ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી પૈસા લઈને ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા પાસ કરી આપવાના કોભાંડનો ખુલાસો થયો હતો. તાજેતરમાં યોજાયેલી જુનીયર કલાર્કની ભરતી પરીક્ષામાં ભાવનગર તથા બોટાદ જિલ્લાના ગામડાઓના 36થી વધુ પરીક્ષાર્થીના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે 36 માંથી 4 શખ્સોની ધરપકડ કરી છે.
આ ડમી ઉમેદવાર કોભાંડમાં 36 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, પોલીસે મુખ્ય આરોપી શરદ પનોત સહીત 4 લાકોની ધરપકડ કરી છે છે. બાકીના આરોપીઓને પકડી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ખુદ પોલીસ જ ફરિયાદી બની છે.
મળતી માહિતી મુજબ વર્ષ 2012થી 2023 સુધીમાં ગુજરાત સરકારે ભરતી માટે યોજેલી વિવિધ પરીક્ષાઓમાં ડમી પરીક્ષાર્થીઓ બેસાડીને પરીક્ષાઓ પાસ કરાવવામાં આવતી. યુવા નેતા યુવરાજસિંહ દ્વારા આ કોભાંડનો ખુલાસો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ગુજરાત પોલીસ સફાળી જાગી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થવાની સંભાવનાઓ છે.
નોકરી ઈચ્છુક ઉમેદવાર પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવતા હતા, ડમી ઉમેદવારને કેટલા રૂપિયા આપવામાં આવતા, ડમી ઉમેદવાર પરીક્ષા ખંડમાં કેવી રીતે પહોંચતા, અત્યાર સુધીમાં કોણ કોણ ગેરરીતિ આચરીને સરકારી નોકરી મેળવી ચુક્યું છે વગેરે વગરે સવાલો અંગે પોલીસ તપાસ કરી રહી છે.