સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની પોલીસ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરી શકે છે. પોલીસ તેમની ધરપકડ કરવા તેમના નિવાસ સ્થાન પર પહોંચી ગઈ છે. ઇમરાન ખાનના સમર્થકો તેમના નિવાસ્થાનની આસપાસ જમા થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની કોર્ટે બુધવારે ચૂંટણી પંચની ઓફિસ સામેના પ્રદર્શનના કેસમાં ઇમરાન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. કેસની સુનાવણીમાં હાજર ના રહેવા બદલ તેમની જામીન અરજી ફગાવવામાં આવી હતી.
કોટે જણાવ્યું હતું કે તબીબી આધાર પર ઇમરાન ખાનને સુનાવણીમાં હાજર રહેવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો છતાં પણ તેઓ કેસની સુનાવણીમાં હાજર રહેવામાં નિષ્ફળ ગયા છે.
ઇમરાન ખાનના વકીલે દલીલ કરી હતી કે ગયા વર્ષે તેમના પર થયેલા હુમલા બાદ ઇમરાન ખાન હજુ પણ સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી. એવા સંજોગોમાં તેમને વધુ એક તક આપવી જોઈએ, જેના પર કોર્ટ ટીપ્પણી કરી હતી કે, કોર્ટ સામાન્ય માણસોને આવી રાહત આપતી નથી તો ઇમરાન ખાનને પણ આવી રાહત આપી શકાય નહીં અને કોર્ટે ઇમરાન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. આ સંજોગોમાં હવે ગમે તે ઘડીએ ઇમરાન ખાનની ધરપકડ થઈ શકે છે.