11-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘મારો પ્યૂન જોઈતો હોય તો એને પણ લઈ જાવ’

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ૧૯૮૩ની દિવાળી પહેલાં ‘જડ-ચેતન’નો પ્લૉટ ઘૂંટાતો હતો ત્યારે હરકિસનભાઈના શરીરમાં સોરાયસિસનો રોગ પ્રવેશી ચૂક્યો હતો. ત્વચા ખરતી જાય એ આ રોગનું બાહ્ય લક્ષણ, પણ અંદરથી એ શરીરની સમગ્ર ગોઠવણને અસ્તવ્યસ્ત કરી મૂકે. ટેન્શનને કારણ આ રોગ વકરે.

‘જડ-ચેતન’ લખતી વખતે હરકિસનભાઈ ભયંકર ટેન્શનમાં રહેતા. કદાચ, એટલે જ એનો આકાર, એનું લખાણ વાચકોને ખૂબ ગમી ગયાં. ‘જગ્ગા’ જેટલી જ, કદાચ એથીય અધિક લોકપ્રિયતા આ નવલકથાને સાંપડી. જગ્ગા ડાકુની જેમ તુલસી પણ લોકોના હૈયામાં વસી ગઈ. પણ અંદરના શારીરિક ફેરફારોને કારણે લેખકનો સ્વભાવ ક્યારેક ચીડિયો, ક્રોધી બની જતો. શાંત અને ધીરજશીલ આદમી ક્યારેક ઉતાવળા, અધીરા લાગતા. હસમુખું વ્યક્તિત્વ કઠોર બનતું ચાલ્યું. દિવસરાતના ઉજાગરા કરીને લેખન કરતાં કરતાં શરીર ઘસી નાખીને સરસ્વતીદેવીની આરાધના કરનારાઓએ શીખવા જેવું છે કે એમણે શરીરને પણ કલમ જેટલો જ આદર આપવો પડે. અન્યથા લક્ષ્મીદેવી આસપાસ હોવા છતાં એના સહવાસનું સુખ ન મળે.

ડઝનબંધ ઉપચારોની નિષ્ફળતા પછી સને ૧૯૮૮માં રંગેચંગે આયુષ્યની ષષ્ટિપૂર્તિ મહોત્સવના સંખ્યાબંધ કાર્યક્રમો યોજાઈ ગયા પછી હરકિસન મહેતાનો આઠમો, અંતિમ તબક્કો આરંભાય છે. કામ ખરું, પણ આરામ-નિરાંત અને મહેફિલો પણ ખરી. મોટી ઉંમરે મળેલા ગાઢ મિત્રો સાથેની સાંજો અને દર વર્ષે પરિવાર-મિત્રો સાથેના લાંબા પ્રવાસો હરકિસનભાઈને જીવાડે છે. ‘ચિત્રલેખા’ ચાલતું રહે છે. પણ ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા વખતના અંક સાથે સવા ત્રણ લાખ નકલના વિક્રમસર્જક પ્રિન્ટ ઑર્ડર સુધી પહોંચી ગયેલું સાપ્તાહિક ૧૯૯૦ના દાયકામાં ક્રમશ: એનો ચાર્મ ગુમાવતું જાય છે. તંત્રી તરીકેનો હરકિસન મહેતાનો સુવર્ણયુગ ઝાંખો પડી ગયેલો લાગે છે.

જોકે, આ એક નાનકડા તબક્કાના આધારે હરકિસન મહેતાની કારકિર્દીનું મૂલ્યાંકન ન થઈ શકે. ૧૯૬૬થી ૧૯૮૬ની આસપાસનાં વર્ષો દરમિયાનનો બે-અઢી દાયકાનો સમૃદ્ધ ઈતિહાસ હરકિસન મહેતાની ખરી ઓળખાણ છે. પોતાની મહેનત તથા તેજસ્વિતા દ્વારા મહિને દસ લાખ રૂપિયા કમાતી કોઈ વ્યક્તિ વર્ષે સો રૂપિયાની રકમ વેડફી નાખે એને કારણે તમે એને પૈસાની બાબતમાં જેમ બેજવાબદાર ન કહી શકો એવું જ હરકિસનભાઈના પત્રકારત્વ વિશે તમે કહી શકો. બે-અઢી દાયકા દરમિયાન, અગાઉ કોઈએ ન કર્યું હોય એવું સર્જન અને સંપાદન કરનાર હરકિસન મહેતા આઠમા તબક્કામાં પત્રકારત્વમાંથી સદંતર નિવૃત્તિ લઈને નિરાંતે જીવતા હોત તો પણ સૌને મંજૂર હોત, ક્ષમ્ય હોત કારણ કે એવું કરવાનો એમને હક્ક હતો.

પણ આ મહેનતકશ આદમીએ યથાશક્તિ જીવનની છેલ્લી ઘડી સુધી કામ કર્યું, નિયમિત કામ કર્યું, પૂરેપૂરી જવાબદારી અને નિષ્ઠા સાથે કામ કર્યું. મૃત્યુની આગલી રાત્રે અગિયાર વાગે મલેરિયાના તાવથી ધ્રૂજતી કલમે નવા પ્રગટ થનારા અંકના છેલ્લા લેખનું છેલ્લું પાનું તપાસીને દિવસ પૂરો કર્યો અને બાર કલાક પછી આયુષ્ય પણ.

‘સર્જન-વિસર્જન’ પુસ્તકના પ્રથમ લેખમાં હરકિસન મહેતાએ લખેલાં બાળપણ અને કિશોરાવસ્થાનાં સંસ્મરણો છે. લેખનો ઉત્તરાર્ધ એમના અવસાન પછીના અઠવાડિયે ‘ચિત્રલેખા’માં પ્રગટ થયો હતો અને પૂર્વાર્ધ મહુવા વિશેના એક નાનકડા લેખસંપાદનમાં. આ લેખ એ વાતની સાબિતી છે કે એમણે આત્મકથા લખી હોત તો એ કેટલી સમૃદ્ધ હોત, વાચનક્ષમ હોત અને એ જમાનાની તથા એ સમયના પત્રકારત્વની તાસીર કેવી ઉમદા શૈલીએ

એમાં રજૂ થઈ હોત. લેખમાં એક તબક્કે હરકિસન મહેતા લખે છે: ‘મુગ્ધાવસ્થાનાં સંભારણાંને કદી યાદ કરવા પડતાં નથી. બોરડીને જરાક અમસ્તી હલાવો અને પાકાં બોર ટપોટપ ખોબામાં ખરવાં લાગે એમ મહુવાનું નામ લેતાં જ મુગ્ધાવસ્થાનાં મધમીઠાં બોરથી હૈયાનો ખોબલો ભરાઈ

જાય છે.’

જમનાદાસ નેનુજી ‘ચિત્રપટ’ સાપ્તાહિકના તંત્રી હતા. એમણે વજુ કોટકના લેખો સૌ પ્રથમવાર પ્રગટ કર્યા. પાછળથી વજુ કોટક ‘ચિત્રપટ’ના તંત્રી બન્યા અને છેવટે ‘ચિત્રપટ’ છોડીને એમણે ૨૩ એપ્રિલ, ૧૯૫૦ના રોજ ૧૦,૧૦૧ નકલના પ્રિન્ટ ઑર્ડરથી ‘ચિત્રલેખા’ શરૂ કર્યું. હરકિસન મહેતાના ઘડતરકાળની પાર્શ્ર્વભૂમિકા સમજાવતા લેખ ‘પ્રતિમા પ્રિન્ટરીના એ દિવસો’ના લેખક જમનાદાસ નેનુજી ગુજરાતી પત્રકારત્વના ઑફસેટ પ્રિન્ટિંગના યુગના અને હસમુખ ગાંધીયુગના પણ સાક્ષી છે.

વજુ કોટકે ૪૪ વર્ષની અધૂરી જિંદગીએ ચિરવિદાય લીધી એ પછી મધુરી કોટક ‘ચિત્રલેખા’નાં વિવિધ મોતીને એક તાંતણે બાંધનારા, રેશમી મક્કમતાવાળું વ્યક્તિત્વ ધરાવનારા, સમગ્ર વર્તુળનું કેન્દ્ર પુરવાર થયાં. હરકિસનભાઈને નવલકથા લેખન પર હાથ અજમાવવાનો આગ્રહ કરીને મધુરીબહેને ગુજરાતી વાચકો પર બહુ મોટો ઉપકાર કર્યો. જગ્ગા ડાકુની જીવનઘટમાળ જાણીને મધુરીબહેને હરકિસનભાઈને કહ્યું હતું, ‘જુઓ હરકિસનભાઈ, આ

માણસનું જીવન અત્યંત નાટ્યાત્મક છે. કેટકેટલા પલટા... હિંસાથી અહિંસા સુધીની ગતિ... ઘટનાઓની ભરમાર... આપણે એને બે વાર મળ્યા

એમાં આટલું મળ્યું તો હજુ વધુ વાર મળીને બીજી ઘણી માહિતી મેળવી શકાય.’ અને મધુરીબહેને એમને જગ્ગા સાથે નિરાંતે વાત કરવા પંજાબ મોકલ્યા.

તારક મહેતાના ‘ઊંધા ચશ્મા’ વિના ‘ચિત્રલેખા’ અધૂરું ગણાય અને હરકિસન મહેતાની મૈત્રી વિના તારકભાઈનું જીવન અધૂરું ગણાય. ટપુડાના માનસપિતા તારક મહેતા હરકિસનભાઈના સ્વભાવને ખૂબ નજીકથી ઓળખતા. ‘મને મારી કલમમાં શ્રદ્ધા નહોતી, એમને હતી’ લેખમાં તારક મહેતા લખે છે: ‘ઘણી વાર આકરું લાગે પણ વિચાર કરીએ ત્યારે લાગે (કે) આ માણસ એના કોઈ અંગત સ્વાર્થ માટે તમને તતડાવતો નથી.’

રાજુભાઈ ઉર્ફે રાજેન્દ્ર ગાંધી એક જમાનામાં ‘ચિત્રલેખા’ના મુંબઈના એજન્ટ તરીકે દર અઠવાડિયે એક લાખ કરતાં વધુ નકલો વેચતા. વજુ કોટકના જમાનાથી એમનો ‘ચિત્રલેખા’ સાથેનો નાતો. પત્રકાર કેતન મિસ્ત્રીને એમણે આપેલી મુલાકાત પરથી તૈયાર થયેલા લેખમાં તેઓ હરકિસનભાઈની આર્થિક તંગીના કાળની (લેંઘો ચોરાઈ ગયાનો પ્રસંગ) તથા પ્રતિસ્પર્ધી સાપ્તાહિક શરૂ થયું ત્યારના સમયની સ્મૃતિઓ તાજી કરતાં કહે છે: ‘૧૯૭૯-૮૦નો એ સમયગાળો હતો... ‘ચિત્રલેખા’ની ટોચની કહેવાય એવી આખી

ટીમ ‘યુવદર્શન’માં જોડાઈ ગયેલી. એ માટે જવાબદાર એવી એક વ્યક્તિને કટાક્ષમાં હરકિસનભાઈએ કહેલું: મારો પ્યૂન જોઈતો હોય તો એને પણ લઈ જાવ.’

૧૯૫૩ની દસમી ફેબ્રુઆરીએ હરકિસન મહેતાનાં લગ્ન થયાં. ચંપક ગંગર અને એમના મિત્રોને ખબર નહીં હોય કે આ લગ્ન માટે એ જમાનામાં માટુંગાની ગુજરાતી ક્લબ ભાડે લેવામાં આવી અને ભોજનમાં સાત પ્રકારની મીઠાઈઓ પીરસવામાં આવી. બાકી કાલે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8Ry08f
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com