Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
સમ્રાટ હેમચંદ્ર વિક્રમાદિત્ય

પ્રફુલ શાહપ્રફુલ શાહઆપણને ખબર છે કે ભારતનો નેપોલિયન કોને કહેવાતું? આપણામાંથી કેટલાં જાણે છે કે મુસલમાનો- મોગલોના લોહિયાળ સત્તા-પીપાસા વચ્ચે દિલ્હી પર એક હિન્દુ સત્તારૂઢ થયા હતા? કોણ હતા એ ? સૌથી વધુ યુદ્ધ જીતનારો વીરલો કોણ એની વિગતો-આંકડાથી આપણે અજાણ છીએ.

આ બધા સવાલોનો એક જ જવાબ છે. સમ્રાટ હેમચન્દ્ર વિક્રમાદિત્ય.

સમ્રાટ અને વિક્રમાદિત્ય જેવાં વિશેષણો જોઇને એમ માની લેવાની ભૂલ ન કરતા કે આ શખસ કોઇ રાજવી પરિવારનો બંદો હશે. ના.

મૂળ નામ હેમુ. હાલના રાજસ્થાન સ્થિત અલવર જિલ્લાના મછેરી નામના ગામમાં ૧૫૦૧માં જન્મ. પરિવારની સ્થિતિ એકદમ સાધારણ. પિતા રાયપૂર્ણદાસ સંત માણસ. પુરોહિત તરીકે કામ કરીને જીવન-નિર્વાહ ચલાવે, પરંતુ મોગલ-શાસનમાં હિન્દુ પુરોહિતોની કનડગત ખૂબ જ વધી ગઇ. આથી આ પરિવાર સ્થળાંતર કરીને હાલના હરિયાણામાં વસવાટ કરવા માંડ્યો. અહીંના રેવાડીમાં રાયપૂર્ણદાસ મીઠું વેચવાનો ધંધો કરવા માંડ્યા

ક્યાં હિન્દુ ધર્મના પુરોહિત અને ક્યાં નમકનો પરચૂરણ વેપાર ?

આ સંજોગોને લીધે હેમુના પ્રાથમિક શિક્ષણનો આરંભ પણ રેવાડીમાં જ થયો. પિતાને વ્યવસાયમાં અત્યંત બાળપણથી યથાયોગ્ય મદદ કરતા તેજસ્વી એવા આ છોકરાએ સંસ્કૃત ઉપરાંત હિન્દી, અરબી અને ફારસીમાં ગજબની નિપુણતા મેળવી. એટલી જ પકડ ગણિતના વિષયમાં. અને કુશ્તી તથા અશ્ર્વ સવારીમાં પણ.

મીઠાના કામકાજ સાથે આ પરિવાર લશ્કરને અનાજ અને ગન પાઉડર બનાવવામાં વપરાતો પોટેશિયમ નાઇટ્રેટ પણ વેચે. આનાથી આગળ વધીને હેમુએ રેવાડીમાં ધાતુમાંથી અલગ-અલગ હથિયાર બનાવવાની શરૂઆત કરી. ત્યારથી લઇને આજ સુધી રેવાડીમાં સ્ટીલ, તાંબા અને બ્રાસના વાસણ બનાવવાનો વ્યવસાય જામેલો છે. આ વાતની કેટલાંને જાણ હશે!

એ જ અરસામાં એટલે કે ૧૫૪૦માં શેરશાહ સુરીએ હુમાયુને હરાવીને કાબુલ પાછા જતા રહેવા માટે મજબૂર કરી દીધો હતો. એ સમયે ઇરાન-ઇરાકથી દિલ્હી જવા માટેના માર્ગમાં રેવાડી મહત્ત્વનું સ્થળ હતું. એટલે શેરશાહનું લશ્કર હેમુ પાસેથી જરૂરી સાધન-સામગ્રી મેળવતું હતું. આ શેરશાહ સુરીનું ૧૫૪૫ની ૨૨મી મેના રોજ થયેલા અવસાન બાદ ઇસ્લામશાહ બન્યો ઉત્તરાધિકારી. એક વાર આ ઇસ્લામશાહની નજર રેવાડીમાં વટથી હાથી પર સવાર થઇને જતા હેમચન્દ્ર પર ગઇ.

ઇસ્લામશાહ હેમચન્દ્રને પોતાની સાથે લઇ ગયા. શરૂઆતમાં તેમને આર્થિક-વ્યાપારી બાબતો સોંપી, પછી પોલીસ, વહીવટી કામગીરી સોંપી. હેમચન્દ્રની સાતત્યસભર કાબેલિયત અને વફાદારી જોઇને ઇસ્લામશાહે એમને પોતાના વિશિષ્ટ સલાહકાર અને મુખ્ય સેનાપતિ બનાવી દીધા.

એ જમાનામાં કોઇ હિન્દુને આટલા બધા અને આટલા મોટા હોદ્ા મળતા નહોતા. એટલે હેમચન્દ્ર ઘણાંની આંખમાં કણાની જેમ ખૂંચવા માંડ્યા હતા, પરંતુ હેમચન્દ્ર બધાને પહોંચી વળતા જેટલા સશક્ત, કાબેલ અને દૂરંદેશીવાળા હતા,

પરંતુ ૧૫૫૨માં એક નવો ટ્વીસ્ટ આવ્યો. ઇસ્લામશાહ ગુજરી ગયા. હરીફો ગેલમાં આવી ગયા કે વાહ, હવે હેમચન્દ્ર ગયા કામથી. ઇસ્લામશાહના બાર વર્ષના પુત્ર ફિરોઝ ખાનને નવા સુલ્તાન જાહેર કરી દેવાયા, પરંતુ ત્રણ દિવસમાં એનો કાકો કાળ બનીને ત્રાટક્યો. ચાચાજાન મુવરેઝ ખાન (મુબારક શાહ) સૂરીએ ભત્રીજાનું કાસળ કાઢી નાખ્યું. પછી પોતે શાસક બની બેઠા અને નામ રાખ્યું આદિત્યશાહ સૂરી.

આ નવો સુલ્તાન આજના રાજકારણીઓને સારા કહેવડાવે એવો હતો. એકદમ નિર્બળ અને પૂરેપૂરો ઐય્યાશ.

એટલે થવું જોઇએ એ જ થયું. ચારેકોર અશાંતિ, અજંપો અને વિદ્રોહ. ચોર-લૂટારાઓને મોકળું મેદાન મળી ગયું.

આને લીધે આદિત્યશાહ સૂરી પાસે એક જ રસ્તો હતો. તેણે હેમચન્દ્રના હાથમાં સંપૂર્ણ સત્તા સોંપવા માટે તેમને વડા પ્રધાનની સાથોસાથ સર્વશક્તિશાળી અફઘાન સેનાના વડા સેનાપતિ પણ બનાવી દીધા. આ અફઘાન સેનાનું સુમન સોંપવા પાછળનું મુખ્ય એક કારણ એ કે રાજ્યના લશ્કરમાંના અફઘાન સૈનિકોએ પણ આદિત્યશાહી સામે બંડ પોકારવા કમર કસી લીધી હતી.

હેમચન્દ્ર માટે આ લોઢાના ચણા ચાવવાથી ય કપરી કસોટી હતી. આદિત્યશાહના શાસન હેઠળના અનેક વિસ્તારોમાં બળવા થઇ રહ્યા હતા. બધા તેની ધૂંસરી ફગાવીને સ્વતંત્ર થવા થનગનતા હતા, પરંતુ હેમચન્દ્ર એટલે અફલાતૂન, અનન્ય અને અભૂતપૂર્વ યોદ્ધા, વ્યૂહકાર અને કુનેહબાજ. તેઓ અપ્રતિમ સાહસ બતાવીને એક પછી એક બળવાખોરને યુદ્ધમાં નાથતા, ડામતા, કચડતા અને હરાવતા રહ્યા.

લશ્કરી ઇતિહાસમાં અનન્ય કહેવાય એવા ૨૨ યુદ્ધમાં હેમચન્દ્રે ફતેહના ડંકા વગાડી દીધા. તત્કાલીન જ નહીં, સર્વકાલીન લશ્કરી ઇતિહાસમાં આ અનોખું પરાક્રમ હતું, ફતેહગાથા હતી પણ અકબરના પાલતુ, અંગ્રેજોના પીઠ્ઠુ કે પછી ડાબેરી ઝોકવાળા ઇતિહાસકારોએ હેમચન્દ્રની સિદ્ધિની ઘોર અવગણના કરી

જો કે હેમચન્દ્રે તો હજી સમ્રાટ હેમચન્દ્ર વિક્રમાદિત્ય બનવાનું હતું એ વિજયપતાકા લહેરાવવાની મજલ વધુ રસપ્રદ, રોમાંચક અને ‘ન ભૂતો ન ભવિષ્ય જેવી હતી.

(ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

dJ8sj66
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com