18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સર ઝૂકા સકતે હૈં લેકિન સર કટા સકતે નહીં

ગુડ મોર્નિંગ - સૌરભ શાહહેડિંગ બરાબર જ છે. ભારતની આઝાદીનો પાયો જ નમાલો નખાયો. આપણે ખુશ થઈ ગયા કે બાપુએ બિના ખડગ, બિના ઢાલ આઝાદી અપાવી દીધી. પહેલી વાત તો એ કે બાપુએ આઝાદી અપાવી નથી. બીજી વાત એ કે ખડગ-ઢાલ વાપરીને આઝાદી મળી હોત તો આજે એનું મૂલ્ય ઘણું વધારે હોત. ત્રીજું, આઝાદીનો પાયો નમાલો નખાયો કારણ કે કૉન્ગ્રેસની તે વખતની નેતાગીરી નમાલી હતી. કૉન્ગ્રેસ જેમને આદર્શ માનતી તે ગાંધીજી પોતે શૂરવીર હતા પણ એમનું શૌર્ય અમલમાં મૂકનારાઓ બાયલાઓ હતા. નેહરુની નામર્દ નેતાગીરી જે દેશના પાયામાં હોય તે દેશનો ઉદ્ધાર કેવી રીતે થાય? ગાંધીજીની જ્યારે હત્યા થઈ ત્યારે જેઓ ટીનેજર બનીને સમજણા થતા હતા એ પેઢી, સદ્નસીબે હવે પૂરી થઈ રહી છે. ગાંધીજીને જેમણે ક્યારેય જોયા નથી એવી પેઢી ભારત પર રાજ કરવાની છે. આ પેઢી પાસે ગાંધીજી માટે તો વેવલો આદર નથી પણ ગાંધી વિચારોની સાચી સમજ છે. આ નવી પેઢી ગાંધીજીના અનેક દિશાઓના વિચારોમાંથી કયા વિચારોનો સાથ

લઈને આગળ વધવાનું છે તે જાણે છે અને જર્જરિત થઈ ગયેલા

કેટલાક ગાંધીવિચારોને દફનાવી દેવામાં પણ આ પેઢીને કોઈ સંકોચ નથી.

એક નાનકડી આડ વાત. આજકાલ નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા શા માટે કરી એનાં કારણો આપતો ઈ-મેલ બધાને ફૉરવર્ડ થઈ રહ્યો છે. આ ઈ-મેલમાં ભયંકર હકીકત-દોષો છે. આવા ઈ-મેલ તમારા વિશ્ર્વાસુ મિત્રે ફૉરવર્ડ કર્યો હોય તો પણ એના મૂળ લેખકની વિશ્ર્વસનીયતા અને પાત્રતા જાણ્યા વિના એમાંની વાતો સાચી માની લેવાની ન હોય. એમાં તથ્યો તપાસવાનાં અને ચકાસવાનાં હોય. ચેતવણી: ગૂગલ સર્ચ અને વિકિપીડિયાના પેજીસ પર હર વખત ભરોસો નહીં મૂકવાનો. નથુરામ ગોડસેનું વિકિપીડિયાનું પેજ જોજો. એમાં એણે બાપુને સવારે અગિયાર ને પાંચે ગોળી મારી એવું લખ્યું છે. વિકિપીડિયા બોડી બામણીનું ખેતર છે. કોઈ પણ લલ્લુપંજુ ત્યાં રાઈટર અને એડિટર બની જઈ શકે છે. નથુરામ ગોડસેએ ગાંધીજીને કેટલા વાગે ગોળી મારી એનું મહત્ત્વ કોઈને હોય કે ન હોય, વિકિપીડિયાની ઑથેન્ટિસિટી માટે આવી ભૂલો સ્પીક્સ અ લૉટ. આ ઉપરાંત વિકિપીડિયાના રાઈટરો બહુ જ સટલી કોઈ વ્યક્તિ વિશે તમને સારો કે ખરાબ અભિપ્રાય બંધાય તેવું લખી શકતા હોય છે. વિકિપીડિયામાંના અભિપ્રાયોનું મહત્ત્વ એટલું જ જેટલું મહત્ત્વ પાનના ગલ્લે થતી ચર્ચામાં ફેંકાતા અભિપ્રાયોનું. કહેવાનું તાત્પર્ય એટલું જ કે ગૂગલ સર્ચ કરતાં આવડી જવાથી માણસ સંશોધક કે

અભ્યાસી બની જતો નથી. ઑથેન્ટિક સોર્સ શોધવા માટે નેટ પર અવેલેબલ ન હોય એવાં ગ્રંથો, પુસ્તકો અને અન્ય સંદર્ભ સામગ્રી સુધી જવું પડે.

ગાંધીજી. દંભ આપણો રાષ્ટ્રીય સ્વભાવ છે. આ દંભને આઝાદીની લડત દરમિયાન અને આઝાદી બાદ સૌથી વધારે જો કોઈએ પોષ્યો હોય તો તે ગાંધીવિચારોના અનુયાયીઓએ. ગાંધીજીના વિચારો એટલા ક્રાંતિકારી અને એવા જલદ હતા કે અનુસરવું અલમોસ્ટ ઈમ્પોસિબલ બની જતું. પણ એવું જાહેરમાં ક્ધફેસ કેવી રીતે કરાય? કબૂલ કરીએ તો જાહેરજીવનમાંથી ફેંકાઈ જઈએ. અહીં દેખાડો શરૂ થયો, ગાંધીવાદીઓ જ ગાંધીવિચારોના સૌથી મોટા દુશ્મન બની ગયા. ગાંધીવિચારોથી જેઓ વિમુખ હતા તેઓ ગાંધીવાદીઓનો દંભ જોઈને વધારે વિમુખ બનતા ગયા. જેમને ગાંધીવિચારો વિશે જાણ નથી કે જેઓ હજુ ગાંધીવિચારોથી રંગાયા નથી એવા લાખો લોકોને ગાંધીવિચારોની નજીક ખેંચી લાવવાની તક ગાંધીવાદીઓના દંભને કારણે રોળાઈ ગઈ.

૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીની સાંજે પાંચ ને પાંત્રીસે ગોડસેએ જે કામ કર્યું તે જ કામ આ ગાંધીવાદીઓએ કર્યું. આને કારણે જે થોડા ઘણા સાચા ગાંધી અનુયાયીઓ છે તે પોતાને ‘ગાંધીવાદી’ તરીકે ઓળખાવતાં ડરે છે. એવું તે શું કર્યું આ ગાંધીવાદીઓએ જેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ?

ગાંધીજીને આપણે કોર્ટની દીવાલ પર ટિંગાડી દીધા. જે અદાલતો ખરેખર તો અસત્યના અખાડા જેવી હોય છે ત્યાં ગાંધીજીનું સ્થાન કેવી રીતે હોય? ગાંધીજીના વિચારોની વિકૃતભરી રજૂઆતો કરીને એનો એવો પ્રચાર થયો કે કોઈપણ આધુનિક માણસ ગાંધીવિચારોનો ટીકાકાર જ હોય એવો માહોલ ઊભો થયો. ગાંધીવિચારના પ્રચારના નામે આજે પણ ગાંધીવાદીઓ રેંટિયાનો અને ખાદીનો એવો પ્રચાર કરે છે કે આજના મોટા મોટા નેતાઓ અને સંતો પણ ખાદીનો પ્રચાર કરતા થઈ ગયા છે. દંભની વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાની આ વાત છે. ખાદીને સરકારી સબસીડી ન મળે તો એ અત્યારે છે એના કરતાં દસગણા ભાવે વેચાય. સબસીડી બંધ થાય તો કેટલીય ગાંધીવાદી સંસ્થાઓની કમાણી બંધ થઈ જાય. મને આ બાબતમાં સ્વામી સચ્ચિદાનંદનો એપ્રોચ ગમે છે. એમનો લાંબો

ભગવો ઝભ્ભો ટેરી કૉટનનો હોય છે. ધોવામાં સરળ અને ટકાઉ,

સ્વામીજી કહે છે અને સાચું જ કહે છે. ગુજરાતી આગેવાનો જેમ ક્યારેય દારૂબંધીના સમર્થક મટવાના નથી એમ ખાદીનો પ્રચાર પણ અટકાવવાના નથી.

ખેર, શહેરમાં જે કંઈ થાય છે તે ખોટું અને ગામડું જ સાચું એવું અત્યારે કોણ કહેશે? ગાંધીજી ખુદ ન કહેતા હોત. પણ એક ગાંધીવાદી ‘અર્થશાસ્ત્રી’એ ગામડાંની બાર્ટર સિસ્ટમ પાછી લાવવાની હાસ્યાસ્પદ વાત કરી હતી, રૂપિયાનું ચલણ જ ન જોઈએ! ગાંધીજીએ એ જમાનામાં ખાદીનો પ્રચાર કર્યો તે સહેતુક હતો. આજે હૅન્ડલૂમ પરનું સુતરાઉ કપડું પણ ના ચાલે. ખાદી તો માત્ર ફેશન તરીકે ચાલે. ખાદી ગ્રામોદ્યોગ

કેન્દ્રોમાં થતો આજનો ભ્રષ્ટાચાર ગાંધીજી જુએ તો ગોડસેના

હાથમાંથી રિવોલ્વર લઈને પોતે જ પોતાના લમણામાં ગોળી ઝીંકે. ગ્રામોદ્યોગની વાત ઉત્તમ, વિકેન્દ્રીકરણ પણ ખૂબ જરૂરી. પણ આ બધું આજના મલ્ટિનેશનલ ઉદ્યોગોના જમાનાને ધ્યાનમાં રાખીને વિચારવાનું હોય.

ગાંધીજીના વિચારોમાંથી બધા જ કંઈ અપનાવી લેવા જરૂરી નથી. જે અત્યારે વ્યવહારુ છે એ જ વિચારો અપનાવીને અમલમાં મૂકીએ તોય ઘણું મોટું કામ થાય. પણ એ માટે ગાંધીજીને આપણે પેડેસ્ટલ પરથી નીચે ઉતારવા પડે. ગાંધીજીની પૂજા કરવાનું બંધ કરીને એમને એક અસાધારણ પ્રતિભા ધરાવતા નૉર્મલ હ્યુમન બીઈંગ તરીકે જોવા પડે. આવતી કાલે એ જ કરીશું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

36MT40
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
sushant Savla  8/13/2013
વિકિપીડિયા એ મુક્ત જ્ઞાન કોષ છે. અને તેમાં સુધારો વધારો કરવાની સૌને છૂટ છે. અને સભ્યો ત્યાં વિના કોઈ પુરસ્કાર કે ધનની અપેક્ષા વિના યોગદાન કરે છે. તે યોગદાના કર્તાની ભલમનસાઈ છે. માહિતીને સમૃદ્ધા કરનારા, ઘર વિના મૂલ્યે આંગણે પહોઁચાડનારા વિકિપીડિયાને બોડી બામણીનું ખેતર કહેનારા અને સામાન્ય જન વ્યક્તિને "કોઈ પણ લલ્લુ પંજુ" કહેનારા લેખક શ્રી પોતાને જાણ હતી એવી ક્યારેય વિકિપીડિયા પર માહિતી સુધારવાનો પ્રયાસા કર્યો? હા ભાઈ, તે કેમ કરાય તેમાં પૈસા ન મળે. આવા લેખ લખવા કરતા વિકિ પર જઈને માહિતી ખોટી હોયા તેને સુધારશો તો આવનારી પેઢીઓને વધુ ફાયદો થશે. તમારો આ લેખ આવનારી પેઢી નહીઁ વાંચે પણ વિકિપીડિયાની માહિતી વાંચશે.
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com