Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ચોવકોની સલાહ સોનેરી...

કચ્છી ચોવક-કિશોર વ્યાસ.ચોવકોને પોતાનું સૌંદર્ય, શણગાર, શબ્દાર્થ, ભાવાર્થ, ભાવના, ભાવ હોય છે અને તેથી જ એ કચ્છી પ્રજાના હૃદયમાં અને પુસ્તકોના પાને જડાઈ જાય છે. કુકર્મની વાત હોય કે પછી સત્કર્મની વાત હોય, ચોવક અરીસો બતાવે જ છે. ચોવક સંનિષ્ઠ મિત્ર જેવી છે, તેની સલાહ સોનેરી જ હોય છે. હવે એક ચોવક એમ કહેવા ઈચ્છે છે કે, માણસના કર્મો જ તેને ડુબાડી કે તારી શકે! સત્કર્મો હોય તો જીવન તુંબડું તરી જાય છે, અને કુકર્મ હોય તો, એ તુંબડું હોવા છતાં ડૂબી જાય છે. ચોવક એવી છે કે, "મિડે પિંઢ પિંઢ જે તુમેં તરેં અહીં ‘તુમેં’ એટલે તૂંબડે કે સત્કર્મે એવો અર્થ અભિપ્રેત છે. સીધો અર્થ એવો થાય છે કે, ‘સૌ પોતપોતાના તૂંબડે તરે’ પણ બોધ આપતો ભાવાર્થ એવો થાય છે કે, માણસને તેનાં સત્કર્મો જ જીવનસાગર તારી શકે!

લોકો અનુકરણ કરીને ઘણા દુ:ખી થતા હોય છે. બીજાનું અનુકરણ કરીને દુ:ખી ન થવાની સલાહ આપે છે આ ચોવક "પિંઢજી ગંધી તેં પગ પથરીને બસ, એ જ ગુજરાતીમાં ચોવક છેને કે, "ચાદર પ્રમાણે સોડ તાણવી. કચ્છીમાં ગંધી એટલે "પાથરણું અને પથરી જેનો અર્થ થાય "પસારવા! આપણી જેટલી તાકાત હોય, શક્તિ હોય, ક્ષમતા હોય તે જ પ્રમાણે જીવનધોરણ રાખવું જોઈએ, કોઈની દેખાદેખી ન કરવાની. આપણી આવક હોય તે પ્રમાણે જ ખર્ચ કરવાનો હોય છે, તો દુ:ખી થવાનો સમય ન આવે.

દુ:ખી ન થવા કે, પસ્તાવો ન થાય તે માટે ચેતતા રહેવું જોઈએ. ચોવક પણ એવો જ બોધ આપે છે કે,"ચેતતા મુખી સે સડાય સુખી "સડાય એટલે સદાય. ચેતી-સમજીને કાર્ય કરે, જીવન જીવે તેમને ક્યારેય દુ:ખી થવાનો કે, પસ્તાવાનો સમય ન આવે. એમ પણ અર્થ કાઢી શકાય કે, જે વિવેકબુદ્ધિ વાપરે એને કોઈ તકલીફ ન થાય.

એક બહુ જ વ્યાપક ભાવાર્થ ધરાવતી ચોવક છે. બહુ રસપ્રદ છે મિત્રો, જીવનના કેટલાય પ્રસંગોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. "પારકી મા જ કન વિંધે. બધું જ કામ આપણાથી ન થાય, દરેક મુશ્કેલીનો ઉકેલ આપણાથી ન લાવી શકાય... વગેરે એટલે કે અચુક કાર્યો પોતાનાં જ હોય પણ પોતાના હાથે પૂરાં કરવાં શક્ય નથી બનતાં, એમાં બીજાની જરૂર પડે જ છે. સમાજમાં એક જ ઉદાહરણ બેનમૂન છે કે, જ્યારે સંતાનોનાં સગપણ કરવાનો સમય આવે, ત્યારે કોઈનું માધ્યમ જોઈએ.

ઘણી વખત જીવનમાં અચાનક, અણધાર્યું, ઘણું મળી જતું હોય છે, પણ એ પ્રાપ્ત કર્યા પછી, તેને પચાવવું ઘણું મુશ્કેલ હોય છે મતલબ કે જાણે આપણી પાત્રતા ન હોય અને આપણને મળી જાય છે, ત્યારે અભિમાન આવી જાય છે. માણસ છકી જાય છે, કહેવાય એમ છે કે, "બકરી જે મોં મેં કારીંગો ન સામાજે બકરીનું મોં એક ઉદાહરણ છે, અને તેના મોઢામાં કલિંગર સમાય નહીં, તેવો આ ચોવકનો શબ્દાર્થ છે, પણ ભાવાર્થ એવો થાય છે કે, અધૂરી સમજ અને અધૂરા માણસો, કે મનની મોટાઈ વિનાના લોકો એ રીતે મળેલા કોઈ પણ પ્રકારનાં સુખને પચાવી નથી શકતા.

બાળક જન્મે અને પારણે ઝૂલતું હોય ત્યારે હિંચકા નાખતી માતા પોતાનાં બાળકના ભવિષ્યનું વિચારતી હોય છે. ઘણાં હાલરડાં એવી માતાના હૃદયમાંથી જનમ્યાં છે. ચોવક પણ અત્યંત ભાવવાહી છે: "પીંગે લુડેં સે પાગું બધીં. કચ્છીમાં પારણાને ‘પીંગે’ કહેવાય. "લુડેં એટલે પારણે ઝૂલે કે હીંચકા ખાય અને ‘પાગું બધીં’ એટલે પાઘડીઓ પહેરે કે સન્માનિત થાય. ભાવાર્થ એવો થાય છે કે, પારણે પોઢનાર બાળક જ એક દિવસ મોટું થઈને સમાજમાં મોટા માનનું અધિકારી બને છે. માતાની આ હેયાધારણ છે અને આવા હૈયે પ્રગટેલાં હેતથી પારણે ઝૂલતાં બાળમાનસ પર તેની રુડી અસર થાય છે. માનસ કેળવાય છે જે તેને મોટા થતાં સુધી સન્માનની પાઘડી પહેરનાર સંસ્કારી બનાવે છે.

બાકી તો ઈશ્ર્વરકૃપા હોય તો જ આપણાં કાર્યો સિદ્ધ થઈ શકે છે. આપણે પ્રમાણિક પુરુષાર્થ કરતા રહેવું જરૂરી હોય છે. પુરુષાર્થની સાથે પરમાત્માનો આદર કરતા રહેવાથી ઈચ્છાઓ પૂરી થાય. ધર્મ અને શાસ્ત્રો પણ એવો જ સંદેશો આપે છે, જેવો આ કચ્છી ચોવક આપે છે: "પધતાં ભગવાન જ પૂરા કરે ‘પધ પૂરા’ એટલે કર્મફળ, ધારણાઓ સાચી કરી દેખાડવી કે, મનની ઈચ્છાઓ પૂરી કરવી! એ તો માત્ર ઈશ્ર્વર જ કરી શકે! વ્યક્તિના સત્કર્મનું ફળ ઈશ્ર્વર આપે ત્યારે ‘પધ પૂરા થ્યા’ કહેવાય!

ઘણા માણસો માટે એવું કહેવાતું સાંભળ્યું છે કે, માણસ તો ઘણો સારો છે, પણ ભગવાન કરેને તેનું કામ ન પડે! તો, એ માણસ કઈ રીતે સારો કહેવાય? આ ડોળ અને દંભ સાથે જીવતા સમાજના લોકો પરનો કટાક્ષ છે! ચાલો, ચોવક માણીએ: "માડૂ કેડો? સવા વી! પ કમ પેત આધીયો ઘટ ‘સવાવી’ એટલે સારો કે ઉત્તમ કક્ષાનો, ‘આધીયો’ એટલે ‘અડધો’. આવા ઉત્તમ માણસ કોઈને કામ ન આવે તેથી ‘સવા વી’માંથી ‘અડધો’ બાદ કરો... અર્થ થાય અધૂરાશવાળો, ઊણપવાળો, કોઈનો સમય ન સાચવી શકે તેવો!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

278q3G6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com