Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                   
છકો અને મકો

- જીવરામ જોષી



(ગયા અંકથી ચાલુ)

છકાએ કછોટો વાળ્યો. મકાએ ચાદર લઇને છકાની કેડે વીંટાળી દીધી. ઉપરથી દોરી બાંધી. પછી ઘાઘરાની પેઠે ચાદરની કરચોલીઓ વાળી દીધી. જાણે ઘાઘરો પહેર્યો હોય એવું દેખાય. બીજી ચાદર સાડીની પેઠે ઓઢાડી દીધી. મકાભાઇએ લાંબી લાજ કાઢી લીધી.

મકો કહે : તું તારે ચાલ્યો જા. મંદિર જઇને બેસજે રાત થશે કે હું આવી પહોંચીશ.

લાંબી લાજ તાણીને છકો ચાલ્યો. લાજ લાંબી કાઢેલી એટલે ચાલતાં ફાવે નહીં. કશું દેખાય નહીં. તોય જેમતેમ કરતો થોડુંક આગળ ચાલ્યો. છકામકાભાઇના ચોકીદારે ડાઘિયો કૂતરો પાળેલો. તે જોઇ ગયો. વોહ વોહ કરતો દોડ્યો. છકાભાઇના મહેલમાં કોઇ બાઇ રહેતી નહોતી. તેથી કૂતરાને લાગ્યું કે, નવીન કોઇ ઘૂસી ગયું છે. વોહ વોહ કરતો ડાઘિયો દોડ્યો. પણ છકાભાઇ લાજમાંથી કશું જોઇ શકતા નથી ત્યાં તો ડાઘિયો આવી પહોંચ્યો. વોહ વોહ કરતો છકાભાઇને બચકું ભરવા ગયો કે સાડી મોઢામાં આવી ગઇ. છકાભાઇ ગભરાયા. ડાઘિયો પોતાને ચોંડી પડ્યો. હવે બચવું જોઇએ. ગભરાટમાં ને ગભરાટમાં છકાભાઇ ભાગવા ગયા. ડાઘિયે મોઢામાં સાડી ખેંચી રાખી. સાડીનો છેડો ખેંચાઇ આવ્યો. માથેથી સાડી ઊતરી ગઇ. છકાએ સાડી પકડી રાખી, પણ ડાઘિયો છોડતો નથી. ત્યાં તો ચોકીદારો દોડ્યા. હડ, હડ, હડ બોલતો હરજી નોકર પણ દોડતો આવ્યો. છકાભાઇ ખરેખરા ગભરાયા. સાડી ખેંચવા રોકાય તો ચોકીદારો અને હરજી આવી પહોંચે અને પોતાને ઓળખી જાય. સાડી જાય તો ભલે જાય. આમ વિચારીને છકાએ સાડી મૂકી દીધી અને ભાગ્યો. ડાઘિયે સાડી ખેંચી રાખી હતી. છકો ભાગ્યો કે સાડી નીકળી ગઇ. છકો ભાગતો ઓરડામાં ઘૂસી ગયો.

મકો કહે : કાં ?

છકો કહે : કાં શું, આવા ડાઘિયા કૂતરા શીદ રાખ્યા છે? એ પાજીએ અમારી સાડી ખેંચી લીધી. બધો ખેલ બગાડી દીધો.

ત્યાં તો હરજી નોકર ચાદરની સાડી લઇને અંદર આવ્યો. છકો પલંગ નીચે ઘૂસી ગયો.

હરજી કહે : કોઇ બાઇની સાડી આપણા ડાઘિયાએ ખેંચી લીધી. એ બાઇ બિચારી અહીં ક્યાંક આવી છે.

મકો બોલ્યો :અહીં કોઇ બાઇ ફાઇ નથી. તું જા.

હરજી જતો રહ્યો.

મકો કહે : છકા,નીકળ બહાર.

છકો પલંગ નીચેથી બહાર આવ્યો.

છકો કહે : હવે શું કરીશું ?

મકો બોલ્યો : પણ હેં છકા ! રાજાને તેં શું કહ્યું હતું ?

છકો કહે : કશું નહીં.

મકો કહે : કેમ ? રાજા પાસે જઇને શું કર્યું ?

છકો કહે : અમે રાજા પાસે ગયા જ નથી.

મકાભાઇ બોલ્યા : હેં.......!

છકો કહે : હા, અમે અહીંથી નીકળ્યા પણ ધૂનમાં ને ધૂનમાં રાજમહેલના મારગને બદલે બીજે મારગે ચાલ્યા ગયા. જતાં જતાં વિચાર આવ્યો કે, રાજાને એવી વાત કહેવી ન જોઇએ. આપણી પોલ આપણે ઉઘાડી પાડીએ તે ઠીક નહીં. એમ વિચારીને હું પાછો આવતો રહ્યો.

આ વાત સાંભળી મકો દંગ થઇ ગયો. તો પછી રાજાએ છકાને પાજી કેમ કહ્યો ?

છકાને હવે વાત સમજાઇ ગઇ.

છકો કહે : તેં જઇને રાજાજીને એમ કહેલું કે અહીં પાજી છકો આવ્યો છે?

મકો કહે : હા.

છકો કહે : તે ઉપરથી રાજા સમજ્યા કે છકા નામનો કોઇ પાજી માણસ હશે. તેની ફરિયાદ કરવા તું આવેલો.

મકો હવે સમજ્યો, કે છકાને પકડવાનું રાજાએ શીદ કહ્યું ? રાજા નથી જાણતા કે મારું નામ મકો છે અને છકાનું નામ છકો છે.

આ વાત છકામકાને સમજાઇ કે બંને હસી પડ્યા.

મકો કહે : છકા ! રાજાય અવળું સમજ્યા અને આપણે પણ અવળું સમજ્યા.

છકો કહે : હો....અવળું સમજવાથી જ બધા ગોટાળા થાય છે. એમ આપણા બાપા કહેતા હતા.

મકો કહે : હવે આપણે નાસવાનું નથી. બસ, ખાઓ, પીઓ અને મોજ કરો.

છકો કહે : હા, ઉપાધિ આવશે ત્યારે રાત છે આપણા...બાપની.

તાલી પાડીને છકોમકો હસ્યા.

પછી તો છકામકાભાઇ મોજથી રહેવા લાગ્યા. નવી ઉપાધિ આવી નથી અને નાસી જવાની વાત નથી. (સમાપ્ત)

(આવતા અંકથી શરૂ થશે નવી વાર્તા)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4h04g54J
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com