11-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
UID યુનિક ઈન્ડિયન ડોન્કી!
આધારકાર્ડ ખતરનાક છે, કારણ એનાથી દેશના નાગરિકો વિદેશી કંપનીઓની ચુંગાલમાં ફસાઇ શકે છે

રાજ ગોસ્વામી (વરિષ્ટ પત્રકાર)ગયા વર્ષે ૨૯ સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં ૧૫૦૦ની વસ્તીવાળા ટેમ્ભલી ગામમાંથી પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કૉંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધીએ સરકારના અત્યાર સુધીના જબરદસ્ત મહત્ત્વાકાક્ષી પ્રોજેક્ટ યુઆઈડી (યુનિક આઈડેન્ટિફિકેશન ડિજિટ) અથવા આધાર નંબરનું લોન્ચિંગ કર્યું હતું. ૧૮ વર્ષથી ઉપરના તમામ ભારતીયોને યુઆઈડી નંબર આપવાનો અંદાજિત ખર્ચ ૧,૫૦,૦૦૦ કરોડનો છે. એનો હેતુ ચૂંટણીમાં થતી ગોલમાલ દૂર કરવાનો, ગરીબોના ઉદ્ધાર માટેની યોજનાઓમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાનો, ગેરકાયદે ઘૂસણખોરી રોકવાનો અને આતંકવાદને રોકવાનો છે. ૧૨ અંકનો આ યુનિક નંબર મારા-તમારા પાસપોર્ટ નંબર, ડ્રાઈવિંગ લાઈસન્સ, પેનકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર, એડ્રેસ, મતદાર ઓળખપત્ર, ફિંગર પ્રિન્ટ્સ, પ્રોવિડન્ટ ફંડ નંબર વગેરે સાથે જોડાયેલો હશે. એટલે કે જો કોઈની પાસે બે અલગ સરનામાવાળા પેનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઇસન્સ હશે તો એ સરળતાથી પકડાઈ જશે.

સો ફાર સો ગુડ. ઈરીક આર્થર બ્લેર, જે જ્યોર્જ ઓરવેલ નામથી પ્રસિદ્ધ છે એમની ફયુચરિસ્ટિક નવલકથા ‘નાઈન્ટીન એઈટી ફોર’માં (પ્રકાશન વર્ષ- ૧૯૪૯) બિગ બ્રધર નામના તાનાશાહનું પાત્ર હતું. ઓસનિયા નામના દેશનો આ શાસક તેના નાગરિકોની તમામ ગતિવિધિઓ પર નજર રાખે છે અને લોકોને સતત એ યાદ કરાવવામાં આવે છે કે ‘બિગ બ્રધર ઈઝ વોચિંગ યુ’. નાગરિક અધિકારો અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતાં શાસનો માટે આ ‘બિગ બ્રધર’ શબ્દ જગતની તમામ ભાષાઓમાં આવી ગયો છે. યુઆઈડી અથવા આધાર ક્રમાંકની શરૂઆત થઈ એના એક વર્ષ પછી હવે એની ટીકા અને ચિંતા થવા લાગી છે.

ભારતમાં ૧૫ જેટલાં આઈડેન્ટિટી પ્રૂફ છે. યુઆઈડી ૧૬મું પ્રૂફ છે. ખાનગી અથવા સરકારી સંસ્થાઓને ઓળખ આપવા દસ આંગળીઓની ફિંગરપ્રિન્ટ્સ કે ઈરીસ સ્કેન જેવા બાયો-મેટ્રિક્સ ડેટા પૂરા પાડવા એ ગાયના ગળામાં ઘંટડી બાંધવા જેવું છે, એમ ટીકાકારો કહી રહ્યા છે. એક સરકારી એજન્સીની નજર સતત તમારા ઉપર મંડરાયેલી હોય એ બિગ બ્રધરના ખ્યાલથી કમ નથી. યુઆઈડી એક પ્રકારની સર્વિલેન્સ વ્યવસ્થા છે, જે સદીઓ સુધી અકબંધ રહેવાની છે.

દિલ્હી સલ્તનતનો એક રાજા હતો, સુલતાન મુહમ્મદ બિન તુઘલઘ. આમ તો એ વિદ્વાન હતો, પરંતુ એણે જેટલી યોજનાઓ બનાવી હતી એ બધી નિષ્ફળ રહી હતી. ઈતિહાસમાં આ એક જ સુતલાન છે જેને વિદ્વાન મૂર્ખ ગણાવાયો છે. મુહમ્મદ બિન તુઘલઘના ફેંસલાઓથી જ તુઘલઘી ફરમાનનો સિલસિલો શરૂ થયો. એનાં વગર વિચારેલાં ફરમાનોમાં એની રાજધાની ક્યારેક દિલ્હી તો ક્યારેક દૌલતાબાદ અને પાછી દિલ્હી બનાવવાનું ફરમાન હતું.

આપણે ઈતિહાસમાંથી કશું નહીં શીખવાની કસમ લીધી છે અન્યથા આ નવા પ્રકારના પહેચાનપત્રની યોજના લાગુ ન થઈ હોત. આ આધારકાર્ડ ખતરનાક હોવાનું ટીકાકારો માને છે, કારણ કે એનાથી દેશના નાગરિકો ખાનગી કંપનીઓની ચુંગાલમાં ફસાઈ જશે. આપણી સરકાર ભલે ઊંઘે, પરંતુ વિદેશી એજન્સીઓને આપણી પૂરી જાણકારી રહેશે. સરકારે આટલો મોટો નિર્ણય લીધો અને સંસદમાં એની ચર્ચા પણ ન થઈ!

યુઆઈડી માટે સરકારે ત્રણ કંપનીઓની પસંદગી કરી છે, એસેન્ચર પ્રા. લિ., મહેન્દ્ર સત્યમ, મોર્ફો અને એલ-૧ આઈડેન્ટિટી સોલ્યુશન ઈન્કોર્પોરેશન. આ ત્રણે કંપની પર નજર કરીએ તો બિગ બ્રધર જેવું ચિત્ર ઊભું થાય છે. એલ-૧ આઈડેન્ટિટી સોલ્યુશનની વાત કરીએ. આ કંપનીના ટોપ મેનેજમેન્ટમાં એવા લોકો છે જેમનો અમેરિકન ખુફિયા એજન્સી સીઆઈએ અને બીજાં સૈનિક સંગઠનો સાથે સંબંધ રહ્યો છે. અમેરિકામાં આ સૌથી મોટી ડિફેન્સ કંપની છે, જે પચીસ દેશોમાં ફેસ ડિટેકશન અને ઈલેકટ્રોનિક પાસપોર્ટ જેવી ચીજવસ્તુઓ વેચે છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનાં બધાં કામ આ કંપની પાસે છે. આ કંપની પાસપોર્ટથી લઈને લાઈસન્સ બનાવી આપવામાં માહેર છે.

સવાલ છે કે સરકાર આવી કંપનીઓને ભારતના નાગરિકોનો તમામ ડેટા આપીને શું કરાવવા માગે છે? એક તો આ કંપનીઓ પૈસા કમાશે અને સાથે પૂરાં તંત્ર પર નિયંત્રણ હશે. આ કાર્ડ બન્યા પછી એનો કેવો કેવો દુરુપયોગ થઈ શકે છે તેની કલ્પના જ આકરી છે. આ કંપનીઓ માત્ર કાર્ડ જ નથી બનાવતી, કાર્ડ વાંચી શકે તેવાં મશીન પણ બનાવવાની છે. આ જ કારણથી કેટલાક લોકો કાર્ડની પ્રાઈવસી અને સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યા છે. દુનિયાના કેટલાય વિકસિત દેશોમાં આ કાર્ડનો એટલે જ વિરોધ થઈ રહ્યો છે. ચીન, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સ, જર્મની અને હંગેરી જેવા દેશો આવા કાર્ડની યોજના ફગાવી ચૂક્યા છે. એ પણ સૂચક છે કે ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને યુગાન્ડા જેવા ૧૪ વિકાસશીલ દેશોમાં આ યોજના અમલમાં આવી રહી છે. એક અંગ્રેજી અખબારે વિકિલિક્સના હવાલાથી અમેરિકાના એક કેબલનો સંદર્ભ આપીને લખ્યું છે કે લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠન આ યોજનાનો (ગેર)ફાયદો ઉઠાવી શકે છે. યુઆઈડીમાં માત્ર પ્રાઈવસી જ નહીં, પાઈલટ પ્રોજેક્ટના રિઝલ્ટને પણ નજરઅંદાજ કરાયું છે. આટલી મોટી આબાદી માટે આવું કાર્ડ બનાવવું એ ખ્વાબ જેવું છે. હવે જ્યારે દુનિયાના કોઈ દેશે બાયોમેટ્રિક્સનો ઉપયોગ કર્યો નથી ત્યારે ભારતમાં આ યોજના એક પ્રયોગ જ હશે.

કોરિયાના સિયોલ શહેરમાં ટેક્સી ડ્રાઈવરો માટે આવું જ લાઈસન્સ કાર્ડ બન્યું હતું, જેનો ટોલટેક્સ અને પાર્કિંગ વગેરેમાં પ્રયોગ થયો હતો. એક વર્ષમાં જ ખબર પડી કે પાંચથી તેર પ્રતિશત ડ્રાઈવર આ કાર્ડનો ઉપયોગ ન કરી શક્યા. તકલીફ એ છે કે આપણે ત્યાં ૨૪ કલાક વીજળી અને ઈન્ટરનેટની વ્યવસ્થાના અભાવમાં કેટલીય અડચણ આવી શકે છે.

નેશનલ એડવાઈઝરી કાઉન્સિલની સદસ્યા અને કર્મશીલ અરુણા રોય કહે છે કે આ કાર્ડના આધારે સરકાર ઈચ્છે તો કોઈ જ્ઞાતિ, જૂથ અથવા બૌદ્ધિક વર્ગ પર દમન કરી શકે છે. અરુણાના મતે આ યોજના મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના નામે તૈયાર થઈ રહી છે, પરંતુ હકીકતમાં એ નેટગ્રીડ (નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રીડ) માટે ઉપયોગમાં લેવાશે. આ યોજનામાં જે ટેકનોલોજી વપરાઈ રહી છે એ ખામીયુક્ત છે. એટલે આ યોજના નિષ્ફળ જવાની છે. લગભગ ૧૦૦ વર્ષ પહેલાં મોહનદાસ કરમચંદ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં એશિયાટિક લૉ એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ સામે સૌ પહેલો સત્યાગ્રહ કર્યો હતો, જેના કાનૂન મુજબ ટ્રાંસવલ ઈલાકાના ભારતીયોએ પોતાની ઓળખ સાબિત કરવા રજિસ્ટ્રાર ઓફિસમાં ફિંગર પ્રિન્ટ્સ આપવી પડતી હતી, જેના ઉપરથી પરિચયપત્ર બનતો હતો. ગાંધી આજે હોત તો સત્યાગ્રહ કર્યો હોત, કારણ કે યુઆઈડીની નિષ્ફળતા કે ગેરઉપયોગ માટે કોણ જવાબદાર હશે એ હજુય નક્કી થયું નથી. જ્યોર્જ ઓરવેલની ‘નાઈન્ટીન એઈટી ફોર’નું પ્રથમ વાક્ય હતું. ‘એપ્રિલની એ સર્દ, સાફ રાત હતી અને ઘડિયાળના કાંટા ૧૩ પર હતા.’ યસ, બિગ બ્રધર માટે ૧૨ પછી ૧ નહીં ૧૩ની જ કન્ટિન્યુઇટી હતી. તમે તૈયાર છો?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6y3w3U0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com