટોપ પર કે કાગળ પર કે લીટીવાળી નોટબૂક પર કે બોલપેનથી કે કોમ્પ્યુટર સોફ્ટવેરથી લખે. એ બધું ગૌણ છે. પણ મન, હૃદય અને આંખનો જ્યારે ત્રિભેટો થઈને લખાય છે ત્યારે એમાં લેખકનું એક વિશ્ર્વ ઊભું થતું હોય છે. એ ક્ષણે લેખક ઘડી બેઘડી રાજપાઠમાં હોય છે.

અને હા, સૌથી અઘરું છે, હિંદી ફિલ્મો માટે લખવું. ફિલ્મોનાં લખાણં પર ગલીગલીએ ગાળો આપવાની ફેશન છે, પણ પ્રેક્ટિકલી ફિલ્મો માટે લખવું એ જીભ પર સેલોટેપ લગાડીને આઈસક્રીમ ખાવા જેવું કે હાથકડી પહેરીને ડાંડિયા રમવા જેવું મુશ્કેલ કામ છે. ફિલ્મ લખનારમાં ટેસ્ટ મેચના ખેલાડીની ધીરજ અને ૨૦-૨૦ના ખેલાડીની સ્માર્ટનેસ બંને જોઈએ. જરાં વિચારો, લેખકને વાર્તા સૂઝે, સ્ક્રિપ્ટ લખે, નિર્દેશક એને બદલે, ફિલ્મસ્ટાર તો ઠીક એની સાળી પણ એમાં સુઝાવ આપે, કેમેરામેનથી માંડીને નિર્માતાનાં ચમચાં એમાં દખલ કરે, એડિટર એને કાપે, ફિલ્મની લંબાઈ માટે શ્રેષ્ઠ સીનની બલિ ચઢાવાઈ જાય, પછી સેન્સરમાં બેઠેલ કોઈ ઉદ્યોગપતિની પત્ની એમાંથી વાંધા કાઢે. આમ બદલાતાં બદલાતાં, ગંગોત્રીથી નીકળેલી ગંગા મૈલી થઈને કલકત્તા પહોંચે, એમ છેવટે નવી જ સ્ક્રિપ્ટ બની જાય. ફિલ્મનો છેલ્લો ડ્રાફ્ટ, અંધકારમાં પ્રેક્ષકોની સામે ભજવાય. એમને ગમે તો તાળી પાડે નહીં તો ગાલી આપીને જતાં રહે. સતત રાતદિન એક-બે વર્ષ મહેનત કરીને સર્જેલી ફિલ્મ પર વિવેચકો બે જ કલાકમાં ફેંસલો આપી દે કે વિશ્ર્લેષકો ટ્વિટર પર ફતવો આપી દે!

ખૈર, લખવું અઘરું છે, સારૂં લખવું વધારે અઘરું છે, ને ફિલ્મો માટે સારું લખવું અઘરું જ નહીં પણ અશક્ય છે. દારૂ કે ડ્રગ્સનાં નશા પછી અઠ્ઠંગ નશેબાજો કંટાળીને વધારે ‘કીક’ મેળવવા પોતાની જીભ પર વીંછીના ડંખ લે છે અને એને એમને કાતિલ મસ્તી મળે છે. બસ એવી જ મસ્તી ફિલ્મી લેખનમાં છે. આવું છે લખવું, વિચારવું, રચવું, ખરજવું, તડપવું...

એન્ડ ટાઇટલ્સ :

આદમ : તું ટેલિફોન ડિરેક્ટરી શા માટે વાંચે છે?

ઇવ : જીવનમાં અજાણ્યાઓને ઓળખવાને પ્રયત્ન કરું છું!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8327n7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com