Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                   
રત્નાગિરિનો ક્રીડારત્ન: કૅરમનો નવો કસબી

વિશેષ - યશ ચોટાઈઇન્ડોર ગેમ્સની ટોચની રમતોમાં ચેસ ઉપરાંત કૅરમ એવી રમત છે જે ઘેર-ઘેર રમાય છે. દેશના લગભગ તમામ રાજ્યોની અનેક ક્લબો અને જિમખાનાઓમાં તેમ જ મોટી હૉટેલોના રિક્રીએશન સેન્ટરમાં કૅરમ-બોર્ડ અવશ્ય હોય છે. આ રમત વર્ષોથી એટલી બધી લોકપ્રિય છે કે નાનાં શહેરો કે ગામોએ પણ રાજ્યોને ચૅમ્પિયન ખેલાડીઓ આપ્યા છે. તાજેતરમાં જ રત્નાગિરિ જેવા નાનાં શહેરે મહારાષ્ટ્રને અભિષેક ચવ્હાણના રૂપમાં નવો વિજેતા આપ્યો.

તાજેતરમાં બોરિવલી સ્થિત મંડપેશ્ર્વર સિવિક ફેડરેશન દ્વારા રાજ્ય-સ્તરીય કૅરમ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં અભિષેકે અફલાતૂન પર્ફોર્મન્સ બતાવ્યો હતો. તેણે પહેલાં વિશ્ર્વવિજેતા પ્રશાંત મોરેને હરાવ્યો હતો અને પછી અંતિમ રાઉન્ડમાં અનુભવી ખેલાડી અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન યોગેશ પરદેસીને ૨૫-૯, ૨૫-૧૬થી હરાવીને પહેલી વાર રાજ્યનું વિજેતાપદ હાંસલ કરી લીધું હતું.

જિલ્લા અને સ્થાનિક સ્તરે અનેક સ્પર્ધાઓ જીતી ચૂકેલા અભિષેકે હવે કારકિર્દીમાં ‘પાછળ વળીને નથી જોવું’, એવો નિર્ધાર કરી લીધો છે અને એ વાતને ધ્યાનમાં રાખીને જ તે દરેક હરીફાઈ માટેની પૂર્વતૈયારીઓ કરતો હોય છે. તેની ખ્વાહિશ પણ ભારતને વધુ એક વિશ્ર્વવિજેતા આપવાની છે.

અભિષેકે બાળપણમાં અને યુવાનીની શરૂઆતમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. રત્નાગિરિમાં જ તેનું સમગ્ર બાળપણ વીત્યું હતું. તે રત્નાગિરિની રા. ભા. શિર્કે હાઈ સ્કૂલમાં ભણ્યો હતો. તેના પરિવારે અત્યંત ગરીબીના દિવસો જોયા હતા. તેના પપ્પા એસટી (સ્ટેટ ટ્રાન્સપોર્ટ)માં નોકરી કરતા હતા અને અભિષેક એસટીનાં ક્વૉર્ટર્સની ચાલીઓમાં કૅરમ રમીને મોટો થયો હતો.

એક સમય હતો જ્યારે એસટીનાં રહેઠાણોની ચાલીઓમાં કૅરમની હરીફાઈઓ થતી ત્યારે અભિષેક કૅરમ-બોર્ડના કાણાઓમાં ગયેલી કૂકરીઓ ભેગી કરતો અને કૅરમ પર ગોઠવીને સ્પર્ધકો માટે નવી ગેમ શરૂ કરવામાં મદદ કરતો. આજે અભિષેક એ જ કૅરમ-બોર્ડનો ‘રાજા’ બની ગયો છે. ‘મોટેરાઓ સાથે કૅરમ રમતી વખતે તેમને હરાવ્યા સિવાય જગ્યા પરથી ઊભા ન થવું’ એવો નાનપણમાં અપનાવેલો સંકલ્પ અભિષેકને આ રમતમાં શિખર સુધી જવામાં મદદરૂપ થઈ રહ્યો છે. રત્નાગિરિની બાળૂ શેટ ભિંગાર્ડેની કૅરમ ક્લબ ખાતે રમી ચૂકેલા મુંબઈના રાષ્ટ્રીય કૅરમ વિજેતાઓ રિયાઝ અકબર અલી તથા અનિલ ગાંધી પાસેથી અભિષેકને તાલીમ મળી હતી. તેમના માર્ગદર્શનની મદદથી અભિષેકે રત્નાગિરિની સબ-જુનિયર રાજ્ય કૅરમ સ્પર્ધા જીતી હતી. એ સાથે જ તેણે રાજ્યભરના કૅરમપ્રેમીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. અભિષેકને તેના ‘ગુરુ’ રિયાઝ અકબર અલી તરફથી માત્ર કૅરમમાં જ નહીં, પરંતુ અંગત જીવનના સંઘર્ષોનો સામનો કરીને કેવી રીતે સફળતા મેળવવી એનું માર્ગદર્શન પણ મળ્યું હતું.

તેમનું એ માર્ગદર્શન અભિષેકને ભણતર પૂરું કર્યા પછીના સમયકાળમાં ઘણું કામ લાગ્યું હતું. તેના પપ્પા નિવૃત્ત થતાં તેમ જ મમ્મી જે કંપનીમાં નોકરી કરતી હતી એ બંધ પડી જતાં પરિવારનું ગુજરાન ચલાવવાની બધી જવાબદારી અભિષેક પર આવી પડી હતી. એ સંજોગોમાં અભિષેકમાં કૅરમની રમતમાં કરિયર આગળ ધપાવવાની પ્રબળ ઇચ્છા પણ હતી એટલે તે થોડો અસમંજસમાં હતો, પરંતુ ડગ્યો નહોતો. તેણે ફૅમિલીનો આર્થિક બોજ ખમવાની સાથે કૅરમમાં કારકિર્દી આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું હતું.

તાજેતરમાં બોરિવલી-સ્થિત રાજ્ય-સ્તરીય સ્પર્ધા જીતતાં અભિષેકને કરિયરમાં એક સોનેરી કિરણનો અહેસાસ થયો છે. તેને હવે રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતાપદ જીતવું છે. જોકે, એ શિખર સુધી પહોંચતાં પહેલાં તે સારી નોકરીની શોધમાં છે અને એ માટે પરિશ્રમ કરી રહ્યો છે. એ માટે તેણે રાજ્યના રાજકીય સ્તરે મદદ માગી છે. રત્નાગિરિના કેટલાક હિતેચ્છુઓએ તેને પુત્ર જેવો ગણીને પ્રેમ આપ્યો અને મુંબઈના પ્રવાસો માટે પૈસાની વ્યવસ્થા કરી આપેલી એ ઋણ અભિષેક ક્યારેય નથી ભૂલવાનો. એ સહાયને તે જ્યારે પણ યાદ કરે છે ત્યારે ભાવુક થઈ જાય છે. તે માતા-પિતાના, ગુરુઓના તેમ જ કૅરમપ્રેમીઓના પ્રેમ તથા સાથ-સહકારને ક્યારેય નથી ભૂલવા માગતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

16os07
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com