Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
અમારાં અધૂરાં સપનાં પૂરાં કરવા એ તારી ફરજ નથી!

રામ મોરીડિયર નેત્રી,

સાંભળને, તને એક વાત અગાઉથી જ કહી દઉં છું કે મારો આ કાગળ જોઈને પહેલા સીધી અકળાઈ ન જતી કે, "મમ્મા, મારી એક્ઝામ નજીક છે, વાંચવાનું કેટલું બધું બાકી છે અને તું લાંબા લાંબા કાગળો લખીને વાંચવા આપી દે છે. ફેસબુક પર કે ઈન્સ્ટાગ્રામ પર એક અપડેટ ઓછી કરીશ તો ચાલશે પણ આ કાગળ શાંતિથી એક વાર વાંચી લે. સાંભળને મારે તારું એક કામ છે. કેટલાય દિવસથી ઘરમાં એક વસ્તુ ખોવાઈ છે. બહુ શોધાશોધ કરું છું. ક્યાંક આડા હાથે મુકાઈ ગયું છે. તને જરા સમય મળે તો શોધી આપને...તને પાછી અકળામણ થશે કે મમ્મી, ગોળ ગોળ વાતો નહીં કર..સીધા શબ્દોમાં વાત કર તો મારી સીધી વાત એમ છે કે મારી દીકરીનું ખડખડાટ હાસ્ય કેટલાય દિવસથી ખોવાઈ ગયું છે. બે વખત તો મેં આખા ઘરમાં સાફસફાઈ કરી પણ ક્યાંય મળ્યું નહીં. તને જરા મળે તો શોધી આપજેને. મને એ હાસ્યની બહુ જરૂર છે. મારા માટે એ ખડખડાટ હાસ્ય મારા અસ્થમાનાં પંપ કરતાંય વધારે કિંમતી છે. જો, ચહેરા પર અત્યારે કેવી સ્માઈલ આવી ગઈ ! મને બધું ચાલશે પણ મારી દીકરીના ચહેરા પર વર્તાતો જગત આખાનો ભાર નહીં સહન થાય.

પરીક્ષા નજીક આવી રહી છે. તમારા પોતાના ગ્રુપમાં તંગ વાતાવરણ છે. કોઈક નજીકનું સ્વજન ગુજરી ગયું હોય એવો સન્નાટો છે. તમારા વ્હોટસેપ ગ્રુપના મેસેજની ઘંટડીઓ પણ માંદી, ધીરી અને ઓછી વાગે છે. બધાના ચહેરા પર જાણે કે બ્લેકહોલ સર્જાયો છે. જે કોઈ ફીલિંગ હોય, ઉમળકો હોય, વાતો હોય, સ્મિત હોય એ બધું પરીક્ષાના ડરમાં સર્જાયેલા બ્લેકહોલમાં સમાઈ જાય છે ધીરે ધીરે.

ડોન્ટ વરી, અત્યારે તને ટોકવા માટે આ કાગળ નથી લખ્યો કે વર્ષ આખું તમે પાર્ટી અને મૂવીસમાંથી ઊંચા નથી આવ્યા, ટ્યુશન ક્લાસીસમાં પણ પાઉટ સેલ્ફી સાથે પોસ્ટ કરવાનું ચૂક્યા નથી, રીડિંગ વેકેશનના કલાકો તમે મેક ડી અને ચાની લારીમાં વિતાવ્યા છે, રાત રાતભર મોબાઈલમાં રચ્યાપચ્યા રહો છે, ઈંગ્લિશ વેબસિરીઝના ડાઉનલોડનો મારો સતત તમારા કમ્પ્યુટર પર ઠલવાતો રહ્યો છે અને હવે પરિક્ષાનું ટેન્શન લઈને બેઠા છો તો હાલત આવી જ થાયને. મારે આવું તમને કશું જ કહેવું નથી. ( એવું ન વિચારતી કે નથી કહેવું કહીને મમ્મીએ કેટલું બધું કહી દીધું !) મારે તેં શું કર્યું અને શું કરવું જોઈતું હતું કે શું નહોતું કરવાનું એ વિશે કોઈ વાત જ નથી કરવાની. હું તો તને અહીં માત્ર એવી વાત કહેવા આવી છું કે જિંદગીને ઢસરડો ન બનાવી દે. તારી જિંંદગીમાં અમારા અધૂરા રહી ગયેલા સપનાઓ કાચની કરચો બનીને તને ખૂંચ્યા કરે એ મને કે તારા પપ્પા બંનેમાંથી કોઈને પસંદ નથી. તારે ભણવાનું છે, કશુંક બનવાનું છે તો એ તારી ચોઈસ છે. કોઈને કશું સાબિત કરીને તારે કશું આપવાનું નથી, એવી કોઈ જરૂર જ નથી.

મારે ડોક્ટર બનવું હતું પણ પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. બાપુજીની આવક ઓછી અને ખાનારા અમે લોકો વધારે હતા. આખરે પીટીસી કરીને શિક્ષક બની સંતોષ માનવો પડ્યો. તારા પપ્પા પણ ઘણીવાર તને કહેતા હોય છે કે ‘બેટા, મારે તો સરકારી નોકરી કરવી હતી પણ એ સમયે કોઈએ એવી સમજ ન આપી. કમાવાની ઉતાવળ હતી તો નાનપણથી પ્રાઈવેટના ચક્કરમાં ફસાઈ પડ્યા. તને ખબર છે નેત્રી, હું અને તારા પપ્પા તને આ બધી વાતો શું કામ કરીએ છીએ ? એટલા માટે નહીં કે એ અમારા અધૂરાં સપના છે જેને તારે પૂરાં કરવાના છે. ના બિલકુલ નહીં. એટલા માટે કે એ અમારી છાતીમાં બટકી ગયેલી ફાંસ છે જે સમય સાથે અમને સતત ડંખતી રહે છે. એ છાતીમાં ચચરતી વાત તને જ્યારે અમે લોકો કરતા હોઈએ ત્યારે અમને એવું થાય કે હાશશશ સારું લાગ્યું...આપણા પોતાના કોઈકને આપણી વાત કરી શક્યા. અમે લોકો તને આ બધી વાતો એટલા માટે સતત કરતા હોઈએ છીએ કે જો નેત્રી, અમે તો અમારા મનનું ધાર્યું ન કરી શક્યા પણ બેટા, તું તો તને ગમે એ જ કરજે. તું અમારી વાતોનો એવો અર્થ બિલકુલ ન સમજતી કે અમારી અધૂરી રહી ગયેલી એ ઈચ્છાઓ તારે પૂરી કરવાની છે. જેમ શ્ર્વાસ સૌના પોતાના હોય છે એમ સપના પણ વ્યક્તિના પોતાના હોય છે. કોઈના શ્ર્વાસ પર જો માલિકી ન ચલાવી શકાતી હોય તો પછી કોઈના સપનાઓ પર પાબંધી ન લગાવી શકાય. તારા સપના, તારા નિર્ણય, તારી પસંદગી એ માત્ર તારી છે એમાં અમારી શુભેચ્છાઓ અને સથવારો હોય અમારી કચકચ કે નારાજગી નહીં. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક આવતી જાય એમ માબાપના અધૂરાં સપનાઓ અને મોટી મોટી નોકરીઓ સુધી કપાતું અંતર એ મનોમન ગણતા રહે. પુસ્તકમાં મોઢું ખોસીને બેઠા તો હોય પણ મન તો આવનારી શક્યતાઓના ત્રાજવે તોળાતું હોય. જિંદગીના ચોથા દાયકામાં પહોંચ્યા પછી એક વાત મને સમજાઈ છે બેટા કે માર્કશીટમાં લખાઈને આવતા માર્ક તમારા જીવનમાં કોઈ બેન્ચમાર્ક લગાવીને નથી જતા. તમારી પરીક્ષાનું પરિણામ તમારી આવડત, તમારી સર્જનાત્મકતા કે તમારા આત્મવિશ્વાસનું વજન ન કરી શકે. તમને કેટલા પર્સન્ટેજ આવ્યા, તમારું પરિણામ શું આવ્યું, તમે શું સાબિત કર્યું, તમે ટોપ ટેનમાં આવ્યા કે નહીં આવું લોકો ગણતરીના દિવસોમાં ભૂલી જાય છે. એ પછી કોઈને કંઈ પડી નથી હોતી એટલે સૌથી પહેલાં તો લોકો શું કહેશે, સગાવહાલા શું કહેશે, સોસાયટીમાં બધા શું કહેશે એવા બધા વિચારો મનમાંથી દૂર કરી નાખ. આપણે આપણી જિંદગી આપણા માટે જીવીએ છીએ સોસાયટી કે સમાજ માટે નહીં. બીજાની વાહવાહી કે બીજાના અહોભાવ જીતવામાં આપણે પોતાનો મનને દઝાડીએ, દબોચીએ કે હંફાવીએ તો જગતમાં એનાથી મોટી કોઈ મૂર્ખતા ન હોઈ શકે. એક વસ્તુ જીવનમાં યાદ રાખજે..તેં અત્યાર સુધી શું કર્યું ?હવે શું કરી રહી છે ? અને આગળ જીવનમાં શું કરવાની છે ? આ ત્રણેય પરિસ્થિતિમાં માત્ર એક જ વ્યક્તિને ફરક પડે અને એ વ્યક્તિ એટલે તું પોતે.

પરીક્ષામાં તું રાતદિવસ ઉજાગરાઓ કરીને વાંચી રહી છે, અંધારામાં ક્યારેક હીબકા ભરી લે છે તું, બરાબર જમતી નથી, કોઈ સાથે વાત નથી કરતી, બહાર નીકળતી નથી, રાતરાતભર પુસ્તકોના પાનાઓ એકસો એંસીની સ્પીડે ફેરવતી રહે છે, નખ ચાવીને અને વાળમાં આંગળી ગોળ ગોળ ફેરવી અર્ધી ભૂત જેવી દેખાય છે. મને એમ કહે કે આ બધું તું કોના માટે કરી રહી છે ? મને કે તારા પપ્પાને તો આવું કશું જોઈતું જ નથી. એ માર્ક અને ફર્સ્ટ ક્લાસ શું ખપનો જે તમને હતા ન હતા કરી નાખે, નીચોવી નાખે. આવી મહેનત પછી તને મળતા સારા માર્ક્સ એ પુરસ્કાર કરતા મહેનતાણું વધારે લાગશે. આવા ટેન્શનમાં અને ટેન્શનમાં તો કંઈકેટલાય છોકરાઓ એક્ઝામ આવે એ પહેલા તો રોગ નિદાનના ટેસ્ટ આપતા હોય છે.

આ બધામાં એક ખાસ વાત યાદ આવી ગઈ. તું તારી જાતને તારી પિતરાઈ બહેનો કે તારી બહેનપણીઓ સાથે સરખાવવાનું બંધ કર. તારી કોઈ ફ્રેન્ડને જેટલા માર્ક્સ આવ્યા એટલા તને મળવા જ જોઈએ એ જીદ જ ખોટી છે. દરેકના સપનાની સાઈઝ જુદી જુદી હોય છે, દરેકની ઈચ્છાઓના વજન જુદાં જુદાં હોય છે. આ બધું અલગ અલગ છે એની જ સુંદરતા છે. જો બેટા, માબાપ અને માર્ક આ બધા માટે બહુ કકળાટ નહીં કરવાનો, જો તો કેવી હસી પડી ખડખડાટ!

સાચું કહું તો હવે મને તારા આ ગુમસુમ હોવાની વાતનો બહુ જ કંટાળો આવે છે. તને જો નોકરીની ચિંતા હોય તો હું નોકરી આપીશ. મારી સાથે ખુલ્લા મને જીવવાની નોકરી અને પગારમાં તને રોજ બચીઓ આપીશ. સારું, તું ભણ, વાંચ, તારે જે બનવું હોય એ બન પણ મૂળ વાત કે સપનાને પાંખો એટલે હોય છે કેમકે એને ઉડવાનું હોય છે. સપનાઓ એટલા વજનદાર ન હોવા જોઈએ કે એ ઉડી જ ન શકે અને કોઈપણ આવીને એને પાંજરામાં કેદ કરી લે. તારે જે કરવું છે એ કર પણ એ આખી વાતનો આનંદ લેતી જા. દરેક ક્ષણને જીવતી જા તો તને લક્ષ્ય સુધી પહોંચ્યાનું સુખ મળશે બાકી મનમજૂરી અનુભવાશે સતત. સારું, તો તને લાગે કે બહુ વાંચી લીધું છે, થોડીવાર મમ્મી સાથે વાત કરવી છે, તો હું બહાર હીંચકે બેસીને તારી રાહ જોઉં છું. મસાલાવાળી ચાય બનાવી છે અને તારા ફેવરિટ ઢોકળા પણ બનાવ્યા છે. અને હા, તારા મોઢે પેલું ગીત પણ કેટલાય દિવસથી નથી સાંભળ્યું..શું હતું એ ? હા, "એ જિંદગી ગલે લગા લે....તો એક બે માર્ક ઓછા આવશે તો ચાલશે પણ એક બે ક્ષણ સતત ભીંસાતી રહેશે એ મને નહીં ફાવે.

તારો હાથ પકડીને તને દરેક સંજોગોમાં ભેટીને હૂંફ આપતી રહેશે એ..તારી પાવરબૅન્ક.

- સુપર મમ્મી હિના ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Ibd05H3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com