1-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાણી-પાણી! મુંબઇ તારા વળતાં પાણી?

એક સમય હતો જ્યારે દેશના ખૂણે ખૂણે મુંબઇનું નામ આદરપૂર્વક લેવાતું. ગામેગામના છોકરાઓ મુંબઇમાં આવીને ઠરીઠામ થવા તલપાપડ રહેતા. સમગ્ર વિશ્ર્વમાં પણ મુંબઇ શહેરને માનપૂર્વક જોવાતું હતું. મુંબઇની પોલીસ એટલે સ્કૉટલેન્ડ યાર્ડની પોલીસ પછી બીજા નંબરે આવતી પોલીસ એમ કહેવાતું. મુંબઇની મહાનગર પાલિકા એટલે દેશની સૌથી મોટી અને સૌથી વધુ રેવન્યુ ધરાવતી પાલિકા. જોકે, મુંબઇના આ કમાઉ દીકરાને નક્કી કોઇ નજર લાગી ગઇ છે.

એક બાજુ સુશાંતસિંહ રાજપૂત સ્યુસાઇડ કેસમાં મુંબઇ પોલીસ પર માછલા ધોવાય છે તો બીજી બાજુ બિહારના પોલીસ ઓફિસરોને બળજબરીથી ક્વોરેન્ટાઇન કરવા બદલ મહાપાલિકાએ સુપ્રીમ કૉર્ટનો ઠપકો સાંભળવો પડ્યો. કોરોનાનો કેર તો મુંબઇમાં હતો જ પણ જે દિવસે (૫ ઑગસ્ટે) મુંબઇના મોલ, જિમ્નેશિયમ અને દરેક સાઇડની દુકાનો ખોલવાની પરવાનગી અપાઇ હતી ત્યારે જ સુસવાટા મારતા પવન સાથે વરસાદ તૂટી પડ્યો. મુંબઇ ખૂલતાની સાથે જ જાણે બંધ થઇ ગયું.

એક સમય હતો જ્યારે મુંબઇનું હવામાન ખાતું વરસાદની આગાહી કરતું ત્યારે તે મોટે ભાગે ખોટી પડતી અને આ ખાતું હાંસીને પાત્ર ઠરતું, પણ હવે સમય બદલાયો છે. સેટેલાઇટ અને ડિજિટલ ટેકનોલોજીને કારણે હવે આ ખાતાની છબી હવે સુધરી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેની વરસાદ અંગેની આગાહીઓ સાચી પડતી હોય છે. તેણે ચોખ્ખી ચેતવણી આપી હતી કે મુંબઇમાં ૫ અને ૬ ઑગસ્ટે અતિવૃષ્ટિ થશે અને થઇ. જે રીતે હવામાન ખાતું સચોટ બનતું જાય છે એ રીતે મહાનગરપાલિકાએ પણ સતર્કતા વધારવી પડશે. એક જ દિવસમાં પંદર દિવસનો વરસાદ પડી ગયો એટલે ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં. સેંકડો વૃક્ષો ધરાશાયી થયાં. સહુને તકલીફ પડી. આવા વાક્યો મહાપાલિકાના સત્તાવાળા કહે ત્યારે આપણને આશ્ર્ચર્ય થાય. ૨૬ જુલાઇ ૨૦૦૫માં પણ આવી હાલત થયેલી. ત્યાર બાદ પણ ઘણીવાર તેના કરતા ઓછા પણ સાંબેલાધાર વરસાદ અને વાવાઝોડાના દિવસો મુંબઇએ જોયા છે. આ સહુ અનુભવ લઇ મહાપાલિકાએ અપટુડેટ બનવું જ રહ્યું. સૌથી વધુ કમાણી કરતી નગરપાલિકાએ સૌથી વઘુ ટેક્સ ભરતા નાગરિકોની કાળજી લેવી જ રહી.

દક્ષિણ મુંબઇના પૉશ તેમ જ શ્રીમંત ગણાતા વિસ્તારો પણ પાણી પાણી થઇ ગયા એ આ ચોમાસાની વિશેષતા (કે કમનસીબી?) ગણાય. મધ્યમ કે ગરીબ વર્ગ ચોમાસામાં દર વર્ષે પિસાય છે, પણ આ વર્ષે શ્રીમંત વર્ગ પણ બરાબર ફસાઇ ગયો. કેટલાક લોકોનેે તો પોતાની બ્રાન્ડેડ મોંઘી કાર રસ્તા પર છોડીને જીવ બચાવી ભાગી જવું પડ્યું. ચાલો ઘટના અચાનક બની અને તેણે રૌદ્ર સ્વરૂપ ધર્યું. પણ તેને ૪૮ કલાક પૂરા થયા બાદ પણ રાહતનું કામ જાણે બહુ ધીમે ચાલી રહ્યું છે તેમ લાગ્યા વિના રહેતું નથી. પાંચ તારીખની ઘટના બાદ આજે સાત તારીખે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં હજી ઘણા વિસ્તારોના વૃક્ષો હટાવાયાં નથી. પેડર રોડ-કેમ્પસ કોર્નરના રસ્તાઓ બંધ કરી દેવાયા છે, પરંતુ તેના ડાઇવર્ઝન અને ટ્રાફિક પર જાણે કોઇ કાબૂ જ નથી રહ્યો. શહેરમાં ઠેકઠેકાણે ચક્કાજામ છે. હજી પણ કેટલીક કારો રસ્તા પરથી હટી નથી જે ટ્રાફિકમાં વધુ અડચણો પેદા કરે છે. હિંદમાતા-પરેલ કે મિલન સબ-વે જેવા વિસ્તારો તો હવે દર વર્ષે પાણીમાં ડૂબે છે. તે હવે સમાચાર ગણાય જ નહીં,પણ મલબાર હિલ અને મલાડના હિલ એરિયા જેવા અનેક વિસ્તારોની ભેખડો રસ્તાઓ પર ધસી આવીને મુંબઇની ગતિને ન અવરોધે તે માટે શું કરવું એ વિચારવાનો સમય હવે આવી ગયો છે.

દુર્ઘટનાઓ રોકી ન શકાય એ કદાચ સમજી શકાય, પણ દુર્ઘટનાઓ થયા પછી ફરી શહેરને યથાવત્ કરવાની પ્રક્રિયા ધીમી પડી જાય એ આ ઝડપી શહેરને કેવી રીતે પોસાય? છે કોઇ પૂછવાવાળું? છે કોઇ ચાંપતી નજર રાખવાવાળું? કોરોના દરમ્યાન ગામભેગા થયેલા ઘણા મજૂરોને હવે મુંબઇનો મોહ નથી રહ્યો.

વર્ષો પહેલાં એક ગુજરાતી ફિલ્મ આવેલી, ‘ ભાદર તારા વહેતાં પાણી.’ મુંબઇ જે હવે એક પછી એક કુદરતી કે આત્મહત્યાઓ જેવી માનવસર્જિત દુર્ઘટનાઓમાં ફસાતું જાય છે અને ઝડપથી તેમાંથી બહાર પણ નીકળી નથી શકતું ત્યારે ભવિષ્યમાં આવી ફિલ્મ પણ બની શકે. ‘મુંબઇ તારા વળતા પાણી? ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

qw4741
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com