11-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પોતાનું વિસર્જન કરીને પાત્રોનું સર્જન કરનારા

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ૨૫ મે, ૧૯૨૮. આ શનિવારે હરકિસન મહેતાની ૮૫મી જન્મતિથિ. જેફ્રી આર્ચર વિશે લખ્યું ત્યારે સૂચન થયું હતું કે આ જ રીતે વિગતવાર હરકિસન મહેતા વિશે લખવું જોઈએ. હરકિસન મહેતા વિશે લખ્યું તો છે જ, ખૂબ લખ્યું છે. ઇન ફૅક્ટ, એક આખું પુસ્તક કર્યું છે એમના પર જેનો આધાર લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હરકિસન મહેતા વિશે પીએચ.ડી.ની થીસિસ લખાઈ છે.

એ પુસ્તકનું નામ ‘સર્જન-વિસર્જન.’ જાણે એમની નવલકથાનું શીર્ષક. ૨૦૦૩માં પ્રગટ થયું. હરકિસન મહેતાના અવસાનનાં પાંચ વર્ષ બાદ. ૨૮૮ પાનાંના આ પુસ્તકમાં ૪૦ પાનાં ફોટોગ્રાફ્સનાં છે. લગભગ ૧૦૦થી વધુ તસવીરો જેમાંની મોટા ભાગની દુર્લભ. આ પુસ્તક મેં અર્પણ કર્યું: આદરણીય કલાબહેન હરકિસન મહેતાને. અર્પણ પંક્તિમાં લખ્યું: તમારા ત્યાગે એમની મક્કમતાના ગુણાકારો કર્યા.

પ્રસ્તાવના મૂળ ૧૪ પાનાં જેટલી થતી હતી. બાકીનું આખું પુસ્તક ગોઠવાઈ ગયું હતું. આગળના ફર્મામાં એટલી જગ્યા નહોતી. આગળનાં પાનાઓની ગોઠવણમાં બીજા કોઈ ફેરફારો શક્ય નહોતા. પ્રસ્તાવનામાં થોડી કાપકૂપ કર્યા પછી હવે બીજું એડિટિંગ શક્ય નહોતું. ટાઈપ નાના કરીને ૧૪ પાનાંનું એડિટેડ વર્ઝન ૧૦ પાનાંમાં સમાવી લીધું.

હરકિસન મહેતા વિશેની શ્રેણીમાં આ પ્રસ્તાવનાના કેટલાક અંશ. એનું શીર્ષક રાખ્યું: ‘પાત્રોનું સર્જન, પોતાનું વિસર્જન.’ લખ્યું:

એક નવલકથાકાર પોતાના લેખનકાળ દરમ્યાન જેટલું સર્જન કરે છે એનાથી વધુ તે વિસર્જન કરે છે. નવલકથાના દરેક પાત્રની લાક્ષણિકતાઓ નક્કી કરતી વખતે, પાત્રોના સ્વભાવની ખામીઓ અને ખૂબીઓ વર્ણવતી વખતે કે વિવિધ પરિસ્થિતિઓમાં મુકાતાં પાત્રોની પ્રતિક્રિયાઓ વિશે વિચારતી વખતે લેખકે પોતાના સ્વભાવથી, પોતાના ચારિત્ર્યની લાક્ષણિકતાઓથી અને પોતાના દ્વારા અપાયેલી પ્રતિક્રિયાઓથી દૂર જઈને વિચારવું પડતું હોય છે. આવું ન થાય તો પાત્રોમાં એકવિધતા પ્રવેશી જાય, નવલકથાનાં તમામ પાત્રો એકસરખાં લાગવાં માંડે. એટલું જ નહીં, પોતાની એક નવલકથાનાં અને બીજી નવલકથાનાં પાત્રો વચ્ચે ઝાઝો તફાવત પણ ન રહે. દરેક નવા પાત્રના જન્મ સાથે સર્જક એના પોતાનાપણાનું વિસર્જન કરતો રહે છે, એ વિના એના સર્જનનું વૈવિધ્ય કુંઠિત થઈ જાય. સર્જનની ક્રિયા અહમ્ના વિસર્જનની શરૂઆત છે.

નવલકથાકાર પોતાના અંતરમનમાં પડેલી સુષુપ્ત લાગણીઓને જગાડીને એના વાચકોમાં વહેંચી દે છે ત્યારે પાત્રો જીવંત થઈ જાય છે, એ પોતે ખાલી થઈ જાય છે. આ ખાલી થઈ ગયેલા લેખકને એના સર્જનના ભાવકોનો પ્રતિસાદ મળતો થઈ જાય છે ત્યારે એ ફરી છલકાવાનું શરૂ કરે છે.

હરકિસન મહેતા સતત છલકાતા, ઊભરાઈ જતા લેખક હતા. એમની વીસ નવલકથાઓ પંદર હજાર પાનાંઓમાં ફેલાયેલી છે. બેહિસાબ વાચકોનો અખૂટ પ્રેમ મેળવનાર નવલકથાકાર હરકિસન મહેતાએ ‘ચિત્રલેખા’ના તંત્રી તરીકે પણ એટલા જ વાચકોનો આદર-સત્કાર પ્રાપ્ત કર્યો. ૨૫ મે, ૧૯૨૮થી આરંભાયેલી એમની જીવનયાત્રા ૩ એપ્રિલ, ૧૯૯૮ના રોજ વિરમી ત્યારે બે યુગ આથમી ગયા. પ્રચંડ લોકપ્રિયતા પામતી ધારાવાહી નવલકથાનો યુગ અને ગુજરાતી સાપ્તાહિકોના પત્રકારત્વમાં વિક્રમસર્જક સર્ક્યુલેશનનો યુગ. હપ્તાવાર નવલકથાઓ હજુ પણ લખાય છે અને ગુજરાતી સાપ્તાહિકો પણ નિયમિત પ્રગટ થતાં રહે છે, પરંતુ હરકિસન મહેતાએ આ બેઉ ક્ષેત્રે જે શિખરો સર કર્યાં તેની સરખામણી વર્તમાન પરિસ્થિતિ સાથે થાય છે. ત્યારે ગુજરાતી સાહિત્યની અને ગુજરાતી પત્રકારત્વની દરિદ્રતા છતી થાય છે, આ બેઉ ક્ષેત્રોમાં હરકિસન મહેતાએ કરેલા ગંજાવર કામની મહત્તા પુન:સ્થાપિત થાય છે.

હરકિસન મહેતાએ આત્મકથા લખી હોત અથવા એમની હયાતીમાં એમની જીવનકથા લખાઈ હોત તો આ પુસ્તકનું સંપાદન કરવાની કોઈ આવશ્યકતા નહોતી. હરકિસન મહેતા જેવા લેખક-પત્રકારના જીવનના ઉતાર-ચડાવની અને સંઘર્ષસિદ્ધિની ગાથા વિશે જાણવાનું કુતૂહલ દરેક વાચકને હોય એ સ્વાભાવિક છે. પોતે જે લેખકના સર્જનની દર અઠવાડિયે ઉત્કંઠાથી રાહ જોતો હોય એ લેખક વર્ષો સુધી કેવી રીતે લખતો હશે, કઈ શક્તિ, કયું બળ એની પાસે આવું સર્જન કરાવે છે, પોતાના જીવનની કટોકટીઓનો સામનો એણે કેવી રીતે કર્યો હશે અને કારકિર્દી દરમિયાન ઈર્ષ્યા-સ્પર્ધાના વાતાવરણમાં એ કેવી રીતે પોતાની ગુણવત્તા જાળવીને અડીખમ રહેતો હશે - આ અને આવા અનેક પ્રશ્ર્નોના ઉત્તર હરકિસન મહેતાએ ક્યારેય ન લખેલી આત્મકથામાંથી મળી શક્યા હોત. આ પુસ્તકમાં ૨૮ લેખકો દ્વારા આ અદ્વિતીય લેખક-પત્રકારના જીવનના અને એમની કારકિર્દીના વિવિધ ખંડ એકત્રિત કરી એક સંપૂર્ણ છબિ ઉપસાવવાની કોશિશ કરી છે. આ લેખોમાંથી વિવિધ હરકિસન મહેતા પ્રગટે છે. અહીં સમાજવાદી વિચારધારામાં માનનારા અને કૉલેજમાં પણ હાફપેન્ટ પહેરીને જનારા હરકિસન મહેતાની સાદગી છે, જુહુ સ્કીમ જેવા વૈભવી વિસ્તારના આલીશાન ફ્લૅટ, વરસોવાનો બંગલો અને પનવેલમાં ફાર્મ હાઉસની સુખસગવડો પણ છે. નાનાં સંતાનોને ખાલી નાળિયેરમાં માટલાનું પાણી ભરીને અપાતા મજબૂરીના દિવસોની સંઘર્ષકથા છે, એ જ સંતાનો માટે લગ્ન કે એમની સાથેના પ્રવાસ જેવા પ્રસંગોએ ખર્ચાતી લખલૂટ લક્ષ્મી છે. શિખર સુધીની યાત્રા દરમિયાનનો આનંદી, મોજીલો અને હસમુખો સ્વભાવ છે.

સિદ્ધિપ્રાપ્તિ બાદ આખાબોલાપણાની આડશમાં પ્રગટી જતી સહેજ ઉદ્ધત, કરડી અને ક્રોધમાં પલટાઈ જતી પ્રતિક્રિયાઓ પણ છે.

આ વિરોધાભાસો નથી, માનવસ્વભાવની સુદ અને વદ છે જે સ્થાયી નથી છતાં નિરંતર છે. હરકિસન મહેતા શા માટે અને કેવી રીતે હરકિસન મહેતા બન્યા એનો ખ્યાલ આ પુસ્તકમાંથી મળે એવી કોશિશ થઈ છે.

‘સર્જન-વિસર્જન’ના’ પ્રકાશક પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. વતી ગોપાલ એમ. પટેલે પ્રકાશકીયમાં લખ્યું:

‘હરકિસન મહેતા વિશે આવો સુંદર ગ્રંથ તૈયાર કરવાનો વિચાર મારા મનમાં આવ્યો, પરંતુ આવા કાર્ય માટે યોગ્ય સંપાદકની જરૂર પડે જ. સૌરભ શાહ સાથેનો મારો સામાન્ય પરિચય, પરંતુ તુષાર હરકિસન મહેતા વચ્ચે કડીરૂપ બન્યા. આ ગ્રંથના સંપાદનનું કાર્ય સૌરભ શાહે ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી સ્વીકાર્યું એટલું જ નહીં, આ કપરી જવાબદારી બ-ખૂબી નિભાવી. સૌરભ શાહે ખૂબ નજીકથી હરકિસન મહેતા સાથે કાર્ય કર્યું છે, એમના વ્યક્તિત્વથી તેઓ સુપેરે પરિચિત છે. આ ગ્રંથના સંપાદનનું કાર્ય ખૂબ જહેમતથી પૂરો સમય આપીને ખંતથી નિભાવ્યું છે. સૌરભ શાહ આ કાર્ય માટે વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને મુંબઈથી પાંચેક દિવસ માટે રાજકોટ આવ્યા. આ કામ અદમ્ય ઉત્સાહથી રાતદિવસ એક કરીને એમણે સુંદર રીતે પાર પાડ્યું. સંપાદક તરીકે સૌરભ શાહે સંપૂર્ણ સ્વતંત્રતાથી જ સંપાદન કરેલ છે. પ્રકાશક તરીકે મારી આ સ્પષ્ટતા જરૂરી છે.’

ગોપાલભાઈએ આવી સ્પષ્ટતા કરવી પડી કારણ કે આ ગ્રંથના સંપાદક તરીકે મેં હરકિસનભાઈ વિશેનો ચંદ્રકાન્ત બક્ષીનો લેખ રિજેક્ટ કર્યો હતો. વધુ કાલે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4P247fM1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com