20-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પહેલી ગુજરાતી નવલકથાના લેખક

પ્રોફાઇલ - દીપક મહેતા‘‘આવી જાતનું પુસ્તક ગુજરાતીમાં પહેલું જ છે’’. આ શબ્દો લખાયા છે ૧૮૬૬માં પ્રગટ થયેલ નવલકથા ‘કરણઘેલો’ની પ્રસ્તાવનાના અંત ભાગમાં. અને એ શબ્દો લખનાર હતા નંદશંકર તુળજાશંકર મહેતા. નંદશંકરને પોતાને એ વખતે ખ્યાલ ન આવ્યો હોય તો તે સ્વાભાવિક ગણાય, પણ આજ સુધી આપણામાંથી પણ ઘણા ઓછાને ખ્યાલ આવ્યો છે કે ‘કરણઘેલો’ ગુજરાતી ભાષામાં લખાયેલી પહેલી મૌલિક નવલકથા તો છે જ, પણ આખા ભારતની બધી ભાષાઓમાં લખાયેલી પણ એ ત્રીજી નવલકથા છે. ૧૮૫૭માં પ્રગટ થયેલી બાબા પદમનજીની મરાઠી નવલકથા ‘યમુના પર્ર્યટણ’ એ ભારતીય ભાષામાં લખાયેલી પહેલવહેલી નવલકથા. ૧૮૫૮માં પ્રગટ થયેલી ટેકચંદ ઠાકુર ઉર્ફે પીયારીચંદ મિત્રાની બંગાળી નવલકથા ‘આલા ઘરેર દુલાલ’ એ ભારતીય સાહિત્યની બીજી નવલકથા, અને ૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકરની ‘કરણઘેલો’ તે ત્રીજી નવલકથા. ૧૮૩૫ના એપ્રિલની ૨૧મી તારીખે નંદશંકરનો જન્મ. બે દિવસ પછી એ વાતને ૧૭૭ વર્ષ થશે. ૧૮૬૬માં ‘કરણઘેલો’ પ્રગટ થઇ ત્યારે લેખકની ઉમ્મર માંડ ત્રીસેક વર્ષની. સુરતમાં પહેલી અંગ્રેજી સ્કૂલ ૧૮૪૨માં શરૂ થયેલી. દસ વર્ષની ઉમ્મરે નંદશંકર ૧૮૪૫માં એ સ્કૂલમાં ભણવા માટે દાખલ થયા. ત્યાં એક શિક્ષક હતા નવરોજી પારેખ. એમની પાસેથી મૅકોલેના નિબંધો શીખ્યા, ઇતિહાસ અને સામાન્ય ફિલસૂફી શીખ્યા. ‘કરણઘેલો’ના ગદ્ય પર મૅકોલેના ગદ્યની અસર જોઇ શકાય છે. ‘મૅકોલે તો અમારું બાઇબલ’ એમ નંદશંકર કહેતા એમ પણ નોંધાયું છે. પછીથી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજના પ્રિન્સિપાલ થયેલા તે એચ. ગ્રીન તે વખતે સુરતની અંગ્રેજી સ્કૂલના હેડમાસ્તર હતા. અભ્યાસમાં તેજસ્વી એવા નંદશંકર માટે તેમને ખાસ સદ્ભાવ હતો. સુરતમાં એ વખતે હજી બ્રિટિશ નૌકાસૈન્યનું મથક હતું. તેના કેપ્ટન સ્કોટ એચ. ગ્રીનના ખાસ મિત્ર. ગ્રીને નંદશંકરની ઓળખાણ સ્કોટ સાથે કરાવી. સ્કોટની અંગત લાયબ્રેરી અંગ્રેજી પુસ્તકોથી ભરેલી. નંદશંકર એમાંનાં ઘણાં ખરાં પુસ્તકો વાંચી ગયા. આ અંગે નંદશંકરે પછીથી કહ્યુંઃ સ્કોટના ઘરનો ‘‘જ્ઞાનભંડાર મેં ચાતકની તરસી આંખે નિહાળ્યો ને એવી જ અધીરાઇથી હું વાંચી ગયો. હું જગતનું બાળક છું એમ મને લાગવા માંડ્યું.’’ ૧૮૫૫માં નંદશંકરનાં લગ્ન થયાં. એ જ વર્ષે નોકરી લઇ લેવી પડી. નંદશંકરના કુટુંબની આર્થિક સ્થિતિ નબળી. પોતે જે અંગ્રેજી સ્કૂલમાં ભણેલા તે જ સ્કૂલમાં આસિસ્ટંટ માસ્ટર તરીકે નોકરી શરૂ કરી. સુરતની આ અંગ્રેજી નિશાળ શરૂ થઇ ત્યારથી તેના હેડમાસ્ટર તરીકે કોઇ ને કોઇ અંગ્રેજની જ નિમણૂક થતી. ૧૮૫૮માં નંદશંકર એ સ્કૂલના પહેલા ‘દેશી’ હેડમાસ્ટર બન્યા. પછી વખત જતાં ટીચર્સ ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ થયા. જેમનું નામ સરકારી વાચનમાળા સાથે પાછળથી જોડાયું તે સર થિયોડોર હોપ સુરતની મ્યુનિસિપાલિટીમાં આવ્યા. નંદશંકરની તેજસ્વિતા નજરમાં વસી. આખી જિંદગી ‘પંતુજી’ની નોકરીમાં તેણે વેડફી ન નાખવી જોઇએ એમ હોપને લાગ્યું. તેમણે નંદશંકરને કહ્યુંઃ ‘‘ચાલ, આવ. તને રાજ્યના મુલકી ખાતામાં દાખલ કરું. ત્યાંથી થોડા સમયમાં તારું કાર્યકારીપણું અને પ્રામાણિકપણું તને મહાન રાજ્યકારભારી બનાવશે’’ અને નંદશંકર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છોડી રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં ગયા અને પહેલાં અંકલેશ્વરના મામલતદાર બન્યા. પછી બદલીઓ થતી રહી, બઢતી મળતી રહી. ૧૮૮૦માં કચ્છના એડમિનિસ્ટ્રેટર બન્યા. ૧૮૮૩માં ગોધરામાં આસિસ્ટન્ટ પૉલિટિકલ એજન્ટ બન્યા. ૧૮૯૦માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઇ જન્મભૂમિ સુરતમાં પાછા ફર્યા. ૧૯૦૫ના જુલાઇની ૧૭મી તારીખે નંદશંકરનું સુરતમાં અવસાન થયું. ‘કરણઘેલો’ નંદશંકરની એકમાત્ર સાહિત્યકૃતિ. માજી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર મહેરબાન રસેલ સાહેબના સૂચનને પ્રતાપે પોતે આ નવલકથા લખી તેમ તેમણે જ પ્રસ્તાવનામાં કહ્યું છે. કથાનક માટે બીજાં સાધનો ઉપરાંત એલેકઝાન્ડર કિનલોક ફાર્બસની ‘રાસમાળા’નો તેમણે ઘણો ઉપયોગ કર્યો છે. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકાનો નંદશંકરે અનુવાદ કરેલો અને ટ્રિગોનોમેટ્રીના એક પાઠ્ય પુસ્તકનો ‘ત્રિકોણમિતિ’ નામે અનુવાદ કરેલો. પણ સાહિત્યના ઇતિહાસમાં તેમનું સ્થાન છે તે તો ‘કરણઘેલો’ દ્વારા નવલકથાનો પ્રારંભ કરનાર તરીકે. જોકે આજે નિખાલસતાથી આપણે એ પણ સ્વીકારવું જોઇએ કે તેમની આ નવલકથા આજે સાહિત્યના અભ્યાસીને વાંચવાની ફરજ પડે તો તે પણ કચવાતા મને વાંચે. તે સિવાય બીજું કોઇ સ્વેચ્છાએ ‘કરણઘેલો’ વાંચે એવું ભાગ્યે જ બને.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8uI4t0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com