દેવાંશ દેસાઈ
મુંબઈ: કાર રેસિંગના વિશ્વમાં સ્થાન ધરાવતી એફ -૧ ( ફોર્મ્યુલા વન) કાર રેસિંગ આઠ વર્ષ બાદ મુંબઈમાં પાછી ફરી છે અને રવિવાર તેની આઇકોનિક શો-રનનું આયોજન મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં એફ -૧ની શો-૨ આરબી ૭નું મુંબઈની શેરીઓમાં પ્રથમ વખત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ એફ -૧ ડ્રાઈવર ડેવિડ કોલ્ટહાર્ડની આ કારમાં ૭૫૦-હોર્સપાવર વી૮ એન્જિન આપવામાં આવ્યું છે, જે માત્ર ૨.૪ સેક્ધડમાં ૦-૧૦૦કિમી/પ્રતિ કલાકની ગતિથી દોડવામાં સક્ષમ છે.
આરબી ૭ શો કાર એફ -૧ ઈતિહાસની સૌથી પ્રસિદ્ધ કારમાંની એક છે, જેણે ૨૦૧૧ની ક્ધસ્ટ્રક્ટર્સ ચેમ્પિયનશિપ જીતી છે અને તેને રેડ બુલના દિગ્ગજ સેબાસ્ટિયન વેટેલ દ્વારા ચલાવવામાં આવી છે.
મુંબઈમાં રેડ બુલ રેસિંગ એફ -૧ શો-રન એવો ઈવેન્ટ હતો જેણે તેને જોનારા દરેક વ્યક્તિ પર કાયમી છાપ છોડી હતી. પ્રશંસકો અને ડ્રાઇવરોની આગામી પેઢીને પ્રેરણા આપતા, ભારત અને સમગ્ર વિશ્વમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાતા રહેશે તેવું એક દર્શકે કહ્યું હતું.