ત્રણ સી-ડી-ઈ ઉપરાંત જનસમૂહનું સમર્થન ચાવીરૂપ.
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ગાઢ સંબંધ:વડા પ્રધાન મોદીએ સિડનીમાં ભારતીય સમાજના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીસ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. (પીટીઆઈ)
————-
સિડની: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં મંગળવારે જણાવ્યું હતું કે ભારત – ઑસ્ટ્રેલિયાના સંબંધો માટે સૌથી મજબૂત અને સૌથી મોટો પાયો એકબીજા પ્રત્યેનો વિશ્ર્વાસ અને આદરભાવ છે. અહીં આવેલા હેરિસ પાર્કને ‘લિટલ ઈન્ડિયા’ જેવું નામ આપવા ક્યુડોસ બૅન્ક અરેનામાં યોજાયેલા સમારોહને તેમણે અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીસે સંબોધ્યો હતો.
‘એક સમય હતો જ્યારે ત્રણ ‘સી’ને કારણે ભારત – ઑસ્ટ્રેલિયાના સંબંધો ઓળખાતા હતા, તે ત્રણ ‘સી’ એટલે કોમનવેલ્થ, ક્રિકેટ અને કરી હતા. ત્યાર પછી ત્રણ ‘ડી’ને કારણે એ સંબંધ મજબૂત બન્યા, એ ત્રણ ‘ડી’ એટલે ડેમોક્રસી, ડાયસ્પોરા અને દોસ્તી. તે પછી ત્રણ ‘ઈ’ એટલે એનર્જી, ઈકોનોમી અને એજ્યુકેશન મહત્ત્વના ઘટક સાબિત થયા છે, પણ હકીકત એ છે કે આ ‘સી’, ‘ડી’ અને ‘ઈ’થી આગળ વધીને કહી શકાય છે કે પરસ્પર વિશ્ર્વાસ અને આદરના પરિણામે ભારત અને ઑસ્ટ્રેલિયાના સંબંધ ગાઢ થયા છે. અને તેમાં ભારતીય જનસમૂહનો મોટો ફાળો છે. બ્રિસ્બેનમાં કોન્સ્યુલેટની ઑફિસ ખોલાશે એવી મહત્ત્વની જાહેરાત પણ તેમણે આ સમયે કરી હતી. અહીં હાજર રહેલાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બાનીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘બોસ’ કહીને સંબોંધ્યા હતા. ‘ઑસ્ટ્રેલિયાના વિકાસમાં ભારતીયોનું મહત્ત્વનું યોગદાન છે અને અમે ભારતીય સંસ્કૃતિથી સમૃદ્ધ બન્યા છીએ’ એમ તેમણે જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે એક ખૂબ જ મોટી જાહેરાત કરીને બધાને ચોંકાવ્યા હતા. તેમણે એમ કહ્યું હતું કે ‘બ્રિસ્બેનમાં ટૂંક સમયમાં જ ભારતીય કોન્સ્યુલેટ ખોલવામાં આવશે.’ આ સમારોહમાં ઑસ્ટ્રેલિયન સરકારના વિદેશ પ્રધાન, સંદેશ વ્યવહાર ખાતાના પ્રધાન સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે ‘અમાર સંબંધોનું ઊંડાણનું કારણ વિશ્ર્વાસ અને પરસ્પરનો સહયોગ પણ છે. હિંદ મહાસાગર ઑસ્ટ્રેલિયા અને ભારતને જોડે છે. ભલે અમારી જીવનશૈલીઓ અલગ – અલગ છે, પણ યોગ અમને જોડે છે. ક્રિકેટ દ્વારા તો અમે ક્યારના જોડાયેલા છીએ, પણ હવે ફિલ્મો અને ટેનિસ પણ બંનેને જોડે છે.’
‘ઑસ્ટ્રેલિયાના લોકોની એ સહિષ્ણુતા છે કે તેઓ અમારી વિવિધતાને સ્વીકારે છે. તેના કારણે જ પેરામાટા સ્કવૅર છે એ પરમાત્મા ચોક બની ગયો છે. હેરિસ પાર્ક એ અમુક લોકો માટે હરીશ પાર્ક છે. ઑસ્ટ્રેલિયામાં એક લખનઊ પણ છે, અહીં દિલ્હી સ્ટ્રીટ, બોમ્બે સ્ટ્રીટ, કાશ્મીર એવેન્યૂ જેવા નામ ધરાવતા માર્ગ છે, જે ભારત સાથે જોડી રાખે છે. મને એ જાણ કરવામાં આવી છે કે ગ્રેટર સિડનીમાં ઈન્ડિયા પરેડ પણ શરૂ થવાની છે. મને એ જાણીને સારું લાગ્યું છે કે તમે લોકોએ અહીં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પણ મનાવ્યો છે’ એમ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું.
સિડનીમાં ખિચોખીચ ભરેલા ઑડિટોરિયમમાં મોદીએ કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયા અને ભારત માત્ર સુખનાં જ નહીં, પણ દુ:ખના પણ સાથી છે. ગયા વર્ષે જ્યારે મહાન ક્રિકેટર શેન વોર્નનું નિધન થયું તો કરોડો ભારતીયોએ પણ શોક મનાવ્યો હતો, જાણે અમારું કોઈ જતું રહ્યું હોય એવું લાગ્યું હતું.
‘તમારું સપનું છે કે અમારો ભારત દેશ પણ વિક્સીત થાય, આ સપનું જે તમારા દિલમાં છે, એ મારા દિલમાં પણ છે. ભારત પાસે સામર્થ્યની કમી નથી. ભારત પાસે સંશાધનોની પણ ખોટ નથી. આજે દુનિયાની સૌથી મોટી અને યુવા ટેલન્ટ ફેકટરી કોઈની
પાસે હોય તો એ ભારત પાસે છે’, એમ તેમણે જણાવ્યું હતું.
પોતાના વક્તવ્ય દરમિયાન વડા પ્રધાન મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના દરમિયાન દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવ્યું, આગામી પચીસ વર્ષમાં અમે વિકસીત થવાના લક્ષ્ય સાથે તેજીથી આગળ વધી રહ્યા છીએ. વિશ્ર્વ બૅન્ક માને છે કે દુનિયાના આર્થિક સંકટને ભારત જ પડકારી રહ્યું છે. આજે દુનિયામાં ભારતની બૅન્કોની મજબૂતીની ચર્ચા થઈ રહી છે. ૧૦૦ વર્ષના સૌથી મોટા સંકટ વચ્ચે ભારતે ગયે વર્ષે નિકાસમાં વિક્રમ નોંધાવ્યો છે. અમારો વિદેશી મુદ્રા ભંડાર નવી ઊંચાઈ પર છે. (પીટીઆઈ)