Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
તેજી-મંદી વચ્ચે ઝોલા ખાઈ રહેલું સોનું

કોમોડિટી - રમેશ ગોહિલગત સાતમી સપ્ટેમ્બરના રોજ વૈશ્ર્વિક સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૧૩૬૩ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ અંદાજે ૮૦ ડૉલરનો ઘટાડો આવી ગયો છે, સોનાના ભાવમાં નોંધાયેલા ઘટાડાને કારણે અમુક વર્ગ એવું માને છે કે હવે સોનાએ મંદીના ઝોનમાં પ્રવેશ કર્યો છે અને ભાવમાં પ્રત્યાઘાતી સુધારો આવ્યા બાદ ફરી નરમાઈનું વલણ જોવા મળશે. જોકે, તેની સામે અમુક વર્ગનું માનવું છે કે સોનાના ભાવ વધુ ચાર કદમ આગળ વધીને ત્રણ કદમ પાછળ જશે. વર્તમાન કેલેન્ડર વર્ષના સોનાના ભાવ પર નજર રાખીએ તો વર્ષના આરંભે જાન્યુઆરી મહિનામાં સોનાના ઔંસદીઠ ભાવ ૧૧૩૦ ડૉલરની સપાટીએ રહ્યા હતા, જોકે આ ભાવ સપાટી વર્ષ ૨૦૧૭માં ફરી જોવા મળે તેવી શક્યતા અત્યંત ધૂંધળી હોવાનું કિટકો ન્યૂઝનાં એક વિશ્ર્લેષકે એક અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે હાલને તબક્કે ઔંસદીઠ ૧૩૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણી શકાય. આ સપાટી વટાવવી અને આ સપાટીની ઉપર વેપાર થવો મુશ્કેલ જણાય છે, કેમ કે અત્યાર સુધીમાં ત્રણ વખત વૈશ્ર્વિક સોનાએ આ ભાવ સપાટી વટાવી હતી અને આ સપાટીની નીચે જ ભાવ બંધ રહ્યા છે.

વર્ષ ૨૦૧૭નાં પૂર્વાર્ધમાં સોનાના ભાવ માટે ઔંસદીઠ ૧૩૦૦ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી અને ઔંસદીઠ ૧૨૦૦ ડૉલરની સપાટી ટેકાની સપાટી પુરવાર થઈ હતી. ગત જુલાઈ મહિનાના આરંભમાં પહેલી વખત સોનામાં ઔંસદીઠ ૧૨૦૦ ડૉલરની સપાટીની ઉપર વેપાર થયા હતા અને મક્કમ વલણ સાથે ભાવ ઔંસદીઠ ૧૩૬૩ ડૉલર સુધી પહોંચ્યા હતા. હાલના સોનાના ભાવ મહત્ત્વની ટેકાની સપાટીએ જળવાઈ રહ્યા છે અને ચાર્ટની દૃષ્ટિએ સોનામાં તેજી અકબંધ હોવાથી શેષ કેલૅન્ડર વર્ષમાં નોંધપાત્ર ઉછાળો આવે તેવી શક્યતા નકારી ન શકાય. સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઓલ ફોલ ડાઉનનો માહોલ રહેવાને કારણે સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. ગત ૨૨ સપ્ટેમ્બરના રોજ શુક્રવારે ડૉલર સામે રૂપિયો ૬૪.૭૯ની સપાટીએ હતો તે ગત શુક્રવાર તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ ૬૫.૨૮ના મથાળે રહ્યો હતો. આમ સપ્તાહ દરમિયાન રૂપિયો ૪૯ પૈસા નબળો પડ્યો હતો, જ્યારે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ જે ગત તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯,૭૭૫ હતા તેની સામે ગત શુક્રવારના અંતે રૂ. ૨૯,૮૪૫ના મથાળે રહ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન ભાવમાં રૂ. ૮૦નો વધારો જોવા મળ્યો હતો.

સ્થાનિકમાં આગામી ટૂંક સમયમાં દિવાળીના તહેવારોની મોસમ શરૂ થતાં સોનામાં માગ ખૂલવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. હાલ સ્થાનિકમાં સોનાની આયાત પર ૧૦ ટકા જકાત છે તેમ જ વૈશ્ર્વિક સોનાના ભાવમાં તાજેતરમાં આવેલો ઉછાળો અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી આયાત પડતરોમાં વધારો થતાં દેશમાં દાણચોરીથી સોનાની આયાતમાં વધારો થવાની ભીતિ બજાર વર્તુળો સેવી રહ્યા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે સરકારે ઑગસ્ટ ૨૦૧૩માં સોના પર ૧૦ ટકા આયાત જકાત લાદી હતી અને ત્યાર બાદ સોનાની દાણચોરીમાં વધારો થયો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર ગત વર્ષ ૨૦૧૬માં દેશમાં દાણચોરીથી સોનાની આયાત અંદાજે ૧૨૦ ટનની થઈ હતી. વધુમાં સ્થાનિકમાં જીએસટીના અમલ સાથે વેરાના દર જે અગાઉ ૧.૨ ટકા હતા તે વધીને ત્રણ ટકા થતાં જ્વેલરો રોકડેથી દાણચોરીથી આયાત થયેલા સોનાની ડિસ્કાઉન્ટમાં ખરીદી કરી રહ્યા છે અને તેની જ્વેલરી બનાવીને વેચાણ કરી રહ્યા છે. આમ દાણચોરીથી સોનાની આયાતમાં વધારો થવાને કારણે સરકારની મહેસૂલી આવકમાં પણ ઘટાડો થતો હોવાથી ઉદ્યોગ સહિત વાણિજ્ય મંત્રાલય તરફથી પણ નાણાં મંંત્રાલયને સોના પરની આયાત જકાતમાં ઘટાડો કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહેતાં સોનામાં સલામતી માટેની માગ ઘટતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. આમ વ્યાજ વધારાની શક્યતાને કારણે વર્તમાન સપ્તાહે પણ ભાવમાં નરમાઈ તરફી વલણ જળવાઈ રહેશે. જોકે, ઉત્તર કોરિયા-અમેરિકા વચ્ચે રાજકીય ભૌગોલિક તણાવ જળવાઈ રહેતાં ભાવમાં ઘટાડો મર્યાદિત તેવી શક્યતા વ્યક્ત કરતાં એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડવાઈઝર્સના વિશ્ર્લેષકે ઉમેર્યું હતું કે તાજેતરમાં ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાને કારણે શક્ય: સ્થાનિક સોનાના ભાવમાં વિશ્ર્વ બજારની સરખામણીમાં ઓછો ઘટાડો જોવા મળે. અમારા મતાનુસાર વર્તમાન સપ્તાહે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયાની રેન્જ ૬૪.૩૦થી ૬૬.૫૦ આસપાસની રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સ્થાનિક સોનાના ભાવ માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮,૭૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૩૦,૩૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે, જ્યારે વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૧૨૪૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ઔંસદીઠ ૧૩૩૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ત્રણ દાયકાનો સૌથી મોટો વેરા કપાતનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ આ પ્રસ્તાવ સામે એવી ટીકા થઈ રહી છે કે આ વેરા કપાતનો લાભ માત્ર તવંગરો અને કંપનીઓને મળશે અને આ પ્રસ્તાવને કારણે ટ્રિલિયન ડૉલર કરતાં વધુ માત્રામાં ખાધ થશે. વધુમાં ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષા જૅનૅટ યૅલેને વ્યાજદરમાં તબક્કાવાર વધારાની સાથે આગામી ડિસેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારો કરવાનો અણસાર આપ્યો હોવાથી હાલ બજારમાં વ્યાજદરમાં વધારાની શક્યતા જે અગાઉ ૭૧ ટકા મૂકાઈ રહી હતી તે વધીને ૮૧ ટકા મૂકાઈ રહી છે. આમ વ્યાજદરમાં વધારાની શક્યતા પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત ટોન રહ્યો હતો. જોકે, સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકાના ફુગાવાના આંકડા નિરાશાજનક આવતાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વિશ્ર્વના ટોચનાં સોનાના વપરાશકાર દેશ ચીનની હૉંગકૉંગ ખાતેથી ઑગસ્ટ મહિનાની સોનાની આયાતમાં માસાનુમાસ ધોરણે પંચાવન ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે સોનાના આગલા બંધથી ૦.૪ ટકા ઘટીને ૧૨૮૨.૫૫ ડૉલર આસપાસના મથાળે બંધ રહ્યા હતા, જ્યારે સોનાનો ડિસેમ્બર ડિલિવરી વાયદો આગલા બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૨૮૪.૮૦ ડૉલર આસપાસના મથાળે રહ્યો હોવાના અહેવાલ હતા. એકંદરે સપ્ટેમ્બર મહિનામાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહેતાં સોનાા વૈશ્ર્વિક ભાવમાં માસિક ધોરણે ૨.૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, વર્ષ ૨૦૧૭માં ત્રીજા ત્રિમાસિકગાળામાં ભાવમાં સુધારો નોંધાયો હતો.

સપ્તાહના અંતે ડૉલરની મજબૂતી સાથે ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચેનાં રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રોકાણકારોની લેવાલી જળવાઈ રહેતાં ફંડોનું સોનાનું હોલ્ડિંગ ૨.૪ ટકા વધીને ૨૧૫૪.૯૦ ટનની સપાટીએ રહ્યું હોવાના અહેવાલ હતા.

આમ હાલની અમેરિકા-ઉત્તર કોરિયાની સ્થિતિ જોતાં આગામી દિવસોમાં પણ સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહે તેવી શક્યતા બજારનાં વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે તાજેતરમાં બિલયોનેર રૅ ડૅલિયોએ પણ રાજકીય અને આર્થિક જોખમોને ધ્યાનમાં લેતાં રોકાણકારોને હેજ માટે પાંચથી ૧૦ ટકા રોકાણ સોના જેવી અસ્ક્યામતોમાં કરવાની ભલામણ કરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k264A07
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com