જનતા દળ-યુનાઈટેડ (JDU)ના પૂર્વ અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદ સિંહ ઉર્ફે આરસીપી સિંહ આજે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. આરસીપી સિંહ બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પાર્ટીના મહાસચિવ અરુણ સિંહ અને રાજ્યસભાના સભ્ય અનિલ બલુનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે આરસીપી સિંહે કહ્યું કે આજે ખૂબ જ ગર્વની ક્ષણ છે, હું ભાજપમાં જોડાયો છું.
મીડિયાને સંબોધતા આરસીપી સિંહે કહ્યું કે દરેક વ્યક્તિ નીતિશ કુમારને પીએમ તરીકે બોલાવે છે. હું પોતે પણ નીતિશ કુમારને પીએમ માનું છું. હું પહેલેથી જ કહી ચુક્યો છું કે નીતીશ બાબુ પીએમ હતા, પીએમ છે અને પીએમ જ રહેશે, પરંતુ પીએમનો અર્થ છે ‘પલટી માર’. મને કહો કે તમે કેટલી વાર દગો કર્યો છે.
આરસીપી સિંહે કહ્યું કે નીતિશ કુમાર કહેતા હતા કે દેશમાં કોઈ કામ થઈ રહ્યું નથી. અમે તેમને ઘણી વખત અરીસો બતાવવાનો પ્રયત્ન કર્યો. જો કામ ન થઈ રહ્યું હોય તો નીતિશ કુમારે જણાવવું જોઈએ કે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, આ કેવી રીતે થયું? આજે તેઓ મુંબઈ ગયા છે જ્યાં તેઓ મોટી મોટી વાતો કરી રહ્યા છે. જરા વિચારો કે દેશ ક્યાં પહોંચી ગયો અને બિહાર આજે ક્યાં છે?
આરસીપી સિંહે કહ્યું કે પહેલા જ્યારે પણ તેઓ નીતિશ કુમાર પાસે જતા હતા ત્યારે કહેતા હતા કે તેઓ ક્રાઈમ અને કરપ્શનની વિરુદ્ધ છે. તેમને C શબ્દ માટે ખૂબ પ્રેમ છે, પરંતુ C થી Chair(ખુરશી) પણ થાય. આજકાલ તેઓ માત્ર ખુરશી માટે જ બધું કરી રહ્યા છે. આરસીપી સિંહે કહ્યું કે બિહારની સ્થિતિ 2005થી ખરાબ થઈ ગઈ છે. તમે એવા મુખ્યપ્રધાનનું નામ કહો જે ત્રણ દિવસમાં ત્રણ રાજ્યોમાં ફર્યા હોય. તેઓ શેના માટે આવું કરે છે? એક દિવસ ઓડિશા, બીજા દિવસે ઝારખંડ અને ત્રીજા દિવસે મુંબઈ પહોંચ્યા.
નોંધનીય છે કે એક સમયે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારની ખૂબ નજીક રહેલા આરસીપી સિંહે ગયા વર્ષે ઓગસ્ટમાં જેડીયુમાંથી રાજીનામું આપી દીધું હતું. ભાજપ સાથે તેમની નિકટતાને કારણે JDUએ તેમને ફરીથી રાજ્યસભામાં મોકલ્યા ન હતા. આ પછી તેમને કેન્દ્રીય પ્રધાન પદ પણ ગુમાવવું પડ્યું હતું. જ્યારથી જેડીયુ છોડ્યું ત્યારથી આરસીપી સિંહ બીજેપીમાં સામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર આ દિવસોમાં 2024ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તરે ‘વિપક્ષી એકતા’ માટે પ્રયાસ કરી રહ્યા છે. નીતીશ બુધવારે ઝારખંડના મુખ્યપ્રધાનને મળ્યા હતા. આ બેઠક બાદ નીતિશ કુમારે કહ્યું કે તેઓ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ વચ્ચે એકતા ઈચ્છે છે જેથી સાથે મળીને દેશના સમગ્ર ઈતિહાસને બદલવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી શકાય.