નવસારીના ચીખલી નજીક હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ અકસ્માતમાં સામેલ કાર ઈનોવા છે. આ ઉપરાંત અન્ય બે લોકો પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. નવસારી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર છે. તેમજ ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ હાઇવે પર ભૂતકાળમાં પણ અનેક જીવલેણ અકસ્માતો નોંધાયા છે. ભૂતકાળમાં પણ આમરી ગામના રહીશોએ આ રોડ પર સતત ભારે વાહનોની અવરજવર બાબતે સરકારી તંત્રમાં અનેક રજૂઆતો કરી હતી, પણ ઠેર ના ઠેર..
જોકે, જોવાનું એ રહે છે કે આવા ગંભીર અકસ્માતો બાદ પણ પોલીસ તંત્ર જાગશે કે કેમ? કે પછી આવા ગંભીર અકસ્માતોની હારમાળા ચાલુ રહેશે?