Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                   
સોલકર: ચપળતાનું બીજું નામ

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય ક્રિકેટરોના ફિલ્ડિંગ કૌશલના ભારોભાર વખાણ થાય છે, એમની આવડતની પ્રશંસા થાય છે, તેમની ચપળતાના ગુણગાન ગવાય છે. મીડ વિકેટ પર છલાંગ મારી ચાર રનને શૂન્યમાં ફેરવી દેતો વિરાટ કોહલી કે પછી સ્લીપમાં ડાઇવ મારીને મુશ્કેલ કૅચને આસાન બનાવી દેતો અજિંક્ય રહાણે કે પછી બાઉન્ડરી લાઇન પર ચિત્તાની ઝડપે દોડીને બૉલ અટકાવતો ઉમેશ યાદવ હોય, આ ક્ષેત્રરક્ષકોની આવડતો હેરત પમાડતી રહે છે. જોકે, એક સમય હતો જ્યારે કેટલાક ખેલાડીઓને મેદાનમાં ક્યાં સંતાડવા એ પ્રશ્ર્ન વિકટ બની જતો.

અલબત્ત ભારતીય ક્રિકેટ ટીમમાં દરેક ક્ષેત્રે અપવાદરૂપ ખેલાડીઓ જોવા મળ્યા છે જેમની કામગીરી કૉલર ટાઇટ કરનારી રહી છે. ૧૮ માર્ચ ૧૯૪૮ના દિવસે (૭૦મી જન્મજયંતી) જન્મેલો એકનાથ સોલકર આવો જ એક વિશિષ્ટ અપવાદ નીવડ્યો હતો. ક્લોઝ ઇન ફિલ્ડર એટલે કે બૅટ્સમૅનની નજીક ફિલ્ડિંગ કરનારા ખેલાડી તરીકે સોલકરની ગણના વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાં થઇ છે. સૌથી સફળ ભારતીય ફિલ્ડર એકનાથ સોલકરે ૨૭ ટેસ્ટ મૅચમાં ૫૩ કૅચ પકડવાની અસાધારણ સિદ્ધિ મેળવી છે. ૫૦ કે એથી વધુ કૅચ લેનારા ખેલાડીઓમાં સોલકરનો દેખાવ સર્વોત્તમ રહ્યો છે. મુંબઇના પી.જે. હિંદુ જિમખાનાના એક સાધારણ કર્મચારીના આ પુત્રે દરેક ઠેકાણે શ્રેષ્ઠ ફિલ્ડિંગ કરી છે, પણ ફૉરવર્ડ શૉર્ટ લેગ પર તેની ચીલઝડપ અદ્વિતીય રહી છે. ૧૯૬૯માં હૈદરાબાદમાં ન્યૂ ઝિલૅન્ડ સામે રમાયેલી ટેસ્ટ સોલકરની કરિયરની પહેલી ટેસ્ટ હતી. આજે તો ફિલ્ડરો શીન ગાર્ડ કે હેલ્મેટ જેવા સુરક્ષા સાધનો સાથે ફિલ્ડિંગ કરે છે જ્યારે સોલકરે કોઇ પણ સાધનની મદદ વિના સાહસ દેખાડ્યું હતું.

૧૯૭૧માં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સૌપ્રથમ ટેસ્ટ મૅચ વિજય મેળવ્યો એમાં સોલકરે છ કૅચ ઝડપ્યા હતા અને ૫૫ રનનું યોગદાન પણ આપ્યું હતું. એ જ વર્ષે ઇંગ્લૅન્ડ સામેની ઓવલ ટેસ્ટના ઐતિહાસિક વિજયમાં તેણે ત્રણ કૅચ ઝડપવા ઉપરાંત ૪૪ રન કરીને ત્રણ વિકેટ લઇને અનેરું યોગદાન આપ્યું હતું. અહીં જે ૧૯૭૧ની તસવીર આપી છે એમાં એ ફૉરવર્ડ શૉર્ટ લેગ પર ઇંગ્લૅન્ડના ઍલન નૉટનો આબાદ કૅચ ઝડપી લેતો જોવા મળે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6m3d7og0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com