1-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હવે ભૂલકાં મજૂર બની જશે તેની વાત તો કરો?
એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત

આપણે ત્યાં મહત્ત્વના કહેવાય એવા મુદ્દાઓ પર બહુ ચર્ચા થતી નથી ને ફાલતું મુદ્દાનો કૂચ્ચો નીકળી જાય એ હદે ચૂંથ ચાલતી હોય છે. મોદી સરકારે ગયા અઠવાડિયે જાહેર કરેલી રાષ્ટ્રીય શિક્ષણનીતિ એટલે કે નેશનલ એજ્યુકેશન પૉલિસી (એનઈપી)ના મુદ્દે એવું જ થયું છે. આ નવી નીતિમાં વખાણવા જેવું કશું નથી. ઊલટાનું સ્કૂલ લેવલે અત્યારની ૧૦+૨ ફોર્મ્યુલાના બદલે ૫+૩+૩+૪ની નવી ફોર્મ્યુલા દાખલ કરીને શિક્ષણનો સાવ કબાડો કરી નાખવાની વાત છે, પણ તેની કોઈ વાત કરતું નથી. જે લોકો વાતો કરે છે એ પણ ખોટેખોટી વાહવાહી કરીને નવી શિક્ષણનીતિ દેશમાં કેવું પરિવર્તન લાવી દેશે તેની વાતો કરીને રીતસર ચાપલૂસી જ કરાય છે.

મોદી સરકાર પણ પોતાની નવી શિક્ષણનીતિને બહુ ક્રાન્તિકારી માને છે તેથી તેનો ધૂમ પ્રચાર કરવા મથે છે. તેના ભાગરૂપે શુક્રવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) અને કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે એક કોન્કલેવ યોજેલો. આ પ્રકારના કોન્કલેવ સરકારની વાહવાહી માટે જ યોજાતા હોય છે ને તેમાં વિષય પણ એવો જ રખાતો હોય છે. આ સેમિનારમાં પણ વિષય એ હતો કે, એનઈપી હેઠળ ઉચ્ચ શિક્ષણમાં કઈ રીતે ક્રાન્તિકારી સુધારા આવશે?

મોદીએ તેમના ભાષણમાં મોટી મોટી વાતો કરી કે જે આપણે પહેલાં પણ સાંભળી ચૂક્યા છીએ. નવી શિક્ષણ નીતિ કઈ રીતે નોકરી માગનારાને બદલે નોકરી આપનારા પેદા કરશે એવી મોદીની વાત હવે તો ગોખાઈ ગઈ છે. એકવીસમી સદી જ્ઞાનની સદી છે ને શિક્ષણના ક્ષેત્રમાં હવે શિક્ષણ, સંશોધન અને શોધ કરવા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે એવી વાત પણ મોદીએ કરી. દુનિયાના મોટા મોટા દેશોમાં બે-ત્રણ પેઢીઓ એ રીતે ભણીને મોટી થઈ ગઈ ને પોતાના દેશને આગળ લઈ જવામાં યોગદાન આપીને નિવૃત્ત પણ થઈ ગઈ ત્યારે મોદી અત્યારે આપણને આ જ્ઞાન પિરસી રહ્યા છે. પોતાની સરકાર આ નીતિનો અમલ કરવા પ્રતિબદ્ધ છે અને તેને માટે રાજકીય ઈચ્છાશક્તિ પણ છે એવો હુંકાર પણ કર્યો.

મોદીની વાતોમાં એ રીતે કશું નવું નથી તેથી તેની ચર્ચા કરવાનો અર્થ નથી, પણ મોદી સરકારની શિક્ષણનીતિમાં જે સૌથી મહત્ત્વનો મુદ્દો છે તેની વાત કરી લઈએ. મોદી પોતે એ વિશે બોલતા નથી પણ શિક્ષણનીતિમાં ચર્ચા કરવા યોગ્ય સૌથી મહત્ત્વનો મુદ્દો એ જ છે તેથી તેની વાત કરવી જરૂરી છે. આ મુદ્દો સ્કૂલ શિક્ષણના નવા ફોર્મેટનો છે.

આપણે ત્યાં વરસોથી ૧૦ + ૨ એટલે કે ધોરણ ૧થી ધોરણ ૧૦ સુધીનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ને પછી ધોરણ ૧૧ અને ધોરણ ૧૨નું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એ ફોર્મેટ પ્રમાણે શિક્ષણ અપાય છે. તેના બદલે હવે શાળાના અભ્યાસક્રમમાં સુધારા સાથે ૫+૩+૩+૪ના નવા ફોર્મેટની ભલામણ કરવામાં આવી છે. મતલબ કે, મોદી સરકાર ૧૦ + ૨ ફોર્મેટને અભરાઈ પર ચડાવી દેશે. તેના બદલે શાળાકીય શિક્ષણ ૧૫ વર્ષનું થઈ જશે. અત્યારે બાળકને ૫ વર્ષની વય પછી સ્કૂલમાં મોકલવાનો નિયમ છે તે પણ જતો રહેશે ને તેના બદલે ૩ વર્ષની વયથી બાળકને ભણવા મોકલવાની પદ્ધતિ અમલી બનશે. આપણે વરસોથી સાંભળીએ છીએ કે, બાળકો પર નાની વયે શિક્ષણનો બોજ નાખીને તેમનું બાળપણ ના છિનવી લેવું જોઈએ. નાની વયે બાળકોને સ્કૂલમાં મોકલવો એ અત્યાચાર છે એવી વાતો પણ આપણે સાંભળીએ છીએ. કહેવાતા શિક્ષણશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો બાળકોને નાની વયે ભણવા મોકલતાં મા-બાપોને નાની વયે છોકરાંને સ્કૂલમાં નહીં મોકલવાની સૂફિયાણી સલાહો આપતાં. હવે મોદી સરકારે પોતે જ એ વાતનો વીંટો વાળીને બાળકોને ત્રણ વર્ષની ઉંમરે સ્કૂલભેગાં કરવાની સત્તાવાર નીતિ જ જાહેર કરી દીધી છે.

એનઈપી જાહેર થઈ ત્યારે લોકોને લાગેલું કે, ૫+૩+૩+૪નું નવું ફોર્મેટ પહેલાં મેટ્રિક અને પછી પ્રી સાયન્સ કે પ્રી આર્ટ્સ વગેરે જેવું છે પણ એવું નથી. આ ફોર્મેટ માત્ર ને માત્ર સ્કૂલ માટે છે. આ ફોર્મેટ પ્રમાણે બાળક ૩ વર્ષની વયે સ્કૂલમાં દાખલ થાય પછી પહેલાં ૫ વર્ષ ફાઉન્ડેશનલ સ્ટેજમાં ભણશે. અત્યારના માળખા પ્રમાણે નર્સરી, જુનિયર કે.જી. અને સીનિયર કે.જી. એટલે પ્રી-પ્રાયમરીનાં ત્રણ વર્ષ પછી ધોરણ ૧ અને ધોરણ ૨ સુધી ભણવાનું રહેશે. પછી લેટર પ્રાયમરીમાં ધોરણ ૩થી ધોરણ ૫ સુધી, અપર પ્રાયમરીમાં ધોરણ ૬થી ધોરણ ૮ અને છેલ્લાં ચાર વર્ષમાં સેક્ધડરી સ્ટેજમાં ધોરણ ૯થી ધોરણ ૧૨ સુધી ભણવું પડશે.

આ નવા ફોર્મેટથી બાળકોને શું ફાયદો થશે તે ખબર નથી, પણ ખાનગી સ્કૂલોને ઘી-કેળાં થઈ જશે તેમાં શંકા નથી. બાળક માટે નર્સરી, જુનિયર કે.જી. અને સીનિયર કે.જી. ફરજિયાત થાય એટલે મા-બાપે જખ મારીને બાળકને ત્રણ વર્ષની વયે સ્કૂલમાં મોકલવું જ પડે. ખાનગી સ્કૂલો તેનો લાભ લઈને વાલીઓને ખંખેરશે. નવી શિક્ષણનીતિમાં ચર્ચા કરવી હોય તો આ મુદ્દાની કરવી જોઈએ પણ તેની કોઈ વાત કરતું નથી. બધા ચાપલૂસી કરવા ક્રાન્તિકારી પગલાંની પત્તર ખાંડે છે.

નવી શિક્ષણ નીતિના મામલે મોદીએ રાજકીય ઈચ્છાશક્તિની વાત પણ કરી, પણ દેશભરમાં રાષ્ટ્રભાષાના શિક્ષણને મામલે પોતાની રાજકીય ઈચ્છાશક્તિની હવા થઈ ગયેલી તેની વાત ના કરી. મોદીના ભાયાતો પણ એ મુદ્દો ઉખેળતા નથી કેમ કે આ મુદ્દે મોદી સરકાર પહેલાં જ પાણીમાં બેસી ગઈ છે. અસલી રાજકીય ઈચ્છાશક્તિ બતાવવાની હતી ત્યારે મોદી સરકાર એ નહોતી બતાવી શકી.

નરેન્દ્ર મોદી સરકારે ગયા વર્ષે સત્તા સંભાળી કે તરત જ નવી શિક્ષણનીતિનો મુસદ્દો બહાર પાડેલો. આ મુસદ્દામાં પહેલા ધોરણથી વિદ્યાર્થીઓને ત્રણ ભાષા શીખવવી ને તેમાં પણ હિંદી ભાષા તો ફરજિયાત ભણાવવી એ વાત કેન્દ્રસ્થાને હતી. ભાષા શિક્ષણનીતિના મુસદ્દા પ્રમાણે, દેશનું હિંદીભાષી રાજ્ય હોય કે બિન હિંદીભાષી રાજ્ય હોય, દરેક રાજ્યમાં પહેલા ધોરણથી હિંદી, અંગ્રેજી ને ત્રીજી ભાષા શીખવવી ફરજિયાત હોવી જોઈએ. હિંદી સિવાય અંગ્રેજી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવાની ભલામણ પણ કરાયેલી પણ તેની સામે કોઈને વાંધો નહોતો પણ હિન્દી ભાષા શીખવવાની વાત સામે દક્ષિણનાં રાજ્યોમાં ભડકો થઈ ગયો. આ રાજ્યોમાં તોફાન ફાટી નિકળ્યાં તેમાં તો મોદી સરકારની ફેં ફાટી ગઈ.

મોદી સરકારે તાબડતોબ નેશનલ એજ્યુકેશન પૉલિસી (એનઈપી) ૨૦૧૯ નામે નવો મુસદ્દો બહાર પાડીને હિંદી ફરજિયાત કરવાની વાતનો વીંટો વાળી દીધો. નવા મુસદ્દામાં ચોખવટ કરી નાખી કે, હવે પછી વિદ્યાર્થીઓએ ત્રણ ભાષા તો શીખવી પડશે પણ તેમાં હિંદી હોવી જ જોઈએ એ જરૂરી નથી. રાજકીય કારણોસર રાષ્ટ્રભાષા શીખવવાની વાતનું જ પડીકું કરી નાખીને મોદી સરકાર સાવ માટીપગી સાબિત થઈ હતી. આ વિરોધ પણ તમિળનાડુમાં જ વધારે હતો છતાં મોદી સરકાર ઝીંક ના ઝીલી શકી ને પાણીમાં બેસી ગઈ.

હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે ત્યારે દેશભરની સ્કૂલોમાં હિન્દી શીખવવામાં આવે તેમાં કશું ખોટું નથી. બલકે હિન્દી શીખવવી જ જોઈએ. દુનિયાના જે પણ દેશોમાં અંગ્રેજી રાષ્ટ્રભાષા અને મુખ્ય ભાષા નથી એ બધા દેશોમાં તો રાષ્ટ્રભાષામાં શિક્ષણ અપાય છે. ફ્રાન્સમાં ફ્રેન્ચ, જર્મનીમાં જર્મન, રશિયામાં રશિયન વગેરે ભાષા તો શિક્ષણના માધ્યમની જ ભાષા છે. ચીન પણ આખા દેશમાં મેન્ડેરીયન લેંગ્વેજમાં જ શિક્ષણ આપે છે. આ મુદ્દો દેશાભિમાન સાથે જોડાયેલો છે તેથી બધા દેશો પોતાની ભાષામાં શિક્ષણ આપે છે. ભારતમાં સંખ્યાબંધ ભાષાઓ છે તેથી એ શક્ય ના બને એવું સ્વીકારીએ તો પણ એક ભાષા તરીકે તો રાષ્ટ્રભાષા શીખવવી ફરજિયાત હોવી જ જોઈએ.

મોદી સરકારના મુસદ્દામાં દરેક રાજ્યની ભાષાને પણ મહત્ત્વ અપાયેલું જ. ઉત્તર ભારતમાં રાજ્યોમાં હિંદી માતૃભાષા છે તેથી આ રાજ્યોમાં ત્રીજી કઈ ભાષા પહેલા ધોરણથી શીખવવી એ રાજ્ય સરકારે નક્કી કરવાનું હતું પણ બીજાં રાજ્યોમાં ત્રીજી ભાષા તરીકે પોતાની માતૃભાષા શીખવવામાં આવે એ સ્પષ્ટ હતું. ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી ને એ રીતે દરેક રાજ્યમાં પોતપોતાની માતૃભાષા ત્રીજી ભાષા તરીકે શીખવે એ સ્પષ્ટ હતું. આ રીતે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી, માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દી એ ત્રણ ભાષાનું શિક્ષણ આપવાની ફોર્મ્યુલા બરાબર હતી. બાળક મોટું થાય પછી શીખવી હોય તો અન્ય ભાષાઓ પણ શીખી શકે. એ રીતે પરફેક્ટ ફોર્મ્યુલા હતી પણ તમિળનાડુની હિંદી વિરોધી માનસિકતા સામે મોદી સરકારે ઘૂંટણ ટેકવી દીધા.

આ દેશની કમનસીબી કહેવાય કે, દેશની શિક્ષણનીતિમાં દેશની રાષ્ટ્રભાષાને સ્થાન નથી. આપણી રાષ્ટ્રભાષા માત્ર મર્યાદિત રાજ્યોમાં સરકારી કામકાજ પૂરતી મર્યાદિત છે ને માત્ર કાગળ પર રાષ્ટ્રભાષા રહી ગઈ છે. દુનિયાના બીજા કોઈ દેશમાં આ સ્થિતિ નહીં હોય, દુનિયાનો કોઈ દેશ પોતાની રાષ્ટ્રભાષા સાથે આ પ્રકારનું વર્તન નહી કરતો હોય. આપણે ત્યાં હિન્દીને રાષ્ટ્રભાષા તો બનાવી દીધી પણ મુઠ્ઠીભર રાજ્યોના કારણે એ સાચા અર્થમાં રાષ્ટ્રભાષા ના બની શકી. મોદી સરકાર પાસે નવી શિક્ષણનીતિમાં હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્થાપિત કરવાની મોટી તક હતી. રાષ્ટ્રભાષાનું ગૌરવ જળવાય એ સ્થિતિ પેદા કરવાની તક હતી પણ રાજકીય સ્વાર્થમાં એ તક તેમણે રોળી નાખી. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7w3K313
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com