(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈમાં ધોળેદહાડે ગોળીબાર કરી જાણીતા ગુજરાતી બિલ્ડર સવજીભાઈ ગોકર મંજેરી-પટેલની હત્યા કરવાનો કેસ ઉકેલી નેરુળ પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી. ગ્રામપંચાયત સંબંધી રાજકારણને પગલે પચીસ વર્ષ અગાઉ થયેલી હત્યાનું વેર વાળવા બિલ્ડરને પતાવી નાખવા માટે રાજકોટના યુવકને પચીસ લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી. ગોળીબાર માટે બિહારથી શૂટરો બોલાવવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
નેરુળ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મેહેક જયરામભાઈ નારિયા (૨૮), કૌશલ કુમાર વીજેન્દર યાદવ (૧૮), ગૌરવકુમાર વિકાસ યાદવ (૨૪) અને સોનુકુમાર વિજેન્દર યાદવ (૨૩) તરીકે થઈ હતી. આ કેસમાં સુપારી આપનારા મુખ્ય આરોપી ફરાર હોઈ તેમની શોધ ચલાવાઈ રહી છે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
કચ્છના રાપર તાલુકાના વતની અને બેલાપુર સેક્ટર-૧૧ના એલોરા એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર સવજીભાઈની બુધવારે નેરુળ વિસ્તારના પામ બીચ રોડ પર હત્યા કરવામાં આવી હતી. કારમાં બેસેલા સવજીભાઈ પર ગોળીબાર કરી હુમલાખોરો બાઈક પર ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને ગુનામાં વપરાયેલી બાઈકને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
તપાસમાં પોલીસ રાજકોટના રિંગ રોડ ખાતે રહેતા મેહેક નારિયા સુધી પહોંચી હતી. ધરપકડ કરાયેલા નારિયાને કોર્ટે ૨૪ માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. પૂછપરછમાં તેણે આપેલી માહિતી પરથી પોલીસની ટીમ બિહાર પહોંચી હતી અને અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેમને નવી મુંબઈ લાવવામાં આવી રહ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પકડાયેલા આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે રાપર તાલુકાના સાય ગામમાં રહેતા સવજીભાઈનો એ જ ગામના પટણી પરિવાર સાથે વિવાદ ચાલતો હતો. ગ્રામપંચાયત સંબંધી રાજકારણને મુદ્દે ૧૯૯૮માં બચુભાઈ ધનાભાઈ પટણીની હત્યા કરવામાં આવી હતી. બચુભાઈની હત્યા સવજીભાઈને ઇશારે થઈ હોવાનો દાવો પટણી પરિવારે કર્યો હતો.
ઑક્ટોબર, ૨૦૨૨માં બચુભાઈ પટણીના પરિવારના સભ્યોની ભરચોકમાં મારપીટ કરવામાં આવી હતી. આ હુમલો પણ સવજીભાઈએ કરાવ્યો હતો. અપમાન સહન ન થતાં પટણી પરિવારના સભ્યોએ સવજીભાઈનો કાંટો કાઢવાની યોજના બનાવી હતી.
નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર તાનાજી ભગતે જણાવ્યું હતું કે સવજીભાઈની હત્યા માટે હાલમાં નવી મુંબઈમાં રહેતા નારિયાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને પચીસ લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી. નવેમ્બર, ૨૦૨૨થી સવજીભાઈની હત્યાનો પ્લાન બનાવાઈ રહ્યો હતો. લગભગ ત્રણ મહિનાથી નારિયા રૅકી કરતો હતો અને તેણે જ યોજનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં જણાયું હતું.
હત્યા માટે બિહારથી ત્રણ શૂટર બોલાવવામાં આવ્યા હતા. શૂટરોને ‘ટાર્ગેટ’ બતાવવાની કામગીરી પણ નારિયાએ જ બજાવી હોવાનું કહેવાય છે. ગોળીબાર બાદ શૂટરો પાછા બિહાર રવાના થઈ ગયા હતા.
કચ્છમાં હત્યાની યોજના હતી, પણ…
મુંબઈ: બિલ્ડર સવજીભાઈ મંજેરી-પટેલનું નવી મુંબઈ કરતાં તેમના કચ્છના વતનમાં મોટું કામકાજ હોવાથી ગામના કોળી સમાજમાં તેમની ઘણી શાખ હતી. બચુભાઈ પટણીની હત્યા અને પટણી પરિવારના અપમાનનું વેર વાળવા કચ્છમાં જ સવજીભાઈની હત્યાની યોજના બનાવવામાં આવી હતી. જોકે સવજીભાઈ જ્યારે પણ વતન જાય ત્યારે કોળી સમાજના લોકો અને આગેવાનોથી ઘેરાયેલા રહેતા હતા. આખું જૂથ બૉડીગાર્ડની જેમ સવજીભાઈ સાથે રહેતું હોવાથી આરોપીઓ હત્યાની યોજનાને અંજામ આપી શક્યા નહોતા. આખરે નવી મુંબઈમાં તેમના પર હુમલો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.