પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન અને ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ઉપપ્રમુખ શાહ મહેમૂદ કુરેશીની મંગળવારે સુપ્રીમ કોર્ટના આદેશ પર રાવલપિંડી જેલમાંથી મુક્ત થયા બાદ તરત જ ફરી એકવાર ધરપકડ કરવામાં આવી હતી.
66 વર્ષીય કુરેશીએ ખાનના શાસનમાં 2018 થી 2022 સુધી પાકિસ્તાનના વિદેશ પ્રધાન તરીકે સેવા આપી હતી. મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે કુરેશીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કુરેશીએ એફિડેવિટ આપીને ખાતરી આપી હતી કે તેઓ આંદોલન કરવા અને કામદારોને ઉશ્કેરવાથી દૂર રહેશે.
જોકે, રાવલપિંડીની અદિયાલા જેલમાંથી છૂટ્યાના થોડા સમય પછી, પંજાબ પોલીસે પૂર્વ પ્રધાનની ફરી ધરપકડ કરી હતી. કુરેશી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના ટોચના નેતાઓમાં સામેલ હતા. 9 મેના રોજ ખાનની ધરપકડ બાદ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઇમરાન ખાનના સમર્થકોએ લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ, મિયાંવાલી એરબેઝ, ફૈસલાબાદમાં આઈએસઆઈ બિલ્ડિંગ સહિત એક ડઝન સૈન્ય બિલ્ડિંગમાં તોડફોડ કરી હતી અને સંવેદનશીલ સંરક્ષણ બિલ્ડિંગોને પણ આગ લગાડી હતી.
કુરેશીની જેમ જ ઇમરાન ખાનના નજીકના સહયોગી અને ભૂતપૂર્વ માનવાધિકાર પ્રધાન શિરીન મજારીની પણ સોમવારે ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. મઝારીએ મંગળવારે પક્ષ છોડવાનો અને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.