Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ભવિષ્યની જટિલતા-ગંભીરતાને ધ્યાનમાં લઈ પૂરતી માળખાકીય સુવિધા વિના સર્જરી કરવી એ બેદરકારી

ગ્રાહક સુરક્ષા - જહાંગીર બી. ગાયતાજેતરનાં બિજોય સિંહા રોય વિરુદ્ધ ડૉ. વિશ્ર્વનાથ દાસના કેસમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં એક ગૂંચવણ હતી કે શું દરેક નર્સિંગ હોમમાં કાયદેસર ધોરણે આઈસીયુ (ઈન્ટેન્સિવ કૅર યુનિટ )હોવું જોઈએ કે નહીં ? જો આ ચુકાદાનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે તો આ પ્રશ્ર્નનો જવાબ ‘ના’ છે. જો દર્દીને જટિલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોય અથવા તો આગળ જતાં દર્દીની સ્થિતિ જટીલ થઈ શકે એમ હોય તેવા સંજોગોમાં નર્સિંગ હોમમાં આઈસીયુ હોવુ આવશ્યક છે અન્યથા નહીં

કેસની વિગત: બિજોઈની પત્નીને માસિક સ્રાવની સમસ્યા હતી તેણે ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) ડૉ. દાસની સલાહ લીધી. ડૉક્ટરે નિદાન કર્યું કે તેમને ગર્ભાશયમાં ઘણી ગાંઠ હોવાથી ગર્ભાશયના ઓપરેશનની સલાહ આપી, પરંતુ બિજોઈની પત્નીએ ઓપરેશન કરાવવાનું ટાળ્યું. જોકે, પાંચ મહિના પછી તેમને રક્ત સ્રાવ વધવા લાગ્યો. તેમનું બ્લડ પ્રેશર વધુ હોવાથી રક્ત સ્રાવ વધુ થતાં હેમોગ્લોબિન ઓછું થતાં શરીર ફિક્કું પડી જવાથી ફરીથી તેમણે ડૉ. દાસની સલાહ અનુસાર તાકીદે (ઈમરજન્સી ધોરણે) તા. ૧-૧૨-૧૯૯૩ના રોજ આશુતોષ નર્સિંગ હોમમાં ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું.

ઓપરેશન પછી બિજોયના પત્ની હોંશમાં ન આવ્યા તેમને ઈન્ટેન્સિલ કૅરની આવશ્યકતા હતી, પરંતુ આશુતોષ નર્સિંગ હોમમાં ઈન્ટેન્સિવ કૅર યુનિટની સુવિધા નહોતી. આથી તેમને રિપોઝ નર્સિંગ હોમમાં અને ત્યાર બાદ એસએસકેએમ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા, જ્યાં તેઓ ૧૭-૦૧-૧૯૯૪ના રોજ અવસાન પામ્યા.

બિજોયે સ્ટેટ કમિશન સમક્ષ ફરિયાદ નોંધાવી. તેમણે આક્ષેપ મૂક્યો કે ઊંચા બ્લડ પ્રેશર અને ઓછા હેમોગ્લોબિનની અવગણના કરવામાં આવી છે. અર્થાત મારી પત્નીની તબિયત સ્થિર થવાની રાહ જોયા વિના ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે તેણીની હાલત ગંભીર હતી અને આગળ જતાં ઈન્ટેન્સિવ કૅર યુનિટની આવશ્યકતા પડે તેમ હતી અને આશુતોષ નર્સિંગ હોમમાં આઈસીયુની સુવિધા ન હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યું. મને એમ હતું કે નર્સિંગ હોમ સંપૂર્ણપણે સજ્જ છે, પરંતુ મને જાણ નહોતી કરવામાં આવી હતી કે નર્સિંગ હોમમાં આઈસીયુનો અભાવ છે. તેણે એવી દલીલ કરી હતી કે ઈન્ટેન્સિવ કૅર યુનિટ જરૂરી છે અને જે નર્સિંગ હોમમાં ઈન્ટેન્સિલ કૅર યુનિટ ન હોય ત્યાં દર્દીના ઓપરેશન ન થવાં જોઈએ. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ટાંચા સાધનો અને નબળી માળખાકીય સુવિધા હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યું, તેમ જ દર્દીને માળખાકીય સુવિધાથી સજ્જ મેડિકલ સેન્ટરમાં ખસેડવાને બદલે ધન મેળવવાની લાલસામાં નર્સિંગ હોમમાં જાળવી રાખવામાં આવી હતી. આથી ડૉક્ટરની બેદરકારી અથવા લાપરવાહીને કારણે તેમણે પત્ની ગુમાવી હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

ફરિયાદની સ્ટેટ કમિશન સમક્ષ સુનાવણી થઈ ગાયનેકોલોજિસ્ટે પોતાના બચાવમાં કહ્યું હતું કે ઈમર્જન્સી ધોરણે ઓપરેશન કરવાનો મારો નિર્ણય ખરો હતો કેમ કે રક્ત સ્રાવ અટકે તે જરૂરી હતું. આથી બેદરકારી ન ગણી શકાય. જોકે, ભવિષ્યની જટિલ સમસ્યાઓને ધ્યાનમાં લીધા વિના ઓપરેશન નબળી માળખાકીય સુવિધા અને ટાંચા સાધનો વચ્ચે કરવામાં આવ્યું હોવાના બિજોયના આક્ષેપ બાબતે તેમણે કોઈ ટિપ્પણી નહોતી કરી.

સ્ટેટ કમિશને મેડિકલ બેદરકારીને ધ્યાનમાં લેતાં વળતર આપવાનું જણાવ્યું હતું. જોકે, બિજોય અને ડૉ. દાસે નેશનલ કમિશનમાં અપીલ કરી હતી. બિજોયે અપીલ વળતરમાં વધારો કરવા માટે અને ડૉ. દાસે પોતાને બેદરકારીના દોષમાંથી મુક્ત કરવા માટે અપીલ કરી હતી. નેશનલ કમિશને બેદરકારી ન હોવાનું નોંધવાની સાથે ઓર્ડર એક બાજુ પર રાખી દીધો હતો અને ફરિયાદ રદ કરી હતી.

નેશનલ કમિશને ફરિયાદ રદ કરતાં બિજોયએ આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. જેમાં બે મુદ્દા ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. એક તો સર્જરી અથવા તો ઓપરેશન કરવાનો નિર્ણય ખરો હતો અને બીજું સર્જરીની કામગીરીને ધ્યાનમાં લેતાં આઈસીયુ વિનાના નર્સિંગ હોમમાં સર્જરી કરવી એ બેદરકારી ગણી શકાય. તબીબી ધોરણે ઓપરેશનનો નિર્ણય ખરો હોવાથી તેમાં ડૉક્ટરને દોષી ન ઠેરવી શકાય.

આઈસીયુ ન હોય તેવા નર્સિંગ હોમમાં સર્જરીની કામગીરી અંગે સુપ્રીમ કોર્ટે તારણ કાઢ્યું હતું કે દર્દીની તત્કાલીન હાલત અને ભવિષ્યમાં હાલત વધુ ગંભીર થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ટાંચા સાધનો અને નબળી માળખાકીય સુવિધા હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યું હોવાના બિજોયના આક્ષેપ સામે ડૉ. દાસ તકરાર ન કરી શકે. આઈસીયુ વિનાના નર્સિંગ હોમમાં ઓપરેશન ન કરવાની અને આસપાસના વિસ્તારના સુસજ્જ મેડિકલ સેન્ટરમાં દર્દીને ખસેડવાની બાબત તેમણે અવગણી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે દર્દીની હાલત ભવિષ્યમાં ગંભીર થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં કોઈપણ ડૉક્ટર ઈન્ટેન્સિવ કૅર યુનિટની સુવિધા ન હોય તેવાં નર્સિંગ હોમમાં સર્જરી કરવાનું જોખમ ન લઈ શકે.

આમ ગત ૩૦-૦૮-૨૦૧૭ના રોજ ન્યાયાધીશ આદર્શકુમાર ગોયલ અને ન્યાયાધીશ ઉદય ઉમેશ લલીતની બૅન્ચે આપેલા ચુકાદામાં ડૉ. બિશ્ર્વનાથ દાસને વળતર પેટે બિજોયના વારસદારને રૂ. પાંચ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કેમ કે આ કાનૂની પ્રક્રિયા દરમિયાન બિજોયનું નિધન થયું હતું. વળતરની ચુકવણી માટે કોર્ટે ત્રણ મહિનાનો સમયગાળો આપ્યો હતો અને જો આ સમયગાળામાં ચુકવણી ન કરવામાં આવે તો વિલંબ બદલ ૧૨ ટકા વ્યાજ સાથે ચૂકવવાનું આદેશમાં જણાવ્યું હતું.

તારણ: આ કેસના ચુકાદાને ધ્યાનમાં લેતાં એવું ફલિત થાય છે કે કાયદાકીય કે તબીબી દૃષ્ટિએ દરેક નર્સિંગ હોમમાં આઈસીયુ હોવું ફરજિયાત નથી.

મહત્ત્વની બાબત એ છે ભવિષ્યની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મેડિકલ સુવિધાઓ બાબતે સુસજ્જતા હોવી જોઈએ. આમ પૂરતી માળખાકીય સુવિધાના અભાવ વચ્ચે દર્દીનું ઓપરેશન કરવું અથવા તો ભવિષ્યની ગંભીરતાઓને નજરઅંદાજ કરવી એ બેદરકારી છે. આમ એકંદરે માળખાકીય સુવિધાની જરૂરિયાત દર્દીની સ્થિતિ પર અવલંબિત રહે છે.

---------------------------

ઉપસંહાર

ભવિષ્યની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મેડિકલ સુવિધાઓ બાબતે સુસજ્જતા હોવી જોઈએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Y1u4313
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com