* દારૂ પીધા પછી આર્થિક લેવડદેવડને મામલે બન્ને મિત્ર વચ્ચે ઝઘડો થતાં માથું કાચની બારી સાથે પટક્યું
*પોલીસે પહેલાં અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી
* સીસીટીવીના આધારે હત્યા થઈ હોવાનું જણાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણેના ફ્લૅટમાંથી કચ્છી વેપારીના ભાઈનો મૃતદેહ મળી આવતાં પોલીસે પહેલાં અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી, પરંતુ પરિવારજનોએ શંકા વ્યક્ત કર્યા પછી હાથ ધરાયેલી તપાસમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. દારૂ પીધા પછી આર્થિક લેવડદેવડને મામલે ઝઘડો થતાં આરોપીએ કચ્છી મિત્રનું માથું કાચની બારી સાથે પટક્યું હતું, જેને કારણે ગળામાં ગંભીર ઇજા સાથે તેનું મૃત્યુ થયું હતું.
થાણેના રાબોડી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સંતોષ ઘાટેકરે જણાવ્યું હતું કે ગોકુળનગરની તેજદીપ બિલ્ડિંગના પાંચમા માળે આવેલા ફ્લૅટમાં રહેતા બિપિન વિસનજી વીસરિયા (૪૨)નો મૃતદેહ ૮ ફેબ્રુઆરીની સવારે ફ્લૅટમાંથી મળી આવ્યો હતો. આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધી વીસરિયાના મિત્ર રક્ષિત દેવદાસ પાખરે (૪૯)ની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને ૧૭ ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
થાણેના ચરઈ વિસ્તારમાં રહેતા અને ખારકર આળી ખાતે કપડાંની દુકાન ધરાવતા મૂળ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ત્રંબો ગામ (વાગડ)ના બિપિનના ભાઈ રાજેશ વીસરિયાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મારી ભાડેની દુકાન છે. મારા પરિવાર અને પિતા સાથે હું અલગ રહું છું, જ્યારે બિપિન તેના પરિવાર સાથે તેજદીપ બિલ્ડિંગમાં રહેતો હતો અને ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો. આરોપી અને બિપિન પહેલાં સાથે કામ કરતા હતા એટલે બન્ને વચ્ચે મિત્રતા હતી.
પોલીસ તપાસમાં જણાયું હતું કે બિપિનને દારૂ પીવાનું વ્યસન હતું. તેણે પાખરે પાસેથી કેટલાક રૂપિયા ઉછીના લીધા હતા, જે તેણે પાછા ચૂકવ્યા નહોતા. ઘટના ૭ ફેબ્રુઆરીની મધરાતે થઈ હતી. બિપિનની પત્ની પૂજા આઠ વર્ષના પુત્ર કવીરને લઈ પિયર રહેવા ગઈ હતી. ફ્લૅટમાં એકલો હોવાથી બિપિને પાખરેને બોલાવ્યો હતો. બન્નેએ મોડી રાત સુધી ફ્લૅટમાં દારૂ પીધો હતો.
કહેવાય છે કે પાખરેએ તેના રૂપિયા પાછા માગતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. ગુસ્સામાં પાખરેએ બિપિનનું માથું સ્લાઈડિંગ વિન્ડો સાથે અફાળ્યું હતું. આ ઘટનામાં ગળામાં કાચ વાગવાથી બિપિન લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો. આ દૃશ્ય જોઈ આરોપી ત્યાંથી રવાના થઈ ગયો હતો.
બીજી સવારે પૂજા વારંવાર ફોન કરતી હોવા છતાં બિપિને કૉલ રિસીવ કર્યો નહોતો. પરિણામે પૂજાએ પડોશીને આ બાબતે તપાસ કરવાનું કહ્યું હતું. બિપિનના ફ્લૅટની એક ચાવી પડોશીને સોંપવામાં આવી હોવાથી તેણે દરવાજો ખોલ્યો હતો. ફ્લૅટના હૉલમાં બિપિન લોહીલુહાણ હાલતમાં નજરે પડ્યો હતો.
બનાવની જાણ થતાં રાબોડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને અકસ્માત મૃત્યુનો કેસ જણાયો હતો. અકસ્માતે ઇજા થવાને કારણે બિપિને જીવ ગુમાવ્યો હોવાનું પોલીસને લાગ્યું હતું. જોકે પડોશીઓએ ઘટનાની રાતે પાખરેને જોયો હતો. આ બાબતની જાણ રાજેશભાઈને થતાં તેમણે પોલીસનો સંપર્ક સાધી તપાસની માગણી કરી હતી. પોલીસે બિલ્ડિંગના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં ૭ ફેબ્રુઆરીની રાતે ૧૧ વાગ્યે બિલ્ડિંગમાં પ્રવેશતો અને મળસકે ત્રણ વાગ્યે બિલ્ડિંગ બહાર જતો પાખરે નજરે પડ્યો હતો. તાબામાં લઈ પાખરેની પૂછપરછ કરવામાં આવતાં તેણે હકીકત જણાવી હતી.