Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
શું એેફઆઇઆઇ એક્સોડસ મોડમાં છે?

કરંટ ટૉપિક - નિલેશ વાઘેલાનોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે વધી રહેલા ઘર્ષણ અને યુદ્ધની વધતી શક્યતાઓથી માંડીને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કરવા તત્પર બનેલા ઓપેક દેશો સહિતના અનેક પરિબળો શેરબજારમાં તેજીને ટકવા દેતા નથી.

ભારતીય શેરબજારની ખોડંગાઇ રહેલી ચાલનું જોકે એક સૌથી મહત્ત્વનું કારણ વિદેશી ફંડોની એકધારી વેચવાલી છે.

અલબત્ત, અગાઉની તુલનાએ સ્થાનિક સંસ્થાકીય ફંડો હવે ઘણાં મજબૂત છે અને તેમની પાસે ફાટફાટ થાય એવું નાણાં ભંડોળ હોવાથી તેમની લેવાલીનો ટેકો મળવાને કારણે રોકાણકારો સાવ પાયમાલ થતાં બચી જાય છે.

ઓગસ્ટની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટીમાં વિદેશી ફંડે ભારે વેચવાલી કરી છે. પહેલી ઓગસ્ટથી લઇને સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં આ વર્ગે રૂ. ૧૭,૩૦૦ કરોડ (૨.૬૬ અબજ ડોલર)ના શેર વેચ્યા છે.

નોંધવા જેવી બાબત એ છે કે, ઉપરોક્ત સમયગાળામાં કોઇ પણ અગ્રણી ઉભરતા બજારોમાં તેમનું વેચાણ સૌથી વધારે રહ્યું છે. આ આંકડો આજની તારીખ સુધીમાં તો ઓર જંગી આકાર ધારણ કરી ચૂક્યો છે.

પાછલા સપ્તાહના અંતિમ સત્રમાં જ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે રૂ. ૫૦૦૦ કરોડથી વધુને વેચવાલી નોંધાવી હતી. અલબત્ત સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ જંગી લેવાલી કરી રહ્યાં હોવાથી બજારને કુશન મળી રહે છે, એ અલગ ચર્ચાનો વિષય છે.

નોંધવા જેવી બાબત એ છે કે, આ આઉટફ્લો સાઉથ કોરિયા, તાઇવાન, ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયા જેવા અન્ય ઉભરતા બજારોમાં સૌથી વધારે હોવાનું બ્લૂમબર્ગ અને ઇટીઆઇજીનો ડેટા દર્શાવે છે.

આ ગાળામાં બ્રાઝિલમાં બાઉન્સ બેક જોવા મળ્યો હતો અને ૨.૧૭ અબજ ડોલરનું રોકાણ ઠલવાયું હતું. હવે સવાલ એ થાય છે કે આખરે એફઆઇઆઇ અચાનક પલાયન કેમ કરી રહ્યાં છે?

શું તેઓ ભારતમાંથી હિજરત તો નથી કરી રહ્યાં? બજારના પંડિતો કહે છે કે, અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજવૃદ્ધિના સંકેત ઉપરાંત એક મહત્ત્વનું કારણ એ છે કે, ભારતીય બજાર મોંઘું થતા વિદેશી રોકાણ અન્ય દેશોમાં ઠલવાયું છે.

ભારતીય અર્થતંત્રની દશા અને દિશા અંગે પણ હવે આશંકા ઊભી થઇ રહી છે અને ગ્રાઇન્ડ લેવલ પર શેરના વધારે પડતા ઊંચા ભાવ અને કંપનીઓની અપેક્ષા કરતા નબળી નફાવૃદ્ધિથી વિદેશી ફંડોે અન્યત્ર રોકાણ કરવા વિચારે છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના ઇન્ડિયા ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ સંજય મૂકીમે જણાવ્યું કે, ચાલુ વર્ષમાં પ્રથમ વખત ભારત ઉભરતા બજારોના જૂથમાંથી અલગ દિશામાં જતું હોય તેમ લાગે છે.

એફઆઇઆઇ એક મહિના કરતા વધુ સમયથી વેચવાલી કરી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે, એફઆઇઆઇને એશિયાના બીજા દેશોમાં કંપનીઓનો નફો વધુ વાજબી જણાતી હોવાને કારણે તેઓ કદાચ બીજા દેશોમાં તક શોધી રહ્યા છે.

ચાલુ વર્ષમાં નિફ્ટી અને સેન્સેક્સમાં અનુક્રમે ૨૧.૯ ટકા અને ૨૦ ટકાનો વધારો થયો છે તથા ઉભરતા બજારોમાં તે સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. એનાલિસ્ટ્સે જણાવ્યું કે કેટલાક વિદેશી રોકાણકારોએ ધીરજ ગુમાવી છે અને તેમનો નફો બુક કરી રહ્યા છે.

માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ્સે જણાવ્યું કે અર્નિંગમાં નબળી વૃદ્ધિ શેરના ભાવમાં તીવ્ર વધારાને વાજબી ઠરાવતી નથી. જીએસટી લાગુ થવાથી કોર્પોરેટ બેલેન્સ શીટને નકારાત્મક અસર થશે.

જીએસટીના કારણે જૂન ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિદર ઘટીને ૫.૭ ટકા થઇ ગયો હતો. આ ઉપરાંત સનોર્થ કોરિયા અંગે ભૂરાજકીય તણાવ વધવાથી ઉભરતા બજારોમાં આઉટફ્લોમાં વધારો થયો છે.

રોકાણકારોને એવો ભય છે કે યુએસ ફેડરલ રિઝર્વ બેલેન્સ શીટના કારણે ડોલર મજબૂત થશે અને ભારત જેવા ઉભરતા બજારોમાંથી જંગી પ્રમાણમાં નાણાં બહાર ઘસડાઇ જશે.

એક અભ્યાસ અનુસાર ઉભરતા બજારોમાં ભારતીય શેર્સ સૌથી વધારે મોંઘા છે. ચાલુ નાણાકીય વર્ષ માટે સેન્સેક્સ અંદાજિત નફા કરતા ૨૦.૫૫ ગણા ભાવે ટ્રેડ થાય છે જ્યારે એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સ ૧૩.૭૭ ગણા ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. અન્ય ઉભરતા બજારોમાં અમુક પોઝિટિવ મોમેન્ટમ હોવાનું ટોચની એસેટ મેનેજમેન્ટ કંપનીના ઇમર્જિંગ માર્કેટ ફંડના અધિકારીએ જણાવ્યું હતું.

કેટલાક રોકાણકારો ભારતમાંથી પ્રોફીટ બુક કરીને નીચા વેલ્યુએશન ધરાવતા બજારોમાં રોકી રહ્યા છે. ઓગસ્ટની શરૂઆતથી ૨૧ સપ્ટેમ્બર સુધીમાં બ્રાઝિલનો બોવેસ્પા ૧૩.૬૬ ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી ૧.૪૯ ટકા ઘટ્યો છે.

શેરબજારને તેજીના ઝોનમાં પ્રવેશવા ન દે એવા અનેક કારણો એક સાથે ભેગા થયાં છે. આ કારણો બજારને જંપવા નહીં દેશે. સરકારના નિષ્ણાતો માને છે કે આ સપ્તાહે પણ બજારમાં વોલેટિલિટી યથાવત જ રહેશે અને કોઇ નાટ્યાત્મક સુધારાની અપેક્ષા ન રાખી શકાય.

નોર્થ કોરિયા અને અમેરિકાની ચિંતા ઉપરાંત હવે ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા જેવી આર્થિક ચિંતા પણ નકારાત્મક પરિબળોમાં ઉમેરાઇ છે. જો લશ્કરી અથડામણના શક્યતા વધશે તો ખનીજ તેલના ભાવ સ્પ્રિંગની જેમ ઊછળશે.

બજાર નિષ્ણાતોના મતે ઉત્તર કોરિયાની ભૂ-રાજકીય સતત જળવાયેલી તંગદીલીની ચિંતાને ધ્યાનમાં લેતાં શેરબજાર વોલેટાઈલ રહેવાની ધારણા છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે શરૂ થયેલી શાબ્દિક ચકમકને કારણે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

ઉત્તર કોરિયા હોઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરે તેવી શક્યતાથી સર્જાયેલી આંતરરાષ્ટ્રીય તંગદીલીને કારણે તેજીના ખેલાડીઓ માટે કમબેક કરવાનું કાર્ય હાલ કઠીન જણાય છે. આ સ્થિતિનાં બજારમાં વોલેટિલિટી ઘટે તેવા કોઈ સંકેત જણાતા ન હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

002hly
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com