Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                   
સમાજનો કોઈ પણ પર્યાય વિસંગત હોય છે

પ્રાસંગિક - પ્રતીક ખંભાતીતેઓ વીસમી સદીમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રે ખાસ્સું અલગ અને ઊંચું સ્થાન ઊભું કરનારાઓમાંના એક હતા. એમના સિદ્ધાંતોને પગલે વીમા, તબીબી સુવિધાના ક્ષેત્રોની અને શેરબજારની સંકલ્પના-કોન્સેેપ્ટનું અર્થતંત્ર બદલાઈ ગયું હતું. એ નોબેલ પારિતોષિક વિજેતા, પ્રખર વિદ્વાન અર્થશાસ્ત્રીનું નામ હતું. એમનું ગયા મહિને ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ના દિવસે અવસાન થયું હતું.

છેલ્લા કેટલાક દશકમાં એમણે અર્થશાસ્ત્રમાં પ્રચંડ કામ કર્યું છે. એમનો જન્મ ૨૩ ઑગસ્ટ, ૧૯૨૧ના દિવસે ન્યૂ યોર્ક સિટીમાં થયો હતો. માતા લિલિયન (ગ્રીનબર્ગ) ઍરો રોમાનિયાનાં હતાં તો પિતા હેરી ઍરો પોડુઈલોયના હતા. ઍરો કુટુંબ રોમાનિયન યહૂહી હતું. અર્થશાસ્ત્રી હોવાની સાથે કેનેથ નવા રાજકીય સિદ્ધાંતોના પ્રણેતા પણ હતા. જન્મ બાદ ઉછેરના કાળમાં એમણે કારમી ગરીબી જોઈ હતી-અનુભવી હતી. આ જ કારણે પાછળથી અર્થશાસ્ત્રમાં સંશોધન કરવા દરમિયાન એમણે સામાજિક ન્યાય અને એ સંબંધી વૈકલ્પિક ઉપાયો-ઉકેલો બાબતે ભાર મૂક્યો હતો. એમણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગણિતમાં એમ.એ.ની ડિગ્રી લીધી હતી. એ વખતે એમની વય હતી ફક્ત ૧૯ વર્ષ! ડિગ્રીનો અભ્યાસ કરતાં જ એમણે યુદ્ધના સમયે હવામાન સંશોધક તથા એર કૉઅર કૅપ્ટન તરીકે કામ કર્યું હતું. કેટલોક સમય એમણે રૅન્ડ કૉર્પોરેશનમાં ત્યાર બાદ હાર્વર્ડ યુનિવિર્સિટીમાં અધ્યાપક તરીકે પણ ફરજ બજાવી હતી.

અર્થશાસ્ત્રમાં અમેરિકામાંથી પહેલું નોબેલ પારિતોષિક મેળવનારા પૉલ સેમ્યુઅલસને કેનેથ ઍરો વીસમી સદીના મહાન અર્થશાસ્ત્રી છે એમ કહ્યું હતું. ખરેખર તો એમ કહી શકાય કે ઍરોની કારકિર્દી ઘડાઈ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં. આ ઠેકાણે ઍરોએ ૧૧ વર્ષ કામ કર્યું હતું. વર્ષ ૧૯૫૧માં કેનેથ ઍરોએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ મેળવી હતી. એ માટેના સંશોધન નિબંધમાં એમણે સમાજ દ્વારા આપવામાં આવેલા પર્યાય અને વ્યક્તિગત નક્કી કરાયેલા પર્યાયો વચ્ચેનો સંબંધ દેખાડ્યો હતો. લોકશાહીમાં મતદાનની પદ્ધતિમાં હંમેશાં અપેક્ષિત ન હોય એવાં પરિણામ આવતા હોય છે, એ બાબતે ડૉ. કેનેથ ઍરોએ કહ્યું હતું કે, સમાજ નક્કી કરે છે એ પર્યાયો હંમેશાં વિસંગત કે વિરોધાભાસી હોય છે. એથી યોગ્ય સમાજિક વિકલ્પો માટે ચાર બાબતોની પૂર્તિ-પૂર્તતા થવી આવશ્યક હોય છે અને કોઈ પણ વ્યવસ્થામાં એ થઈ શકે જ નહીં.

માગણી અને પુરવઠાને પ્રશ્ર્ને એમણે ગહન સંશોધન કર્યું હતું. એક દાખલો આપતાં એમણે કહ્યું હતું કે, સમજો એક સફરજન છે જેવી વસ્તુ છે, એની કિંમત અને માગણી-સંખ્યા જો સુસંગત હશે તો અંતિમ ભાવ સંબંધે ફલશ્રુતિ અથવા પરિણામ સારું આવશે. આ તો એક જણસનું ઉદાહરણ થયું, પણ જો ખેતી, જમીન, ખેતમજૂર, બૅંકનું કરજ જેવા અનેક માર્કેટનો વિચાર કરતા જણાશે કે એ એકબીજાને પ્રભાવિત કરે છે. કઈ ખાસ પરિસ્થિતિમાં બજારો તૂટી પડતી નથી, પણ સફળ થાય છે એ વિશે ગહન વિવેચન એમણે કર્યું હતું.

વ્યવહારની-રોજબરોજની આર્થિક સમસ્યા સંબંધે એમનું બહુ મોટું યોગદાન રહ્યું છે, એમાં ઈન્સ્યોરન્સ, હેલ્થ સર્વિસીસ તથા હવામાન પરિવર્તનનો પણ સમાવેશ થતો હતો. વળી, એમણે ‘ઈકોનોમિસ્ટ્સ સ્ટેટમેન્ટ ઑન ક્લાયમેટ ચેન્જ’ વિષય પર સહલેખન કર્યું હતું, એમાં એમણે હવામાનમાં બદલાવના જોખમ વિશે આગોતરાં એંધાણ આપ્યા છે. ‘સોશિયલ ચૉઈસ ઍન્ડ ઈન્ડિવિડ્યુઅલ વેલ્યુઝ’ નામના પુસ્તકમાં બહુમતોના મતદાન નિયમોમાં રહેલી પોકળતા જણાવી છે. પ્રોફેસર કેનેથ જોસેફ ઍરોને ૧૯૭૨માં બ્રિટિશ અર્થશાસ્ત્રી જૉન હિક્સની સાથે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. ઍરો બહુવ્યાસંગી હતા એટલે અન્ય વિષયોમાં રહેલાં જ્ઞાનને અર્થશાસ્ત્રમાં જોડી દઈને રોજના વ્યવહારની આર્થિક સમસ્યાનો ઉકેલ સરળ પદ્ધતિએ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ૨૦૦૧માં અર્થશાસ્ત્રનું નોબેલ મેળવનારા જોસેફ સ્ટિરલિત્રે પોતાનું કામ ડૉ. ઍરોના શરૂના કોન્સેપ્ટ પરથી પ્રેરિત હોવાનું કહ્યું હતું. ડૉ. ઍરોનું અવસાન કૅલિફોર્નિયાના તેમના નિવાસ સ્થાને થયું ત્યારે એમની વય ૯૫ વર્ષની હતી. એમણે બજારના અર્થશાસ્ત્રમાં ગ્રાહક તથા ઉત્પાદક વચ્ચે અન્યોન્ય સંબંધમાંથી સર્વસાધારણ સંતુલન સંબંધી અર્થઘટન કરી બતાવ્યું હતું. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જે આરોગ્યની કાળજી સંબધી જે યોજના જાહેર કરી હતી એમાં ઍરોના કેટલાક મુદ્દાનો વિચાર કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રમાં ઍરો યુદ્ધેતર કાળની જાણીતી ‘નિઓ-ક્લાસિકલ ઈકોનોમિક થિયરી’માં અગ્રણી નામ કહેવાય છે. સોશિયલ ચોઈસ થિયરીમાં ‘ઍરોઝ ઈમ્પોસિબિલિટી થિયરમ’ને નામે એમનું પ્રદાન આજે પણ ચર્ચાનો વિષય બને છે.

ઍરો સંબંધે અર્થશાસ્ત્રી અનિતા સમર્સના ભાઈ થતા હતા તો અર્થશાસ્ત્રી તથા અમેરિકાના ભૂતપૂર્વ વિત્ત સચિવ તથા હાર્વર્ડના પ્રેસિડેન્ટ લૅરી સમર્સના મામા થતા હતા. તાજેતરમાં અવસાન પામેલા અર્થશાસ્ત્રી રૉબર્ટ સમર્સ ઍરોના બનેવી હતા. ઍરો સેલમા શ્ર્વાઈત્ઝર સાથે પરણ્યા હતા, જેમનું મૃત્યુ ૨૦૧૫માં થયું હતું. એમને બે સંતાનો, ડેવિડ માઈકલ અને એન્ડ્ર્યુ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6V6Sn36x
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com