Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
ઉનાળો ઊજવો સ્વસ્થતાપૂર્વક

સ્વાસ્થ્ય સુધા-મુકેશ પંડ્યાસ્વાસ્થ્ય સુધા-મુકેશ પંડ્યાગરમીની આ ઋતુમાં ખાણીપીણી તેમ જ રહેણીકરણીમાં સહેજ ફેરફાર કરીને તન-મનની ઠંડક અને સ્વસ્થતાને સહજતાથી જાળવી શકાય છે

ઉનાળાની શરૂઆત થતાં જ આપણું શરીર અને મન અકળામણ અનુભવવા લાગે છે. શાળા-કૉલેજની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને મનગમતી ઋતુ પર નિબંધ લખવાનું કહેવામાં આવે તો મોટે ભાગે તો શિયાળો, વર્ષાઋતુ કે વસંતઋતુ પર જ વધારે નિબંધ લખાતા હશે તેમાં સંશય નથી. ગયા ઉનાળે એક મિત્રનો ચેન્નઇથી ફોન આવ્યો હતો ત્યારે તેણે મુંબઇના ખબર અંતર પૂછ્યા હતાં. પ્રત્યુત્તરમાં મારાથી કહેવાઇ ગયું ગરમીનો ભારે ત્રાસ છે. તેણે કહ્યું, ગરમી તો અહીં પણ ખૂબ છે.જોકે, હું તો ગરમીને એન્જોય કરી રહ્યો છું. શિયાળાની ગુલાબી ઠંડીને માણી શકાય તો ઉનાળાની કેસરિયાળી ગરમીને કેમ ન માણી શકાય?

વાત તો સાચી હતી. થોડી સકારત્મકતા અને થોડી તકેદારી દાખવીએ તો ગરમી પણ આનંદ આપી શકે છે. ગરમી છે તો વરસાદ આવે છે અને આ વર્ષા મૈયાના ધાવણ ધાવીને તો વસંતમાં ફૂલોના ચહેરા ખીલી ઊઠે છે.

ઋતુ પ્રમાણેની ખાણીપીણી અને રહેણીકરણી અપનાવી શકાય તો ખરેખર સ્વસ્થતાપૂર્વક ઉનાળાને ઉજવી શકાય છે.

ઉનાળામાં ખાવાપીવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરીને ગરમી અને લૂની અસર ટાળી શકાય છે. કેરી, કલિંગર તેમ જ શક્કરટેટી જેવા સિઝનલ અને વધારે પાણી હોય તેવા ફળોનો ઉપયોગ વધારવો જોઇએ. કાકડી તેમ જ ટમેટાંનું કચુંબર ભરપૂર ખાવું જોઇએ. હાલમાં જ થયેલા એક સંશોધન મુજબ આ ઋતુમાં રોજના બે ટમેટાં ખાવાથી ચામડીને સનબર્નથી થતી પીડાથી રોકી શકાય છે. આ ઉપરાંત દહીં, મોળી છાશ, લસ્સી, લીંબુ, શેરડી ક્ે અન્ય ફળોના રસ પીવાથી ગરમીથી બચી શકાય છે.

આ ઋતુમાં પચવામાં ભારે એવા શ્રીખંડનો ઉપયોગ ટાળી, દહીમાં જ ખાંડ કે ગોળ અને એલચી નાખીને મિષ્ટી દહીં બનાવીને ખાવું જોઇએ. દહીંમાંથી પાણી નિતારીને બનાવવામાં આવેલો શ્રીખંડ ઉનાળામાં પચાવવો ભારે પડે છે.

તમને ખ્યાલ હશે જ કે ચૈત્ર મહિનામાં ઘણી સ્ત્રીઓ મીઠાનો વપરાશ બંધ કરીને કે ઓછો કરીને અલૂણા વ્રત ઉજવતી હોય છે. આ એક વૈજ્ઞાનિક સત્ય છે. મીઠાનો વપરાશ ઓછો કરવાની વાતને તો આજનું વિજ્ઞાન પણ સમર્થન આપે છે. હાઇ બ્લડપ્રેશર અને હૃદયરોગની શક્યતા મીઠાનાં ઓછા ઉપયોગથી ઘટતી જાય છે. શિયાળામાં કે વસંતઋતુમાં લગ્નોમાં મહાલતાં મહાલતાં મીઠું વધારે પડતું ખવાઇ ગયું હોય તો એ ઓછું કરવાના દિવસો હવે આવી ગયા છે અને માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષોએ પણ આવું અલૂણું વ્રત કરવું જ જોઇએ. મીઠું અને ગરમીને સીધો સંબંધ છે, મીઠું ઓછું કરીને આવનારા સમયમાં ગરમી અને ગરમીથી પેદા થતાં ચામડીના રોગોથી પણ બચી શકાય છે. સાચે જ ગરમીની ઋતુમાં આવતું આ વ્રત આપણા માટે વરદાનરૂપ બની જાય છે. આપણા ઋષિમુનિઓ અને પૂર્વજો વિજ્ઞાનની કેટલી ઊંડી સમજ ધરાવતા હતાં એ પણ આનાથી સાબિત થાય છે. ઘણા લોકો છાશમાં મીઠું નાખીને પીએ છે, પણ ઉનાળામાં મીઠા વગરની મોળી છાશ પીવાનો જ આગ્રહ રાખવો જોઇએ.

ખાવાપીવાની જેમ આપણા વસ્ત્રો અને રહેણી કરણી પણ ગરમીને અનુરૂપ બનાવી શકાય તો ઉનાળાને પણ આનંદથી માણી શકાય છે.

ઉનાળાનો ખરેખરો કપરો સમય એટલે બપોરની વેળા. આ સમયે જો નોકરી કે ધંધાર્થે બહાર નીકળવું પડે તો સફેદ અને સુતરાઉ કપડાં પહેરવા જોઇએ. સાથે માથા પર સફેદ ટોપી પણ પહેરવી જોઇએ. (મુંબઇ જેવા શહેરોમાં માંડ બે થી ત્રણ મહિના વરસાદ પડતો હોય છે એટલે તમે ખરીદેલી છત્રીના પૈસા વસૂલ કરવા હોય તો ફેશનની ચિંતા કોરાણે મૂકીને ઉનાળામાં પણ છત્રી હાથવગી રાખવી જોઇએ.)

સફેદ રંગ પ્રખર સૂર્યકિરણોને સંઘરવાને બદલે તેને પરાવર્તિત કરી દે છે. એટલે આપણને ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ થઇ શકે છે. વળી શરીરમાં થતાં પરસેવાને શોષી લેતાં સુતરાઉ વસ્ત્રો પહેરવાથી શરીરનું ઉષ્ણતામાન પણ નીચું રાખી શકાય છે. એક સમય એવો હતો કે ભારત જેવા ગરમ દેશોમાં સફેદ સુતરાઉ વસ્ત્રોનો ઉપયોગ ખૂબ થતો હતો. લેંઘા-ઝભ્ભા કે ધોતિયા હોય કે પછી મહિલાઓના પેટીકોટ હોય સફેદ રંગના જ જોવા મળતાં. એટલું જ નહીં પુરુષોના બનિયન કે લંગોટ સહિત સ્ત્રીઓના આંતરવસ્ત્રો પણ સફેદ રંગના જ રહેતાં. જોકે, સમય જતાં ફેશનને અનુ્રૂપ બદલાવ આવતો ગયો. આજે દરેક પ્રકારના પહેરવેશમાં રંગીન મિજાજ પ્રવેશી ચૂક્યો છે. સમયને અનુરૂપ તમારે જે ફેશન અપનાવવી હોય તેને શિયાળા માટે અનામત રાખી, કમસે કમ ઉનાળામાં પેલો સફેદ જમાનો પાછો અપનાવી શકો તો ખરેખર આ ગ્લોબલ વોર્મિંગની અડધી સમસ્યા તો તમે જાતે જ ઉકેલી શકો છો. સફેદ રંગ ગરમીને જ નહીં, રોગિષ્ટ જીવજંતુઓને પણ દૂર ધકેલે છે એટલે આરોગ્યપ્રદ પણ છે. હૉસ્પિટલના ડૉક્ટરથી માંડીને હૉટેલના રસોઇઆ સુધ્ધાં સફેદ કોટ અને માથે સફેદ ટોપી અવશ્ય પહેરે છે.

પારસીઓ અગિયારીમાં કે જૈનો દેરાસર કે ઉપાશ્રય જતી વખતે સફેદ વસ્ત્રો ધારણ કરે છે તે બિલકુલ યોગ્ય છે. સફેદ રંગનો ત્રીજો મોટો ફાયદો એ કે તે માનસિક શાંતિ અને સમતુલા જાળવી રાખવામાં મદદ કરે છે. અમેરિકામાં થયેલા એક સર્વે પ્રમાણે, અન્ય રંગોની સરખામણીએ સફેદ રંગની ગાડીઓમાં અકસ્માતનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આકસ્મિક મૃત્યુથી થયેલા માનસિક આઘાતને હળવો કરવા સાદડીમાં સફેદ વસ્ત્રોનો ઉપયોગ કરવો એટલે જ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે.

જોકે, ઉનાળામાં ક્યારેક લગ્નપ્રસંગ કે મિજબાની માણવા જવું હોય તો લાલ-પીળા, કાળા કે બ્રાઉન જેવા ડાર્ક (ઘેરાં) રંગના કપડાંનો ઉપયોગ ન કરતાં, આછાં હલકા રંગો જેવા કે ગુલાબી, ક્રીમ, આસમાની,પિસ્તા કે લવંડર રંગોનો ઉપયોગ કરી શકો તો ગરમીથી પરેશાન થયા વિના પ્રસંગને હરખથી ઉજવી શકાય છે. ઘરના બારીબારણાના પડદા, પલંગની ચાદરો કે સોફાસેટના કવરો માટે પણ સફેદ કે આછા રંગોનો ઉપયોગ કરવાથી ગરમીમાં ફાયદો જ થાય છે. આમ ઉનાળામાં સફેદ કે હળવા રંગોનો વપરાશ વધારવાથી ગરમીને સહન કરી શકાય છે. આપણે આ બધું આચરણ કરવાનું ભૂલતા જઇએ છીએ કારણકે એરકંડિશનર અને ફ્રીજનો ઉપયોગ વધતો જાય છે. જોકે, આ ઉપકરણો વીજળીનો વપરાશ અને બિલ તો વધારી જ મૂકે છે સાથે સાથે ગ્રીન હાઉસ ગૅસ છોડતાં આ ઉપકરણોથી ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ વધતું જાય છે એટલે કુદરતી ઉપાયો સાથે ગરમીને થોડી સહન કરીએ અને ફ્રીજ-એ.સીનો ઉપયોગ બંધ ન કરી શકીએ તો કાંઇ નહીં, કમસેકમ ઓછો કરીએ તો આપણાં જ શરીર તેમ જ પર્યાવરણ માટે લાભદાયક છે.

બીજું, આ ઋતુમાં ઠંડાં પાણીનું સ્નાન કરવાની આદત પાડવાથી ઘણા ફાયદા થાય છે. ઘણા લોકો હોળી ગયા પછી ઠંડા પાણીનું સ્નાન શરૂ કરી દે છે, પણ જેમને આદત ન હોય અને પ્રથમવાર આ પ્રયોગ કરી રહ્યા હોય તેમણે પાણીનું ઉષ્ણતામાન ધીમે ધીમે ઘટાડતા જઇ નવશેકું અને અંતે ઠંડા પાણીથી નહાવાની પ્રેકટિસ કરવી જોઇએ. શીતળ સ્નાન કરવાથી શરીરની અને મગજની ગરમીને ઓછી કરી શકાય છે. ઉનાળામાં સવારે અને સાંજે અને બની શકે તો બપોરે પણ સ્નાન કરવાથી ગરમી સહ્ય બને છે. મહાશિવરાત્રિમાં શિવલિંગ પર બેફામ પણે દૂધનો અભિષેક કરીએ છીએ તેમ આપણા શરીર પર પણ દૂધ કે દૂધ મિશ્રિત જળનો માથાબોળ અભિષેક કરવાથી તનમનની ઠંડક વધે છે. હોળી પ્રગટાવ્યા પછી બચેલી રાખને ઘરે લાવીને ચાળીને શરીરે લગાડવાથી કે પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી ગરમી તો દૂર થાય જ છે, સાથે સાથે ઉનાળામાં થતી અળાઇ કે અન્ય ચામડીના રોગોથી બચી શકાય છે. બહાર નીકળતી વખતે ચંદન પાઉડર કે ગુલાબ જળ શરીર પર છાંટવાથી ગરમી તો દૂર રહે છે, સાથે સાથે શરીરમાં થતા પરસેવાની દુર્ગંધથી પણ બચી શકાય છે. (ક્રમશ:)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

30d54h
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com