| માણસ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે તો મુશ્કેલીઓથી બચી શકે |
| એક સિંહ લોકો તરફ ધસી ગયો અને ભાગદોડ મચી ગઈ ત્યારે... |
|
| સુખનો પાસવર્ડ - આશુ પટેલ
મુલ્લા નસીરુદ્દીનના નામે જોક દ્વારા બહુ ગંભીર વાતો સરળ રીતે કહીને ઓશોએ આ પાત્રને બહુ જાણીતું કરી દીધું, પણ તુર્કી અને અન્ય કેટલાક દેશોમાં મુલ્લા નસીરુદ્દીનની ઘણી બોધકથાઓ તથા તેમની તીક્ષ્ણ હાજરજવાબીની અને તેમના ચાતુર્યની વાતો મશહૂર છે.
મુલ્લા નસીરુદ્દીનની રમૂજી લાગતી વાતો સમજીએ અને જીવનમાં ઉતારીએ તો તો એ વાતો ઊંડો બોધ પણ આપી જાય છે.
આવી જ વધુ એક વાત વાચકમિત્રો સાથે શેર કરું છું.
એકવાર મુલ્લા નસીરુદ્દીનની મુલાકાત તેમના એક મિત્ર સાથે થઈ. એ વખતે તેમના મિત્રએ કહ્યું કે ‘કાલે આપણા ગામની બહાર આવેલા સરકસમાં સિંહે લોકો પર હુમલો કર્યો હતો એને કારણે ભારે ભાગદોડ મચી ગઈ હતી અને બહુ માણસો જખમી થયા હતા.’
નસીરુદ્દીને કહ્યું કે ‘હા મને ખ્યાલ છે. લોકો જે દિશામાં તક મળે એ દિશામાં ભાગ્યા હતા. મેં તો નજરે જોયું હતું.’
તેમના મિત્રને આશ્ર્ચર્ય થયું. તેમણે પૂછ્યું કે ‘તમે ત્યાં જ હતા?’
નસીરુદ્દીને કહ્યું કે ‘હા, હું એ વખતે ત્યાં જ હતો.’
મિત્રને રસ પડ્યો. તેમણે કહ્યું કે ‘તો તો મને કહો કે ખરેખર ત્યાં શું બન્યું હતું?’
મુલ્લાએ કહ્યું, ‘બન્યું હતું એવું કે સરકસનો સિંહ અચાનક પાંજરામાંથી નીકળીને લોકો તરફ ધસ્યો એટલે લોકો ડરીને આડેધડ ભાગવા લાગ્યા...’
પેલા મિત્રએ તેમને વચ્ચે જ અટકાવીને પૂછ્યું, ‘પછી શું થયું?’
મુલ્લા નસીરુદ્દીને કહ્યું, ‘પછી તો ભાગદોડ થઈ ગઈ. એ તો તમને ખબર જ છે. પણ તમને બીજી એક મહત્ત્વની વાત કહું છું જેના વિશે ગામના લોકોને ખબર નથી. બધા ભાગ્યા, પણ માત્ર એક માણસ ત્યાંથી ભાગ્યો નહીં. બીજા બધા ભાગી નીકળ્યા, પણ તે સરકસના તંબુમાં જ રહ્યો.’
મિત્ર આશ્ર્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, ‘શું વાત કરો છો? એવું તો કઈ રીતે બની શકે? સિંહ પાંજરામાંથી બહાર આવીને લોકો પાછળ પડ્યો હોય ત્યારે કોઈ માણસ ડર્યા વિના કઈ રીતે રહી શકે?’
નસીરુદ્દીને કહ્યું, ‘પણ એવું ખરેખર બન્યું હતું!’
મિત્ર પ્રભાવિત થઈ ગયો. તેણે પૂછ્યું, ‘કોણ હતો એ જવામર્દ?’
નસુરુદ્દીને કહ્યું, ‘હું!’
મિત્ર તેમની સામે જોતો જ રહી ગયો.
નસીરુદ્દીને ફોડ પાડ્યો, ‘જેવો સિંહ એના પાંજરામાંથી નીકળીને બહાર તરફ દોડ્યો તે સાથે જ મેં ત્વરિત નિર્ણય લીધો. હું સિંહના પાંજરામાં જતો રહ્યો અને મેં પાંજરાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો!’
****
આ તો એક રમૂજ છે પરંતુ એના પરથી એ બોધ લેવા જેવો છે કે માણસ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે તો મુશ્કેલીઓથી બચી શકે.
|
|