ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત મામલે મુંબઈની હોસ્પિટલમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર અનુજ પટેલ હવે કોમામાંથી બહાર આવ્યા છે અને વેન્ટિલેટરનો સપોર્ટ પણ હટાવવામાં આવ્યો છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલ દ્વારા અનુજ પટેલના લેટેસ્ટ હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના 37 વર્ષીય પુત્ર અનુજ પટેલની તબિયત હાલ તો સુધારા પર છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલ દ્વારા સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. અનુજ પટેલની તબિયતમાં ધીમો પણ નક્કર સુધારો થઇ રહ્યો હોવાનું હોસ્પિટલના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. સંપૂર્ણ રીતે રિકવર થવામાં સમય લાગશે. હાલ અનુજ પટેલ ICUમાં સારવાર હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 30મી એપ્રિલના અનુજ પટેલને બ્રેઈન હેમરેજ થયું હોવાની માહિતી સામે આવી હતી. ત્યાર બાદ 1 મેના અનુજને અમદાવાથી એરલિફ્ટ કરી વધુ સારવાર માટે મુંબઈ લઇ જવામાં આવ્યા હતા. હાલ તબીબોની સલાહ મુજબ તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જેમાં આજે મંગળવારે તેમને ફિઝિયોથેરેપીની સારવાર માટે મુંબઈની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. અહીં તેમને પંદરેક દિવસ ફિઝિયોથેરેપીની સારવાર આપવામાં આવશે. ત્યાર બાદ તેમને અમદાવાદ શિફ્ટ કરવામાં આવશે, અને બાકીની ટ્રીટમેન્ટ અમદાવાદમાં જ કરવામાં આવશે.
અનુજ પટેલ વિશે વાત કરીએ તો રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. અનુજ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે.