20-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સંશોધન જ સાચું ધન
વિશ્ર્વના શ્રેષ્ઠ દસ સંશોધકોમાં સ્થાન પામનાર પ્રણવ મિસ્ત્રી આવનારાં વર્ષોમાં હજી રોમાંચક શોધ કરશે તે નક્કી

દેશી-પરદેશી ગુજરાતી - બકુલ ટેલરલાંબા સંઘર્ષ પછી પોતાની ઓળખ ઊભી કરનાર એક પેઢી છે તો બીજી તરફ હવે એવી પેઢી પણ ઓળખ ઊભી કરી ચૂકી છે. જે વૈશ્ર્વિકીકરણના યુગમાં નવા પડકારો ઝીલી રહી છે. છેલ્લા એક-દોઢ દાયકામાં એવા ગુજરાતી યુવાનો પશ્ર્ચિમી દેશોમાં પ્રતિષ્ઠા પામ્યા છે જેમનો આધાર આધુનિક શિક્ષણ અને ટેક્નોલોજિકલ અધ્યયન છે. પાલનપુરના પ્રણવ મિસ્ત્રી તેમાંના એક છે. ૧૪મે ૧૯૮૧માં જન્મેલા આ ૩૨ વર્ષના યુવાનને હમણાં વર્લ્ડ ઈકોનોમીક ફોરમે યંગ ગ્લોબલ લીડર તરીકે સન્માન્યો છે. તે પહેલાં ઈન્ડિયા ટુડેએ તેને આવતી કાલના ભારતના ૩૦ મહત્ત્વના ભારતીય તરીકે પોંખ્યો હતો. તે પહેલાં એમઆઈટી ટેક્નોલોજી રિવ્યુની ૩૫ વર્ષથી નીચેના ટોપ ૩૫ ઈનોવેટરમાં તેને સ્થાન મળ્યું હતું. પ્રણવ મિસ્રીને વિશ્ર્વના દસ શ્રેષ્ઠ ઈનોવેટરમાં પણ સ્થાન મળી ચૂક્યું છે. માત્ર ૩૨ વર્ષની ઉંમરે આટલાં બધા અચીવમેન્ટ હરખ પમાડે તેવાં ગણાવી શકાય.

અત્યારે સેમસંગ ઈલેક્ટ્રોનિકમાં રિસર્ચ ડાયરેક્ટર તરીકે સક્રિય પ્રણવના પિતા કીર્તિ મિસ્ત્રી આર્કિટેક્ટ અને ટેક્નોક્રેટ છે. તેમણે તેમના આ તેજસ્વી પુત્રને પ્રતિભા પ્રમાણે યોગ્ય કેળવણી મળે તે માટે સભાનતાપૂર્વક યોજનાઓ ઘડી હતી. ઘરના કમ્પ્યુટર પર રમતાં રમતાં તેની સર્જનાત્મકતા ખીલી ઊઠતી જોઈ અને તેમાંથી જ તેની દિશા નક્કી થઈ ગઈ. નિરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ભણ્યા પછી તે મુંબઈની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં આગળ ભણ્યો અને પછી અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં દાખલ થયો. આ દરમિયાન જ પ્રણવ મિસ્રીએ સિક્સ્થ સેન્સના ઈન્વેન્ટર તરીકે ચારેબાજુથી પ્રશંસાભરી ચર્ચા મેળવી લીધી. આ ઈનોવેશન માટે ૨૦૦૯નો પોપ્યુલર સાયન્સ એવૉર્ડ મળ્યો. મુંબઈ એમઆઈટી ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન સેન્ટરમાં તે ડિઝાઈનમાં માસ્ટર્સ થયા પછી તેણે મિડિયા આર્ટ્સ અને સાયન્સની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને આ ડિગ્રીઓને કારણે માઈક્રોસોફ્ટમાં ઓએક્સ રિસર્ચર તરીકે કામ કરતો થયો. ત્યારબાદ એમઆઈટીની મિડિયા લેબમાં પીએચડી કરવા સાથે સાથે તે રિસર્ચ આસિસ્ટન્ટ બન્યો.

યુવાન અને સંશોધકની પ્રતિભા ધરાવતા પ્રણવ મિસ્રીના સૌથી વધુ કલાકો કમ્પ્યુટર સામે જાય છે અને તેના આ બધા કલાકો સંશોધકીય ઉત્તેજનાથી ભરેલા હોય છે. સિક્સ્થ સેન્સ માટે ચર્ચામાં આવ્યા પછી તેણે દેખાય નહીં તેવું કમ્પ્યુટર માઉસ શોધ્યું. મતલબ કે માઉસ વિના પણ કમ્પ્યુટર ઓપરેટ કરવાનું તેણે શોધી આપ્યું. આ બે શોધ તેના નામે ચડી પણ તેણે ત્યાં અટકવાને બદલે સતત આગળ વધવાનું સ્વીકારેલું તેથી ‘સ્પર્શ’ નામની એબી ડિજિટલ ડિવાઈસ શોધી ડાટાના કોપી પેસ્ટમાં ઉપયોગી બને. આજના જગતમાં કમ્પ્યુટર બહુ ઉપયોગી સાધન બની ગયું છે અને તેમાં સંશોધનની અપાર શક્યતાઓ છે. કમ્પ્યુટર સાયન્સની અનેક ફેકલ્ટી છે જે સંશોધકો માટે આહ્વાનરૂપે છે. એવા સંશોધકો સામાન્યપણે યુવાન જ હોય છે અને લાખો ડૉલર કમાઈ છે. પ્રણવ મિસ્ત્રી અત્યારે આ સ્ટેટ્સ ભોગવે છે, પરંતુ પ્રણવને સંશોધન સિવાયની વાત સ્પર્શતી નથી. તેનું સીધુંસાદું સૂત્ર છે કે મને જે ગમે છે તે હું કરું છું અને હું જે કરું છું તે મને ગમે છે.

‘ઝોમ્બી’ના હુલામણા નામે ઓળખાતા પ્રણવ મિસ્રી ભર્યા ભર્યા કુટુંબના માને છે તેથી પપ્પા કીર્તિ મિસ્ત્રી અને મમ્મી નયના મિસ્રીને આદર સાથે યાદ કરે છે તો બહેન શ્ર્વેતા અને જિજ્ઞા માટે પણ તેને એવી જ લાગણી છે. એ કહે છે કે મને પાંચ માસી, ત્રણ મામા, પાંચ કાકા અને બે ફોઈ છે. સગપણના આવા ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે તે ભલે જીક્યુ ઈન્ડિયા વડે અત્યંત શક્તિશાળી ડિજિટલ ભારતીય ગણાવાયો હોય પણ તે ભારતીય કુટુંબ સંસ્કારને સતત જીવે છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સમાં ડાયરેક્ટર ઓફ રિસર્ચના પદ પર હોવું આપોઆપ સૂચવે છે કે તેની શી ક્ષમતા છે. આર્ગ્યુમેન્ટ રિયાલિટી, યુબીક્યુટોસ કમ્પ્યુટિંગ, મશીન વિઝન, કલેક્ટિવ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સના સંશોધનમાં પ્રવૃત્ત પ્રણવ મિસ્રી આવનારાં વર્ષોમાં હજુ કેવી રોમાંચક શોધો કરશે તેની રાહ જોવાઈ રહી છે.

પ્રણવ મિસ્રી આમ તો પાલનપુરમાં ઊછર્યો છે અને ગ્લોબલ ઈમેજ પામ્યો છે. આ માટે તેણે વધારે વર્ષો પણ નથી લીધા, તેણે પોતાના અચીવમેન્ટ વડે બે વાત તરત સાબિત કરી આપી છે કે પ્રતિભા હોય તો પાલનપુર હોય કે મુંબઈ યા બેંગલોર તેનો ફરક નથી પડતો. સમય ઘણો બદલાઈ ગયો છે અને નવી વ્યવસ્થા, નવા તંત્રનો સમજણપૂર્વક ઉપયોગ કરો તો વિશ્ર્વ કક્ષાએ અચીવ કરી શકો છો. કમ્યુનિકેશન્સ ટેક્નોલોજીમાં વિશ્ર્વસ્તરે પ્રદાન કરનાર સેમ પિત્રોડા પ્રકારની શ્રેણીમાં પ્રણવ મિસ્રીને પણ સ્મરી શકો. પરદેશમાં સ્થાયી થયેલા આગલી પેઢીઓના ગુજરાતીઓ વ્યવસાય-ધંધા-ઉદ્યોગ વડે જ પોતાની ઓળખ પ્રાપ્ત કરવા મથતા હતા પણ હવેના ગુજરાતીઓએ મોટો ક્ષેત્રવિસ્તાર કર્યો છે. પ્રણવ મિસ્રી તેનું જ ગૌરવભર્યું ઉદાહરણ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

531qh1b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com