| કેટલાક સર્જકો જાણીજોઈને નબળી ફિલ્મો બનાવે છે! |
|  બોલીવૂડની બબાલ - ક્ધિનર આચાર્ય
હેય બેબી જેવી એવરેજ ફિલ્મ અને હાઉસફુલ જેવી તદ્દન રદ્દી ફિલ્મ બનાવ્યા પછી સાજિદ ખાને એવો દાવો કર્યો હતો કે મને તો ઉત્તમ ફિલ્મો બનાવતા આવડે છે, પરંતુ હું એવી ફિલ્મો બનાવું છું, જેવી લોકોને ગમે છે! દબંગ પછી તેના નિર્દેશક વિશે એવું કહેવાયું કે તેને સારી ફિલ્મ બનાવતા આવડે છે, પણ આ તો લોકો માટે ફાલતું કહેવાય એવી ફિલ્મ બનાવી છે. હળાહળ જુઠ્ઠાણું છે આ. દરેક સર્જકનું એક સ્તર હોય છે. તેનાથી ઊંચા કે નીચા સ્ટેજ પર જવું બહુ આસાન હોતું નથી. અમે જાણી-જોઈને ઊતરતી કક્ષાની ફિલ્મો બનાવીએ છીએ એવી વાતમાં બહુ માલ નથી. કોઈ સર્જક જ્યારે આવું કહે ત્યારે સમજી લેવું કે આ ભાઈ તમને જ નહીં, પોતાની જાતને પણ છેતરી રહ્યા છે. અર્જુન રામપાલ જો એમ કહે કે એ અમિતાભ કે દિલીપકુમાર જેવો અભિનય કરી શકે છે પણ આ તો જાણીજોઈને નબળી એક્ટિંગ કરે છે તો તમે એની વાત માની લો? કોઈ ફૂટકળિયો વાર્તાલેખક કહે કે, હું ધારું તો ઓ હેન્રીની કક્ષાની વાર્તાઓ લખી શકું છું અને શેક્સપિયર કે કાલિદાસની જેવી કૃતિઓ લખી શકવા સમર્થ છું પણ સામાન્ય માનવી માટે ઈરાદાપૂર્વક થોડું નબળું લખું છું! તો આવું સાંભળી તમે તેને ગાળો જ ભાંડવાના કે!
અહીં દરેક પ્રકારના માલના ગ્રાહક મળી રહેવાના. દબંગ જેવી તદ્દન વાહિયાત ફિલ્મને એન્ટરટેઈનર કહેનારા ચંપકલાલ જેવા વિવેચકો પણ મફતમાં મળી રહેવાના. કનુ ભગદેવ પણ તેમના વર્ગમાં હિટ છે. અશ્ર્વિની ભટ્ટ પણ હિટ ગયા છે. તમે કનુભાઈ અને અશ્ર્વિનીભાઈ વચ્ચેનો ભેદ પારખી ન શકો તો એ જાણવું કે તમારા દિમાગનાં ચક્ષુને ઝામર થયો છે. ઘણા સર્જકની ભીતર પણ આવો મોતિયો હોય છે. આવા સર્જકો કોઈ મનોરોગથી પીડાતા હોય છે. માંહેથી તેમને ખ્યાલ હોય છે કે તેમની ક્ષમતા કેટલી છે, પણ જાત-દુનિયાને છેતરવાની આદત છૂટતી નથી.
સર્જનના અનેક પ્રકારો છે. અતિ સામાન્ય દર્શકને પસંદ પડે પણ ટેસ્ટવાળાં ભાવકને બહુ અપીલ ન કરે એવું સર્જન. બીજો, માત્ર ક્લાસ માટેનું સર્જન. ત્રીજો, પોતાના સિવાય કોઈને અપીલ ન કરે એવું - નિજાનંદ (કહો કે, ગાંડપણને પોષવા) માટે થતું સર્જન. અને એક છે સાવ સામાન્ય દર્શકથી લઈ બૌદ્ધિકો અને વિવેચકોને જબરદસ્ત અપીલ કરી જતું સર્જન. અહીં આપેલી કેટેગરીમાંથી પ્રથમ કેટેગરીમાં તમે હાઉસફુલ, દબંગ કે ગજની જેવી ફિલ્મો મૂકી શકો. છેલ્લી કેટેગરીમાં લગાન, તારે ઝમીં પર, હમ દિલ દે ચૂકે સનમ, અ વેનસડે, હેરાફેરીજેવી અનેક ફિલ્મોનો ઉલ્લેખ કરી શકો. વાત મધ્યે જ કથાસાર: કમર્શિયલ દૃષ્ટિએ સફળ જવા માટે સબ-સ્ટાન્ડર્ડ હલકો માલ બનાવવો જરૂરી નથી. ગુણવત્તાની દૃષ્ટિએ લગાન અને તારે ઝમીં પર જેવી ફિલ્મો હાઉસફુલ કરતાં ક્યાંય ચડિયાતી ગણાય. આવી ફિલ્મોને જો તેની ગુણવત્તા નડતી ન હોય તો સાજિદ ખાનોને શા માટે નડવી જોઈએ?
વાસ્તવિક્તા એ છે કે આ મામલામાં વાત પેલી દ્રાક્ષ ખાટી છે વાળી જ છે. સર્જનાત્મક્તાની દૃષ્ટિએ પણ ઉત્તમોત્તમ હોય, પ્રેક્ષકોને પણ જેનો જબરદસ્ત પ્રતિસાદ મળે એવી માસ્ટરપીસ ફિલ્મ બનાવવી એ બધાનું ગજું નથી. જેમની પાસે આવી ફેન્ટાસ્ટિક ફિલ્મ બનાવવાની આવડત નહોતી એવા જ લોકો દાવો કરતા હોય છે કે, અમને પણ સારી ફિલ્મો બનાવતા આવડે છે પણ અમે લોકોને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવીએ છીએ!
હિટ ફિલ્મ એટલે સારી ફિલ્મ, સુપરહિટ એટલે ઉત્તમ ફિલ્મ!
હળાહળ જુઠ્ઠાણું. જો એવું જ હોય તો ભારતમાં બનેલી તમામ ફિલ્મોમાંથી સર્વોત્તમ ફિલ્મ ગદર ગણાય. હા! એ જ ગદર - જેમાં સન્નીબાબા પોતાના હાથ વડે હેન્ડ પમ્પ ઉખાડીને તેમાંથી પાકિસ્તાનના કેટલાય જવાનોને ઢીબી નાંખે છે! આવકની દૃષ્ટિએ, એ જોનાર કુલ પ્રેક્ષકોની બાબતમાં ગદર ભારતની સફળતમ ફિલ્મ માનવામાં આવે છે. આજે જો ગદર રિલીઝ થઈ હોત તો તેની કમાણી લગભગ ૯૦૦ કરોડ રૂપિયા હોય!
આવાં લોજિક, આવું ગણિત ફિલ્મોમાં ચાલતું નથી. સફળ ફિલ્મો સારી હોય એ જરૂરી નથી.ગદર, ગજની, હાઉસફુલ જેવાં ઉદાહરણો હજુ સાવ તાજાં ગણાય. અને સારી ફિલ્મો સફળ થાય એવું પણ જરૂરી ન ગણાય.
સરેરાશ પ્રેક્ષક કોઈ વખત સારી-હિટ ફિલ્મો વચ્ચેનો ભેદ ભૂલી જાય છે. અથવા તો તેમનામાં એટલી સૂઝ જ નથી હોતી કે એ આ બેઉ પ્રકારની ફિલ્મો વચ્ચેનો તફાવત નિહાળી શકે. અહીં સરેરાશ પ્રેક્ષકનો ટેસ્ટ પણ એવરેજ છે. એટલે જ એ ક્યારેક બિલકુલ સામાન્ય કહી શકાય એવા ફિલ્મમેકર્સને પણ મહાન બનાવી દે છે!
ભારતીય દર્શક હવે
પરિપક્વ થયો છે
ના વાતમાં ઝાઝું તથ્ય નથી. બન્યું છે એવું કે મલ્ટિપ્લેક્સને કારણે ફિલ્મની પહોંચ વધી છે. અગાઉ સિંગલ સ્ક્રીન થિયેટર્સના માલિક જે પ્રકારની ફિલ્મો ચલાવતા ડરતા હતા એવી ઓફ્ફ-બીટ ફિલ્મો હવે મલ્ટિપ્લેક્સના છાનાખૂણે-નાના થિયેટર્સમાં આસાનીથી ચાલતી રહે છે. એનો અર્થ એ નથી કે, મિથુનનો પ્રેક્ષક હવે વિશાલ ભારદ્વાજની ફિલ્મો પણ જોવા લાગ્યો હોય.
હજુ પણ અનેક સારી ફિલ્મ પીટાતી રહે છે, ફાલતુ ફિલ્મો સુપરહિટનો દરજ્જો મેળવતી રહે છે. એક વર્ગ આપણે ત્યાં વર્ષોથી એવો રહ્યો છે જે ક્વોલિટી ફિલ્મ જ પસંદ કરે છે. પછી એ ફિલ્મમાં કોઈ સ્ટાર હોય કે ન હોય, તેમાં ભરપૂર મનોરંજન હોય તો પણ ઠીક છે અને કોઈ મેસેજ હોય તો પણ વાંધો નહીં. અગાઉ સિંગલ સ્ક્રીન ધરાવતા સિનેમાહોલમાં નવી ફિલ્મો જલદીથી રજૂ થતી નહીં. મલ્ટિપ્લેક્સને લીધે હવે આવી ફિલ્મ રિલીઝ કરવાનો માર્ગ આસાન બન્યો છે. પરિણામે હટ કે ફિલ્મોને પણ સારી કમાણી થઈ રહી છે.
બીજી તરફ પેલો વર્ગ હજુ યથાવત્ છે, જેને સ્ટાર્સ જ ખપે છે અને મસાલા સિવાય બીજી કોઈ જ બાબત સાથે તેમને લેવાદેવા નથી. અમુક સર્કિટમાં તો અમુક પ્રકારની ફિલ્મો ચાલતી જ નથી. ત્યાં મેઈન સ્ટ્રીમ ફિલ્મ જ જોઈએ અને એ પણ મોટા સ્ટાર્સ ધરાવતી! ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશમાં ઓફ્ફ-બીટ ફિલ્મોનું માર્કેટ જ નથી, રાજસ્થાનમાં સલમાનની ફિલ્મો સૌથી વધુ ચાલે છે, ઘોડા-હાથી દર્શાવવામાં આવ્યા હોય એવી રજવાડી ફિલ્મોનું સૌથી મોટું માર્કેટ રાજસ્થાન છે તો મહારાષ્ટ્રમાં આવી ફિલ્મો ધોવાઈ જાય છે. સલમાનની મહાબંડલ ફિલ્મ, વીરનું આખા ભારતમાંથી ધોવાણ થઈ ગયું, પરંતુ રાજસ્થાનમાં તેણે જબરી કમાણી કરેલી!
ફિલ્મનું પ્રમોશન, માર્કેટિંગ હવે અનિવાર્ય ગણાય છે!
જરા યાદ કરો: શું તમે રોબોટના પ્રમોશન માટે રજનીકાન્ત કે ઐશ્ર્વર્યાને એક પણ ટેલિવિઝન શોમાં જોયાં હતાં?બિલકુલ નહીં. રજનીકાન્ત-ઐશ્ર્વર્યા એક પણ શોમાં ક્ધટેસ્ટન્ટ કા હૌસલા બઢાને કે લિયે નહોતાં આવ્યાં! છતાં રજૂઆતના બીજા જ દિવસે રોબોટનો પતંગ તાણમાં આવી ગયો. પ્રોડક્ટમાં દમ હોય તો એ સ્વયં પોતાનું માર્કેટિંગ કરે છે.
માર્કેટિંગથી જો ફિલ્મો ચાલતી હોય તો મોટા ભાગની હિન્દી ફિલ્મો સુપરહિટ સાબિત થઈ જાય,કારણ કે દરેક ફિલ્મવાળા પોતાની ફિલ્મનું ટેલિવિઝન પર ચિક્કાર માર્કેટિંગ કરે છે. માર્કેટિંગની કોઈ તરકીબ તેઓ બાકી રાખતા નથી. જહોન અબ્રાહમને કોઈ સ્પર્ધક છોકરી પ્રત્યે ક્રશ જેવું આવવા લાગે છે અને અક્ષયકુમારને ગરીબ સ્પર્ધક જોઈ પોતાના સંઘર્ષના દિવસો યાદ આવી જાય છે! કોઈની આંખમાં આંસુ છલકાય છે અને કોઈની છાતીમાંથી ડૂસકાં નીકળે છે. આ બધું કરવા છતાં સફળતાની ગેરંટી નથી. પબ્લિક કેવો ચુકાદો આપશે એ કળવું અશક્ય છે. હા! માર્કેટિંગથી અવેરનેસ જરૂર સર્જી શકાય છે, પરંતુ તેના કારણે ફિલ્મ તરી જશે એવું માનવું વધારે પડતું છે.
ફિલ્મનિર્માણનો વ્યવસાય બહુ જોખમકારક ગણાય!
વાત ખોટી નથી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે. આયોજનપૂર્વક ફિલ્મ બનાવનારાઓ માટે હવે આ ધંધામાં પહેલાં જેવું જોખમ રહ્યું નથી. અગાઉ તમે ફિલ્મ બનાવો ત્યારે કમાણીનો એકમાત્ર સ્ત્રોત ટિકિટબારી પર થતી આવક જ ગણાતો. જો બોક્સઓફિસ પર તમારી ફિલ્મે ધાર્યા કરતાં ઓછી કમાણી કરી તો તમારી ખોટ નક્કી ગણાતી. હવે આવકના સોર્સ વધી ગયા છે. મ્યુઝિક રાઈટ્સ માટે કંપનીઓ કરોડો ચૂકવે છે. મોબાઈલના રિંગ ટોન્સ, કોલર ટયૂન્સ, વોલપેપર્સ વગેરેના રાઈટ્સ પેટે તગડી આવક થાય છે, સેટેલાઈટ ચેનલ્સને તમે બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ વેચો ત્યારે તેમાંથી પણ જબરી રકમ મળે છે. સોની ટીવીએ થ્રી ઈડિયટ્સના રાઈટ્સ માટે રૂપિયા ૪૫ કરોડ ચૂકવ્યા છે! હિમેશનું પિક્ચર રેડિયો રિલીઝ થયું એ પહેલાં જ તેણે બે કરોડની કમાણી કરી લીધી હતી! છ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મને વિવિધ રાઈટ્સના વેચાણમાંથી રજૂઆત પહેલાં જ આઠ કરોડ મળી ગયા હતા! ટિકિટબારી પર રેડિયોએ સાવ મામૂલી આવક મેળવી. લોકો સમજ્યા કે નિર્માતાને નુકસાન થયું પણ હકીકત એ છે કે આવી સુપરફ્લોપ ફિલ્મમાંથી પણ નિર્માતાઓએ ત્રણ-ચાર-પાંચ કરોડ રળી લીધા! |
|