20-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અભિનેતા હોય તો ઉપેન્દ્ર ત્રિવેદી જેવો

લાગણી - ભાવના ન હોય કે ઓછી હોય એ કળાકાર હોઈ જ ન શકે એ ઉપેન્દ્રકાકાની દૃઢ માન્યતા. કળાકારે પોતે પાત્રની લાગણી ઊંડાણથી અનુભવવાની છે અને એનો ‘ચેપ’ પ્રેક્ષકોને લગાડવાનો હોય છે. એમનામાં કળાકાર માટે જરૂરી લાગણી ઠાંસીઠાંસીને ભરેલી છે એટલે પાત્રને ‘ઈમોટ’ કરવું એમને માટે એકદમ સહજ હોય છેસેલિબ્રિટીના આયનામાં સેલિબ્રિટી - કૌસ્તુભ ત્રિવેદીઆજે વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિ પર નિર્માતા કે પ્રસ્તુતકર્તા તરીકે સૌથી વધુ સક્રિય હોય એવાં બે-ત્રણ નામમાંનું એક છે કૌસ્તુભ ત્રિવેદી. આંતરકૉલેજ એકાંકી સ્પર્ધાઓ પછી વીસેક નાટકમાં મુખ્ય ભૂમિકા અને ચાર ગુજરાતી ફિલ્મમાં વિવિધ ભૂમિકા ભજવનારા કૌસ્તુભ ત્રિવેદીને લાગ્યું કે અભિનય કરતો રહું તો એકસાથે એક જ નાટક કરી શકું, પરંતુ વિચારો અને સર્જકતાને એકથી વધુ કૂંડામાં રોપું તો એક સાથે કેટલાય છોડ પર ઘણાં બધાં સુંદર ફૂલ ઉગાડી શકું એટલે નિર્માણમાં ઝંપલાવ્યું. ૧૦૦થી વધુ નાટકોનું નિર્માણ કર્યું છે. દર વર્ષે ઓછામાં ઓછું એક નાટક તો હિટ થતું ગયું અને ગાડી આગળ ચાલતી રહી. જોકે એ સફળતા માટે પોતાની અને ટીમની મહેનત ઉપરાંત ઈશ્ર્વરની કૃપાનો સ્વીકાર કરનારા કૌસ્તુભ ત્રિવેદી કોનાથી સૌથી વધુ પ્રભાવિત છે કે કોને એક આદર્શ વ્યક્તિ માને છે? આધુનિક ગુજરાતી રંગભૂમિના ‘અભિનય સમ્રાટ’ ઉપેન્દ્ર ત્રિવેદીને.

ત્રણ ભાઈમાં ‘લંકેશ’ અરવિંદ ત્રિવેદી નાના, ઉપેન્દ્ર ત્રિવેદી વચલા અને ભાલચંદ્ર ત્રિવેદી મોટા. કૌસ્તુભ ભાલચંદ્રભાઈના દીકરા. સગ્ગા કાકાને પ્રેરણા પુરુષ તરીકે જોવાનાં કૌસ્તુભ ત્રિવેદીનાં કારણો એમના પોતાના જ શબ્દોમાં જાણીએ.

ઉપેન્દ્રકાકા અભિનેતા તરીકે અને માનવી તરીકે કેટલા મોટા છે એ કહેવા માટે હું બહુ જ નાનો છું, પરંતુ મારે કહેવાનું હોય જ તો બસ એટલું કહી શકું કે અભિનેતા હોય તો ઉપેન્દ્ર ત્રિવેદી જેવો, માણસ હોય તો ઉપેન્દ્ર ત્રિવેદી જેવો.

આખા કુટુંબને સાથે લઈને ચાલવાની એમની ભાવના ગજબ. બધાને પાંખમાં લઈ સરખું જોર લગાડી ઊડે. ભાણિયા-ભત્રીજા કોઈ ને કોઈ પ્રસંગે ન ભૂલે. બધાને પ્રેરણા આપે, રસ્તો બતાવે અને આગળ વધવામાં સહાયભૂત પણ બને. પછીની પેઢીનાં સંતાનોની પ્રગતિથી ખાસ્સા રાજી થાય અને પોતાની બૌદ્ધિક સજ્જતાનો સૌને લાભ આપે. એમની આ જીવનરીતિ અમે સૌ પિત્રાઈ ભાઈઓમાં સદ્ભાગ્યે સાંગોપાંગ ઊતરી. એમણે દોરેલી લાઈન પર જ આગળ વધીએ છીએ અને અમારા સંતાનોને એ જ રીતે આગળ વધારીએ છીએ.

હું ઉપેન્દ્રકાકાની ખૂબ નજીક રહ્યો છું - એમના દીકરા આશિષ કરતાંય વિશેષ. એમની સૌથી પહેલી અને સૌથી વધુ ગાઢ અસર મારી પર એ પડી કે હું વાંચતા શીખ્યો. બધા વિષયનું વાંચવાની ટેવ પડી. ઓફિસમાંની આ નાનકડી લાઈબ્રેરી એમણે વાચનમાં પાડેલા રસનું પરિણામ છે. ઘણું બધું વાચન એ કોઈપણ સર્જનાત્મક ક્ષેત્રમાં અનિવાર્ય છે અને વિચારોના વિકાસમાં એનો બહુ મોટો ફાળો હોય છે એ વાત એમણે હૈયામાં ઉતારેલી અને આટલાં વર્ષોમાં અભિનય - નિર્માણ - દિગ્દર્શનમાં પ્રેક્ષકો રાજી થઈ જાય એવાં એનાં પરિણામો મળ્યાં છે. ઝવેરચંદ મેઘાણી ઉપરાંત જયમલ પરમાર, રાજુ દવેને પણ ખૂબ વાચ્યાં.

ઉપેન્દ્રકાકા કોઈનો ગુણ ક્યારેય ન ભૂલે. નાનામાં નાના માણસના પણ સારા કામને અને ટાણું સાચવ્યાને બરાબર યાદ રાખે. મારા પપ્પા મુંબઈ આવીને ચાલીમાં રૂમ લઈ રહેવા લાગેલા. પછી એમણે ઈડર પાસેના અમારા વતન કૂકડિયા ગામેથી બન્ને નાના ભાઈને પણ બોલાવી લીધેલા. ઉપેન્દ્રકાકા માટે એમના મોટા ભાઈ પિતા સમાન. એમનો શબ્દ તેઓ કદી ન ઉથાપે. પપ્પાને હાર્ટઍટેક આવેલો ત્યારે ઉપેન્દ્રકાકા ચૂંટણીનાં કામોમાં ગળાડૂબ હતાં. બધું છોડીને દોડતા આવી પપ્પાને હૉસ્પિટલ પહોંચાડ્યા અને ખડેપગે સેવા કરી. એમનાં માતુશ્રી (મારા દાદી)ને મળવા પહેલા ફિલ્મ શૂટિંગના દબાણ અને પછી રાજકીય પ્રવૃત્તિના દબાણ વચ્ચે અડધી રાતે પણ અને બે કલાક તો બે કલાક માટે પણ દોડી જતા. એક વાર કોઈ નાટકનો વડોદરામાં શૉ હતો. પડદો ઊપડ્યો ને મેં એન્ટ્રી લીધી. જોયું તો પહેલી જ હરોળમાં ઉપેન્દ્રકાકા બેઠેલા. એમને જોતાં જ હું મારો પહેલો સંવાદ ભૂલી ગયેલો. અભિનેતા તરીકે એમના માટેનો અહોભાવ કારણરૂપ હતો. એમણે પાછળથી કહેલું કે નજીકમાં ક્યાંક શૂટિંગ કરતા હતા ત્યાંથી ભત્રીજાની પીઠ થાબડવા, પાનો ચડાવવા, પ્રગતિના સાક્ષી બનવા અગાઉથી કહ્યા વગર આવી ચડેલા.

મારા કાકા છે એટલે નહીં, પણ એક ઉત્તમ અભિનેતાને જે માન-ગૌરવ મળવાં જોઈએ એ ગુજરાતે એમને નથી આપ્યાં. મરાઠી, બંગાળી, ક્ધનડ, તમિળ-તેલુગુમાં આવા કળાકારનું જેવું ઉચ્ચ શિખર પર સ્થાન હોય એવું આપણે એમને નથી આપી શક્યા એનો મને ભારે અફસોસ છે. જોકે, એમને પોતાને એનો જરાય વસવસો નથી. તેઓ તો એમ જ માને છે કે ઈશ્ર્વરે મને આટલું જ આપવાનું નક્કી કર્યું હશે, પછી વધુ કઈ રીતે મળે? શા માટે મળવું જોઈએ?

એમણે વધુ નહીં, ૧૨-૧૫ નાટકો જ કર્યાં છે, પરંતુ એ સૌ જોનારાના મનમાં કાયમ માટે જડાઈ ગયાં છે. ‘અભિનય સમ્રાટ’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ૪૦-૪૫ વર્ષ પછી પણ એ નાટકનાં અને ‘પારિજાત’ નાટકનાં દૃશ્યો-સંવાદો યાદ હોય એવા નાટકરસિયા મળી આવે છે. એમનો અવાજનો રણકો બધાં કરતા જુદો છે. ૪૦ વર્ષ પહેલા રેડિયોનું ઘણું મહત્ત્વ હતું. ઘણાં ગુજરાતી ભદ્ર કુટુંબોમાં બપોરના ભોજન વખતે અચૂક રેડિયો ચાલુ કરવામાં આવે અને ત્યારે રજૂ થતાં ગુજરાતી નાટકોમાં ઘણી વાર એમનો રણકાદાર અવાજ સાંભળવા મળતો. રેડિયોને કારણે તેઓ ઘણા ગુજરાતી સાહિત્યકારોના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા અને એમને નાટક લખી આપવા સમજાવી શક્યા.

લાગણી - ભાવના ન હોય કે ઓછી હોય એ કળાકાર હોઈ જ ન શકે એ એમની દૃઢ માન્યતા. કળાકારે પોતે પાત્રની લાગણી ઊંડાણથી અનુભવવાની છે અને એનો ‘ચેપ’ પ્રેક્ષકોને લગાડવાનો હોય છે. એમનામાં કળાકાર માટે જરૂરી લાગણી ઠાંસીઠાંસીને ભરેલી છે એટલે પાત્રને ‘ઈમોટ’ કરવું એમને માટે એકદમ સહજ હોય છે.

કળાકારે સૌથી વધુ કામ હૃદયથી કરવાનું છે એટલે એ હંમેશાં બૌદ્ધિક અને વ્યવહારુ સ્તરે ન વિચારી શકે. એણે પોતાની શક્તિ-ક્ષમતા પાત્રમાં રેડી દેવાની હોય છે એ સમજણ પણ એમનામાં ઘર કરી ગયેલી છે. એમાંથી જ હું સમજ્યો છું કે કળાકાર અને કુંભાર એ બે એવા છે કે જે પોતાના કામમાં જરાય ચોરી ન કરી શકે.

કોઈની છાપ એમના અભિનયમાં ન દેખાય, પણ પોતાની છાપ તેઓ પ્રેક્ષકના દિલોદિમાગમાં અચૂક છોડી જાય. ‘આતમને ઓઝલમાં રાખ મા’ નાટક (કાન્તિ મડિયાની નાટ્યસંપદા સંસ્થાનું પહેલું નાટક)માં એમણે કરેલી પ્રોફેસર વિદ્યાસાગરની ભૂમિકા પણ ખૂબ ગાજેલી. પાછળથી વિજય દત્ત, કાન્તિ મડિયા અને (મૂળ મરાઠીમાં એ ભૂમિકા ભજવનારા) પ્રભાકર પણશીકરે પણ એ ભૂમિકા ભજવેલી.

એમની સંવાદ બોલવાની છટા ચિરંજીવ છાપ છોડી જાય. એમની નાટકોની પસંદગી પણ એવી કે એ માણસને જીવવાનું બળ પૂરું પાડે. ‘અભિનય સમ્રાટ’માં હું એક નાની ભૂમિકા ભજવતો, બેકસ્ટેજ કરતો અને મ્યુઝિક પણ ઑપરેટ કરતો. એમાં એમને સાત સાત ભૂમિકા ભજવવાની. એક શોમાં એમની એક એન્ટ્રી વખતે મેં એમના હાથમાં કાંડા ઘડિયાળ આપી દીધી, પણ મંચ પર જતાં પહેલા એમણે એ ઘડિયાળનો પાછળ ઘા કરી દીધો. હું ઘા ખાઈ ગયો. પછી ઈન્ટરવલમાં એમણે કહ્યું કે ઘડિયાળ એ પાત્રમાં નહીં, પણ પછીના પાત્ર વખતે પહેરવાની હતી. આ પાત્રમાં તો એ બેહૂદી લાગતે. આટલી દોડધામ અને તંગ સ્થિતિમાં પણ એમના મગજમાં બધું જ બરાબર ગોઠવાયેલું હોય અને એટલે કંઈ ભૂલ થાય તો તેઓ તરત સુધારી શકે.

નાટકની મૂળ કથા ભલે મેઘાણી કે દર્શક જેવા સમર્થ સર્જકની હોય, એમાં નાટ્યતત્ત્વ ઉમેરવામાં કે કૃતિનું નાટ્ય રૂપાંતર કરવામાં કોઈ એમનો હાથ ન પકડી શકે. એમણે ગુજરાતી સાહિત્યકારોને તખ્તે આણ્યા, મરાઠીમાંથી રૂપાંતરો આપ્યાં. ફ્રેન્ચ ફિલ્મ ‘ફેની’ પરથી ‘રેતીનાં રતન’ નાટક બનાવ્યું, જેને આંતરરાજ્ય નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન, દિગ્દર્શન, અભિનયનાં પારિતોષિકો મળ્યાં. એટલે ઘણી ભાષા પર એમનો કાબૂ છે અને વિશ્ર્વ રંગભૂમિ સાથે એમનો સેતુ બંધાયેલો છે એ સિદ્ધ થયું છે.

ગુજરાતી ફિલ્મોએ જોયેલા સુવર્ણ યુગને ઉપેન્દ્ર ત્રિવેદી યુગ તરીકે ઓળખવામાં આવે છે. એમના જેવી સફળતા અને લોકપ્રિયતા રાષ્ટ્રીય સ્તરે પણ બહુ ઓછા કળાકારો મેળવી શક્યા છે. એક જ હકીકત એમની સફળતાની મહત્તા સિદ્ધ કરે છે તે એ છે કે ધર્મેન્દ્ર-હેમામાલિનીની હિટ જોડીની જેટલી હિન્દી ફિલ્મો બની છે એના કરતાંય બે-ત્રણ વધુ ફિલ્મો ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતાની જોડીની બની છે.

રાજકારણી તરીકે વિધાનસભ્ય, પ્રધાન અને નાયબ સ્પીકર જેવા પદે પહોંચવા છતાં સત્તાનો ઉપયોગ એમણે હંમેશાં કોઈની મદદ માટે જ કર્યો છે, કોઈને હેરાન કરવા કદી નહીં. આના કરતાંય વધુ મહત્ત્વનું છે તે એ કે પોતાની જવાબદારીને તેઓ ફરજ સમજતા. એટલે જ ગુજરાતમાં દુકાળ વખતે એમણે ઠેરઠેર છાલિયા છાશકેન્દ્રો ખોલી મોટી સંખ્યામાં પ્રજાજનોના આશીર્વાદ મેળવેલા. એમને કળા અને રાજકારણ સિવાયનાં વિષયોમાં પણ ભરપૂર રસ છે. સાહિત્ય, ફિલસૂફી, માનસશાસ્ત્ર, પર્યાવરણ વગેરે અનેક વિષયમાં વિદ્વાનોએ પીએચડીની ઉપાધિ માટે રજૂ કરેલા મહાનિબંધો અને શાસ્ત્રીય પુસ્તકો તેઓ વાંચતા રહે છે. એટલે જ કોઈપણ સમારંભ - પરિસંવાદમાં એમનું પ્રવચન સાંભળવું એક લહાવો હોય છે.

અભિનેતા તરીકે રિહર્સલની ટેવ જાત સાથે વણાઈ ગઈ હોવાથી આજે પણ કશે બોલવા જવાનું હોય તો પહેલા લખીને તૈયાર કરી એ મોઢે બોલવાનાં બે-પાંચ રિહર્સલ કરી જ લે છે. પછી શ્રોતાઓના ઓળઘોળ પ્રતિભાવોરૂપે એમને એ તૈયારીનાં ફળ મળે છે. કુશળ અભિનેતા અને બુદ્ધિશાળી - સજાગ માનવી સિવાય આવું કોણ કરી શકે?

(શબ્દાંકન: વિનીત શુક્લ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7NM10102
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com