(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના મહેસાણા જિલ્લાના એક પરિવારના ચાર સભ્યો કેનેડાથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ પામ્યાના એક મહિના પછી મહેસાણા પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રેશન રેકેટમાં કથિત રીતે સામેલ ત્રણ એજન્ટો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
એફઆઈઆર મુજબ ત્રણ એજન્ટોએ અહીં મૃતકના પરિવારજનો પાસેથી કથિત રૂપે રૂ.૬૦ લાખ લીધા હતા અને તોફાની હવામાન વચ્ચે અમેરિકા-કેનેડા સરહદ પર સેન્ટ લોરેન્સ નદીને પાર કરવા માટે ચાર પીડિતોને હોડીમાં સવારી કરવા માટે મજબૂર કર્યા હતા અને બોટ પલટી જતાં દુર્ઘટના સર્જાઇ હતી એમ મહેસાણાના વસઈ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જે.એસ.રબારીએ જણાવ્યું હતું. મૃતકો પ્રવિણભાઈ ચૌધરી (ઉ.વ.૫૦), તેમની પત્ની દક્ષા (ઉ.વ. ૪૫), તેમનો પુત્ર મીત (ઉ.વ.૨૦) અને પુત્રી વિધિ (ઉ.વ.૨૪) મહેસાણાના વિજાપુર તાલુકાના માણેકપુરા-ડાભાલ ગામના વતની હતા, જ્યાં ચૌધરી ખેતીકામ કરતા હતા.
રબારીએ વધુમાં જણાવ્યું હતું કે મૃતકના સંબંધીની ફરિયાદના આધારે અમે ૩૦મી માર્ચે અમેરિકા-કેનેડા બોર્ડર પર એક દંપતી અને તેમનાં બે બાળકોના મૃત્યુના સંબંધમાં બુધવારે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. નિકુલસિંહ વિહોલ, સચિન વિહોલ અને અર્જુનસિંહ ચાવડા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. નિકુલસિંહ અને સચિન મહેસાણાના વડાસણ ગામના છે જ્યારે સચિનની બહેનના પતિ અર્જુનસિંહ મહેસાણાના દધીયાલ ગામના રહેવાસી છે.
પ્રવિણભાઈ કેનેડામાં હોવાની જાણ થતાં તેમને કેટલાક સમયથી ઓળખતા નિકુલસિંહે તેમને ફોન કરીને તેમના કનેક્શન દ્વારા પરિવારને અમેરિકા મોકલવાની ઓફર કરી હતી. તેણે કથિત રીતે પરિવારને કોઈપણ મુશ્કેલી વિના સરહદ પાર કરવામાં મદદ કરવા માટે રૂ.૬૦ લાખની માગણી કરી હતી. આથી પ્રવિણભાઇએ અશ્ર્વિનભાઇને રૂ.૬૦ લાખ રોકડાની વ્યવસ્થા કરી નિકુલસિંહને આપવા જણાવ્યું હતું. પૈસા લેતી વખતે બંનેએ ફરિયાદીને કહ્યું હતું કે ચૌધરી પરિવારને સચિન ટેક્સીમાં અમેરિકા લઈ જશે.
જો કે, સચિન જે પરિવાર સાથે હતો તેણે યોજના બદલી અને પ્રવિણભાઈને કહ્યું કે તેઓને બોટમાં સરહદ પાર કરવી પડશે, જે દરખાસ્તને પરિવારે તરત જ નકારી કાઢી હતી કારણ કે ત્યાં હવામાન પહેલેથી જ ખરાબ હતું. સચિને તેમને બોટમાં બેસવા માટે સમજાવ્યા અને દાવો કર્યો કે તેઓ માત્ર પાંચથી સાત મિનિટમાં બીજી બાજુ પહોંચી જશે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
૩૦મી માર્ચે બોટમાં બેઠા પછી વિધિએ અશ્ર્વિનભાઈને મેસેજ કર્યો કે હોડીનું એન્જિન અધવચ્ચે ઘણી વાર બંધ પડી જાય છે અને હવામાન પણ સારું નથી. થોડા સમય પછી અશ્ર્વિનભાઈનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો કારણ કે તેઓએ તેમના સંદેશાઓ અથવા કોલનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. સચિન તેમના સંપર્કમાં હોવાથી પરિવારની સ્થિતિ જાણવા અશ્ર્વિનભાઈએ નિકુલસિંહનો સંપર્ક કર્યો ત્યારે નિકુલસિંહે પહેલા કેટલાક બહાના કાઢ્યા હતા અને પછી ફોન બંધ કરીને અર્જુનસિંહ સાથે ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.